ઢોલ - ( સામાજીક એકતાનું પ્રતીક) Dineshgiri Sarahadi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઢોલ - ( સામાજીક એકતાનું પ્રતીક)

ઢોલ ( સામાજિક એકતા નું પ્રતીક )
લે. - દિનેશગિરી સરહદી
#સરહદવાણી

" ધ્રૂબાંગ.... ધ્રૂબાંગ. ......ધ્રૂબાંગ. ....... "
" ધ્રુબાંગ......ધ્રુબાંગ... .."

સીમાડાને ગજવી નાખે અને મોરલાઓને ગહેકાટ કરવા મજબૂર કરે તથા નાના બાળકો ચીસો પાડી જાય એવો ઢોલ ગર્જયો .
વાંઢિયે - વાંઢિયે ટોળે વળીને બેઠેલા લોકો ખાટલા પરથી ઉભા થઈ ગયા. ( ખેતરમાં રહેઠાણ બનાવીને વસવાટ કરતા લોકોના ઠેકાણાને ઉ.ગુ. માં વાંઢિયો કે ઢાણી તરીકે ઓળખાય છે.)
" શું થયુ ? કેમ અચાનક આવો સંકટ સમયે વાગે તેવો કષ્ટદાયક ઢોલ વાગ્યો ? "

બનાસકાંઠાની ધરતીને ધમરોળીને મેઘરાજા હાંફીને આરામ કરવા બેઠા હોય તેમ થોડો વિરામ લીધેલો . જોકે ઝરમર ઝરમર ફુવારાતો ચાલુ જ હતા. આવા વાતાવરણમાં ખેતીનું કામ થઈશકે તેમ ન હોવાથી બે - ત્રણ વાંઢિયાના લોકો ભેગા મળીને બેસે. ' આ ગામમાં આટલું પાણી આવ્યું , પેલા ગામમાં આટલું નુકસાન આવ્યું . ' આવી ચર્ચાઓ થાય. થોડી ભાજપ - કોંગ્રેસની ચર્ચાઓ થાય. પછી તપેલી ભરીને ચા બનાવાય. ચા પીધો , પછી સભાનું વિસર્જન થાય. ( " ચા " સ્ત્રી લિંગ શબ્દ છે પણ ઉ.ગુ . ના કેટલાક વિસ્તારમાં પુ.લિંગ શબ્દ તરીકે વપરાય છે. )

અચાનક થયેલા ઢોલના ઘોંઘાટથી લોકો ચોકી ઉઠયા અને ચા ના વાસણ હાથમાં જ રહી ગયા.
દૂર થી લોકોનો આછો પાતળો અવાજ સંભળાતો હતો . ટોળે વળેલા લોકો કાન સરવા કરીને સાંભળવા લાગ્યા.

" જોડીયાળીનું ......... પેપળીયું ......"

આટલો અવાજ સંભળાયો ત્યાં ટ્રેક્ટરોના ઘોંઘાટ સરૂ થયા. એક .... બે ..... ત્રણ. ....... લગાતાર ટ્રેક્ટરો રસ્તા પરથી પસાર થવાને કારણે માણસોનો અવાજ સંભળાતો બંધ થયો . ચા પીવા બેઠેલા ટોળામાંથી એક વડીલ બોલ્યા,

" જોરડીયાળી ગામનું પીંપળીયું તળાવ ફાટ્યું લાગે છે એનો ઢોલ વાગતો સંભળાય છે. ચાલો , આપણું ટ્રેક્ટર પણ લઈ લો , થાય એટલી મદદ કરીશું ! "
વડીલની વાત પુરી થાય તે પહેલા તો એક યુવાન ટ્રેક્ટરને બ્રેક પર વળતું કરીને રેશ ( એકસીલેટર) આપ્યો . આખી ટીમ સવાર થઈ ગઈ. વડીલ પણ બેઠા. ખેતરમાંથી ટ્રેક્ટર જોરડીયાળી રોડે ચડયું, ડ્રાઈવરે રેશનું પાટીયું દબાવ્યું . ધુમાડાના કાળા ડિબાંગ ગોટા કાઢતા ટ્રેકટરે ત્રાડ નાખીને પવનનો વેગ પકડયો .

માવસરી, જોરડીયાળી, તખતપુરા , મીઠાવી , દૈયપ વગેરે વાવ તાલુકાના અને ગુજરાતના છેલ્લા ગામડાં . આ ગામોની ઉત્તર દિશાએ પસાર થાય છે 'લૂણી ' નદી . નદીના પ્રકોપથી બચવા ઘણા વર્ષો પહેલા લોકોએ માત્ર પાવડા અને તગારાના ઉપયોગથી બાંધેલો મજબૂત બંધ, જે આજે પણ ગુજરાત અને રાજસ્થાનની હદ નક્કી કરતો હોય એમ અકબંધ છે. માવસરીથી અંદાજે પચાસેક કિ.મી. પશ્ચિમ દિશા તરફનું રણ વટાવીએ એટલે પાકિસ્તાન સરહદ આવે. રાજસ્થાનની સખત ઠંડી અને કાળઝાળ ગરમીનો અનુભવ કરતાં આ ગામોને આ વર્ષે ઘણા સમય બાદ રાજસ્થાનના પાણીનો પણ અનુભવ લૂણી નદી દ્વારા થયો . આ નદી વટાવીએ એટલે ત્યાં પણ રણ આવે. પશુપાલકો ત્યાં પશુઓ ચરાવવા જાય . આ વિસ્તાર નઇડ, નૈયડ કે નઇયડ તરીકે ઓળખાય છે.

