" અગેણી" લે.- દિનેશગીરી સરહદી એ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયેલી મેઘલી રાત.... વીજળીના કડાકા.... ઇલેક્ટ્રિકના થાંભલા પડી જવાથી ફેલાયેલો અંધારપટ....પવનના સુસવાટા ને લીધે વૃક્ષો બિહામણા અવાજ કાઢીને ભય ફેલાવતાં હતાં. એ કાળમુખી ઘડીઓ યાદ આવી જાય ત્યારે હૃદય હચમચી જાય છે અને નીંદર હરામ થઈ જાય છે.
ચાર્જિંગના અભાવે ડીમ થઈ ગયેલી ટોર્ચના ઝાંખા અજવાળે મારી પત્ની વર્ષાએ આવીને કહ્યું ," કહું છું, સાંભળો છો ? "" હા, બોલ ને ! "" પાયલબેનને પેટમાં દુખાવો ઉપડ્યો છે ! "ઘડી ભર હું નિરુત્તર થઈ ગયો . પછી કહ્યું, " ગીતા ભાભીને વાત કરી ? "" હા . તેમણે પણ એમ કહ્યું છે કે દવાખાને જાવું પડશે . " હું જ હિંમત હારી જાઉં તો ઘરના બધાને કેવું લાગશે ? એટલે મેં નિશાસો નાખતાં રહી ગયો. મારા મન પર એક જ સવાલે કબજો જમાવી દીધો હતો કે , " હવે શું કરવું ??? " કોઈક ગાડીવાળાને બોલાવવા ફોન હાથમાં લીધો તો નેટવર્ક બિલકુલ નહીં. ત્રણ ત્રણ દા' ડા થી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હોઈ ઘરના તમામ મોબાઈલ ફોન સ્વિચઓફ...ઢીંચણ સમા પાણીમાં ચાલીને ગાડી વાળા મિત્રોના ઘરે જઈ આવ્યો . બધાનો એક જ જવાબ , " મારા ભાઈ તારા માટે ગાડી લઈ જવાનો ના ન હોય પરંતુ આપણા ગામેથી શહેરમાં જવાના બધા જ રસ્તાઓ પાણીથી ભરાયેલા છે. દાંતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાથી બનાસ નદી બંન્ને કાંઠે ભરપૂર ચાલે છે. રાજસ્થાનથી આવેલા પાણીએ રસ્તાઓ તોડીને રમણ-ભમણ કરી નાખ્યું છે. રસ્તાઓ ઉપર તોતિંગ વૃક્ષો આડા પડ્યા છે. "નિરાશ થઈને હું પાછો ઘરે આવ્યો. સતત ચાલુ રહેવાથી ઝાંખો પ્રકાશ આપત્તી ટોર્ચ પણ હવે બંધ થઇ ગઇ હતી. બધી જ બાજુ અંધકાર.... અંધકાર.... અંધારામાં દેખાવા માટે આંખો સક્ષમ બને ત્યાં તો વીજળીના ચમકારા ક્ષણીક પ્રકાશ ફેલાવીને આંખોને નિર્બળ બનાવી રહ્યા હતા. હવે તો આંખો બંધ રાખીએ કે ખુલ્લી અમારા માટે બધું સરખું જ હતું. બસ અંધકાર... જ અંધકાર.... આર્થિક રીતે ખૂબ સારી સ્થિતિ ધરાવતું અને ભૌતિક સુવિધાઓ થી સજ્જ અમારું કુટુંબ આજે કુદરત સામે લાચાર હતું.******************************* બે ભાઈની લાડકી બેન પાયલ. પાયલનાં લગ્ન કર્યાને ચાર વર્ષ થઈ ગયાં. મુરતિયો પણ ખાન દાન કુટુંબનો અને સંસ્કારી , શિક્ષિત અને ગુણવાન હોવાથી મારા દાદાજીએ સાટા વગર રૂપિયો લીધો ( સગાઈ નક્કી કરી) હતો. સગાં સંબંધિઓ પણ પાયલની સાસરિયાઓના વખાણ કરતા થાકતા ન હતા. તેની બહેનપણીઓ ને પણ પાયલના સુખી જીવનની ઈર્ષ્યા થઈ આવે એવી સુખી જિંદગી. પાયલના સસરા ગામના અને સમાજના આગેવાન હોઈ માઢમાં પાંચ- દસ માણસોનો મેળાવડો તો હોય જ. દરરોજ આટલા લોકોના ચા-પાણી, રોટલા બનાવવામાં પાયલ ક્યારેય કંટાળી નથી. તે માનતી હતી કે મારું સદભાગ્ય છે કે આટ આટલા લોકોને મારા હાથની રસોઈ જમાડવાનો અવસર વિધાતાએ મારા નસીબમાં લખ્યો છે. સાસરા પક્ષ વાળા પણ પાયલના ગુણો નું વર્ણન કરતા થાકતા ન હતા.