દીપમાળા Dineshgiri Sarahadi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

દીપમાળા

વાર્તા- દીપમાળા
- દિનેશગીરી સરહદી

કારતક મહિનાની ઠંડીમાં માદળા તળાવના પાણી પરથી પસાર થઈને વાતો પવન ધરણીધર ભગવાનના મંદિર ને વધારે શીતળતા આપતો હતો. મંદિરે જવાના રસ્તાની બંને બાજુએ લોકો દીવાઓની હારમાળા લઈને બેઠા હતા. લાખોની સંખ્યામાં પ્રગટાવેલા દિવડાઓથી ઢીમા ગામના માદળા તળાવનો કાંઠો ઉષ્મા અને શીતળતા ના સમન્વયથી હૂંફ આપી રહ્યો હતો . પરિવારમાંથી વિદાય થયેલા સ્વજનની યાદમાં દીવા પ્રગટાવીને લોકબોલીમાં રજુ થતા ભજનો અને ગીતોથી ધર્મશાળાઓ ગુંજી ઉઠી હતી.


શંકર બા ની દીપમાળા ભરવા માટે તેમની કુવાસીઓ અને ઘરના પરિવારજનો ગાડી ભાડે કરી ઢીમા આવ્યાં હતાં . અમદાવાદ નોકરી કરતો શંકર બાનો પૌત્ર જયેશ અને પૌત્રવધૂ પ્રીતિ પણ દીપમાળામાં આવવાનાં હતાં. બધાએ સમજાવ્યું હતું કે એટલે દૂરથી પ્રીતિ અને જયેશ ન આવે તો પણ ચાલે પરંતુ ઘણા સમયથી ઘરે ના આવેલાં જયેશ અને પ્રીતિ તો આવશે જ એવું નક્કી થયું હતું.

લગ્ન થયાને બે વર્ષ થયાં હતાં. બે વર્ષના અનુભવ પછી પ્રીતિને એવું લાગવા માંડ્યું કે હવે જયેશના અને પોતાના વિચારો મેળ ખાતા નથી તેથી હવે છૂટાછેડા લઈ લેવામાં બન્નેનું ભલું છે. ભણવામાં પહેલેથી જ હોંશિયાર , સરકારી નોકરી કરતો અને દેખાવડો જયેશ પહેલાં તો ખૂબ ગમતો હતો પરંતુ એકાદ વર્ષ સાથે રહ્યા પછી કેટલીક બાબતોમાં જયેશ તેને ટોકતો હતો તે પ્રીતિને પસંદ ન હતું. શિસ્ત અને નિયમથી ઘર ચલાવવાના સિદ્ધાંતમાં માનતો જયેશ પ્રીતિની નાની નાની બાબતોમાં પણ ચલાવી લેવા માંગતો ન હતો તેથી બંને વચ્ચેનો ઝઘડો બંધ થવાનું નામ લેતો ન હતો .

" આમને આમ કેટલા દિવસ જીવન ચલાવવું ? મારે પણ પર્સનલ લાઇફ હોય મારે પણ મોજ શોખ કરવા હોય , નાની નાની બાબતોમાં ઉશ્કેરાઈ જવું , એમ થોડું કાંઈ ચાલે ? " પ્રીતિએ કહ્યું.

" પણ તને કોણે રોકી રાખી છે ? તારે જ્યાં ફરવા જવું હોય ત્યાં જા ! " જયેશ ખીજાઈને બોલ્યો.

" મારી બેન ને લગ્ન કર્યાને એક વર્ષ જ થયું , તો પણ તેઓ બે જણે અડધા ગુજરાતનો પ્રવાસ કરી લીધો છે તમારી સાથે બે વર્ષ રહ્યા, ભિખારીની જેમ માગણીઓ કરીને થાક્યા ત્યારે માંડ એકાદ-બે જગ્યાએ ફરવા ગયાં છીએ. "

" તું બીજાની સાથે મારી સરખામણી કરતી રહીશ તો આપણે સાથે નહીં રહી શકીએ મારામાં કેટલી સારી બાબતો છે તો કેટલીક ખામીઓ પણ છે જે તારે સ્વીકારવી જોઈએ તો જ બંને સાથે રહી શકીશું. "

" તમારાથી કંટાળી ગઈ છું , તમારી ખામી અને ખૂબીઓ રાખો તમારી પાસે , બસ હવે તો છુટાછેડા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી . "

" મારે પણ તને પરાણે રાખવી નથી ! તને એમ લાગતું હોય કે હવે છૂટાછેડા લેવા જોઈએ તો અડધા ડોક્યુમેન્ટ તો તૈયાર જ પડ્યાં છે. મારે આજે ગામડે જાવું છે, દાદાની દીપમાળા નો પ્રસંગ પતી જાય પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે ! અસલ મારા બાપનો છું તો બોલ્યા પછી બીજું નહિ બોલું !!! "

" ગામડે તો મારે પણ આવવું છે . મમ્મી અને દાદીને છેલ્લી વખત મળી લેવું છે. ત્યારપછી તમારી સાથે રહું તો હું પણ બીજા બાપની ! "

બન્ને વચ્ચે ચાલતા કંકાસની ઘરે પણ ખબર પડી ગઈ હતી. પરિવાર પણ તેમની દરરોજની માથાકૂટથી કંટાળ્યો હતો .

" આ તમને ભણેલા ગણેલા લોકો ને હળીમળીને રહેવાનું શું સમજાવવાનું હોય? અમને તો એ જ ખબર નથી પડતી. " આવી શિખામણ પરીવાર દ્વારા તો કેટલીયે વાર આપવામાં આવી હતી .