રોડ પર વળાંક આવ્યો એટલે ટ્રેક્ટર ધીમુ પડતાં વડીલે વાત શરૂ કરી ,

" ઢોલ વગાડનાર જાતિની છાંટ લઇને આભડછેટના નામે આપણે તેમનાથી દૂર રહીએ છીએ પરંતુ સંકટ સમયે આ લોકોએ જ બધાને સચેત કર્યા છે. આગ લાગી હોય, પૂર આવ્યું હોય , ગામ ઉપર અન્ય કોઈ સંકટ હોય કે કોઈ જરૂરી સંદેશ લોકો સુધી પહોંચાડવાનો હોય, બૂમ પાડીને સંભળાવી શકાય તેમ ન હોય ત્યારે ઢોલ જ ત્રાડ નાખી શકે . રજવાડા પર સંકટ હોય ત્યારે કે સંસ્કૃતિ બચાવવા યુદ્ધ કરવાની જરૂર પડે તો લડવા માટેની માનસિક તૈયારી કે વિષયાભિમુખ ઢોલ દ્વારા જ થયુ છે. રાજ્ય પર આફત આવે ત્યારે ઢોલ વાગતો અને લોકો નાત-જાતના ભેદ ભૂલી એક થઈ સંકટનો સામનો કરતા. આથી ઢોલ એ સામાજિક એકતાનું પ્રતિક છે. દિકરીઓ કાનૂડાના ધોળ ગાવે ત્યાં ઢોલ ન હોય તો વાતાવરણ સુનુ લાગે છે. યજ્ઞ કે લગ્ન શાસ્ત્રોકત વિધિનું જેટલુ મહત્વ છે એટલું જ ઢોલનું કારણકે, ઢોલના અવાજથી વાતાવરણ જીવંત લાગે છે. આપણે નથી કરી એટલી સંસ્કૃતિની સેવા ઢોલ વગાડનાર લોકોએ કરી છે અને આપણે તેની ગણના કરતા નથી. અને છાંટ લઇએ છીએ. "

ટ્રેક્ટરના પડખા પર બેઠેલ એક યુવાન આ વાત સાંભળતો હતો . ખિસ્સામાં પેન હતી તે પરથી તે શિક્ષિત હોય તેવું લાગતુ હતું. તેણે વડીલની વાતને સમર્થન આપતાં વચ્ચે જ બોલી ઊઠ્યો ,

" બા , એ છાંટ - બાંટ તમે લીધી એ ઘણી અમે તો બધા સાથે હૉટલ માં જમીએ, ચા પીએ , સાથે ભણીએ, નાસ્તો કરીએ છીએ અમને કયાંય નાત-જાત નડતી નથી . "
( કેટલાક વિસ્તાર માં મોટી ઉંમરના વડીલોને 'બા ' કહીને બોલાવે છે. )
" હા ભાઇ , તારી વાત સાચી છે અમે તો આખી જિંદગી નાત જાત ના બંધન માં જીવ્યા પણ તમે બધા સાથે હળીમળીને રહેજો .બધા સમાજને જોડવાનું કામ થાય તો કરજો પણ તોડવાનો તો વિચાર પણ ન લાવતા , આવનારો સમય ખૂબ......... "

વડીલ હજુ કંઈક કહેવા માંગતા હતા પણ વાત કરે તે પહેલાં જોરડીયાળી આવી ગયું .
લોકોનાં ટોળાં ઉમટેલા છે. સદનસીબે પેપળીયુ તળાવ નથી ફાટ્યું પણ બાજુમાં આવેલ ખેતરનો બંધ તૂટ્યો હતો . આ બંધ પણ જથ્થાબંધ પાણી સંઘરીને બેઠો હોઇ તૂટતાંની સાથે માથા સામા ઊંચા પાકા રોડને સાફ કરીને પાણી ગામ સુધી ધસી આવ્યું.જાગૃત ઢોલ વાદકે તળાવ ફાટ્યું સમજીને ઢોલ પર દાંડી પીટી લોકોને સચેત કર્યા.

એકત્ર થયેલા લોકોએ તળાવ ફરતે આંટો માર્યો. તૂટે તેવી જગ્યાએ યુવાનોની મદદથી વધુ માટી નાખી પાળ મજબૂત બનાવી સંકટનો સામનો કરવા એક ડગલું ભર્યું. ઢોલનો અવાજ નિરર્થક ન રહ્યો તેનો બધાંને આનંદ થયો . યુવાને કરેલી અસ્પૃશ્યતા નિવારણ ની વાત ઘણા મનોમંથન બાદ વડીલના દિલમાં ઉતરવા લાગી. નાત જાત ના ભેદભાવ અને બંધન માં પોણા ભાગનું જીવન પૂર્ણ થઈ ગયાના અફસોસ ની વચ્ચે ભાવી પેઢી હળીમળીને જીવશે તેવો વિશ્વાસ વડીલના હૃદય માં આવતાં ચહેરા પર હરખની રેખાઓ અંકાઈ.

#સરહદદવાણી
#sarahadvani
(સરહદ વાણી - સત્ય વાણી)
- દિનેશગીરી સરહદી