Runanubandh books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ

** ઋણાનુબંધ **

પ્રફુલને મુંબઈના અંધેરી રેલ્વે સ્ટેશને પહોંચતાં ફક્ત બે મિનિટનું મોડું થયું હતું. તેની રોજની ટ્રેન છૂટી ગઈ હતી. હવે પછીની ટ્રેન બાર મિનિટ પછીની હતી. ટ્રેનની રાહ જોવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. તેને અંધેરીથી ગ્રાન્ટરોડ પહોંચવાનું હતું. આ તેનો રોજનો રૂટ હતો. તેની ઓફિસ અંધેરીમાં હતી.રહેઠાણ ગ્રાન્ટરોડ પર હતું. પોતાની ગાડીમાં આવ-જા કરવાના બદલે પ્રફુલને ટ્રેન દ્વારા અવર-જવર કરવામાં સુગમતા રહેતી હોવાથી તે રોજ ટ્રેનમાં જ અપડાઉન કરતો હતો.

સમય પસાર કરવા કોઈ તાજું મેગેઝીન ખરીદવા તેણે પ્લેટફોર્મ પરના બુકસ્ટોલ તરફ પગ ઉપાડ્યા. સ્ટોલની બાજુમાંથી એક ધ્રૂજતો સ્ત્રીનો અવાજ તેના કાને પડ્યો : “ બેટા... !!!”. પ્રફુલની નજર તે તરફ ગઈ. પ્લેટફોર્મની ગંદકી વચ્ચે એક વૃદ્ધા આશાભરી નજરે તેની તરફ જોઈ રહી હતી. ભિખારી જેવી વેશભૂષા હતી. તે ફાટેલાં કપડાંથી પોતાની કાયાને ઢાંકવાનો નિષ્ફળ પ્રયાસ કરતી બેઠી હતી. તેના હાથ યાચકની મુદ્રામાં હતા. પ્રફુલને તે બાઈ પર દયા આવી. યંત્રવત્ તેનો હાથ તેના ગજવામાં ગયો. પાકીટમાંથી પચાસ રૂપિયાની નોટ કાઢી વૃદ્ધા તરફ ધરી. જાણે હૃદયના ઊંડાણમાંથી આવતો હોય તેવા અવાજે વૃદ્ધા ગુજરાતીમાં બોલી :“ બેટા...! ત્રણ દિવસથી ભૂખી છું.મને કઇંક ખાવાનું લાવી આપીશ ?”

પ્રફુલે પોતાની ઘડીયાળ તરફ નજર નાખી. ટ્રેન આવવાને હજુ આઠ મિનિટની વાર હતી. માનવતાથી પ્રેરાઈ તે ખાવાના સ્ટોલ તરફ ગયો. ગરમાગરમ વડા પાઉં અને મેથીના ગોટા લાવી તેણે વૃદ્ધા આગળ મૂક્યા. વૃદ્ધા ખાવા પર તૂટી પડી. તેની ખાવાની ઝડપ જોઈ પ્રફુલને લાગ્યું, ખરેખર વૃદ્ધા ત્રણ દિવસની ભૂખી હશે. પ્રફુલ બિસ્કીટનું એક મોટું પેકેટ અને બે પાણીના પાઉચ પણ લઈ આવ્યો. વૃદ્ધાએ તેની ઉદર તૃપ્તિ કરી પાણી પી પ્રફુલ તરફ નજર કરી “ બેટા! ભગવાન તારું ભલું કરશે..! “ કહી પોતાના બે હાથ ઊંચા કરી આશીર્વાદ આપ્યા.
પ્રફુલને વૃદ્ધાનો ચહેરો પરિચિત લાગ્યો. થોડીક ક્ષણો વૃદ્ધા સામે તાકી રહી તે બોલ્યો: “ માજી! તમે ક્યાંના છો ?”
વૃદ્ધા પ્રફુલ સામે જોઈને બોલ્યા: “ બેટા ! હું અમદાવાદની છું.”
પ્રફુલ વૃદ્ધાને ઓળખી ગયો અને બોલ્યો :“ સગુણા માસી તમે...? આ હાલતમાં...!? મને ઓળખ્યો ? હું તમારા જયંતનો મિત્ર પ્રફુલ છું. ”
સગુણાબેનની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. તે કંઈપણ બોલ્યા સિવાય ધૂંધળી નજરે પ્રફુલને તાકી રહ્યા.