પાયલને અગેણીને આંણે તેડાવી ત્યારે તેને એક દીકરીનો જન્મ થયો હતો. તે સમયે તેના બે ભાઈઓ એ ભેગા મળીને રંગે ચંગે તેની અગેણી ભરી ત્યારે આખું ગામ જોવા આવ્યું હતું. કરિયાવરમાં આપે તેના કરતાં પણ સવાયી ચીજ વસ્તુઓ અને ઘરેણાં તેના ભાઈઓએ પાયલને બક્ષિસ કર્યાં હતાં.આ વખતે તેની બીજી પ્રસુતિ હોઇ પિયરીયાએ પાંચમે મહિને પાણી પાવા તેડાવી. જો ભગવાન દીકરો આપશે તો ગોગાના મંદિરે તેની સાકરતુલા કરવાની માનતા તેની ભોજાઈઓએ રાખી હતી.તેની એક ભાભીએ તો અળવાણા ચાલવાની બાધા રાખી. ભગવાન દીકરો આપશે પછી જ પગમાં પગરખાં પહેરવાની કઠોર પ્રતિજ્ઞા લીધી. નણંદ ભોજાઈઓ વચ્ચે આવો પ્રેમ હતો.*************** ****************** આજે પાયલને પ્રસુતિની પીડા ઉપડી હતી ." હે... ભગવાન... હવે શું કરવું...???? "કલાકો સુધી કસરત કરનારો , સેંકડો પુસ્તકોનું જ્ઞાન ધરાવનાર આજે હું નિર્બળ બની ગયો હતો. મારા હૃદયના ધબકારા વધ્યે જતા હતા. ઠંડો પવન અને વરસાદી માહોલ હોવા છતાં મારું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. મારી પત્નીએ મને પાણીનો કળશિયો ભરી આપ્યો. પાણી પીવાથી થોડી રાહત થઈ. પણ.... પાયલનો પીડાથી કણશવાનો અવાજ મારા કાને અથડાયો....."ઓ...હો. ... હવે તો મારે કંઈક કરવું જ જોઈએ...!!!!" મોટા માણસોની ઓળખાણો આજે કઈ કામ આવતી ન હતી. એમ્બ્યુલન્સનો પણ સંપર્ક ના કરી શકયો . એમ્બ્યુલન્સ આવે તેવી શક્યતા જ ન હતી કારણકે રસ્તાઓ કેડ સુધી પાણીથી ભરાયેલા હતા.પીડાને લીધે પાયલનો કણશવાનો અવાજ વધ્યે જતો હતો. થોડાં વર્ષ પહેલાં જ એક ડોશીમા સ્વર્ગસ્થ થયાં તે પ્રસુતિ કરાવવામાં માહેર હતાં .દવાખાને જવાની પ્રથાને કારણે ઘરે પ્રસુતિ કરાવવાની સેવા કરવા વાળું ગામમાં કોઇ જ નહતું.શહેરનું દવાખાનું દસેક ગાઉ દૂર હતું. પાયલ ચાલી શકે તેમ ન હતી. દવાખાને જવું હવે ફરજિયાત બની ગયું હતું. પાણી તો ચાર પાંચ દિવસ સુધી ઓછું થાય તેમ ન હતું. એટલે વાહનો ચાલુ થવાના ન હતા. સરકારી રાહત કે હેલિકોપ્ટરની સહાયની રાહ જોઇને બેઠા રહેવું અમને પરવડે તેમ ન હતું. સવાર પડે ત્યારે પણ વરસાદ બંધ ન થાય તો પરિસ્થિતિ વધુ વિકટ બની જાય. પ્રસુતિ સમયે કોઈ પુરુષ ત્યાં ન જઈ શકે એવો રિવાજ કોઈ વ્યવસ્થાના ભાગ રૂપે બન્યો હશે પણ આજે વ્યવસ્થાના ભાગ રૂપે આ નિયમ તોડીને બે ભાઈઓ બેનની પાસે આવ્યા. કોઈ ઉપાય ન રહેતાં બહેનને ખાટલા ઉપર સુવડાવી ને અમે બંન્ને ભાઈઓએ એ ખાટલો ઊંચક્યો અને ચાલી નીકળ્યા કુદરત સામે ઝઝૂમવા. બહેનને કપડું ઓઢાડીને ઉપર પ્લાસ્ટિક ઓઢાડી દીધું હતું. પ્લાસ્ટિક ઉપર વરસાદ મારો શરૂ થયો. હવે અમને પ્લાસ્ટિક અને વરસાદ ના ઘમસાણનો જ અવાજ સંભળાતો હતો. કદાચ પોતાના ભાઈઓ હીંમત ન હારે એટલે પાયલ પીડા સહન કરીને પણ કણશવાનું બંધ કર્યું હશે તો પણ ભગવાન જાણે. ગામમાં કોઈ જાગતું ન હતું.ખાટલો ઉપાડીને કમર સુધીના પાણીમાં એકાદ કિમી જેટલો રસ્તો કાપતાં અડધા કલાકથી વધારે સમય થયો. રસ્તા પર પાણીનો વધારો થતો હતો . અમને ચિંતા થતી હતી કે શહેર સુધીનો રસ્તો કેમ કપાશે. ? વરસાદ બંધ થવાનું નામ લેતો ન હતો. કુદરતે અમારી સામે ક્રૂરતા આદરી હતી. પાણીમાં છુપાયેલા બાવળના કાંટા પગને ડંખ મારી રહ્યા હતા.બીજા રાજ્યમાં અતિવૃષ્ટિ થઈ તેનું પાણી યમદૂત બનીને આવી રહ્યું હતું. રસ્તામાં નીચાણવાળા ભાગમાં પડેલો ભયંકર વોકળો પાકા રોડના અંગોના ટુકડા કરી કરીને ખેંચી ખેંચીને બે માથોડા ઊંડી ખાડ પાડીને નદી સ્વરૂપે વહી રહ્યો હતો. ત્યાં તો પાયલનો અવાજ સંભળાયો ..,," ભાઈ ખાટલો નીચે મૂકો !!! " પણ પાણીમાં ખાટલો ક્યાં મૂકવો ?વીજળીના લાંબા સમયના ઝબકારાથી થોડે દૂર ટેકરી જેવો વિસ્તાર દેખાયો ત્યાં ખાટલો ઉતાર્યો. તેની ભાભીઓ નજીક ગઈ. પાયલે મૃત બાબાને જન્મ આપ્યો. હોંશભેર ભર્યા ખોળે બેનને સાસરે મુકવાનું અને અગેણીના આંણાનું અમારું સ્વપ્નું વરસાદના પાણીમાં ધોવાઈ ગયું.. હજુય અમારી કસોટી કરવાની બાકી હોય તેમ મારી બેન બેભાન થઈ ગઈ. અમે ભેગા મળીને તેને બોલાવવાનીકોશિશ કરી," પાયલ...! પાયલ....! આંખો ખોલ..... પાયલ...!"" જો વરસાદ પણ બંધ થઈ ગયો ... પાયલ....! ""પાયલ...!...બેન.. પાયલ...."" પાયલ....! રસ્તો ચાલું થઈ ગયો...પાયલ...! ચાલો આપણે ઘેર જઈએ ....."પાયલને દાદા પ્રત્યે વિશેષ પ્રેમ હતો. દાદા સ્વર્ગે સિધાવ્યાને બે વર્ષ થઈ ગયાં હોવા છતાં પણ અમે ખોટું બોલ્યા," પાયલ...આ બાજુ દેખતો દાદા આવ્યા ! "બધાં જ કહેવા લાગ્યાં,"દાદા આવ્યા...દાદા....આવ્યા....."" પાયલ....! દાદા બોલાવે છે.....હવે તો બોલ....!!!!" અમે બધાંએ પાયલને વારા ફરતી બોલાવવાની કોશિશ કરી . વારંવાર દાદા શબ્દ સાંભળીને પ્રેમના કારણે તેના મૃત શરીર માં જાણે નવો પ્રાણ આવ્યો. ખૂબ પ્રયત્નને અંતે તે બે ચાર શબ્દ બોલી," ભા...ઈ... તા..રી... .ભાણીને.... સાચવીને... રાખજે... ! હું...હવે. .. લાંબા.... ગામતરે... જાઉં.... છું....! ત્યાં થી... પાછા આવવાના.... બધા....જ...રસ્તા... બંધ... છે..હું પણ દાદા પાસે જાઉં છું !!!!!"કહીને પાયલે આંખો બંધ કરી દીધી...!