INPUT books and stories free download online pdf in Gujarati

ઇનપુટ

વાર્તા-ઇનપુટ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775

સુરત- વાપી વચ્ચે ફોર લેન હાઇવે ચેક પોસ્ટ ઉપર આજે સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હતી.ઈનપુટ મળ્યા હતા કે રાઈફલો,કારતુસ ,આર.ડી.એક્ષ,બોમ્બ,ગ્રેનાઇડ વિ.નો મોટો જથ્થો મુંબઈથી અમદાવાદ તરફ રવાના થઇ ગયોછે.ઇન્સ્પેક્ટર વિશ્વજીત સવારે વહેલા ચાર વાગ્યાથી થી ચાર્જમાં હતા.અત્યારે સાંજે પાંચ વાગ્યા હતા.વાહનો ચેક કરીકરીને થાક્યા હતા પણ કોઈ શંકાસ્પદ વાહન પકડાયું નહોતું.થોડી થોડી વારે ઉપરથી ફોન આવતા હતાકે પાકી બાતમી છે સહેજ પણ ગાફેલ રહેશો નહીં. ઇન્સ્પેક્ટર વિશ્વજીત છ ફૂટ ઊંચો,પડછંદ અને કસાયેલું શરીર સોષ્ઠવ અને ફિલ્મી હીરો જેવી પર્સનાલિટી ધરાવનાર ઈમાનદાર ઓફિસર હતો.મહત્વની કામગીરી વખતે તેમને જ ચાર્જ આપવામાં આવતો.દાણચોરો અને ત્રાસવાદીઓ પણ તેમના નામથી થથરતા કારણકે અઢળક રૂપિયા આપીને પણ તેમની સાથે તોડ થતો નહોતો.

અગાઉ આવી ઘણી જોખમી કામગીરી તેમણે સફળતાપૂર્વક પાર પાડી હતી.તેમના પોતાના લગ્નના ચાર જ દિવસ પછી મુંબઇ દરિયાકિનારે મધ્યરાત્રીએ દાણચોરીનું કરોડો રૂપિયાનું સોનું પકડ્યું હતું.પણ અત્યારે તેઓ બેચેન હતા.પાકી બાતમી હોયતો હજી સુધી કેમ કોઈ સફળતા મળી નથી.તેમની સાથે બીજા વિશ્વાસુ દસ જવાનો પણ તૈયાર હતા.એમની મનોદશા જાણી ગયો હોય એમ બાજુમાં આવેલ ચાની કીટલી વાળો છોકરો ચા લઇને હાજર થઇ ગયો.સાહેબ ખુશ થઇ ગયા.ચા પીને છોકરાની પીઠ થાબડી અને દર કલાકે ચા લાવવાનું કહી દીધું અને સો રૂપિયાની નોટ તેના હાથમાં પકડાવી દીધી.છોકરો ખુશ થઇને જતો રહ્યો.દિવસ આથમી ગયો હતો.સાંજે 6.00 વાગ્યા હતા.

ઇન્સ્પેક્ટર વિશ્વજીત ના ચહેરા ઉપર થાક અને બેચેની વર્તાતી હતી.એક જવાન તેમના માટે ખુરશી લઇને આવ્યો.અને પાણી આપ્યું.હજીતો સાહેબ માંડ માંડ બેઠા હતા એટલામાં તેમનો મોબાઈલ રણક્યો.તેમના ઉપરીનો નંબર જોઇને સાહેબ ખુરશીમાંથી ઊભા થઇ ગયા.ફોન રિસીવ કર્યો.’ અરે વિશ્વજીત શું કરેછે તું? આવી બેદરકારી? ઊંઘી ગયા હતા કે શું બધા?’ ઉપરી અધિકારી એકદમ ગુસ્સામાં હતા.’શું થયું સાહેબ? અમે અહીં ખડે પગે હાજર જ છીએ.’ વિશ્વજીતે શાંતિથી જવાબ આપ્યો.

‘અરે શું ધૂળ તમે ખડે પગે હાજર છો.તમારી ચેકપોસ્ટ ઉપરથી જ હથિયાર ભરેલી ગાડી પસાર પણ થઇ ગઇ અને તમે લોકો ગાફેલ રહ્યા.તમારી ચેકપોસ્ટ ઉપરથી પસાર થયેલી ગાડી આપણા સદનસીબે વીસ કિલોમીટર દૂર પહોંચી હશે ત્યાં તે ગાડીને ભયંકર અકસ્માત થયો છે અને ચાર વ્યક્તિઓ મરી ગયાછે.ત્યાં ના લોકલ પોલીસે બાતમી આપીકે ગાડીની ડેકીમાંથી વિસ્ફોટક સામગ્રી રોડ ઉપર વેરાઈને પડીછે.હાલ જ ત્યાં પહોંચી જાઓ નહીંતર આપણી બંનેની નોકરી જોખમમાં છે.’આટલું કહીને ઉપરી અધિકારીએ ફોન મૂકી દીધો.