સગુણાબેનના પતિ મણીલાલ મ્યુનિસિપલ પ્રાથમિક શાળાના શિક્ષક હતા. અમદાવાદની સાંકળી શેરીમાં રહેતા હતા. પ્રફુલનું કુટુંબ પણ સાંકળી શેરીમાં જ રહેતું હતું. પ્રફુલની માતા જયશ્રીબેન અને સગુણાબેન એક જ શેરીમાં રહેતા હોવાથી સહિયરો બની ગઈ હતી. પ્રફુલ સગુણાબેનને માસી કહેતો હતો. જયંત અને પ્રફુલ એકજ ધોરણમાં ભણતા હતા. બંને લંગોટીયા મિત્રો હતા. મણીલાલ માસ્તર સ્વભાવે ઉમદા..... પણ સિદ્ધાંતવાદી હતા. તે કદી કોઈને ટ્યુશન આપતા ન હતા. તે માનતા કે તેમના વર્ગમાં ભણતા વિદ્યાર્થીને જો ટ્યુશનની જરૂર પડે તો તેમનું શિક્ષણકાર્ય લાજે !વર્ગમાં તે ખૂબ નિષ્ઠાથી બાળકોને ભણાવતા હતા. તેમની ભણાવવાની રીત ખૂબ સરસ હતી. વિદ્યાર્થી જો વર્ગમાં પૂરતું ધ્યાન આપે તો તેને બધું જ યાદ રહી જાય તેવી તેમની શિક્ષણ આપવાની રીત હતી. તેમને પોતાના શિક્ષણકાર્યથી ખૂબ સંતોષ હતો.

મણીલાલ માસ્તરને એક વાતનું દુ:ખ હતું કે તેમનો પુત્ર જયંત શિક્ષણ બાબતે ગંભીર ન હતો. શિક્ષકનો પુત્ર ઠોઠ રહે તો તેમની ભણાવવાની રીત પર પ્રશ્ન ઊઠે.... તે માટે જયંતને ભણવામાં રસ લેતો કરવા ઘણીવાર તેની ઉપર સખ્તી પણ કરતા હતા.
પ્રફુલ રોજ સાંજે ગૃહકાર્ય કરી જયંતના ઘેર આવી જતો. આજુ-બાજુ રહેતા બીજા ચાર-પાંચ મિત્રો પણ આવી જતાં. સૌ મિત્રો રોજ આજુ-બાજુની ગલીઓમાં ધમાચકડી મચાવતા હતા. જયંત તેમની ટોળીનો સરદાર રહેતો. કોઈક વાર નજીકના મ્યુનિસિપલ બગીચામાં જઈ ક્રિકેટ રમતા તો કોઈક વાર સાઇકલ ઉપર બસ સ્ટેશન બાજુ આંટો મારી આવતા હતા. રવિવાર કે રજાના દિવસે બસમાં બેસી છેક સરદારબાગની પણ મજા માણી આવતા હતા.
રમતરોળિયાં કરતાં-કરતાં પ્રફુલે પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ પૂરું કરી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.

જયંત ધોરણ-૧૨માં ત્રણ વિષયમાં નાપાસ થયો હતો.મણીલાલ માસ્તર જયંતના નાપાસ થવાથી ખૂબ દુ:ખી હતા. હવે આગળ ભણવું નહીં પડે તે વિચારથી જયંત આનંદિત થયો હતો. મણીલાલના ખૂબ આગ્રહ છતાં જયંતે ફરીથી ધોરણ-૧૨ની પરીક્ષા ન આપી. તે આવારા છોકરાઓ સાથે આખો દિવસ શહેરમાં આમતેમ ભટકતો રહેતો હતો. તે વ્યસની થઈ ગયો હતો.તે સ્વછંદી થઈ ગયો હતો. તે ઘણા દિવસો સુધી કોઈપણ જાતની જાણ કર્યા સિવાય ઘરેથી ગાયબ રહેતો હતો. તેનું જીવન ખોટા માર્ગે ચઢી ગયું હતું.