સાંજે સાતેક વાગ્યે જયેશ અને પ્રિતી ઢીમા પહોચ્યાં. બન્ને ને કકડીને ભૂખ લાગી હતી . મમ્મી અને દાદી ને પગે લાગી જયેશ અને પ્રીતિએ આશીર્વાદ લીધા. માથા પર હાથ ફેરવીને મમ્મી અને દાદીમાએ જયેશ અને પ્રીતિને કહ્યું, " ડાહ્યા હતાં અને ડાહ્યા થાજો ! ખૂબ મોટું મન રાખી જીવન જીવજો બેટા ! "

જયેશની મમ્મીએ ઘેરથી ટિફીન બનાવીને લાવ્યું હતું. બન્ને જણાએ ધરાઈને જમ્યા બાદ અલગ અલગ રીતે ધરણીધર ના મંદિરે દર્શન કરવા ગયાં. પ્રીતિને ઈતિહાસમાં ખૂબ રસ હતો મંદિરના ઈતિહાસ વિશે ના બોર્ડમાં માહિતી વાંચીને પ્રીતિને ખૂબ આનંદ થયો. બાજુમાં આવેલા ઢીમણનાગ ના મંદિરે દર્શન કરવા ગયા તે મંદિરના ઈતિહાસ વિશે જાણીને પણ તેને ખૂબ મજા આવી. સરહદની ધરતી આટલો જૂનો ઇતિહાસ સંઘરીને બેઠી છે તે વાત જાણતાં આ ધરતી માટે તેને પ્રેમની સરવાણી ઉભરાઇ.


દીપમાળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. દાદીમા અને બીજી મહિલાઓ દીવેટો તૈયાર કરવા લાગી. પાટલા ઉપર બાજરીના દાણા સરખા કરી તેના ઉપર દીવો પ્રગટાવવામાં આવ્યો. ભજનો અને સત્સંગ ચાલુ થયાં. શંકર બાપા ના જીવન ના પ્રસંગો પરિવારજનોના માનસપટ પર જીવંત થવા લાગ્યા .


" એમના ગયા પછી મારા જીવનની છેલ્લી એક જ ઈચ્છા હતી કે ભક્તિ ભાવથી એમની દીપમાળા ભરવી. " ઘણા સમયથી શાંત બેઠેલા દાદીમા બોલ્યા , " જો દીપમાળા ભરવાની બાકી રહી ગઈ તો બીજો જન્મ પણ તેમને અંધાપો વેઠવો પડશે. હે ધરણીધર શામળિયા મારા મા-બાપ દયા કરજે ! એમની આ દીપમાળા માની લેજે અને આવતા જન્મે એમને સારી આંખો આપજે ! આ જન્મારો તો એમણે અંધાપામાં કાઢ્યો બીજો જન્મ એમણે જ્યાં પણ લીધો હોય એમને દેખતા કરજે ! "

અંધ પતિ પ્રત્યે પણ આટલો બધો પ્રેમ જોઈને પ્રીતિ ભાવવિભોર થઈ ગઈ. બધાં શાંત થઈ ગયાં . પ્રીતિએ દીવામાં થોડું દીવેલ પૂર્યું. થોડો ઝાંખો પડેલો દીવો સહેજ વધુ પ્રકાશિત થયો. બધાં દાદીમા સામે જોઈને બેઠાં હતાં. દીવો પ્રકાશિત થતાં કરચલીઓ પડેલો દાદીમાનો ચહેરો વધારે સ્પષ્ટ દેખાવા લાગ્યો.

એકબીજાની ખામીઓ અને ખૂબીઓ શોધવાને બદલે એકબીજાના પૂરક થઈ જીવન જીવવાની મજા આવે તે વાત દાદીમાએ જ્ઞાન આપીને નહીં પરંતુ જીવન જીવીને બતાવી.અહી તો સાત સાત ભવના સંગાથની વાત થાય છે. જયેશ અને પ્રીતિ વિચારવા લાગ્યાં કે દાદાજી અને દાદીમા વચ્ચે ક્યારેય ઝગડો નહી થયો હોય ? એ લોકોને તો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર પણ તેમની પાસે ન હતો. આપણે તો ત્રણ વર્ષ સાથે ભણ્યાં, એક બીજાં ને ખૂબ નજીકથી ઓળખ્યાં પછી લગ્ન કર્યાં છે અને હવે નાની નાની બાબતમાં એકબીજાની ભૂલો શોધીએ છીએ.

બીજા દિવસે બધાં ઘેર ગયાં. ઘણા દિવસે ઘેર પરત આવેલા દંપતીને સગા સંબંધીઓ બધાં માથે વહાલથી હાથ ફેરવતા હતા અને આશીર્વાદ આપતા હતા.

જયેશ અને પ્રીતિ પર આની ખૂબ અસર થવા લાગી હતી. એકબીજાની ખામીઓ જોવાનું બંધ થતાં હવે બંને એકબીજાને ગમવા લાગ્યાં હતાં. ' તું તારા રસ્તે અને હું મારા રસ્તે ' વાળી વાત ભુલવા જતાં હતાં . તેમના જીવનમાં પ્રેમની દીપમાળા પ્રગટવા જઈ રહી હતી ત્યારે જ જયેેેશના મોબાઇલ ફૉન પર રીંગ વાગી ,
" રઘુ કુળ રીતિ સદા ચલી આઇ....
પ્રાણ જાય અરુ બચન ન જાય.... "

- દિનેશગીરી સરહદી