ઇન્સ્પેક્ટર વિશ્વજીત તુરંત એલર્ટ મોડમાં આવી ગયા .ચાર જવાનોને અહીં રાખીને બાકીના જવાનો સાથે અકસ્માતના સ્થળે ઉપડી ગયા.ચહેરા ઉપર જોરદાર ગુસ્સો હતો.’સાલ્લાઓ હાથમાં આવે એટલી વાર છે.’બાજુમાં બેસેલા જવાનોને લાગ્યું કે સાહેબ એન્કાઉન્ટર ના મુડમાં આવી ગયા છે.

સેન્ટ્રો કાર ને ટ્રકે જોરદાર ટક્કર મારી હતી.કારના ભુક્કા બોલી ગયા હતા. વિસ્ફોટક સામગ્રી સ્થાનિક પોલીસોએ એક જગ્યાએ એકઠી કરી રાખી હતી.સાહેબે નજીક જઈને કાર સામે જોયું અને ભડક્યા.સાહેબને બત્તી થઈકે આ ગાડીતો આપણી જ ચેકપોસ્ટ ઉપરથી પસાર થઇ હતી.સાથે આવેલા જવાનો અને સાહેબની નજર મળી.નજરથી જ બંને તરફ સમજાઇ ગયું કે એક સામાન્ય ભૂલ કેટલી ભારે પડેછે.વિશ્વજીતે સ્થાનિક પોલીસવાળા ને પૂછ્યું ‘ગાડીમાં કેટલા લોકો હતા અને બધાની શું હાલત છે?’

પોલીસમેને કહ્યું’સાહેબ કુલ છ વ્યક્તિ હતા.પાછલી સીટમાં ત્રણ મહિલાઓ હતી એ ત્રણે ત્રણ ખલાસ થઇ ગઈછે.સાહેબ કરૂણતા એ છેકે લગ્ન ની ગાડી હતી.પાછલી સીટમાં બેસેલો વરરાજા બચી ગયોછે પણ હાલત ગંભીર છે.અને ડ્રાઇવર મરી ગયોછે પણ તેની બાજુની સીટમાં બેસેલી મહિલા બહુ ઘવાઇ છે પણ જીવેછે.ઈન્સ્પેક્ટરે લાશોને પી.એમ.માટે સરકારી દવાખાને મોકલી અને બંને ઘવાયેલાઓ ને સારવાર માટે મોકલી આપ્યા.

બંને પેશન્ટ બેભાન હતા.ભાનમાં આવે ત્યારે જ આગળ વધાય એમ હતું.ડોકટરે આવીને કહ્યું કે ‘સાહેબ,મહિલાની સ્થિતિ એકદમ નાજુક છે કદાચ એકાદ કલાક ખેંચે.’ વિશ્વજીત માટે આ બંનેની ઓળખ કરવી જરૂરી હતી.થોડું વિચાર્યા પછી તેમની આંખો ચમકી.તેમણે ડોક્ટર સાથે થોડી મસલત કરી અને ગાડી લઇને બહાર નીકળી ગયા.

ચાલુ ગાડીએ તેમણે એક કલાક પહેલાં ચેકપોસ્ટ પર બનેલી ઘટના વિશે વિચારવા માંડ્યું.લગભગ પાંચ વાગ્યે તેઓ પોતે તથા બધા જવાનો ચા પી રહ્યા હતા એ વખતે આ સેન્ટ્રો કાર આખી ફૂલોથી શણગારેલી આવી હતી.ગાડીની આગળ વરવધૂ ના નામ લખ્યા હતા.તેમણે ગાડી રોકી હતી.અને નજીક જઇને જોયું તો પાછલી સીટમાં વરરાજા અને બનીઠનીને બેસેલી ત્રણ મહિલાઓ હતી.સાહેબ કંઇ વિચારે એ પહેલાં તો આગળની સીટમાં બેસેલી મહિલાએ સાહેબ ને મીઠાઇ નું પેકેટ આપ્યું અને બોલી કે ‘સાહેબ,મારા ભાઈને આશીર્વાદ આપો’ વિશ્વજીતે હસીને ગાડીને જવા દીધી.આ ભૂલ કેટલી ભારે પડી હતી.ગાડીને અકસ્માત ના થયો હોત તો.આ કલ્પના ધ્રુજાવી દે એવી હતી.વિચારો ઉપર બ્રેક મારી વિશ્વજીતે એક બે જગ્યાએ જઈને અતિ અગત્યનું કામ પતાવવાનું હતું એ પતાવ્યું.