પ્રફુલ કોલેજનું શિક્ષણ પૂરું કરી મુંબઈની એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે જોડાઈ ગયો હતો. દસ વર્ષની નિષ્ઠાભરી નોકરી પછી હાલ આસિસ્ટન્ટ મેનેજરના હોદ્દા પર કાર્યરત હતો. પ્રફુલે તેમની ઓફિસમાં કામ કરતી અવનિ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. અવનિએ લગ્ન પછી નોકરી છોડી દીધી હતી. તેમને બે સુંદર બાળકો હતા. તેણે મુંબઈમાં ગ્રાન્ટરોડ પરની આધુનિક સોસાયટીમાં પોતાનો બંગલો ખરીદી લીધો હતો. પ્રફુલનું આર્થિક પાસું ખૂબ સબળ હતું. તેના પિતાજી ઘણી બ્લ્યુચીપ કંપનીઓના શેર વારસામાં આપી ગયા હતા જેનું મૂલ્ય કરોડોમાં હતું. તેના પિતાજીના અવસાન પછી અમદાવાદની મિલકતોનું વેચાણ કરી તેણે તેની માતા જયશ્રીબેનને તેની પાસે રહેવા મુંબઈ બોલાવી લીધા હતા. કુટુંબમાં સુખની છોળો ઊછળતી હતી.

પ્રફુલે સગુણાબેનને પોતાના ઘરે લઈ જવાનું નક્કી કર્યું. ટેક્ષીમાં તેમને લઈ ઘર તરફ રવાના થયો. રસ્તામાં પ્રફુલે સગુણાબેનને પૂછ્યું :“ માસી, જયંત શું કરે છે ?"
સગુણાબેન : “ બેટા! જયંતે અમારું ધનોત-પનોત કાઢી નાખ્યું છે. અમે તેને ભણાવી ગણાવી સંસ્કારી બનાવવા ઇચ્છતા હતા પરંતુ તે કુછંદે ચઢી ગયો હતો તે વાત તો તું જાણે છે. તે આવારા લોકો સાથે રખડ્યા કરતો હતો તે વાત તેના પપ્પાને ગમતી ન હતી. તેની કુટેવોના કારણે જયંત અને તેના પપ્પા વચ્ચે હંમેશાં ઘર્ષણ થયા કરતું હતું. જયંત દિવસોના દિવસો સુધી ઘરેથી ગાયબ રહેતો હતો. જ્યારે પણ ઘરે આવતો ત્યારે તેની પાસે ઘણા પૈસા હોય તેમ જાહોજલાલીથી રહેતો હતો. લખલૂટ ખર્ચ કરતો હતો. અમને શંકા હતી કે તે કોઈ ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલો હોવો જોઈએ. તેના પિતાજી તેને ખરાબ ધંધા છોડી દઈ સીધા રસ્તે પાછો આવવા ખૂબ સમજાવતા હતા પરંતુ તે તેમની વાતો ગંભીરતાપૂર્વક લેતો ન હતો. એકવાર ડ્રગ્સની હેરાફેરીના કેસમાં શકમંદ તરીકે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને જામીનની જરૂરિયાત હતી. તેણે તેના પિતાજીને તેના જામીન થવા કહેણ મોકલ્યું. તેના પિતાજી જામીન થવા રાજી ન હતા. મેં ખૂબ કાકલૂદી કરી.....તો તેઓ જામીન થવા તૈયાર થયા પરંતુ એક શરતે કે જયંત ખરાબ ધંધા છોડી દેવાનું વચન આપે. જયંત જેલમાંથી બહાર આવી થોડો સમય શાંત રહ્યો. તે અરસામાં તેના પિતાજી નિવૃત્ત થયા. અમે ભાડાના મકાનમાં રહેતા હતા એટલે તેમને નિવૃત્તિ પેટે મળેલ રકમમાંથી એક નાનું મકાન લેવાનું નક્કી કર્યું હતું. એક દિવસે જયંત એક દલાલને લઈ તેના પિતાજી પાસે આવ્યો. દલાલે અમને નદીપાર એક ઘર બતાવ્યું.... જેની કિંમત થોડી વધારે હતી. જો તે મકાન લેવામાં આવે તો નિવૃત્તિ પેટે મળેલ તમામ રકમ તેમાં ખર્ચાઈ જશે અને ઘર ચલાવવામાં તકલીફ પડશે તેવું વિચારી અમે તે ઘર લેવાની ના પાડી દીધી. જયંતે તે ઘર લઈ લેવા માટે જીદ કરી. જયંતને રાજી કરવા માટે તેના પિતાજીએ કમને તે ઘર ખરીદી લીધું. મોટા ભાગની રકમ ચૂકવાઈ ગઈ હતી. બાકીની રકમ આપી ઘરનો દસ્તાવેજ કરાવી લેવાનો હતો તેવામાં જયંતના પિતાજી માર્કેટમાંથી ખરીદી કરી પરત આવતા હતા ત્યારે ઓટોરિક્ષાને બસની ટક્કર વાગતાં તે નીચે પડી ગયા. જેમાં તેમના પગના થાપાનું હાડકું ભાંગી ગયું. તેમને દવાખાને દાખલ થવું પડ્યું. જયંતે થોડા દિવસ તો તેના પિતાજીની સેવા કરી.
એક દિવસ અચાનક ઘરેથી ભાગી ગયો. તેના ભાગી ગયા પછી અમને ખબર પડી કે તેણે તેના પિતાજીની સારવાર માટે પૈસાની જરૂરીયાત હોવાનું જણાવી દલાલને અમે ખરીદ કર્યું હતું તે ઘરનો સોદો કેન્સલ કરી મકાનમાલિક પાસેથી રકમ પરત મેળવી આપવા આજીજી કરી હતી. દલાલ અકસ્માતની વાત જાણતો હોવાથી તેમણે મકાનમાલિકને માનવતા ખાતર પૈસા પાછા આપી દેવા વિનંતી કરી. મકાનમાલિકે પૈસા પાછા આપી દીધા જે લઈ જયંત ઘરેથી ભાગી ગયો. અમે નોંધારા થઈ ગયા બેટા.”
સગુણાબેનના ગળે ડૂમો ભરાઈ ગયો.ગળગળા સ્વરે બોલ્યા:" જયંત સામે કેસની સુનાવણી શરૂ થઈ હતી. જયંત કોર્ટમાં હાજર રહેતો ન હોવાથી જામીન તરીકે તેના બાપુજી પર કોર્ટનું સમન્સ બજાવવામાં આવ્યું. જયંતના પિતાજી આ આઘાત સહન ન કરી શક્યા. થોડા દિવસમાં જ મને આ દુનિયામાં એકલી મૂકી તે સ્વર્ગે સીધાવી ગયા. પોલીસ અવાર-નવાર ઘરે આવી જયંતને હાજર કરવા મારા પર દબાણ કરતી હતી. મકાનનું ભાડું નિયમિત ચૂકવી ન શકવાના કારણે મકાનમાલિકે ઘર ખાલી કરાવી દીધું. પછી મેં અમદાવાદ છોડી દીધું. સલામત આશરા માટે હું શહેર-શહેર ભટકવા લાગી. ત્રણ દિવસથી હું મુંબઈ આવી છું. ભૂખી હોવાથી હું ઘણાં લોકોને જમાડવા આજીજી કરી હતી. કોઈએ મારી તરફ દયા દર્શાવી ન હતી. હું ભગવાનમાંથી શ્રધ્ધા ગુમાવી બેઠી હતી...... ત્યાં જ ભગવાને તને ફરિશ્તો બનાવી મારી મદદ માટે મોકલી આપી મારી શ્રધ્ધાને બળવાન બનાવી દીધી છે." સગુણાબેનની આંખોના આંસુ તેમની ફાટેલી સાડીનો પાલવ ભીંજવી રહ્યા હતા.
“મમ્મી ! જો તો..... આપણાં ઘરે કોણ આવ્યું છે ? “ : પ્રફુલે ઘરના દરવાજામાં દાખલ થઈ બૂમ પાડી. જયશ્રીબેન અને અવનિ બંને એકસાથે બેઠકરૂમમાં પ્રગટ થયા. પ્રફુલ સાથે લઘરવઘર કપડામાં સગુણાબેનને જોઈ જયશ્રીબેન તેમને ઓળખી ન શક્યા. તેમણે પ્રફુલ સામે પ્રશ્નાર્થ દ્રષ્ટિએ જોયું. સગુણાબેન પથ્થરની મુર્તિ સમા દરવાજામાં ઊભા હતા. પ્રફુલ બોલ્યો : “ આવો, માસી.....અમારા ઘરમાં તમારું હાર્દિક સ્વાગત છે.“
સગુણાબેને ઘરમાં દાખલ થવા જ્યાં ડગ ભર્યા ત્યાં જ જયશ્રીબેન બોલી ઉઠ્યાં: “સગુણા... !!! મારી સખી.....આવ..... આવ..... તને ઓળખવામાં થાપ ખાઈ ગઈ....... મને માફ કરજે. શું હાલ બનાવી રાખ્યાં છે તે..‌...? “
જયશ્રીબેન સગુણાબેનને ભેટી પડ્યા અને ઉમળકાભેર આવકાર્યા. સગુણાબેનથી ઠૂઠવો મૂકાઇ ગયો.
બીજા જ દિવસથી સગુણાબેન પ્રફુલના ઘરમાં સૌની સાથે હળીમળી ગયા હતા. જયશ્રીબેન અને સગુણાબેને જૂની વાતો ઉખેડીને ભૂતકાળ જીવંત કરી દીધો હતો. અવનિએ બંને સહિયરોને અનુકૂળ પડે તે માટે બંનેના પલંગ એક જ બેડરૂમમાં ગોઠવી દીધાં હતાં. પ્રફુલના બાળકો પણ સગુણાબેનને પોતાની દાદી જેટલું જ માન આપતા હતા.

