સુખનો પાસવર્ડ - 16 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખનો પાસવર્ડ - 16

મદદ કરવા માટે માત્ર દાનતની જ જરૂર હોય છે

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

વર્ષો અગાઉ એક વાત વાંચી હતી. એક નાનકડી છોકરી તેનાથી પણ નાના એક છોકરાને ઊંચકીને જઈ રહી હતી.

એટલી નાનકડી છોકરીને એક બાળકને ઊંચકીને ચાલી રહેલી જોઈને કોઈને કુતૂહલ થયું. તેણે તે છોકરીને પૂછ્યું: ‘તને ભાર નથી લાગી રહ્યો?’

‘આ ભાર નથી મારો નાનો ભાઈ છે!’ છોકરીએ ફટ દઈને જવાબ આપ્યો!

એ છોકરીને ટક્કર મારે એવી ઘટના સપ્ટેમ્બર, 2015માં ઝારખંડમા બની હતી. એક છોકરીએ તેના ભાઈને બચાવવા માટે અણધાર્યુ પગલું ભર્યું હતું. માલતી તુડુ નામની તે છોકરીના બહાદુરીભર્યા પગલાંથી તેના છ વર્ષના ભાઈ માઇકલનો જીવ બચી ગયો.. ઝારખંડના ગોડ્ડા જિલ્લા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અગિયાર વર્ષની એક છોકરી એક છ વર્ષના છોકરાને લઈને પહોંચી ગઈ. તે છોકરો તાવથી ધખી રહ્યો હતો. આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ તે છોકરીને પૂછ્યું કે તું કોની સાથે આવી છે? ત્યારે જવાબ મળ્યો કે હું મારા ભાઈ સાથે આવી છું.

કર્મચારીઓએ કહ્યું: ‘તારી સાથે કોઈ મોટી ઉમ્મરની વ્યક્તિ આવી છે?’

છોકરીએ કહ્યું: ‘ના, હું એકલી જ મારા ભાઈને લઈને આવી છું.’

થોડી પૂછપરછ પછી જિલ્લા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને સમજાયું કે તે નાનકડી છોકરીએ તેના બીમાર નાના ભાઇને ખભા પર ઊંચકીને, ખતરનાક વિસ્તારને પાર કરીને, તેના ગામથી ૮ કિલોમીટર દૂરના જિલ્લા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડ્યો હતો! બન્યું હતું એવું કે ઝારખંડના ગોડ્ડા જિલ્લાના પહાડી વિસ્તારમાં આવેલા ચાંદના ગામના બાળક માઇકલની હાલત બહુ ખરાબ થઇ ગઇ હતી. માઇકલ અને માલતી કેટલાક વર્ષ પહેલાં અનાથ થઇ ગયા હતા. માલતી અને માઇકલના માતા-પિતાનું કેટલાક વર્ષ પહેલાં મગજના મલેરિયાને કારણે મૃત્યુ થયું હતું. અને તે બન્ને તેમના દાદા-દાદી સાથે રહેતા હતા.

માલતીના નાના ભાઈને સખત તાવ ચડ્યો ત્યારે માલતી અને તેનો ભાઈ ઘરે એકલા જ હતાં. માલતીના દાદા-દાદી સાંજે જ ઘરે આવવાના હતા. માઈકલનો તાવ વધતો જતો હતો અને તે રડી રહ્યો હતો. માલતી પહેલા તો મુંઝાઈ ગઈ. તેના ગામમાં કોઈ ડોક્ટર નહોતો. અને નજીકમાં નજીકનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આઠ કિલોમીટર દૂર હતું.