રાત્રે આઠ વાગ્યે આ ઘાયલ મહિલાનું પણ મૃત્યુ થયું.અને થોડીવાર પછી વરરાજા ભાનમાં આવ્યા.ડોકટરે કહ્યું કે’ જે કંઇ પૂછપરછ કરવી હોય એ સવારે કરજો.અત્યારે પેશન્ટ જવાબ આપી શકે એ સ્થિતિમાં નથી.’ ‘ ઓકે ડોક્ટર ‘ વિશ્વજીત પણ હવે થોડો આરામ ઈચ્છતા હતા.

સવારે ચા-નાસ્તો કરીને ફ્રેશ થઇને વિશ્વજીત પેશન્ટના બેડ પાસે આવી ગયા.થોડીવાર પછી ડોક્ટર પણ આવ્યા.પેશન્ટ ભાનમાં હતો.ડોકટરે વાત કરવાની મંજૂરી આપી.’ કેમછે ભઈલા હવે?’ વિશ્વજીતે હળવા મુડમાં કહ્યું.પેશન્ટ ફિક્કું હસ્યો.’તારું નામ અને ગામ સાચેસાચું જણાવીશ?’વિશ્વજીતે હવે થોડુક ઊંચા ટોન માં કહ્યું. ‘સાહેબ,મારું નામ મુન્નો છે અને નડિયાદ નો રહીશ છું.’

‘ જો ભાઇ તારું સાચું નામ અને ગામ મને ખબર છે.અત્યારે તું મારા લોખંડી હાથનો માર સહન કરી શકે એમ નથી.એટલે હાથ ઉપાડતો નથી.આ ગુનાની શું સજા થશે એ તને ખબર નથી.તેં દેશદ્રોહનું કામ કર્યું છે.કદાચ ફાંસી પણ થઇ શકે.’

‘ સાહેબ હું બિલકુલ નિર્દોષ છું.મને ફસાવવામાં આવ્યો છે.મારી સહજ નબળાઇ ના કારણે હું ફસાઇ ગયોછું.મને બચાવીલો સાહેબ.’

‘ અશરફ ,હું તને બચાવવાની તો કોશિશ કરી રહ્યો છું પણ તું મને સહકાર આપતો નથી.’વિશ્વજીતે આંખો ઝીણી કરીને કહ્યું.

‘અશરફ? કોણ અશરફ સાહેબ? હું તો મુન્નો છું.’

‘ જો અશરફ તું વાપીનો રહેવાસી છે.તારી કરિયાણા ની દુકાનછે.તારી પત્ની સ્કૂલમાં નોકરી કરેછે.તારા ફાધરને નાસ્તાની દુકાન છે.અને તારી સાથે જે મહિલા હતી તેનું નામ નફીસા છે અને તે ઈન્દોરની રહેવાસી હતી. બોલ હવે કંઇ કહેવું છે?’

‘સાહેબ,મને બચાવીલો.હું બધું સાચેસાચું કહેવા તૈયાર છું’

‘ તો હવે ફટાફટ બોલવા માંડ.સહેજ પણ છુપાવ્યા વગર.’

‘સાહેબ,મારે મહિનામાં બે વાર મુંબઇ જવાનું થતું.આજથી ત્રણેક મહિના પહેલાં હું મુંબઇ એક હોટલમાં નાસ્તો કરતો હતો એ વખતે પહેલીવાર આ નફીસા સાથે મારે મુલાકાત થઇ.ફિલ્મી હિરોઈન કરતાં પણ તે વધુ રૂપાળી હતી.વાતચીત થી શરૂ થયેલો સંબંધ બહુ આગળ વધી ગયો.તેણે મારી સાથે નિકાહ કરવાનું પ્રોમિસ આપ્યું હતું.અમે પતિપત્ની ની જેમ રહેવા લાગ્યા.મારા મુંબઇ આંટાફેરા વધી ગયા.