સગુણાબેનનો મણીલાલ માસ્તર સાથેનો જૂનો ફોટો અને તેમનો હાલનો ફોટો પ્રફુલે તેના ફેસબુક ગ્રુપની વોલ પર “ મિત્રો! આમને ઓળખો છો ?” શીર્ષક સાથે અપલોડ કર્યો. દસ જ મિનિટમાં મિત્રોએ લાઈક્સ સાથે કોમેંટ્સ આપવાની શરૂઆત કરી દીધી હતી. અમદાવાદના સૌ મિત્રોએ સગુણાબેન અને મણીલાલ સાહેબને ઓળખી લીધા. મુંબઇમાં રહેતા મિત્રોએ જાણ્યું...... કે સગુણાબેન પ્રફુલના ઘરે છે. સૌએ અનુકૂળતાએ તેમને મળી જવાનો સંદેશો મૂક્યો હતો. બે મહિનામાં મુંબઈમાં રહેતા સૌ મિત્રો પ્રફુલના ઘરે સજોડે આવીને સગુણાબેનને મળી ગયા હતા. જયંત કુછંદે ચઢી ગયો હોવાનું જાણી સૌ મિત્રોને દુઃખ થયું હતું.

એક દિવસે પ્રફુલને ફેસબુક પર એક અજાણી ફ્રેન્ડ રિકવેસ્ટ મળી. રિકવેસ્ટ મોકલનારનું નામ *જોય* હતું. પ્રફુલને તેને કોઈ *જોય* નામનો મિત્ર હોવાનું યાદ ન આવ્યું. રિકવેસ્ટ મોકલનારનો પ્રોફાઇલ ફોટો ન હતો. તેણે જોયનો પ્રોફાઇલ ચેક કર્યો. પ્રોફાઇલમાં મૂળ વતન અમદાવાદ દર્શાવ્યું હતું. હાલનું રહેઠાણ મુંબઈ... શાળાનું નામ પ્રફુલ જે પ્રાથમિક શાળામાં ભણ્યો હતો તે હતું. પ્રફુલે જોયના મિત્રોની યાદી જોઈ. તેને બહુ મિત્રો ન હતા. કોઈ મ્યુચ્યુઅલ મિત્ર પણ ન હતું. તેણે રિકવેસ્ટ રીમુવ કરી દીધી. બે દિવસ પછી ફરીથી રિકવેસ્ટ મળી એટલે તેણે સ્વીકારી લીધી. થોડા દિવસ પછી પ્રફુલને મેસેંજર પર જોયનો મેસેજ મળ્યો. તેણે લખ્યું હતું. “ પ્રફુલ! હું જયંત છું. હું તને મળવા માગું છું. મને તારો મોબાઈલ નંબર અને સરનામું આપ. મારો મોબાઈલ નંબર નીચે લખ્યો છે. ” પ્રફુલને જયંતનો સંદેશો વાંચી આશ્ચર્ય થયું. પ્રફુલે જયંતને તેની વિગતો મોકલી આપી.
દસેક દિવસ પછી મોડી રાત્રે જયંતનો ફોન આવ્યો. તે ખૂબ ગંભીરતાથી વાત કરતો હતો. તેણે તેની આરંભ થી અંત સુધીની પોતાની જિંદગીની કિતાબ પ્રફુલ સામે ખોલી દીધી હતી.