નાનકડી માલતીને એટલું સમજાયું કે ભાઈની તબિયત ખરાબ છે એટલે તેને ડોક્ટર પાસે પહોંચાડવો જોઈએ. પણ માલતીના ગામમાં કોઈ વાહનની સુવિધા નહોતી. સ્વાભાવિક રીતે માલતી પાસે પૈસા પણ નહોતા. આથી તેની પાસે નજીકની સરકારી હોસ્પિટલ સુધી પહોંચવા માટે તેના ભાઇને ખભે ઉઠાવીને કેટલાય કલાકો સુધી પગે ચાલીને જવા સિવાય તેની પાસે કોઇ વિકલ્પ નહોતો. માલતીએ તેના ભાઈને ઊંચકી લીધો અને જિલ્લા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફ ચાલવા લાગી. તે જ્યારે ચાલતા ચાલતા થાકી જતી તો થોડીવાર બેસીને આરામ કરી લેતી. અને રડી રહેલા ભાઈનું માથું પોતાના ખોળામાં રાખીને તેને છાનો રાખવાની કોશિશ કરતી હતી. થોડો આરામ કર્યા પછી તે ભાઇને ઉઠાવીને ફરી ચાલવા લાગતી. તેના ગામની આસપાસનો વિસ્તાર ખડકાળ છે, એવા રસ્તામાં આઠ કિલોમીટર ચાલીને અને એ પણ પોતાના ભાઈને ઊંચકીને પહોંચવું એ એક અસાધારણ કામ હતું.

માલતી આઠ કિલોમીટર સુધી પોતાના ભાઈને ઊંચકીને ચાલતા ચાલતા જિલ્લા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી. તે થાકીને લોથ થઈ ગઈ હતી, પણ ત્યાં ફરજ પરના કર્મચારીઓને તેણે કહ્યું કે મારો ભાઈ બહુ બીમાર છે એની જલદી સારવાર કરો! આટલા કલાકો સુધી કશું ખાધા વિના તે ચાલતી રહી હતી. અને તેને સખત થાક લાગ્યો હતો, પણ એની પરવા કર્યા વિના તે પોતાના ભાઈને સારવાર અપાવવા વ્યાકુળ હતી!

માલતીના ભાઈને પ્રાથમિક સારવાર અપાઈ, પણ જિલ્લા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બહુ ઉચ્ચ કક્ષાની સારવાર થઈ શકે એમ નહોતી અને માલતીના ભાઈની હાલત બહુ નાજુક હતી. સદ્ભાગ્યે એક સામાજિક કાર્યકર્તા ત્યાં હાજર હતો. તેણે માલતીની કથની સાંભળી અને ત્યાંથી તેણે તેમને ગોડ્ડાની જિલ્લા હોસ્પિટલમાં પહોંચાડ્યા. ગોડ્ડા જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોએ પણ માલતી વિશે જાણ્યું ત્યારે તેઓ દંગ થઈ ગયા હતા. ગોડ્ડા જિલ્લાના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો.સી. કે. સાહીએ કહ્યું કે આ એવો વિસ્તાર છે, જ્યાં મલેરિયાને કારણે વીતેલા વર્ષોમાં કેટલાય લોકોનો જીવ ગયો છે. માલતી તુડુ તેના ભાઈને લઈને સમયસર સારવાર અપાવવા ન પહોંચી હોત તો તેનો ભાઈ કદાચ બચી ન શક્યો હોત.

અત્યંત વિકટ સંજોગોમાં પણ માલતીએ નાના ભાઈને સારવાર અપાવવા માટે પોતાની ફિકર કર્યા વિના તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડ્યો એ વાત અખબારોના માધ્યમથી લોકો સુધી પહોંચી. માલતી વિશે જાણનારા લોકો તેની પ્રશંસા કર્યા વિના ન રહી શક્યા. ઘણી સમ્રુદ્ધ વ્યક્તિઓ પણ પોતાના ભાઈ કે બહેનની મુશ્કેલ સ્થિતિમા તેમને મદદ કરવાનું ટાળતી હોય છે. એવી વ્યક્તિઓને માલતી તુડુનો આ કિસ્સો ખાસ વંચાવવો જોઈએ. મદદ માટે માત્ર દાનતની જ જરૂર હોય છે એ અગિયાર વર્ષની માલતી તુડુએ સાબિત કરી બતાવ્યું.

***