પ્રિત એક પડછાયાની - ૩૫ Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત એક પડછાયાની - ૩૫

પ્રિયંવદારાણીનાં શબ્દોએ રાજા વિશ્વજીત અને ચેલણારાણીને થોડાં હચમચાવી મુક્યાં. વાત તો સમજી ગયાં પણ એમને એ ન સમજાયું કે એ લોકો એમની દીકરી માટે સિંચનકુમાર માટે કેમ પુછી રહ્યાં છે...

ચેલણારાણીએ મનમાં વિચાર્યું ," એકાએક હા ના કરવી યોગ્ય નથી. સામે મારી દીકરીનું ભવિષ્ય છે.. આટલું મોટું રાજ્ય, એકનો એક ભવિષ્યનો કર્તાહર્તા ને રાજા થનાર જમાઈને એમ હાથમાંથી ન જવા દેવાય...મારી દીકરી ત્યાં રાજ કરશે..પણ આ સિંચનકુમારને તો બીજી રાજકુમારી પસંદ છે મને લાગે છે કે આ રાજકુમારી માટે હું હા પાડું તો સિંચનકુમાર સામેથી જ ના પાડશે અને એ લોકોને પણ મારાં તરફથી ખરાબ નહીં લાગે."

ઉત્સાહભેર ચેલણારાણી બોલ્યાં, " રાણી આપણે તો હવે આમ પણ એક સંબંધમાં બંધાયાં છીએ. અને વળી જ્યાં અમારાં જીગરનો ટુકડો તમને સોંપીએ છીએ ત્યાં એ રાજપરિવારની રાજકુમારી અમારાં ત્યાં આવે તો અમને શું તફલીક હોય...બસ રાજા સિંચન હા પાડવાં જોઈએ."

ત્યાં ઉભેલા કોઈને સમજાયું નહીં કે જેનો આ સંબંધ માટે સૌથી મોટો વિરોધ હશે એ આ સંબંધ માટે મંજુરીની મહોર લગાવી રહ્યાં છે...રાજા સિંચન તો ખુશ થઈ ગયાં ને વિનમ્રતાથી બોલ્યાં, " માતા જેવી આપની મરજી. "

રાણી તો એકદમ ચિંતામાં ગરકાવ થઈ ગયાં કે આ શું થયું ?? સિંચનકુમારે તો મારી બાજી પલટી દીધી. હવે શું કરવું??

બીજું કોઈ સમજે કે ન સમજે પણ રાજા વિશ્વજીત અને નંદિનીકુમારી સમજી ગયાં કે ચેલણારાણીનાં મનમાં કંઈક રમાઈ રહ્યું છે.

નંદિનીકુમારી સમજી ગયાં કે કદાચ માતાને ખબર નથી કે આ એ જ રાજકુમારી છે જે ભાઈને પસંદ છે...અને એટલે એમણે ફેંકેલો પાસો ઉલટો પડ્યો. પણ જે થયું એ સારૂં થયું હવે એ મારાં સંબંધ માટે થઈને પણ એ હવે ફરશે નહીં.

ચેલણારાણી હવે ફસાઈ ગયાં છે પણ હવે દીકરીનો સવાલ છે...એટલે એ બોલ્યાં, " બેટા સિંચન ઉતાવળ ન કરો. શાંતિથી વિચારીને કહેજો. તમારી જિંદગીનો સવાલ છે."

સિંચનકુમાર પણ નાનપણથી આ પાલક માતાને બહું રીતે ઓળખે છે એટલે બોલ્યાં, " ના માતા તમે જે કરશો એ મારાં માટે યોગ્ય જ હશે. મને તમારો નિર્ણય શિરોમાન્ય છે. રાજકુમારી અહીં ખુશ રહેશે એમની લાગણીઓ અને ખુશીઓ સદાય મહેકતી રહેશે."

ચેલણારાણી હવે મનમાં અકળાતા બોલ્યાં, " ઠીક છે પણ આજે તો આપણે નંદિનીકુમારીની રસમ પતાવી દઈએ. "

બધી રાજપરિવારને શોભે એવી રીતરસમ સાથે સૌમ્યકુમાર અને નંદિનીકુમારીનાં વેવિશાળ થઈ ગયાં. અંતે મનેકમને ચેલણારાણીએ સિંચનકુમાર અને સૌમ્યાકુમારીનાં વેવિશાળ માટે પણ પરવાનગી આપી દીધી...પણ હજુય એ રહસ્ય અકબંધ છે કે આ એજ રાજકુમારી છે જેને સિંચનકુમારને પસંદ હતી.

ધન્વંતરીરાજાએ રાજાવિશ્વજિતને એકવાર સંતાનોનાં વિવાહ પહેલાં સુવર્ણસંધ્યાનગરી પધારવા માટે પ્રેમભર્યું આમંત્રણ આપ્યું...ને પછી બધાં છુટાં પડ્યાં ને ધન્વંતરીરાજા પરિવાર સાથે પોતાના નગરમાં પાછાં ફર્યાં.

****************

અન્વય :" અપુર્વ આ લીપી તો સાંભળતાં સાંભળતાં જ સુઈ ગઈ છે પણ એનાં હાથમાં એક પણ આંગળી નથી મતલબ કાંડાથી કપાયેલો હોય એવું કેવી રીતે થઈ ગયું છે...મને તો આ વાંચવામાં ધ્યાન જ ન રહ્યું કે એ મારાં ખોળામાં સુતાં સુતાં સાંભળી રહી હતી ને ક્યારે સુઈ ગઈને આ થયું."

"ભાઈ ભાભીની આંખોમાંથી તો લોહી આવવાં લાગ્યું છે...આ શું ?? પણ એ તો નિરાંતે સુઈ રહ્યાં છે. મને લાગે છે આપણે આ પુસ્તક ફટાફટ આગળ વાંચવું પડશે. ભાભી વધારે હેરાન થઈ રહ્યાં છે."

અન્વયે ફરી પુસ્તક ખોલ્યું ને જોયું તો હવે ફરી લખેલું દેખાવાનું બંધ થઈ ગયું...

" અપ્પુ , મને લાગે છે આ લખાણ ન દેખાવું અને લીપીની આ સ્થિતિ કંઈક સુચન કરે છે..."

અપુર્વ : "પણ શું હશે?? કંઈ સમજાતું નથી મને તો."

લીપીએ બંધ આંખોથી જ અન્વયનો હાથ કસીને પકડ્યો અને બોલી, " હજું તો લોહીની નદીઓ વહેશે દિલ બહું કઠણ કરવું પડશે વાંચતા વાંચતા જ...પણ અપુર્વ તુ બહું નસીબદાર છે... તું તારી આરાધ્યાને ભુલી ગયો ?? એણે તારાં માટે આખી સુંદર જિંદગી દાવ પર લગાડી છે...તારે એનાં માટે તો પાછું જવું જ પડશે..."

અપુર્વ ચિંતિત સ્વરે બોલ્યો," એકપળ માટે પણ હું એને મારાથી દૂર કરી શકતો નથી. કેટલાં દિવસો થઈ ગયાં. પણ હું એવો ફસાયો છું કે આ આત્માની મુક્તિ વિના આપણે કોઈને પણ મળી નહીં શકીએ...પણ એતો કહો એણે શું કર્યું છે ?? એ કંઈ મુસીબતમાં છે ??"

પણ જવાબ મળે જ ક્યાંથી ?? એકાએક ધુધવાતો એ પવનને જોરજોરથી ઉડતી ડમરીઓ આંખો બધાંની અંજાઈ ગઈ ને થોડી જ ક્ષણોમાં બધું શાંત...ને લીપી આળસ મરડીને ફરી ઉભી થઈ...બોલી," આગળ વધ...મને મુક્તિ જોઈએ છે. મારી પાસે સમય બહુ ઓછો છે.."

અન્વયે ફરી એ પુસ્તક ખોલ્યું, આગળ વાંચવાનું શરૂ કર્યું...ને પહેલાંની જેમ બધું દેખાવા લાગ્યું...

*****************

બંને રાજ્યમાં રાજકુમાર અને રાજકુમારીઓને મનપસંદ પાત્ર સાથે વેવિશાળ થતાં બધાંય ખુશ છે...પણ રોષે ભરાયો છે...રાજા વિરાજસિંહ

સૌમ્યાકુમારીનાં સગપણની વાત ચોમેર ફેલાઈ ગઈ... કેટલાંય રાજકુમારો નિરાશ થયાં.. ઘણાં દ્રાક્ષ તો ખાટી છે કહીને મન મનાવવા લાગ્યાં..પણ રાજકુમાર કૌશલ આ વાત સ્વીકારવા રાજી નથી...એમણે તો પિતા સામે આવીને એલાન કરી દીધું, " તમે આટલું પણ ન કરી શક્યાં. રાજા તમને મુરખ બનાવી ગયાં... તમે મારાં પિતા બનવાને લાયક નથી."

આ શબ્દોએ વિરાજસિંહને વીંધી નાખ્યો તે હચમચી ગયો...તેને પોતાનું શસ્ત્ર કામે લગાડ્યું...એક યોજના બનાવીને ચેલણારાણીને પત્ર મોકલ્યો ને બીજો ખાસ સંદેશ સુવર્ણસંધ્યાનગરી મોકલ્યો....

****************

ધન્વંતરીરાજા સભામાં બેઠાં છે... ત્યાં જ એક ચોકીદાર એક પત્ર લઈ આવ્યો. ખુશી સાથે વિવાહ માટેની જોરદાર થતી તૈયારીમાં રાજાએ થોડો વિરામ માગીને પત્ર વાંચ્યો....પત્ર વાંચતા જ રાજાનાં હાથ ધ્રુજવા લાગ્યાં....

પ્રિયંવદા : " રાજન શું થયું ?? તમારી તબિયત તો ઠીક છે ને ?? શું છે આ પત્રમાં ?? કોનો છે પત્ર??

રાજાએ એ પત્ર પ્રિયંવદાનાં હાથમાં આપ્યો રાણી વાંચવાં લાગ્યાં, " રાજન્, તમે મારો પ્રસ્તાવ ન સ્વીકારી યોગ્ય નથી કર્યું. તમે મારી સાથે કપટ કર્યું છે. આજ સુધી મારી મિત્રતા જોઈ છે હવે દુશ્મની પણ જોઈ લેજો. તમે તમારી દીકરીની ખુશી માટે તેનું વેવિશાળ બીજે કર્યું હવે હું મારાં દીકરાની ખુશી માટે લડીશ. હજું પણ એકવાર વિચારી લો...એક મોકો આપું છું..."

રાણીનાં ચહેરાં પર પણ રીતસરનો પરસેવો થવો લાગ્યો. પણ સભા સામે અત્યારે આ વાત કરવી યોગ્ય ન લાગતાં રાજાએ અત્યારે થોડું કામની વાત કરીને સભા બરખાસ્ત કરી દીધી.

પછી રાજારાણી તેમનાં કક્ષમાં આવ્યાં. બંને જણાં શું કરવું એ માટે વિચારવા લાગ્યાં..

પ્રિયંવદા : "રાજન્ હવે શું કરીશું ?? વિરાજસિંહ સાથે શાંતિથી વાત કરી શકાય ?? એમનો દીકરો સારો જ છે પણ એ સૌમ્યાકુમારીને જરાય પસંદ નથી હવે એમ થોડી આપણે એનાં વિવાહ રાજકુમાર કૌશલ સાથે કરાવી શકીએ."

રાજા : " પણ અહીં રાજ્યમાં લોહીની નદીઓ વહેશે એનું શું ?? નિર્દોષ લોકો માર્યા જશે...એ પણ ફક્ત આપણાં માટે. કેટલીય સ્ત્રીઓ વિધવા થશે, ને કેટલાંય બાળકો અનાથ બનશે..."

"રાજન, પણ એમનું રાજ્ય તો બહું નાનું છે એમણે આટલું કહેવાની હિંમત કરી તો એમની પાછળ કોઈનો સાથ હોય એવું નથી લાગતું ??"

રાજા : " પ્રિયે તારી વાત સાચી છે....પણ હોઈ શકે ??"

" રાજન્, જે પણ હોય પણ આ વાત આપણે આપણાં સંતાનોને કરવી જોઈએ અને મને તો લાગે છે કે સિંચનકુમારનાં ત્યાં પણ આ વાતની જાણ કરવી જોઈએ."

રાજા : "હમણાં જ બોલાવીએ. વાત કરીને પછી નિર્ણય કરીએ. પણ આમાં જરાં પણ વિલંબ ન કરવો જોઈએ." કહીને એમણે ચોકીદારને તરત જ બોલાવ્યો.


*****************

રાણીચેલણા પોતાનાં કક્ષમાં કંઈક વિચારતાં બેઠાં છે ત્યાં એક સેવિકા આવીને એમને એક સુંદરભેટ સાથે એક લખાયેલો પત્ર આપે છે...

ચેલણારાણી આશ્ચર્ય સાથે એ હાથમાં લે છે...અને સેવિકાને ત્યાંથી કક્ષ બંધ કરીને બહાર જવા કહે છે. હજું સુધી એમને પણ કોઈ અંદાજો નથી આવી રહ્યો પણ ખાસ એમનાં માટે જ છે એવું કહેતાં એમની જિજ્ઞાસા વધી ગઈ.

ફટાફટ પહેલાં મોટું સુંદર બોક્સ ખોલ્યું તો એમાં સુંદર રત્નજડિત હાર છે... હાર એટલો સુંદર અને કલાત્મકતાથી ભરપૂર છે કે રાણી ખુશ થઈ ગયાં દરેક સ્ત્રીની જેમ..‌પણ એમને લાગ્યું આ હાર તેમણે ક્યાંક જોયેલો છે ?? પણ કંઈ યાદ નથી આવી રહ્યું. પછી તેમને વિચાર આવ્યો ,"આવી ભેટ કોણ આપી શકે ??"

એમણે તરત જ પત્ર ખોલ્યો...ને વાંચવા લાગ્યાં, "
પ્રિય બહેના,
હું વિરાજસિંહ...તારો પિતરાઈ ભાઈ..

કુશળ હશો... કદાચ વર્ષો પહેલાનાં સંબંધોની કડવાશને કારણે મારાં પર ધૃણા હશે...પણ ગમે તેટલો ક્રોધ આવે આ પત્ર અધુરો વાંચ્યાં વિના ના મુકશો..

ભલે વર્ષોથી કોઈ સંબંધ ન હોવાં છતાં મને તારી બધી જ ખબર છે... તારાં આ બીજાં વિવાહ છે અને તારો સોતેલો પુત્ર જે રાજા છે એ તને એટલો પસંદ નથી‌...એને એની ઈચ્છાઓ પૂર્ણ થાય એવું તમે ન ઈચ્છતા હોવ તો ને તમારી વહાલસોયી એકની એક રાજકુમારી આખું રાજપાટ સંભાળે ...તો મને સાથ આપશો...
તમારી થનાર પુત્રવધુ રાજકુમારી સૌમ્યા મારાં રાજકુમારને પસંદ છે પણ આ રાજા સિંચન આ માટે બાધારૂપ બન્યો છે...જો તમે મદદ કરો તો...એક પાછળનો વાર... અણધાર્યું યુદ્ધને...કામ તમામ...મારી નાનકડી ભેટ સ્વીકારજો...જે તમારાં માતાની નિશાની છે.

તમારાં જવાબની રાહ જોઈશ..."

ચેલણારાણી તો હચમચી ગયાં. એકબાજુ ખુશી થાય છે તો બીજી બાજુ એમને સિંચનનો નાનપણથી તેમનાં પ્રત્યેનો પ્રેમ, એમની કાળજી બધું યાદ આવે છે...વળી રાજકુમારીનું ઉજ્જવળ ભવિષ્ય.... કંઈ જ સમજાતું નથી... જાણે તેમનું મગજ ચકરાવે ચડી ગયું છે..... શું કરૂં નિર્ણય ?? હા પાડું કે ના પાડીને ઠુકરાવી દઉ.....

શું હશે ચેલણારાણીનો નિર્ણય ?? તેમનામાં રહેલી મમતા જાગશે કે પછી આખરે અપર મા તે અપર મા જ રહેશે ?? શું કરશે રાજા વિરાજસિંહ જો ચેલણારાણી સાથ નહીં આપે તો ?? કેવી રીતે લડશે ધન્વંતરીરાજાનાં વિશાળ સૈન્ય સામે ??

વાંચતા રહો... માણતાં રહો...પ્રિત...પ્રણયને...પડછાયાનાં રોમાંચને, પ્રિત એક પડછાયાની - ૩૬ સાથે..

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....