પ્રિત એક પડછાયાની - ૨૩ Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત એક પડછાયાની - ૨૩

અન્વય અને દીપાબેન એકબીજા સામે જોઈ રહ્યાં છે...કે આ બધું શું થઈ રહ્યું છે.

દીપાબેન : અનુ...અપુર્વ ત્યાં સ્ટર્લિંન હોસ્પિટલમાં હશે ખરાં ?? મને હવે તો કોઈનાં પર વિશ્વાસ નથી આવી રહ્યો.

અન્વય : આ વસ્તુ હમણાં બે જ મિનિટ પહેલા આંખો બંધ રાખીને બોલી જ્યારે હું એને ઉઠાડવા ગયો ત્યારે. પાછી એ સુઈ ગઈ અને તરત જ આ રીંગ વાગવા લાગી.

દીપાબેન : શું લીપી અન્વય આ જગ્યાએ છે એવું બોલી??

અન્વય : હા... હું ફટાફટ એને ઊઠાડું જો એને કંઈ યાદ હોય તો. અને વળી એને સાથે લઈને જવાનું કહ્યું છે....

દીપાબેન : કદાચ આરાધ્યા નાં પપ્પા એ જ હોસ્પિટલમાં એડમિટ છે. તારા પપ્પાને પુછી જોઉં તો એ ત્યાં તપાસ કરે તો.

અન્વય : ના એવું જરાય નથી કરવું. એ જે પણ છે એને બધું જ ખબર છે આપણાં વિશે. પપ્પા કંઈ પણ તપાસ કરવા જાય ને વળી એમાં કંઈ પણ ગડબડ થશે તો અપુર્વ હાથમાંથી જતો રહેશે. પણ મને એમ થાય છે કે લીપીને સાથે લઈ જવામાં એનાં જીવને જોખમ તો નહીં થાય ને ??

દીપાબેન : એ તો મને પણ ચિંતા થાય છે પણ કંઈ તો કરવું પડશે ને ?? અપુર્વનો જીવ જોખમમાં છે. જઈશું તો કંઈ આગળ રસ્તો મળશે ને ??

અન્વય : આપણે નવ વાગ્યે તો પેલાં ભુવાજી પાસે જવાનું છે. હવે બંને જગ્યાએ લીપીની હાજરી જરૂરી છે. જો આ સમયે નહીં પહોંચીએ તો ત્યાં પછી ફરીથી એમને એમનાં માતાજીની રજા મળે પછી જ એ સમય આપશે ત્યારે જવાશે...

એટલામાં જ લીપી આળસ મરડીને અડધી બંધ આંખોએ બોલી, અનુ... ગુડ મોર્નિંગ... તું કેટલો વહેલો વહેલો ઉઠી જાય છે આજકાલ તો. બાકી તો મારે તને પરાણે પરાણે ઉઠાડવો પડે.

અન્વય : ગુડ મોર્નિંગ...ચાલ ઉઠ બકા. આપણે બહાર જવાનું છે. ચાલ ફટાફટ રેડી થઈ જા...

લીપી સવાર સવારમાં કોઈ મસ્ત રોમાન્સનાં મુડમાં લાગી રહી છે...એ દીપાબેન સમજી ગયાં...અને એમને ખબર છે કે તે ત્યાં ઉભાં છે એ લીપીને ખબર નથી એટલે અન્વય તું આવ એમ ઈશારામાં કહીને બહાર જતાં રહ્યાં....

અન્વય જેવો લીપીની પાસે ગયો કે લીપીએ તેનાં બંને હાથ અન્વયની ફરતે વીંટાળી દીધાં.... અન્વયને લીપી માટે અનહદ લાગણી અને પ્રેમ છે પણ અત્યારે એ મનમાં ચિંતાનાં વાદળોથી ઘેરાયેલો છે એટલે એને જાણે આ રોમાન્સમાં એટલો ખુશ નથી થઈ શકતો પણ લીપીને ખુશ રાખવી જરૂરી છે એટલે એને પ્રેમથી લીપીને ચુમી લે છે અને કહે છે... જાનુ...ચાલને અત્યારે ઉઠી જા પછી આપણે બહાર જઈને આવીને હું તારી સાથે જ છું... હું બધો જ સમય તારી સાથે સ્પેન્ડ કરીશ બસ....

લીપી : ઓકે ડિયર....એમ કહીને અન્વયને ગાલ પર એક પ્રેમભરી કિસ આપીને બેડ પર બેસી ગઈને બોલી, બોલ કેટલી વારમાં તૈયાર થવાનું છે ??

અન્વય : હું કહીશ એટલીવારમાં રેડી થઈશ ને ?? તો વીસ જ મિનિટમાં રેડી થઈને તું મને હોલમાં મળીશ...ડન ??

લીપી પણ આજે ખુશમિજાજ માં બોલી, યસ માય હબી... ચેલેન્જ એક્સેપ્ટેડ...એમ કહીને લીપી ફટાફટ બાથરૂમમાં બ્રશ કરવા જતી રહી...

અન્વય પણ બધું ભગવાન ભરોસે સોંપીને ફટાફટ જવાની તૈયારી કરવા લાગ્યો. લીપીને પુછવાનું એને માંડી વાળ્યું વળી કંઈ સવાલ એવો પુછાય કે એ લીપીમાં રહેલી આત્મા છંછેડાઈ જાય અને લીપી બહાર આવવા તૈયાર જ ના થાય તો....

****************

હોસ્પિટલમાં બધાં હાજર છે. આરાધ્યાનાં દીદી અને જીજાજી ને એના ફોઈ ફુવાને પણ આવી ગયાં છે...અને ડૉક્ટર પણ અત્યારે જ વિઝીટમા આવીને ચેક કરીને કહે છે કે હવે તેમની સ્થિતિ સુધારા પર છે લગભગ સર્જરીની જરૂર નહીં પડે. આરાધ્યાનાં ફોઈફુઆને તો નિમેષભાઈ એમનાં ફ્રેન્ડ છે એમ જ ખબર છે.

આરાધ્યા અને તેનાં જીજુ નિમેષભાઈને હવે ઘરે જવા કહે છે. તેમને સારું છે ને એ બધાં છે કંઈ જરૂર હશે તો કહેશે એમ કહે છે.

નિમેષભાઈ : સારૂં તો હું અત્યારે ઘરે જઈને આવું છું. તારાં આન્ટીને બંને હવે અમે આવીશું.ધ્યાન રાખજે બેટા. ચિંતા ન કરતી એમ કહીને તેઓ હોસ્પિટલની બહાર નીકળવા જાય છે કે ત્યાં એમને એમની પાછળ કોઈ પછડાયો આવતો હોય એમ લાગે છે....તે થોડીવાર પાછળ ફર્યા વિના ધીમાં પગલે ચાલીને નિરીક્ષણ કરે છે. ધીમે ધીમે એમને એ પડછાયો નજીક આવતો અને મોટો થતો દેખાય છે...પણ એ પડછાયાનો રંગ સામાન્ય રીતે કાળો હોય એવો નથી પણ બ્લુ કલરનો છે....

આખરે એમની ધીરજ ખૂટી અને એમણે પાછળ જોયું તો કોઈ નથી... બધાં હોસ્પિટલમાં દર્દીઓ અને સગાઓની આવનજાવન ચાલુ છે પણ કોઈ તેમને ફોલો કરતું હોય એવું જરા પણ લાગ્યું નહીં.

પણ એકાએક એમની નજર સાઈડમાં ફટાફટ જતાં કોઈનાં પડછાયા પર ગઈ....એ વ્યક્તિનુ શરીર, હાઈટબોડીને ચાલ બધું જ અપુર્વ જેવું લાગી રહ્યું છે....એ જોઈને એમણે અપુર્વ.. અપુર્વ...બે ત્રણવાર બુમ પાડી પણ એ વ્યક્તિ ઉભો ન રહ્યો.

તેઓ તેને અનુસરતાં ઝડપથી પાછળ ગયાં...પણ એ જેમ ઝડપથી જવાં લાગ્યાં તેમ એ વ્યક્તિ અને પડછાયો જાણે તેમને કોઈ જગ્યાએ લઈ જવાં ઈચ્છતા હોય એમ વધારે બમણી ઝડપે ભાગવા લાગ્યાં....લોકો પણ એમ એમને દોડતાં જોઈ રહ્યા છે.

આખરે એ થાકીને એ ઉભાં રહ્યાં તો એ પડછાયો પણ જાણે સ્ટેચ્યુની માફક એક ડિલક્સ રૂમનાં દરવાજા પાસે જ જકડાઈને ઉભો રહી ગયો....

જેવાં નિમેષભાઈએ ફરી આગળ વધવાનો પ્રયત્ન કર્યો કે તરત જ એ ડિલક્સ રૂમમાં એ પડછાયો પ્રવેશી ગયો ને પાછળ જ કદાચ નિમેષભાઈ આજે એક જવાનને પણ હંફાવે એટલી ઝડપે ભાગીને એકદમ એ પડછાયાની પાસે પહોંચી ગયાં...ને એ સાથે જ એ પડછાયોને એ વ્યક્તિ ગાયબ થઈ ગઈ....અને નિમેષભાઈ એ રૂમ અને ત્યાંની વસ્તુઓ અને દર્દીઓને અનિમેષ નયને તાકી રહ્યાં......

******************

વીસ મિનિટ પણ પુરી થયાં પહેલાં લીપી હોલમાં આવી ગઈને બોલી, અનુ...મે ચેલેન્જ પુરી કરી પણ તું ક્યાં છે ?? એટલામાં જ અન્વય અને દીપાબેન બહાર આવ્યાં ને કહે ચાલ ફટાફટ મોડું થશે પછી...અમે તો રેડી જ છીએ ક્યારનાં.

લીપી : ઓહો પણ આટલી ઉતાવળમાં આપણે ક્યાં જઈએ છીએ ??

અન્વયને એકવાર લીપી સામે ખોટું બોલવાનું પરિણામ એ અનુભવી ચુક્યો છે એટલે એણે ફક્ત એટલું જ કહ્યું, સરપ્રાઈઝ !! કહી દઉં તો સરપ્રાઈઝ ક્યાંથી કહેવાય ??

લીપી : સારૂં બસ હવે હું કહી નહીં બોલું... આજકાલ તો આમ ટીપીકલ પતિ જેવો સિરીયસ બની ગયો છે... કહીને ગાડીમાં બેસી ગઈ.

અન્વયને અત્યારે વધારે કંઈ ચર્ચા કરવામાં સમય બગાડવો નહોતો એટલે એ કંઈ બોલ્યો નહીં....ને ગાડી લઈને નીકળી ગયાં. દીપાબેન રસ્તામાં બોલ્યાં, અનુ આરાધ્યા નાં પપ્પાની ખબર પુછીને જઈએ ??

અન્વય કંઈ બોલે એ પહેલાં જ લીપી બોલી, કેમ શું થયું છે અંકલને ??

અન્વયને બોલ્યો, એમને હાર્ટએટેક આવ્યો છે એ સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ છે.

અન્વય લીપીનાં પ્રત્યુતર માટે એની સામે જોઈ રહ્યો કે સ્ટર્લિંન હોસ્પિટલના નામથી એ કંઈ બોલે છે....પણ ઉલટાનું એ તો બોલી, હા ચાલો જવાનું જ હોય ને..અને અપુર્વ તો એની સાથે જ છે ને ?? અત્યારે જ આરાધ્યાને અપુર્વના સપોર્ટની બહું જરૂર હોય...ભલે અંકલ એમનાં સંબંધથી ખુશ નથી પણ આપણે તો આપણી ફરજ નીભાવવી જોઈએ ને. કદાચ આપણાં આટલાં સારા વ્યવહારથી ખુશ થઈને એ ખુશ થઈ જાય અને હા પાડી દે.

અન્વય અને દીપાબેન સમજી ગયાં કે લીપીને કંઈ જ ખબર નથી પણ આ તેનામાં રહેલી આત્મા જ આ બધાં ખેલ કરી રહી છે.....ને ફટાફટ મેમનગર પહોંચવા અન્વયે ગાડી ભગાવી.

****************

નિમેષભાઈ રૂમમાં આજુબાજુ જોવાં લાગ્યાં...એ રૂમ ડિલક્સ છે એટલે એ કોઈ ફાઈવસ્ટાર હોટલથી કમ નથી લાગતો. ત્યાં વચ્ચે કર્ટેન હોવાથી બે પેશન્ટ એકરૂમમાં હોય એવું લાગી રહ્યું છે...

તેમણે એકબાજુ જોયું તો એક દર્દી સુતેલો છે અને સાથે બે રિલેટિવ બેઠેલાં છે...એટલે એ બીજી બાજું જોવાં ગયાં તો ત્યાં બેડ પર ફક્ત દર્દી આખું ગોળમોળ બ્લેન્કેટ ઓઢીને સુતું હોય એવું લાગે છે. પણ એની સાથે અત્યારે કોઈ રિલેટિવ નથી‌.

નિમેષભાઈએ આજુબાજુ નજર કરી પણ કોઈ દેખાયું નહીં. અને આવા ડિલક્સ રૂમમાં બધાં થોડા હાઈફાઈ પેશન્ટ જ હોય જેમને બહુ પુછપરછ કરીએ તો ન ગમે. એટલે એમણે ધીમેથી એ બ્લેન્કેટ ઉંચો કરીને એકવાર ચેક કરી લેવાં વિચાર્યું....ને જેવો એ બ્લેન્કેટને પકડવા ગયાં કે જાણે કોઈનાં અટહાસ્ય કરવાનો અવાજ આવ્યો...અને જોરજોરથી અવાજો આવવાં લાગ્યાં છતાં એમણે હિંમત કરીને એ બ્લેન્કેટ ખોલી દીધો ને એ સાથે જ એમની આંખોમાં અંધારાં આવવા લાગ્યાં.......

કોણ હશે એ બ્લેન્કેટ ઓઢીને સુતેલું ?? એ અપુર્વ જ હશે કે બીજું કોઈ ?? આ એજ રૂમ હશે જ્યાંથી અપુર્વને મળવા માટે ફોન આવ્યો હતો ?? કે પછી એ રૂમ અલગ હશે ?? આજે આ લોકોને અપુર્વને મળવામાં સફળતા મળશે ખરી ??

હજું તો અકબંધ રહેલાં રોમાંચ, રોમાન્સ અને રૂંવાટા ઉભાં કરી દે તેવાં ભયાનક દ્રશ્યો જાણવાં ને માણવા માટે વાંચતાં રહો, પ્રિત એક પડછાયાની - ૨૪

બહુ જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે..........