આમ ને આમ એકાદ મહિનો વિત્યો હશે તેવામાં એક દિવસ એક અજાણ્યો માણસ મારી વાપીની દુકાને મળવા આવ્યો. થોડી સામાન્ય વાતચીત થઇ.પછી તેણે મને થોડા ફોટા બતાવ્યા.ફોટા જોઇને મારા પગ નીચેથી જમીન સરકી ગઇ.મારા અને નફીસા ના હોટલના બંધ કમરા ના ફોટા હતા.તે પછી તેણે મને જૂની તારીખો નાં ન્યુઝ પેપર કટિંગ બતાવ્યા જેમાં નફીસા નો અન્ડર વર્લ્ડ સાથે કનેક્શન છે તેવો ઉલ્લેખ હતો.મને પરસેવો છૂટી ગયો.મને અંદાજ આવી ગયો કે મેં કેટલી ગંભીર ભૂલ કરી છે.’

‘ મિત્ર,આમાંથી બચવા માટે તમારે અમારું એક કામ કરવાનું છે.બસ પછી તમે તમારા રસ્તે અને અમે અમારા રસ્તે.’પેલા આવનારા ભાઇએ મને સમજાવટની ભાષામાં વાત કરી.મારે તેનું કહ્યું કર્યા સિવાય કોઈ બીજો ઉપાયજ નહોતો.અને આ પ્રમાણે મારે વરરાજા બનીને ગાડીમાં તૈયાર થઇને બેસવાનું હતું અને આ સામાન તેમની જણાવેલ જગ્યાએ પહોંચાડવાનો હતો.માલ અમદાવાદ પહોંચે તે વખતે એ લોકો ડીલીવરી સ્થળ કહેવાના હતા પણ વચ્ચે આ અકસ્માત નડી ગયો.હું ફસાઇ ગયો છું સાહેબ મને છોડાવો.’

‘અશરફ, ગાડીમાં બીજી ત્રણ મહિલાઓ કોણ હતી?’ વિશ્વજીતને રહીરહીને યાદ આવ્યું.

‘સાહેબ,લગ્ન સમારંભોમાં પીરસવા જનારી ગરીબ ઘરની સ્ત્રીઓ હતી બિચારી વગર મોતે મારી ગઇ.’

‘જો અશરફ તારે ફાંસીમાંથી બચવું હોય તો હું તને તાજનો સાક્ષી બનાવીને બચાવી શકું એમ છું.પણ એ માટે તારે હજી પણ જે જાણતો હોય એ મને કહેવું પડશે.તને તો જ બચાવી શકાય જયારે તારી આપેલી બાતમીના આધારે ગુનેગારો પકડાઇ જાય.’

‘સાહેબ,અત્યારે કેટલા વાગ્યા છે?’ ‘સવારના અગિયાર,કેમ?

‘આજે બપોરે બાર વાગ્યે એક ભરવાડ એકસો ગધેડાં લઇને તમારી ચેકપોસ્ટ આગળથી પસાર થશે.ગધેડાં ની પીઠ ઉપર રેતીના કોથળા ભર્યા હશે પણ અંદર હથિયારો અને દારૂગોળો હશે.તમારા સ્ટાફને સૂચના આપીદો સાહેબ.સમય ઓછો છે.અને આ ભરવાડ મોટો ડોન છે તે છટકી ના જાય.’

‘એ પછી બપોરે ત્રણ વાગ્યે એક ટ્રક નીકળશે તેમાં મટન અને મચ્છી ભરેલ હશે.દુર્ગંધ મારતી આ ટ્રક તમે ખાલી કરીનેતો ચેક કરવાના નથી.પણ એમાં વિસ્ફોટક સામગ્રી છે.ઝડપી લો સાહેબ.બસ આનાથી વધારે હું કંઇ જાણતો નથી.’

ઇન્સ્પેક્ટર વિશ્વજીત અસલ મુડમાં આવી ગયા.ઓપરેશન ને આખરી ઓપ અપાઇ ગયો.પોલીસ ફોર્સ બોલાવી લીધી અને બપોરે ત્રણ વાગ્યા સુધીમાંતો ખુરદો બોલાવી દીધો.આખી ગેંગ પકડાઇ ગઇ.

ઇન્સ્પેક્ટર વિશ્વજીતની સમયસૂચકતા થી આ દેશદ્રોહી કાવતરાખોરો જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયા. વાયદા પ્રમાણે અશરફને તાજનો સાક્ષી બનાવ્યો.દેશને આવા જાંબાઝ એક હજાર અફસરો ની જરૂર છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED