માણસે ખેલદિલી સાથે જીવવું જોઈએ
સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે...
સુખનો પાસવર્ડ
આશુ પટેલ
વાત 8 ઓગસ્ટ, 2015ની છે. સ્પેનના કેન્ટેબેરિઆમાં સાન્ટા બાર્બરા સાયક્લો ક્રોસ રેસનું આયોજન થયું હતંં જેમાં ઘણા બધા પ્રતિસ્પર્ધીએ ભાગ લીધો હતો. એ સ્પર્ધામાં ઈસ્માઈલ એસ્ટેબૅન ત્રીજા નંબર પર સાઈકલ ચલાવી રહ્યા હતા. તેઓ ફિનિશ લાઈનથી માત્ર ૩૦૦ મીટર દૂર હતા ત્યારે તેમની સાયકલમાં પંક્ચર થઈ ગયું.
આવી સ્થિતિમાં બીજા કોઈ માણસે હાર માની લીધી હોત, પણ એસ્ટેબૅને હાર માનવાને બદલે સાઈકલ પરથી નીચે ઉતરીને સાઇકલ પોતાના ખભા પર ઊંચકી લીધી અને તેઓ ફિનિશ લાઇન તરફ દોડવા લાગ્યા! એ વખતે તેમના સૌથી નજીકના હરીફ ઓગસ્ટિન નાવારો તેમનાથી ૭૦૦ મીટર જેટલા પાછળ હતા. એસ્ટેબૅને સાઇકલ ઊંચકીને દોડવાનું શરૂ કર્યું એ પછી સ્વાભાવિક રીતે થોડી વારમાં જ નાવારો તેમના સુધી પહોંચી ગયા.
નાવારોએ જોયું કે એસ્ટેબૅનની સાયકલમાં પંક્ચર પડ્યું છે અને તે હવે સાઇકલ ખભે ઊંચકીને દોડી રહ્યા છે. એ જોઈને નાવારોએ પોતાની સાઈકલની ગતિ એકદમ ધીમી કરી દીધી અને એસ્ટેબૅનને ફિનિશ લાઇન પર પહોંચવા દીધા!
નાવારો ધારત તો ખભે સાઈકલ ઊંચકીને દોડી રહેલા એસ્ટેબૅનને પાછળ મૂકીને સહેલાઈથીથી આગળ જઈ શક્યા હોત અને ત્રીજું ઈનામ જીતી શક્યા હોત. પરંતુ તેમણે પોતાની સાઈકલની ગતિ ધીમી કરી નાખી અને એસ્ટેબનને આગળ જવા દીધા. એસ્ટેબૅન ત્રીજા નંબરે ફિનિશ લાઈન પર પહોંચ્યા એટલે તેમને ઈનામ મળ્યું.
એસ્ટેબૅને એ ઈનામ નાવારો ને ઓફર કર્યું. નાવારોએ કહ્યું કે ના, ના, તમે મારી પહેલા ફિનિશ લાઇન પર પહોંચ્યા છો એટલે એ ઈનામ પર તમારો જ હક ગણાય. એસ્ટેબૅને કહ્યું કે એ ટેકનિકલી સાચી વાત છે, પણ તમે મારી આગળ જ ફિનિશ લાઈન પર પહોંચ્યા હોત. એને બદલે પહેલાં જ તમે ઈરાદાપૂર્વક તમારી ગતિ ધીમી કરી નાખી અને મને તમારા કરતા પહેલા ફિનિશ લાઈન સુધી પહોંચવા દીધો. એટલે વાસ્તવમાં આ ઈનામ પર તમારો હક છે.
37 વર્ષીય ઓગસ્ટિન નાવારોએ સ્મિત કરતા કહ્યું કે તમે પ્રથમ ફિનિશ લાઇન સુધી પહોંચ્યા છો એટલે તમને જ ઈનામ મળવું જોઈએ. એસ્ટેબૅને તેમને બહુ કહ્યું પણ નાવારોએ એ ઈનામ સ્વીકારવાની ના પાડી અને કહ્યું કે તમારી સાઈકલમાં પ્રોબ્લેમ ન થયો હોત તો તમે જ જીતવાના હતા એટલે તમારી સાઈકલના પ્રોબ્લેમનો ફાયદો ઉઠાવીને હું આગળ નીકળી જાઉં તો એ ખોટું કહેવાય! એટલે આ ઈનામ તો તમારું જ ગણાય.
આ વિડીયો હજારો લોકોએ શૅર કર્યો અને લાખો લોકોએ જોયો. આજના સમયમાં ધંધાની કે બીજી કોઈ પણ સ્પર્ધામાં લોકો હરીફને કોઈ પણ રીતે પાછળ પાડી દેવા માટે તતપર હોય છે, ઘણા તો હરીફને નુકસાન પહોંચાડવા તલપાપડ હોય છે એની વચ્ચે આવી ઘટનાઓ ખારા રણમાં મીઠી વીરડી જેવી લાગે છે.
માણસોએ આવા સ્પિરિટ સાથે - આવી ખેલદિલી સાથે જીવવું જોઈએ.
***