Sundartani Paribhasha books and stories free download online pdf in Gujarati

સુંદરતાની પરિભાષા

શક્તિસિંહ જાડેજા- શક્તિ. રાજસ્થાનના નાનકડા ગામમાં, સાવ ગરીબ ઘરમાં જન્મેલો વીર સૈનિક. સેનામાં કર્નલ પણ દેખાવે સાવ બરછટ અને કાશ્મીર અને લદાખ મા પોસ્ટિંગ મળ્યા પછી તો સાવ કાળો દેખાતો હતો. જવાબદારીના બોજે એને ઉંમર કરતા વધારે જ મોટો બનાવી દીધો હતો. પરિવારમાં માં, બાપ અને નાની બેન સાવિત્રી - સાવિ. શકિતની નોકરી લાગ્યા પછી એનો પરિવાર માંડ બે પાંદડે થયો હતો. આ વખતે એક મહિનાની લાંબી રજા લઈને સાવિના લગન લેવાનાં હતા. સાવિ યાદ આવતાં જ શકિતને શ્યામાની યાદ આવી ગઈ. શ્યામા સાવિની નાનપણ ની ખાસ સખી. આખો દિવસ બેય સાથેને સાથે. ખાલી સુવા માટે જ બેય અલગ પડે. શકિત માટે શ્યામા એટલે સુંદરતાની પરિભાષા. ભૂરી આંખો, ભૂરા વાળ, નાજુક નમણી અને એકદમ તીખી. ભગવાને તેને રૂપ તો ધોબે ને ખોબે આપ્યું હતું પણ એકદમ ગરીબ પરિવારમાં જન્મ આપ્યો હતો. બાપ આખો દિવસ દારૂ પીને પડ્યો રહે અને માં બીજાના ખેતરમાં મજૂરી કરીને માંડ ગુજરાન ચલાવે. નાનપણમાં શક્તિ જ્યારે પણ એને ભૂરી કહીને ચીડવે ત્યારે એ પણ એને કાળિયો કહીને ચીડવે. તરુણાસ્થા થી જ શકિત શ્યામા ને એકતરફી પ્રેમ કરવા લાગ્યો હતો. પણ કદી એને કહેવાની હિંમત ના થઈ. કારણ કે, એ જાણતો હતો કે, એ ક્યાં ને શ્યામા ક્યાં... ? ઘર આવતાં જ શક્તિના વિચારોની તંદ્રા તૂટી.
ઘરે તો જાણે આખું ગામ ઉમટ્યું હતું શકિત ને મળવા. થોડીવારમાં બધા છૂટાં પડયા. હંમેશાં હસી મજાક અને મસ્તી કરતી સાવિ હવે થોડું શરમાઈને વાતો કરતી હતી. શકિત એ મજાક કરતા કહ્યું કે, હજી તું સાસરે નથી ગઈ... સાવિ વધારે શરમાઈ ગઈ. વાતમાંથી વાત નીકળી શ્યામા ની, શકિત થી પુછાઇ ગયું તારી બહેનપણી કેમ નથી દેખાતી? તારી પેલા સાસરે પહોંચી ગઈ? ત્યારે સાવિ ના ચહેરા પર ગમગીની છવાઇ ગઇ. સાવિ, "એ બિચારી ના નસીબ માં ક્યાં લગન કરી ને સાસરે જવાનું લખ્યું છે." ત્યારે શકિત થી ના રહેવાયું અને પૂછ્યું કે, "શું થયું એને? એની તો સગાઈ થઈ ગઈ હતી ને? સાવિ, "એ હવે બઉ સમય નઈ કાઢે, એને તો કેન્સર થયું છે." શકિત નું હૃદય જાણે થંભી ગયું, એણે વધારે પૂછતાં ખબર પડી કે, શ્યામા ને બ્રેસ્ટ કેન્સર છે, એના બાપ પાસે એટલા પૈસા નથી કે એનો ઇલાજ કરાવે. લગન પણ ફોક થઈ ગયા અને ખાલી મારવાના વાંકે જીવે છે. શક્તિને પહેલા તો કશું સમજાયું નહીં, પછી કંઇક વિચારી ને સાવિ અને એના મા બાપ ને લઈને શ્યામા ના ઘરે ગયો.
શ્યામા અંદર ખાટલામાં સૂતી હતી. શક્તિ અને એના પરિવારને આમ અચાનક આવેલા જોઈને બધા અચંબા માં પડી ગયાં. શકિતએ સમય ગુમાવ્યાં વગર શ્યામાના બાપને કહ્યું કે, "હું શ્યામા સાથે લગન કરવા માંગુ છું." આ સાંભળીને બધા અવાચક થઈ ગયા. શકિત ની માં રાડ પાડીને બોલી, "તું ગાંડો તો નથી થઈ ગયો ને, મગજ ઠેકાણે છે કે નઈ?" શકિત એ કીધું કે, " હું આર્મી માં કર્નલ છું, આર્મી તરફથી મારા પરિવાર ને મફત સારવાર મળે છે. જો હું શ્યામા સાથે લગન કરું તો મારી પત્નિ તરીકે તેને પણ મફત કેન્સરની સારવાર મળી શકે અને એકદમ સાજી થઈ શકશે." શ્યામાના માં બાપની આંખો વહેવા લાગી અને શકિતને હાથ જોડીને ઊભા રહી ગયા. શ્યામાને ઊંડે ઊંડે ખબર હતી કે, શકિતને એના માટે લાગણી છે પણ એ સમયે એના રૂપનું ગુમાન અને શકિત ના દેખાવના કારણે શકિત ની લાગણી ને હંમેશા અવગણી હતી. પણ આજે શકિતને એક અલગ જ રૂપમાં જોતી હતી. એ આ બધાંથી એટલી હતપ્રભ થઈ ગઈ હતી કે, કંઈ બોલી નોતી શકતી બસ રડતી આંખે શકિતના રૂપે ભગવાનને જોતી હતી. શ્યામાથી બોલાઈ ગયું કે, "કેન્સર ની સારવાર પછી મારું શરીર એટલું સારું નહિ રહે. હું તમારે લાયક નહિ રહું. અને તમારા ઉપકાર સાથે જીવી નહીં શકું" ત્યારે શકિત એટલું જ કે છે કે, "શ્યામા હું તારી સાથે લગન કરીને તારી ઉપર નહિ પણ તું મારી ઉપર ઉપકાર કરીશ. અને સુંદરતા તન ની નહિ પણ મન ની હોવી જોઇએ. જો તું મને મનથી સ્વીકારી શકીશ તો જ આપણે આ સબંધને આગળ વધારીશું." આ સાંભળીને બધા ભાવ-વિભોર બની ગયા. અને શ્યામના ચહેરો પણ સાવિની જેમ શરમથી લાલ થઈ ગયો હતો. એ પછીના દસમાં દિવસે બન્ને બહેનપણી સાવિ અને શ્યામા ના લગન ની શરણાઈ એકસાથે ગુંજી ઉઠી.....


બીજા રસપ્રદ વિકલ્પો