પ્રિત એક પડછાયાની - ૩૮ Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત એક પડછાયાની - ૩૮

સિંચનકુમાર અને સૌમ્યાકુમારીએ જોયું તો એક આઘેડ વયનાં એક વ્યક્તિને જોયાં...તેમની સાથે થોડીક બકરીઓ છે... કદાચ તેમને પાણી પીવડાવવા એક કુંડ પાસે લઈને આવેલાં છે. મનમાં એક આશા સાથે સિંચનકુમાર તેમની નજીક પહોંચ્યાં. અંધારું પણ ઘણું થવાં આવ્યું છે... સિંચનકુમાર નજીક પહોંચીને બોલ્યાં, "સજ્જન આપ અહીં ક્યાંય રહો છો ??"

એ વ્યક્તિ એકીટશે સિંચનકુમારને જોઈ રહ્યાં છે..એક પ્રભાવશાળી ચહેરો, ઉજળો વાન એક અલગ જ આભા તેના મુખ પર વર્તાઇ રહી છે...તે ભાઈ બોલ્યાં, " ભઈ તમે કોઈ આ વિસ્તારનાં નથી લાગતાં...કોઈ દિ' જોયાં નથી.."

સિંચનકુમાર : " હા ભાઈ." એમણે સૌમ્યાકુમારી તરફ જોઈને કહ્યું, અહીં ક્યાંય રહેવા માટે જગ્યા કે ઘર મળશે ??"

" ભાઈ કોણ છે ?? મતલબ પત્ની કે...??"

સિંચનકુમાર : " હા મારાં રાણી..."

આશ્ચર્ય સાથે " રાણી મતલબ તમે રાજા છો ??"

ત્યાં જ સૌમ્યાકુમારી બોલ્યાં, " ભાઈ હું તેમની પત્ની છું. એ મને પ્રેમથી રાણી કહે છે. બાકી એવું કંઈ નથી."

સિંચનકુમાર : " હા ભાઈ. પણ અમુક કારણોસર અમારે અમારૂં બધું જ છોડીને અહીં આવવું પડ્યું છે...અમને રહેવા માટે એક જગ્યા જોઈએ છે."

ભાઈ હું તો અહીં નજીક ઝુંપડીમાં રહું છું. પણ ત્યાં તો તમને નો ફાવે. પણ એક રાત રોકાઈ શકો. એક જગ્યા છે અહીંથી ઉપર આ નાનકડાં ડુંગર પર ઘણાં લોકો વસે છે... બહું સારાં લોકો અને અલગ-અલગ જગ્યાએથી આવીને વસેલાં છે. કદાચ ત્યાં તમને રહેવા માટે થઈ જાય. પણ આટલે મોડે એ અજાણી જગ્યાએ એક સ્ત્રીને લઈને જવું યોગ્ય નથી...તમે કાલે જાવ તો સારૂં...બાકી તમારી મરજી. અત્યારે મારી ઝુંપડીમાં રાત પસાર કરી શકો છો.

અત્યારે આ સુમસામ વગડા જેવી જગ્યામાં આવી રીતે રાત પસાર કરવી યોગ્ય નહોતી. આથી સિંચનકુમારે સૌમ્યાકુમારી તરફ પ્રશ્નાર્થ નજરે જોયું કે તેમને ફાવશે કે નહીં..

સૌમ્યાકુમારીએ સંમતિ આપતાં બંને એમની સાથે એમની એ ઝુંપડીએ ગયાં...

ઝુંપડી પાસે જઈને જોયું તો સાવ નાનકડી ઝુંપડી અંદર થોડાક વાસણો ને જીવન જરૂરિયાતની વસ્તુઓ...ને અંદર એક ફાનસ લટકાવેલું છે એમાંથી પ્રકાશ રેલાઈ રહ્યો છે.

સિંચનકુમારનાં રાજ્યમાં ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આનાથી સારી રીતે જીવી રહ્યો હતો...એ જોઈને એમને થયું ?? આવી દશા છે અહીં ??

સિંચનકુમાર : " તમે એકલા જ રહો છો ?? તમારી પત્ની કે કોઈ નથી??"

" ના ભાઈ..મારી પત્ની વર્ષો પહેલાં સ્વર્ગે સીધાવી છે અને કોઈ સંતાન આપવાં ભગવાન રાજી નહોતાં...બસ હવે એકલાં રહેવાની આદત પડી ગઈ છે. હું અને મારી બકરીઓ....મારો પરિવાર.."

એમણે બંનેને એનાં માટીનાં એ માટલામાંથી પાણી આપ્યું. અત્યારે ભુખ્યાને તરસ્યા બંનેને પાણી પણ મળી જતાં એક હાશકારો થયો..પછી એણે એમને બેસવા એક ખાટલો ઢાળ્યો અને કહ્યું, બેસો.. અહીં. તમને હું જમવા પીરસુ છું...ભુખ્યા હશો બંને. તમારાં આ થાકેલા ચહેરા જ કહી આપે છે.

સૌમ્યાકુમારીને થયું ,શું હશે જમવામાં આ નાનકડી ઝુંપડીમાં ??

ત્યાં જ એમણે એક છાબડીમાંથી બાજરીના રોટલા કાઢ્યાં અને એનાં પર એક બરણીમાંથી ચોક્ખું ઘી કાઢીને લગાડ્યું. અને કડાઈમાંથી શાક આપતાં કહ્યું, ભાઈ ઓછું છે મારાં એકલાં પંડ્યને જોઈએ કેટલું...પણ ભાઈ અહીં તો બીજું કંઈ હાલ નહીં મળે આટલાથી ચલાવવું પડશે...અમારે તો આવો સુકો રોટલો હોય...

સિંચનકુમાર :" ભાઈ કંઈ વાંધો નહીં...પણ તમે પણ અમારી સાથે જમી લો..."

આજે કકડતી ભૂખને કારણે રોટલો પણ મીઠો લાગ્યો...પછી જમીને તેણે ઝુંપડીની બહાર એક બીજો ખાટલો ઢાળ્યો...ને પછી કહ્યું, તમે નિરાંતે અંદર સુઈ જાવ. હું અહીં સુઈ જઈશ..

સિંચનકુમાર : " પણ તમે બહાર આવી રીતે સુઈ જશો ??"

"ભાઈ તમે એકલા હોત તો હું અહીં સુઈ જાત..અને વળી એક સ્ત્રીને આવી જગ્યાએ બહાર સુવાડવી મને ન શોભે..."

આખરે આજે એવો દિવસ છે આજે કે રાજકુમાર અને રાજકુમારી જે મલમલના એ રજવાડી પલંગ સિવાય બેઠા પણ નથી એ આવાં અંધારપટ બિહામણા ઝુંપડામાં પોતાનાં નવાં વિવાહિત જીવનની શરૂઆત કરી રહ્યાં છે...

પહેલીવાર આજે આવાં જમીન પર એક ગોદડી પર સુતાં છે. એકલદોકલ માણસ જ્યાં ગણીને બે ગોદડાં હોય ત્યાં બીજાં ગોદડાંની માંગ કરવાનો કોઈ સવાલ જ નથી. બંને આડાં તો પડ્યાં..પણ બંનેમાંથી એક પણની આંખોમાં ઉંઘ નથી... ઉંઘ જાણે માઈલો દૂર ભાગી ગઈ છે. કુમાર રાજકુમારીને હાથ પણ ન અડે એ રીતે સુવાનો પ્રયત્ન કરી રહ્યાં છે...

તેઓ વિચારે છે કે ભલે અમારાં વિવાહ થયાં છે અને અમારી ઈચ્છા મુજબ પણ અમારાં સાચા અર્થમાં લગ્નજીવનની શરૂઆત નથી થઈ... જ્યાં સુધી એમની મરજી ન હોય હું એમને સ્પર્શી પણ ન શકું...

મધ્યરાત્રિએ બંનેને થાકને કારણે ઉંઘ આવી ગઈ...બંને એકદમ ગહન નિદ્રામાં પહોંચી ગયાં...સવારે ઉઠ્યાં બંને જ અજાણ છે કે બંને એકબીજાને પ્રેમથી ભેટીને સુતેલા હોય છે...

સવાર પડતાં જ સહેજ અજવાળું થતાં સિંચનકુમાર અને રાજકુમારીની આંખો ખુલી...પોતે આવી રીતે સિંચનકુમારનાં આલિંગનમાં સુતેલા જોઈને સૌમ્યાકુમારી શરમાઈ ગયાં.અને ઉભાં થઈ ગયાં...પછી બંને ઝડપથી ઉભાં થઈ જાય છે....અને હવે આગળ શું કરવું એની માટે વિચારવા લાગે છે.....

*****************

પ્રિયંવદા અને નંદિનીકુમારીને બંદી બનાવીને એક કક્ષમાં લાવવામાં આવે છે...અને આજે તેમનાં વિવાહ માટે તેમને તૈયાર કરવાં માટે તેમને મુક્ત કરે છે...પણ આજુબાજુ એટલાં લોકો વીંટળાયેલા છે કે તે લોકો ક્યાંય ખસી શકે એમ નથી...

એક રાજા અને તેનાં પુત્રનાં આવી રીતે વિવાહની વાતથી લોકો પણ વાતો કરી રહ્યાં છે...પણ આ તો રાજા, વાજાં ને વાંદરા... કંઈ કહેવાય નહીં...

હવે તો પ્રિતમનગરી, સુવર્ણસંધ્યાનગરી અને પોતાની એમ ત્રણ ત્રણ નગરીનો રાજા બની ગયો છે... ત્યાં એણે જુલ્મભર્યો કબજો કર્યો છે કે લોકો જીવવાને બદલે પોતે પણ યુદ્ધમાં હોમાઈ ગયાં હોય તો સારૂં એમ વિચારવા લાગ્યાં છે.....

પ્રિયંવદાનાં મનમાં કંઈક ઘમાસણ યુદ્ધ ખેલાઈ રહ્યું છે...તે નંદિનીકુમારી માટે એક હિંમત આપનાર છે... બંનેને જબરદસ્તીથી તૈયાર કરી દેવામાં આવે છે...પછી બંનેને રાજદરબારમાં લગ્ન માટે લાવવાની તૈયારી હોય છે ત્યાં જ પ્રિયંવદા બહાનું કાઢીને એક દિવાનખંડ પાસે પહોંચીને ત્યાં રહેલી એક જગ્યાએ જાય છે....

થોડી જ વારમાં એક ચીસભર્યો અવાજ સંભળાય છે...પ્રિયંવદા પોતાનાં જીવનનો અંત આણી દે છે....એનાં છેલ્લાં શ્વાસ ચાલી રહ્યાં છે... આંખોમાંથી આંસુ ઝરી રહ્યાં છે....જે આંસુ નીચે પડતાં એક ધખધખતા અંગારા જેવાં હોવાથી ભોયસરસા નીચે ઉતરી જાય છે....અને તે પોતાનાં પ્રાણ ત્યાગી દે છે...પણ સાથે જ તે વિરાજસિંહને પણ તલવારથી વીંધીને એમનો અંત લાવી દે છે....

નંદિનીકુમારી સાવ તુટી ગયાં... ફક્ત હવે તે એકલાં જ છે...તેમનો સહારો અને હિંમત તુટી ગયાં....આ વાસના ભુખ્યા આ વરૂઓથી ગુંગળામણ અનુભવાવા લાગી... શું કરવું કંઈ સમજાતું નથી... આટલાં રાજપાટ ને અચાનક શું થઈ ગયું ?? આખી દુનિયા લુંટાઈ ગઈ...પોતાની જાતને એકલાં અનુભવવા લાગ્યાં...

દૈત્ય જેવો બનેલો એ કૌશલકુમાર પિતાની અંતિમક્રિયા પણ કર્યાં પહેલાં પોતાનાં વિવાહ નંદિનીકુમારી સાથે કરી લે છે....લોકો પણ તેની આ વિપરીત થયેલી મતિથી ત્રાહિમામ કરવાં લાગ્યાં.....આખરે નંદિનીકુમારીએ અનિચ્છાએ ત્યાં રહેવું પડ્યું....રાજાની રાણી તો બની ગયાં... ફક્ત જીવનને જીવવા ખાતર...અંત ન આવે ત્યાં સુધી...!!

****************

સિંચનકુમાર અને રાજકુમારી એ વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીને એ ડુંગર પર ચડવા તૈયાર થયાં...બંને હાંફતા હાંફતાં આખરે ઉપર પહોંચી ગયાં...

ઉપરનો નજારો જોતાં બંનેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ...કોઈ વિચારી પણ ન શકે કે અહીં આટલી સુંદર નાનકડી દુનિયા છે...ઉપર પહોંચતાં જ પહેલાં ધમધમતું નાની દુકાનોનું બજાર....તેઓ બધું જોતાં જોતાં ચાલી રહ્યાં છે... અવરજવર કરતાં અને દુકાનદારો પણ બંનેને એક અલગ નજરે જોઈ રહ્યાં છે...તેઓ પોતાને કહેલાં એ શિવરામચાચાનું ઘર ક્યાં છે એવું પુછે છે...એક ભાઈ તેમને એ જગ્યાએ લઈ જાય છે....

ઘર પાસે તો બંને પહોંચ્યા તો ખરાં...પણ સૌમ્યકુમાર અને રાજકુમારી બંને આ બધું જોઈ જ રહ્યાં... ક્યાં એમનો ભવ્ય દેદિપ્યમાન રાજમહેલ...ને ક્યાં આ નાનું કાચુંપાકું ધાબાવાળું ઘર ?? જેટલો એમનો નહાવા માટેનો કક્ષ હતો એટલામાં તો આખુંય ઘર પુરૂં થઈ જશે એવું બહારથી લાગી રહ્યું છે...તેમને દરવાજો ખટખટાવ્યો. એક કદાચ પચાસેક વર્ષની ઉંમર હશે એવાં ભાઈ...પહેરવેશ આખો અલગ... વણઝારાની માફક કેડિયું..કોઈ મહારાજાની જેમ થોડાક લાંબા વાળ, પણ ચહેરો એકદમ દીપી ઉઠે એવો...‌‌પણ સિંચનકુમાર એમને જોઈ જ રહ્યાં છે એકીટશે એમની સામે..

એમને અનાયાસે સૌમ્યાકુમારીનો હાથ જકડીને પકડી દીધો... રાજકુમારીએ એમની સામે જોયું તો એકદમ હાથ છોડીને બોલ્યાં, " આમને મેં જોયેલાં છે પણ યાદ નથી આવી રહ્યું..પણ આવી જગ્યાએ રહેતો વ્યક્તિને મેં ક્યાં જોયેલો હોય...?? કંઈ જ સમજાતું નથી. " સિંચનકુમાર પોતે વિચારવા લાગ્યાં.

શિવરામચાચા : "શું થયું ભાઈ ?? તમારો ચહેરો તો અદલ અમારાં માનીતાં રાજાનાં રાજકુમાર સિંચન સાથે મળતો આવે છે...કુદરત પણ કમાલ કરે છે... કદાચ એને પણ નવો ચહેરો નહીં મળ્યો હોય તો નકલ કરી દીધી હશે..." એમ કહીને હસવા લાગ્યાં.

સિંચનકુમારે તેમને મુકવા આવેલી વ્યક્તિનો આભાર માનીને તેમને જઉ હોય તો જઈ શકે છે એવું કહેતાં એ વ્યક્તિ ચાલવા લાગ્યો...પછી કુમાર બોલ્યાં, "ચાચા અંદર પણ નહીં બોલાવો અમને ?? "

શિવરામચાચા : " અરે આવો ને બેટા. આ તો તમને જોઈને હું અમારાં રાજનની યાદમાં પહોંચી ગયો એટલે તમને આવકારવાનું વિસરાઈ ગયું...માફ કરશો".

સિંચનકુમારનાં મનમાં અઢળક વિચારો આવી રહ્યાં છે.. શું કહેવું સાચી ઓળખ આપવી કે પછી એમ જ વાત કરવી...કે નવી જ ઓળખ બનાવવી...

સૌમ્યાકુમારી : " ચાચા અમને રહેવા માટે એક ઘર મળી શકે ?? "

ચાચા : " હા દીકરી કેમ નહીં. પણ તમે ક્યાંથી આવો છો ?? તમે અહીંની કોઈ વસ્તીનાં નથી લાગતાં..મારે કંઈ નામઠામ તો જોઈએ ને ?? આ લોકો મારાં પર આંધળો વિશ્વાસ કરે છે... હું જે નિર્ણય કરૂં એ લોકો પ્રેમથી સ્વીકારે છે‌..તમે મને તમારૂં અહીં આવવાનું કારણ ને નામઠામ જણાવો એટલે હું ચોક્કસ આપને મદદ કરી શકું... અજાણ્યા પર વિશ્વાસ કરીને રખે ને કંઈ થાય તો હું આટલાં બધાં નિર્દોષ લોકોનો ગુનેગાર બની જાઉં."

સિંચનકુમાર :" કેમ અમે તમને સારાં માણસો નથી લાગતાં. ચાચા તમે અમને અમારી સાચી ઓળખ સાથે સ્વીકારશો ??"

" ચહેરો માણસને પરખાવે છે સાથે જ એક બહુરૂપી પ્રાણી પણ આ માનવ જાત જ છે...દગો પણ એ જ કરી શકે. સાચી ઓળખ સાથે ચોક્કસ સ્વીકારીશ. કોઈ પોતાની મજબુરી હોય તો પોતાનો પરિવાર ખુશીઓને છોડીને એક નવી દુનિયા સાથે હાથ મિલાવવા આવે.."

સિંચનકુમાર પોતાની અને સૌમ્યાકુમારીની સાચી ઓળખ આપીને આખી જ પરિસ્થિતિ જણાવી...

ચાચા તો કંઈ પણ બોલ્યાં વિના એકીટશે બંને સામે જોઈ જ રહ્યાં...ને ફક્ત બોલ્યાં, "આ કંઈ નાની અમથી વાત નથી... હું થોડું વિચારીને આપને જવાબ આપું."

શું શિવરામચાચા અને તેમનાં આ લોકો સિંચનકુમાર અને રાજકુમારીને ત્યાં રહેવા આશરો આપશે ?? કે હજું તેમને નવો વિસામો શોધવો પડશે ?? સિંચનકુમાર ફરી પોતાનાં રાજ્યમાં પરત ફરી શકશે ખરાં ?? લીપીને હેરાન કરનાર આત્મા કોની હશે ?? જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૩૯

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....