જયંત કિશોરાવસ્થામાં જ ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકીનો સભ્ય બની ગયો હતો. ડ્રગ્સની હેરાફેરીમાં પુષ્કળ પૈસા મળતાં હતાં. એકવાર શકમંદ તરીકે ધરપકડ થયા પછી તેના પિતાજીએ જામીન પર તેને છોડાવ્યો હતો. તેના પિતાજીને અકસ્માત નડવાથી દવાખાનામાં દાખલ કર્યા હતા ત્યારે ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકીના બોસે તેનો સંપર્ક કરી તાત્કાલિક પરત આવી જવા દબાણ કર્યું. જો અઠવાડીયામાં નહીં આવે તો તેનું ખૂન કરી દેવાની ધમકી આપી હતી. તેણે તેના બોસને તાબે થવાના બદલે પોતાનો ડ્રગ્સનો સ્વતંત્ર ધંધો કરવાનું નક્કી કર્યું. મકાન ખરીદી પેટે તેના પિતાજીએ રોકેલી રકમ મકાનમાલિક પાસેથી પરત મેળવી તે મુંબઈ આવી ગયો. પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું પરંતુ ડ્રગ્સ માફિયાઓ સામેની સ્પર્ધામાં તે ટકી ન શક્યો. પૈસે-ટકે ખૂંવાર થઈ ગયો.તે ડ્રગ્સ માફિયા સામે ઘૂંટણીયે પડી ફરીથી તેની સાથે જોડાઈ ગયો. તેના પિતાજીનું અવસાન થઈ ગયાના સમાચાર તેણે જાણ્યાં હતાં. ઘરે આવી તેની માતાને સધિયારો આપવાની હિંમત ન કરી શક્યો. માફિયાએ તેને ઝીમ્બાબ્વે મોકલી આપ્યો. તેણે અનોકોશા નામની તેની સાથે કામ કરતી ઝીમ્બાબ્વિ હબશી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા. તેણે આઠ વર્ષ ઝીમ્બાબ્વેમાં પસાર કર્યા. તેના બોસના અવસાન પછી કારોબાર સંભાળવાની જવાબદારી તેના શિરે આવતાં તે બે વર્ષ પહેલાં જ ભારત પરત આવી મુંબઈમાં સ્થાયી થયો હતો. ડ્રગ્સ માફિયાની દુનિયામાં હવે તે *જોય ડ્રગી* ના નામે ઓળખાતો હતો.

ભારત આવી સૌપ્રથમ તેણે અમદાવાદમાં કોન્ટેક્ મારફતે તેની માતાની તપાસ કરાવી પરંતુ તેમની કોઈ ભાળ મળી ન હતી. કદાચ તે મૃત્યુ પામ્યાં હશે તેવું તેણે માની લીધું હતું. એક દિવસે પ્રફુલે પોતાની ફેસબુક વોલ પર મુકેલ તેના માતા-પિતાની જૂની તસવીરને તેના ફ્રેંડ્સફ્રેન્ડની લાઈકને કારણે તેને તેની માતા જીવતાં હોવાની અને પ્રફુલના ઘરે હોવાની જાણ થઈ. તેણે પ્રફુલને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જયંત તેની માતાને મળી માફી માંગવા અને તેમને તેની સાથે રાખવા ઈચ્છતો હતો. તે છ વર્ષની એક દીકરીનો બાપ હતો. હવે તેને મા-બાપની ભાવનાઓ સમજાઈ હતી. તેની પત્ની અને દીકરી પણ સગુણાબેનને મળવા અને તેમની સાથે રહેવા ઈચ્છતા હતા. તેની પાસે પુષ્કળ ધનદોલત હતી પણ ભીતર સુખ-ચેન ન હતું. તે પ્રાયશ્ચિત કરવા ઈચ્છી રહ્યો હતો. તેણે પ્રફુલને તેની માતાની મુલાકાત કરાવી આપવા વિનંતિ કરી હતી.

પ્રફુલ અવઢવમાં હતો. જયંતની વાત સગુણાબેન સમક્ષ કેવી રીતે મૂકવી તે તેને સમજાતું ન હતું. ખૂબ વિચારના અંતે તેણે એક દિવસે સગુણાબેનને કહ્યું: "માસી! તમને જયંત યાદ આવે છે ખરો ?”

સગુણાબેન : ” બેટા! જનેતા તેના બાળકને કદી ભૂલી શકે ખરી.....? ઘણીવાર જયંત યાદ આવી જાય છે. જયારે તેના જેવા સશક્ત અને બળૂકા યુવાનને જોવું છું ત્યારે જાણે તે જયંત હોય તેવું અનુભવું છું. તેની અવળચંડાઇ અને કુછંદના કારણે મને તેના તરફ ખૂબ નફરત છે. મેં તેની યાદો મારા દિલમાંથી મિટાવી દીધી છે. હવે તો તું જ મારો જયંત છે."

પ્રફુલ : “ માસી! માની લો.....કે જયંત તમને મળી જાય તો તમે તેને માફ કરી અપનાવી લો ખરા..... ?”

બાજુમાં બેઠેલા જયશ્રીબેન સામે જોઈ સગુણાબેન બોલ્યાં : “ અલી, જયશ્રી ! તારા દીકરાને હવે..... મારો રોટલો ભારે પડવા લાગ્યો હોય એવું લાગે છે...... એટલે આજે નપાવટ જયંતની વાત ઉલ્લેખી બેઠો છે..... પૂછ તો જરા... ! મને અહીંથી કાઢી મૂકવાનો ઇરાદો લાગે છે ? “ કહી સગુણાબેન વિષાદભર્યું હસ્યાં.......

જયશ્રીબેન :“જા.... હવે, મારો પ્રફુલ ન કોઈ એવું કાર્ય કરે કે ન કોઈ એવી વાણી બોલે.આજ સુધી તેણે મારો બોલ ઉથાપ્યો નથી. મારા જેટલું જ તને માન આપે છે. ભગવાને તેને ઘણું આપ્યું છે. તારો એક રોટલો તેને ભારે પડશે, ગાંડી..?”

પ્રફુલે વાત પડતી મૂકી. જયંતનો બે દિવસ પછી ફોન આવ્યો. તેને સગુણાબેનને મળવાની ખૂબ તાલાવેલી હતી. "પ્રફુલ! હું, મારી પત્ની અને મારી દીકરી મારી મમ્મીને મળવા તારા ઘરે આવીએ છીએ. તું પરિસ્થિતી સંભાળી લેજે.": કહી તેણે પ્રફુલનો જવાબ સાંભળ્યા પહેલાં ફોન કાપી નાખ્યો.

બે મિનિટ પછી એક આલીશાન ગાડી પ્રફુલના બંગલાના પોર્ચમાં આવીને ઊભી રહી. તેમાંથી આંખો પર રો-બાનના ખૂબ મોંઘા ચશ્માં ચઢાવેલો એક શ્યામવર્ણો ઊંચો અને સશક્ત પુરુષ બહાર નીકળ્યો. તેની સાથે જાડા હોઠવાળી એક કાળી હબશીબાઈ સાથે શ્યામવર્ણી બાળકી ઉતરી. ગાડી આવવાનો અવાજ સાંભળી પ્રફુલ દીવાનખંડમાં આવ્યો. જયશ્રીબેન અને સગુણાબેન દીવાનખંડમાં જ હતા. બંગલાનો દરવાજો ખુલ્લો હતો ત્રણેય આગંતુક દરવાજા પાસે આવીને ઊભા રહ્યા.

પ્રફુલ બોલ્યો :“ આવ ભાઈ ..” ત્રણેય ગંભીરતાપૂર્વક ઘરમાં દાખલ થયા. અજાણ્યા લોકોને જોઈ જયશ્રીબેન અને સગુણાબેન બેડરૂમ તરફ જવા ઊભા થયા એટલે પ્રફુલ બોલ્યો :“ મમ્મી, માસી! અહીં જ બેસો.... આ મારો મિત્ર છે તેને મળો. “ જયંતે તેમની પાસે જઇ સૌપ્રથમ સગુણાબેનના અને ત્યારબાદ જયશ્રીબેનના ચરણસ્પર્શ કર્યા. જયંતની પત્ની અને બાળકીએ પણ તેનું અનુકરણ કર્યું. બંને સ્ત્રીઓ આગંતુકોને ઓળખી ન શકી. અવનિ પાણીના ગ્લાસ લઈ હાજર થઈ બધાને “આવો” કહ્યું. જયંતે પોતાની આંખો પરથી ચશ્માં હટાવી પાણીનો ગ્લાસ લીધો. સગુણાબેન અને જયંતની આંખો એક થઈ. જયંતથી હીબકું ભરાઈ ગયું. સગુણાબેન જયંતને ઓળખી ગયા. તે પોતાના સ્થાનેથી ઊભા થયા.જયંતના ચહેરા એક જોરદાર તમાચો મારી “ નીકળ, અહીંથી સા્.....હલકટ": કહી બેડરૂમમાં દોડી ગયા. અંદરથી દરવાજો બંધ કરી દીધો.

થોડીકવાર તો રૂમમાં સન્નાટો છવાઈ ગયો. થોડીવાર પછી જયંત ઊભો થઈ બેડરૂમના દરવાજા પાસે ઊભો રહી સગુણાબેનને ઉદ્દેશીને બોલ્યો :“મમ્મી! હું તારો અને પિતાજીનો ગુનેગાર છું . મને માફ કરી દે. હું, અનોકોશા અને મિતાલી તને અમારી સાથે લઈ જવા આવ્યાં છીએ. મને મારા પાપોનું પ્રાયશ્ચિત કરવાનો એક મોકો આપ…...મા... પ્લીઝ.....”

સગુણાબેને કોઈ જવાબ ન આપ્યો. જયંત ક્યાંય સુધી કાકલૂદી કરતો રહ્યો. સગુણાબેને ન દરવાજો ખોલ્યો કે ન કોઈ જવાબ આપ્યો. જયંત થોડીવાર રાહ જોઈ તેની પત્ની અને દીકરીને લઈ રવાના થયો. ઉપરના પ્રસંગ પછી એક અઠવાડીયા બાદ અનોકોશા અને મિતાલી સગુણાબેનને મળવા આવ્યા. સગુણાબેને તેમને પ્રેમથી આવકાર્યા. મિતાલી દાદીના ખોળામાં માથું નાખી ઘણીવાર સુધી તેમની સાથે અલક-મલકની વાતો કરતી રહી. જતી વખતે અનોકોશાએ સગુણાબેન માટે લાવેલી ભેટ તેમને આપી. તેમણે જયંતની હરામની કમાણીમાંથી ખરીદેલી કોઈ પણ ચીજ લેવાની ના પડી દીધી. જયંત બેવાર સગુણાબેનને મળવા આવ્યો હતો પરંતુ તેમણે તેની સાથે કોઈ વાત કરી ન હતી. તેણે તેને માફ કરી દેવા ખૂબ આજીજી કરી પરંતુ સગુણાબેને તેને માફ ન કર્યો.

સમય પસાર થતો રહ્યો. અનોકોશા અને મિતાલી અવરનવાર સગુણાબેનને મળવા આવતા રહ્યા. અનોકોશાનો સ્વભાવ ખૂબ સરસ હતો. તેના માયાળુ વર્તનથી સગુણાબેન પ્રભાવિત થયા હતા. બીજા પાંચ વર્ષ પસાર થઈ ગયા. જયંતનું એક સિવિયર હાર્ટએટેકમાં મૃત્યુ થઈ ગયું હતું. સગુણાબેન જયંતના બેસણાંમાં પણ સામેલ ન થયા. અનોકોશાએ જયંતની તમામ મિલકતનું ટ્રસ્ટ બનાવી ડ્રગ્સને કારણે બરબાદ થયેલા કુટુંબોની આર્થિક જરૂરિયાતો પૂરી કરવાનું કાર્ય કરવાનું શરૂ કર્યું હતું.
જયશ્રીબેન ખૂબ ટૂંકી માંદગીમાં સ્વર્ગે સીધાવી ગયા હતા.

મિતાલી હવે પુખ્ત થઈ ગઈ હતી. તેણે ઇંટિરિયર ડેકોરેશનનો અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદમાં પોતાનું કેરિયર શરૂ કર્યું હતું. મિતાલીએ તેની સાથે ભણતા પટેલ યુવક સાથે લગ્નગ્રંથિથી જોડાવાનું નક્કી કર્યું હતું. સગુણાબેન અને અનોકોશાએ તેમની સંમતિ આપી હતી. મિતાલી દાદી સગુણાબેનને પોતાની સાથે અમદાવાદ રહેવા આવી જવા વિનંતી કરી પણ તેમણે મક્કમતાથી ના પાડી દીધી હતી.
ઋણાનુબંધથી બંધાયેલ સગુણાબેન પ્રફુલને પોતાનો દીકરો માની લીધો હતો. પોતાની અર્થી પ્રફુલના ઘરેથી જ ઉઠશે તેવો મક્કમ નિર્ધાર કરી લીધો હતો. પ્રફુલ હવે સગુણાબેનને માસીના બદલે બા કહી સંબોધતો હતો.

-આબિદ ખણુંસીયા (“આદાબ” નવલપુરી)
તા. 30-01-2020

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED