અંત પ્રતીતિ - 2 Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંત પ્રતીતિ - 2

અંત પ્રતીતિ

નીતા કોટેચા

(૨)

ખુશીનું આગમન

ઈશ્વર કૃપાથી ઘરમાં, મનમાં, જીવનમાં... ખુશીનું આગમન થઈ રહ્યું હતું,

તકદીર નવનીતરાયના પરિવારમાં સારા સમાચાર આપવા આવી રહી હતી.

નવનીતરાયે પત્નીને પાસે બેસાડીને આખા દિવસની બધી વાત કહી અને સાથે કહ્યું, “સવિતા, મનસુખરાયે જ્યારે બીજા પાત્રની વાત કરી ત્યારે મને બહુ જ ચિંતા થઈ કે ધ્વનિના જીવનમાં કોઈ પાત્ર તો નથી ને? અને સવિતા, મનસુખરાયને આપણે રાત્રે જવાબ આપવાનો છે... તો ધ્વનિને આપણે આજે આ વાત પૂછવી પડશે.” સવિતાબહેનના ચહેરા પર ખુશી અને ચિંતાની બંને રેખાઓ આવી ગઈ. આટલા સારા ઘરમાંથી માંગું આવવાની ખુશી અને જુવાન દીકરીને આવું પૂછીએ તો કેવું લાગે? એનો ડર અને ચિંતા... એમણે નવનીતરાયને કહ્યું, “જો તમે હા પાડો તો હું એની ફ્રેન્ડને પૂછી લઉં.” નવનીતરાયે ઊભા થતાં કહ્યું, “ના, સવિતા... આટલી અંગત વાત બીજા કોઈને પણ પૂછીશું તો ધ્વનિને નહીં ગમે. આપણે એને જ પૂછી લઈએ એ વધારે યોગ્ય રહેશે અને ધ્વનિ આપણને સાચી વાત કહેશે એટલો તો મને આપણી દીકરી પર વિશ્વાસ છે.” આટલું કહીને નવનીતરાય પોતાની રૂમમાં ચાલ્યા ગયા. ધ્વનિને આવવાને હજી એક કલાકની વાર હતી. બંનેનો સમય જતો જ ન હતો. નવનીતરાયે સમય પસાર કરવા માટે પોતાની પત્નીને મનસુખરાય વિશે વાતો કરતાં કહ્યું કે, સમાજમાં એમનું કેટલું મોટું નામ છે, એમનો કેવો સરસ સ્વભાવ છે અને પાંચમાં પૂછાય એવા વ્યક્તિ છે. આ જમાનામાં પણ સંયુક્ત કુટુંબમાં બંને ભાઈઓના પરિવાર સરસ રીતે રહે છે... અને બધાનો આપસનો પ્રેમ જોઈને આપણે પણ પ્રસન્ન થઈ જઈએ. આવી ઘણી બધી વાતો બંનેએ કરી... પછી થોડો સમય ટીવીમાં સમાચાર જોવામાં પસાર કર્યો. આખરે એક કલાક માંડ પૂરો થયો.

રોજના સમય પ્રમાણે ધ્વનિનેએ ઘરની બેલ વગાડી, સવિતાબહેને દરવાજો ખોલ્યો. ધ્વનિએ હસીને કહ્યું, “જય જીનેન્દ્ર... મમ્મી, જય જીનેન્દ્ર...પપ્પા.” આટલું બોલીને તે પોતાના રૂમમાં ચાલી ગઈ. હવે બીજી ૧૫ મિનિટ રાહ જોવાની હતી .... એ અકળામણ નવનીતરાય અને સવિતાબહેનના ચહેરા પર દેખાતી હતી, છતાં પણ સવિતાબહેને ઈશારાથી એમને શાંત રહેવાનું કહ્યું. ધ્વનિ ફ્રેશ થઈને આવી. રોજના નિયમ પ્રમાણે ત્રણે સાથે જમવા બેઠાં. નવનીતરાય વાત શરૂ કરવા જતાં હતાં, ત્યાં સવિતાબહેને એમને અટકાવ્યા અને કહ્યું, “પહેલાં જમી તો લઈએ, વાતો તો પછી થતી રહેશે.” ધ્વનિને સમજાઈ ગયું કે કાંઈક તો વાત છે અને મમ્મી પપ્પા ટેન્શનમાં છે. આ બધું જોઈને ધ્વનિએ કહ્યું, “શું થયું પપ્પા? મારી સાથે કંઈ વાત કરવા માટે આટલો બધો શું વિચાર કરો છો? શું વાત છે પપ્પા?” ફરીથી સવિતાબહેને કહ્યું, “ધ્વનિ, પહેલાં જમી લઈએ તો વધારે સારું રહેશે.” પણ ધ્વનિએ જોયું, પપ્પા ખૂબ ટેન્શનમાં છે, એટલે એણે કહ્યું, “ના, મમ્મી... આમ જમવાનું ન ભાવે... હવે તો પહેલાં વાત કરીશું, પછી જ જમવાનું.” હવે સવિતાબહેન રોકે એની પહેલાં જ નવનીતરાયે વાતનો દોર સંભાળી લીધો અને કહ્યું, “જો બેટા, હવે તું પરણવા લાયક થઈ ગઈ છે. તારી માટે સારા ઘરના માંગા આવવાના શરૂ થઈ ગયા છે... અને સારા ઘરના માંગા જતા રહે, એ યોગ્ય પણ નથી. એટલે અમારે ફક્ત એટલું જ જાણવું છે કે શું અમે કોઈ સાથે વાત આગળ વધારીએ? તારા જીવનમાં બીજું કોઈ પાત્ર તો નથી? અને જો હોય, તો વિના સંકોચે જણાવી દે... કારણકે તારી પસંદગી યોગ્ય હશે એટલી તો ખબર જ છે... અને પાત્ર યોગ્ય હશે તો અમને કોઈ વાંધો પણ નથી. ખુલ્લા દિલથી અમારી સાથે વાત કરજે, જરા પણ સંકોચ નહીં રાખતી... બેટા.”

ઘ્વનિએ જોયું કે મમ્મી પપ્પા ખૂબ જ ચિંતિત હતાં. ઘ્વનિ પોતાનું મોઢું નીચે રાખીને બેસી ગઈ. એને આમ શાંત અને મોઢું નીચું રાખેલું જોઈને નવનીતરાય અને સવિતાબહેનને ફાળ પડી કે નક્કી ધ્વનિના જીવનમાં કોઈ છે કે શું? આખરે નવનીતરાયથી ન રહેવાયું એટલે એમણે ઘ્વનિને પૂછી લીધું, “ધ્વનિ, જે હોય તે જવાબ આપ. ડર નહીં રાખ. પરંતુ આમ ચૂપ ન બેસ.” ધ્વનિએ જવાબ આપવા પોતાનું મોઢું ઉપર કર્યું અને મમ્મી પપ્પા સામે ડરેલી નજરથી જોયું. નવનીતરાયે ચિંતિત સ્વરે કહ્યું, “ધ્વનિ, બેટા... જવાબ આપ.” ત્યારે ઘ્વનિથી ન રહેવાયું અને ખડખડાટ હસવા લાગી. એણે કહ્યું, “શું મમ્મી, પપ્પા, તમે પણ? ચિંતા ન કરો. મારા જીવનમાં કોઈ જ નથી. તમે બંને પોતાના ચહેરા તો જુઓ... કેટલા ગંભીર થઈ ગયા છો? હજુ તો હું વધારે તમારી બંનેની મસ્તી કરવાનું વિચારતી હતી, પરંતુ મને ડર લાગ્યો કે તમને વધારે ટેન્શન ન થઈ જાય.” અને તે હસતાં હસતાં મમ્મી પપ્પાને ભેટી પડી.

નવનીતરાય અને સવિતાબહેનની આંખમાં અશ્રુ આવી ગયા. એમના અશ્રુ જોઈને ઘ્વનિએ થોડું ગંભીર થઈને કહ્યું, “પપ્પા, આ તો ઠીક છે કે મારા જીવનમાં કોઈ છે પણ નહીં અને મને કોઈ સાથે પ્રેમ થયો નથી એમ નહીં કહું, પણ મેં પ્રેમ કર્યો નથી... કારણકે મને ખબર છે કે હું તમારી એકની એક દીકરી છું. મારી સાથે તમારા બહુ સપનાઓ જોડાયેલા છે. બહુ બધી આશા છે... પપ્પા, જો મારા મનગમતા વ્યક્તિ સાથે મારું જીવન વિતાવવાની ઈચ્છા કરી હોત, તો એનો મતલબ એવો ન હોત કે હું તમને લોકોને પ્રેમ નથી કરતી.” નવનીતરાય અને સવિતાબહેન પાસે આ વાતનો કોઈ જવાબ ન હતો. એમને પણ થયું કે ધ્વનિની વાત ખરેખર સાચી હતી. એમને બહુ વિચાર કરતાં જોઈને ઘ્વનિ પાછું બોલી, “ચાલો, હવે વધારે વિચારીને દુઃખી ન થાવ... જ્યારે મને અહીંથી ભગાવવાનો નિર્ણય કરી જ લીધો છે તો સારું... મને ભગાવો, બીજું શું? પણ હમણાં તો મને કકડીને ભૂખ લાગી છે. ચાલો, જલ્દી જમવાનું શરૂ કરીએ.”

બધા હસીખુશીથી જમવા બેસી ગયાં. પ્રેમથી બધા જમતાં જમતાં વાતો કરતાં હતાં.... ધ્વનિને નવનીતરાયે કહ્યું, ”બેટા, તારી વાત સાચી છે કે ઘણીવાર માતા-પિતા બાળકોની ઈચ્છાઓ વિશે વિચાર કરવાનું ભૂલી જાય છે.... પરંતુ એમના મનમાં બાળકની સલામતીની, ભવિષ્યની ચિંતા હોય છે. પોતાના જીવનમાં જે વીત્યું તે સંતાનના જીવનમાં ન થાય, તેની માટે કાયમ પ્રયત્નશીલ હોય છે. પરંતુ બેટા, જ્યારે માતાપિતા છોકરો ગોતે ત્યારે સારું ઘર પણ ગોતે અને પોતાના અનુભવોના આધારે સંસ્કારો, ખાનદાની વિશે પણ વિચાર કરે... અને બેટા, જ્યારે બે પાત્રના લગ્ન થાય ત્યારે એ બંનેએ સાથે જીવવાનું હોય છે, પરંતુ પરિવાર સાથે પણ રહેવાનું હોય છે. હસ્તમેળાપ ફક્ત હાથના જ થાય છે, એવું નથી. બે જણાના હૈયા જોડાય છે અને એમની સાથે બે પરિવારો પણ આપસમાં જોડાય છે. અને ધ્વનિ, તારી જ્યાં સંપૂર્ણ સહમતિ હશે ત્યાં જ આપણે તારું સગપણ નક્કી કરીશું.” ઘ્વનિ પોતાના પપ્પાની વાતો સાંભળીને બોલી. “મને વિશ્વાસ છે કે મારા મમ્મી પપ્પા જે પણ કરશે તે સારું જ હશે.”

બધા જમીને શાંતિથી, આરામથી ગપશપ કરતાં હતાં, ત્યારે નવનીતરાયે મનસુખરાય સાથે થયેલી બધી જ વાત વિસ્તારથી જણાવી. મનસુખરાયે ઘ્વનિને દેરાસરમાં પ્રથમ વખત જોઈ હતી, ત્યારથી જ એમના મનમાં વસી ગઈ હતી. બધાએ આપસમાં ચર્ચા-વિચારણા કરી લીધી અને ઘ્વનિ પોતાના રૂમમાં ગઈ. નવનીતરાયે મનસુખરાયને ફોન લગાવ્યો અને વાત આગળ વધારવા માટે સંમતિ આપી. મનસુખરાય ખૂબ જ રાજી થયા તેમણે કહ્યું, “ભલે નવનીતરાય, હું પણ ઘરના બધા સાથે વાત કરીને બનશે એટલું જલ્દી તમને ફોન કરીને મુલાકાત માટે જણાવું છું.”

બે દિવસ વીતી ગયાં, મનસુખરાયનો ફોન ન આવ્યો તેથી નવનીતરાય વિચારમાં પડી ગયા... એમને ચિંતા પણ થઈ. એકવાર તો વિચાર પણ આવ્યો કે શું એમના દીકરાના જીવનમાં બીજું કંઈ પાત્ર હશે? પરંતુ સામેથી ફોન કરવો યોગ્ય પણ ન લાગ્યું અને રાહ જોવા સિવાય બીજો કોઈ ઇલાજ પણ હતો નહીં... પરંતુ આ બે દિવસ આ વિચારોમાં ક્યાંય કામમાં પણ મન લાગતું ન હતું. ત્રીજે દિવસે સવારે મનસુખરાયનો ફોન આવ્યો. નવનીતરાય ઓફિસમાં એમના જ વિચારોમાં હતા. ફોન ઊંચકતા જ મનસુખરાયનો અવાજ સંભળાયો. એમણે કહ્યું, “માફ કરજો નવનીતરાય, ફોન કરવામાં જરા મોડું થયું. મોટાભાઈને બે દિવસ માટે બહાર જવાનું થયું હતું. હવે તમને જો વાંધો ન હોય તો આપણે આ રવિવારે જોવાનું ગોઠવીએ.” નવનીતરાય મનસુખરાયના ફોનથી ખૂબ રાજી થઈ ગયા, એમણે તરત કહ્યું, “ભલે તો આ રવિવારે આપ સર્વે મારા ઘરે આવો છો.” મનસુખરાયે કહ્યું, “સારું નવનીતરાય.... પણ વિચારી લ્યો, અમે કુલ સાત જણ આવશું. ડરી તો નહીં જાવ ને?” અને તેઓ જોરજોરથી હસવા લાગ્યા. નવનીતરાયને એમના મજાક મસ્તીના સ્વભાવની ખબર હતી એટલે એમણે પણ સામે હસીને જવાબ આપ્યો, “ના, ના... અમે નહીં ડરીએ... અને આમ પણ આપ ડરાવો એવા છો પણ નહીં. અમે આપ સહુની રાહ જોઈશું.”

રવિવારે સાંજના ચારનો સમય નક્કી થયો. મનસુખરાયનો ફોન મૂકીને નવનીતરાયે તરત ઘરે ફોન કરીને પત્નીને બધી વાત કરી. બંને ખૂબ રાજી થયાં... રાત્રે ઘરે આવીને નવનીતરાયે ધ્વનિને બધી વાત કરી. એ શરમાઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. નવનીતરાય અને સવિતાબહેન રવિવારની તૈયારીના વિચારમાં પડી ગયા. નાસ્તો બહારથી તૈયાર લાવવો કે ઘરમાં બનાવવો એનો વિચાર કરતાં હતાં... ત્યાં ઘ્વનિએ બહાર આવીને કહ્યું, “મમ્મી, રવિવારે આઠમ છે. સંભાળજો.” પછી તો નક્કી થયું કે બહારથી કંઈ જ ન લાવવું. અને બધું ઘરે જ બનાવવું.

આખરે રવિવાર પણ આવી ગયો. સવારથી જ નવનીતરાય અને સવિતાબહેન બધી જ તૈયારી કરવામાં મશગુલ હતાં. ધ્વનિ શાંતિથી બંનેને જોતી હતી અને વિચાર કરતી હતી કે આ દુનિયાનો દસ્તુર કેવો છે? પહેલાં લાડકી દીકરીને લાલન પાલનથી મોટી કરવાની અને જ્યારે એનું વ્યક્તિત્વ ખીલે ત્યારે હોંશે હોંશે એના જીવનસાથીને સોંપી દેવાની. ધ્વનિને પોતાના મમ્મી પપ્પાના ચહેરાની ખુશી પાછળ દીકરીની વિદાયનું દુઃખ પણ દેખાતું હતું.

સાંજે બરોબર ચાર વાગે બધા આવી ગયા. પહેલી કારમાંથી મનસુખરાય, એમના પત્ની ઉષાબહેન, એમની દીકરી માનસી અને દીકરો મનોજ ઉતર્યા. બીજી કારમાંથી મોટાભાઈ અવિનાશભાઈ, મીનાક્ષીભાભી એમની દીકરી સ્મિતા, આમ પરિવારના સાત સભ્યો આવ્યાં. નવનીતરાય અને સવિતાબહેને એમનું બધાનું ભાવપૂર્વક સ્વાગત કર્યું અને મનોજને જોઈને બંનેએ આંખોના ઈશારાથી એને સ્વીકારી પણ લીધો. હવે સવિતાબહેન પ્રાર્થના કરતા હતા કે બસ જલ્દી ધ્વનિ અને મનોજ એકબીજાને જોઇને પસંદ કરી લે. ઘ્વનિ હજી અંદરની રૂમમાં હતી. બધાએ થોડી ઔપચારિક વાતો કરી. બધાની નજર ઘ્વનિને શોધતી હતી. સવિતાબહેન પણ મૂંઝાતા હતા કે ધ્વનિને બહાર કેમ બોલાવવી? ત્યાં જ મનસુખરાય બોલ્યા, “ભાઈ, હવે દીકરીને બહાર લઈ આવો.. નહીં તો, એને જોવા અમે બધા અંદર જઈએ.” એમની મજાક પર વાતાવરણ હળવું થયું અને બધા હસી પડ્યાં. ભારે વાતાવરણને હળવું કરવાની આવડત મનસુખરાયમાં ખૂબ જ સરસ હતી... અને આવી આવડતવાળા લોકોને ત્યાં કદાચ ચિંતા પણ ટકતી નહીં હોય. સવિતાબહેન રૂમમાં ગયા અને ધ્વનિને લઈને બહાર આવ્યાં.

ગુલાબી રંગનો ચૂડીદાર, છુટ્ટા વાળ... જાણે ગુલાબી પરી જ જોઈ લ્યો. બધા બે મિનિટ માટે કંઈ પણ બોલ્યા વગર ધ્વનિને જોતાં જ રહ્યાં. કોઈ કાંઈ બોલતું જ ન હતું અને આ જોઈને ઘ્વનિ મૂંઝાતી હતી. મનસુખરાયને થયું કે હવે પાછું પોતે જ કાંઈક કહેવું પડશે. એમણે ધ્વનિને કહ્યું, “બેટા, અહીંયા અમારી સાથે બેસ. હવે બધાએ પોતપોતાની નજર ઘ્વનિ પરથી હટાવી. ઘ્વનિ ત્યાં જ એક ખાલી સોફા પર બેસી ગઈ. પાછી બીજી બધી વાતો શરૂ થઈ. વચમાં મનસુખરાયે આંખોના ઈશારાથી બધાને પૂછી લીધું કે ધ્વનિ ગમી? બધાની સંમતિ મળી ગઈ. આ બધા ઈશારા તરફ સવિતાબહેનનું ધ્યાન હતું. હવે એમને એમ થતું હતું કે ક્યારે મનસુખરાય મનોજ તરફ જુએ? અને મનોજ શું જવાબ આપે છે? પણ મનસુખરાયે મનોજ સામે જોયું જ નહીં. સવિતાબહેનને પહેલાં એ ન ગમ્યું... પછી એમણે વિચાર્યું કે સાચી વાત છે... જ્યાં સુધી મનોજ અને ધ્વનિ એકબીજા સાથે વાત ન કરે ત્યાં સુધી એમને ન પુછાય. થોડીવાર બધાએ ધ્વનિ સાથે વાત કરી. પછી નવનીતરાયે કહ્યું, “ચાલો, બધા નાસ્તો કરી લઈએ.” બધા નાસ્તો કરવા બેઠાં. નાસ્તા તરફ જોઈને મીનાક્ષીભાભીએ કહ્યું, “મને આનંદ થયો... એ જોઈને કે તમે આઠમ યાદ રાખીને નાસ્તો બનાવ્યો છે.” સવિતાબહેને હસીને જવાબ આપ્યો, “ભાભી, એ ધ્યાન રાખવું એ તો આપણું પહેલું કામ છે. એ કેમ ભુલાય? એમનો જવાબ બધાને ગમ્યો. નાસ્તો ચાલતો હતો, ત્યારે ધ્વનિ અને મનોજ એકબીજાને ચોરીછૂપીથી જોઈ લેતાં હતાં... પણ એમની આ ચોરી મનસુખરાયથી છાની ન રહી. નાસ્તો પતાવ્યા પછી તેઓએ નવનીતરાયને કહ્યું, “ભાઈ, જો આપને વાંધો ન હોય તો મનોજ અને ધ્વનિ થોડીવાર બહાર જઈ આવે, જેથી તેઓ એકબીજા સાથે વાત કરી શકે. નવનીતરાયે સવિતાબહેન સામે પ્રશ્નાર્થ નજરે જોયું. સવિતાબહેને હા પાડી એટલે નવનીતરાયે મનસુખરાયને સંમતિ આપી. આ બધું જોઈને મનસુખરાયના પત્ની ઉષાબહેને હસીને કહ્યું, “આ વાત મને ગમી, નવનીતભાઈ... કે તમે ધ્વનિના મમ્મીની રજા માંગી. કારણ દીકરીના નિર્ણય માતા જ સારી રીતે લઈ શકે.” આ સાંભળીને બધાને અચરજ થયું કે ઉષાબહેન કેટલી નાની નાની વાતોને પણ ધ્યાનથી જુએ છે.

મનોજ અને ધ્વનિ બહાર ગયાં. ધ્વનિ વિચારતી હતી કે મનોજ તેને ક્યાં લઈ જશે. ત્યાં મનોજે કહ્યું, “તમારા ઘરની નજીક જો કોઈ પાર્ક હોય તો ત્યાં જઈએ. આરામથી ઠંડી હવામાં ચાલતાં ચાલતાં વાતો કરીશું.” ધ્વનિને એ વાત બહુ ગમી. મનોજે વાત શરૂ કરી. “ધ્વનિ, આપણે આ નવા જમાનાના છીએ. મને નથી ખબર, કે તમે કેવી રીતે ઉછર્યા છો. અમારા ઘરમાં આજે પણ ચુસ્ત જૈન ધર્મ પળાય છે. શું તમને આ વાતાવરણ ફાવશે? તમને એમ તો નહીં લાગે ને કે હું ક્યાં આટલા જુનવાણી ઘરમાં આવી ગઈ? એટલે જે નિર્ણય લ્યો એની માટે પહેલાં વિચારજો પછી જવાબ આપશો તો મને ગમશે.” બે મિનીટ ધ્વનિ ચૂપચાપ ચાલતી રહી પછી જરા હસીને બોલી. “મનોજ, પહેલી વાત કે ધર્મ પાળતા લોકોને જુનવાણી ના કહેવાય. મને પંજાબી ડ્રેસમાં જોઈને તમારા ઘરના કોઈ પણ સભ્યને ન ગમ્યું હોય એવું મને ન લાગ્યું... અને જે ઘરમાં ધર્મ ન પળાય, એ ઘર તો મને જ ન ગમે. પણ એક વાત કહું, મનોજ? આપણે આ બધી વાતો કરીએ છીએ... એની પહેલાં એ તો નક્કી કરીએ કે આપણે એકબીજાને પસંદ કરીએ છીએ કે નહીં?” એ હસતાં હસતાં મનોજ સામે જોવા લાગી. એની વાત સાંભળીને મનોજ મનસુખરાયની જેમ જ જોરથી હસી પડ્યો અને કહ્યું, “ઓહો... ધ્વનિ, એ તો હું ભૂલી જ ગયો. જો ધ્વનિ, મને તો તું પસંદ છે. હવે તારું કહે.” મનોજને તમે પરથી તું પર આવી જતાં જોઈને ધ્વનિને હસવું આવી ગયું. મનમાં તે ખુશ પણ થઈ. મનોજ ધ્વનિના જવાબની રાહ જોતો હતો. ધ્વનિએ કંઈ જવાબ ન આપ્યો. બસ, હસીને થોડું નીચું જોઈ ગઈ. ફક્ત એટલું જ કહ્યું, “ચાલો, હવે ઘરે બધા આપણી અને આપણા જવાબની રાહ આતુરતાથી જોતા હશે.” મનોજ ખૂબ જ રાજી થઈ ગયો.

બંને ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું કે બધાના જ ચહેરા પર પ્રશ્નો હતા. ધ્વનિ નીચું મોઢું કરીને એની મમ્મી પાસે ઉભી રહી ગઈ. હવે જવાબ આપવાનું કામ મનોજને ભાગે આવ્યું. મનોજે બંને બહેનોને પાસે બોલાવી અને પૂછ્યું, “શું હા પાડું કે નહીં? ભાભી તરીકે ધ્વનિ તમને પસંદ છે?” મનોજની વાત સાંભળીને બંને બહેનો મનોજને ભેટી પડી. આખા ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. સવિતાબહેને પોતાની દીકરીને ગળે લગાડીને વહાલ કર્યું. ધ્વનિ તેમનાથી છૂટી પડીને મનસુખરાય, ઉષાબહેન અને મોટા ભાઈ- ભાભીને પગે લાગી. મનોજ પણ બધાને પગે લાગ્યો. ત્યાં મનસુખરાયે પોતાના ખિસ્સામાંથી એક દાગીનાની ડબ્બી કાઢી અને ઉષાબહેનને આપી. ઉષાબહેનને અચરજ થયું, કે આ શું છે? મનસુખરાયે હસીને કહ્યું, “અરે, મારી વહુને ખાલી હાથે આશીર્વાદ કેમ આપું? એટલે લઈ આવ્યો હતો.”

ઉષાબહેને હસીને જવાબ આપ્યો. “અરે, તમને તો જાણે ખબર જ હતી કે ધ્વનિ સાથે આજે મનોજનું નક્કી થઈ જશે અને ધ્વનિ આપણા ઘરની વહુ બની જશે.” મનસુખરાયે જવાબ આપતા કહ્યું, “મેં તો ધ્વનિને પહેલીવાર દેરાસરમાં પૂજા કરતાં જોઈ હતી ત્યારથી જ એને આપણા ઘરની વહુ માની લીધી હતી. મને ખાતરી હતી કે તમને બધાને પણ ધ્વનિ ગમશે જ.” ઉષાબહેને હસીને ડબ્બી ખોલતાં કહ્યું, “અરે વાહ...સાંભળ્યું હતું કે સસરાને વહુ બહુ લાડકી હોય છે, પણ આજે તો જોઈ પણ લીધું.” ડબ્બીમાંથી એક ચેઈન અને ૐનું પેન્ડન્ટ નીકળ્યું અને ઉષાબહેને ઘ્વનિ પાસે જઈને એને પહેરાવ્યું. ઘ્વનિનું માથું ચૂમીને કહ્યું, “વહુ બેટા, હંમેશા ખુશ રહો.” વાતાવરણમાં જાણે લાગણીઓનાં પૂર ઉમટ્યાં હતાં. બધાએ એકબીજાના મોઢા મીઠા કરાવ્યા. પાછું મળવાનું નક્કી કરીને બધા છુટ્ટા પડ્યાં.

તેમના ગયાં પછી નવનીતરાય ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં. તેમની ખુશીનો કોઈ પાર ન હતો. દીકરીનું સારા ખાનદાન ઘરમાં સગપણ નક્કી થયું. સવિતાબહેન અને ધ્વનિ બધાં જ રડતાં હતાં. એવું લાગતું હતું જાણે લાડકી ઘ્વનિની વિદાય આજે જ થવાની હોય. થોડીવારમાં બધા શાંત થયાં ત્યારે ઘ્વનિએ કહ્યું, “પપ્પા, આજે હું આપની વાત દિલથી માનું છું કે લગ્ન કરીને ખાલી પતિ સાથે નથી રહેવાનું. આખા કુટુંબ સાથે રહેવાનું હોય છે અને સારું જીવન જીવવા માટે કુટુંબ સારું હોવું ખૂબ જરૂરી છે.” એવું કહીને ઘ્વનિ પોતાના પપ્પાને ભેટી પડી. નવનીતરાય એના માથા પર હાથ ફેરવવા લાગ્યા. બીજા બે દિવસ એ જ ખુશીમાં નીકળી ગયા. બે દિવસમાં નવનીતરાયે સવિતાબહેનને ઘણી વાર કહી દીધું, “ધ્વનિના લગ્નમાં કે લેતીદેતીમાં કોઈ કમી ન આવવી જોઈએ. આટલા વર્ષોથી જે કમાયો છું એ બધું ઘ્વનિ માટે જ છે.

બીજે દિવસે મનસુખરાયનો ફોન આવ્યો. ઘ્વનિએ ફોન ઉપાડ્યો. 'જય જિનેન્દ્ર'ની આપ-લે થઈ પછી મનસુખરાયે ફક્ત એટલું કહ્યું, “પપ્પા અને મમ્મીને કહેજો કે આવતી કાલે 3:00 વાગે ઘરે આવી જાય. થોડી વાતો કરવાની છે.” અને ફોન મૂકી દીધો. ઘ્વનિએ મમ્મી પપ્પાને વાત કરી. નવનીતરાયને પણ ચિંતા થવા લાગી છે કે શું વાતો કરવી હશે? પણ સવિતાબહેને કહ્યું, “ચિંતા ન કરો. લેતી-દેતીની વાત થશે તો આપણને પણ ક્યાં કમી છે?” મમ્મીની વાત સાંભળીને ધ્વનિ વચમાં બોલી. “મમ્મી, પપ્પા, મારી વાત સાંભળો. લાગતું તો નથી જ કે એ લોકો લેતીદેતીમાં માનતા હશે. પોતાના મોઢે એ લોકો કાંઈ કહે એવું લાગતું નથી. પણ જો એમણે એવી કોઈ વાત કરી, તો એ ઘરમાં હું લગ્ન નહીં કરું. મને એવા લોકો સાથે મારી જિંદગી નથી વિતાવવી.” આટલું બોલીને ધ્વનિ પોતાની રૂમમાં ચાલી ગઈ. નવનીતરાય અને સવિતાબહેન એકબીજા સામે જોતાં જ રહ્યાં કે હવે શું થશે? બીજા દિવસ, બપોર સુધીનો સમય કાઢવાનો હતો. કેવી રીતે નીકળશે આટલો સમય? એ જ ચિંતામાં તેઓ હતા. બંનેએ આખી રાત પડખા ફેરવવામાં વિતાવી.

બીજે દિવસે બે વાગ્યે તેઓ મનસુખરાયના ઘરે જવા નીકળ્યા. આખા રસ્તે બેમાંથી કોઈ કાંઈ બોલતાં ન હતાં. મન અને મગજ એટલાં બધાં ચાલતા હતા કે જીભને મોકો જ નહોતો મળતો વાત કરવાનો... હવે ધ્વનિની વાત એ લોકોને વધારે ચિંતા કરાવતી હતી. રસ્તામાં સવિતાબહેને યાદ કરાવ્યું કે ખાલી હાથે ન જવાય એટલે સારી દુકાનમાંથી મીઠાઈ ખરીદી અને મનસુખરાયના ઘર તરફ રવાના થયા. જેવા 'જલદર્શન' બંગલા પાસે પહોંચ્યા... તો જોયું કે દરવાજો ખુલ્લો હતો. નવનીતરાયે બેલ વગાડવા માટે સ્વીચ તરફ હાથ લાંબો કર્યો, તો એમની નજર ઘરમાં ગઈ. એમની આંખો પહોળી થઈ ગઈ. ઘરના બધા જ સભ્યો બેઠાં હતાં અને ત્રણ પુરોહિત પણ હાજર... બધા અંદર અંદર વાતો કરતાં હતાં. તેમણે જોયું કે કોઈનું ધ્યાન દરવાજા પર જતું નથી. બધા વાતોમાં મશગુલ હતાં. આખરે તેમણે બેલ વગાડી. બધાનું ધ્યાન દરવાજા તરફ ગયું. તેઓ બંનેને જોઈને ઉષાબહેન અને મનસુખરાય ઉભા થઈને દરવાજા પાસે આવ્યા અને તેમનું પ્રેમભર્યું સ્વાગત કર્યું. નવનીતરાયથી હવે રહેવાયું નહીં એટલે તેમણે ત્યાં જ પૂછી લીધું. “શું કામ પડ્યું અચાનક અમને બોલાવ્યા? તમે ફોનમાં કારણ પણ ન જણાવ્યું અને મારી સાથે વાત પણ ન કરી, તેથી જરા ફિકર થઈ ગઈ.”

એમના આટલા બધા સવાલોમાં એક પિતાની ચિંતા બધાને દેખાઈ... પણ મનસુખરાય ખડખડાટ હસવા લાગ્યા, ત્યારે ઉષાબહેને કહ્યું, “ભાઈ, તમે આમનો સ્વભાવ ઓળખી જાવ હવે. એમને આવું બધું કરવામાં મજા આવે.” અને મનસુખરાય સામે રીસથી જોઈને તેઓ બોલ્યા, “શું તમે પણ? એક દીકરીના માતા-પિતા સાથે આવી મસ્તી કરાય? હવે લગ્ન થાય ત્યાં સુધી જરાય ચિંતામાં ન નાખતાં આ લોકોને.” પત્નીની વાત સાંભળીને મનસુખરાયે પોતાના બંને કાન પકડ્યા અને કહ્યું, “ભૂલ થઈ ગઈ મારી. હવે આવી મસ્તી નહીં કરું.” ત્યારે એમની સરળતા જોઈને નવનીતરાય અને સવિતાબહેને રાહતનો શ્વાસ લીધો. બધા ઘરમાં શાંતિથી ગોઠવાયા અને પુરોહિતોએ એક મહિના પછીની તારીખ સગાઈ માટે જણાવી. બધાએ એકબીજાને અભિનંદન આપ્યા અને સાથે બેસીને નાસ્તો કર્યો. હવે સવિતાબહેને જવા માટે રજા માંગી ત્યાં ઉષાબહેને કહ્યું, “જરા એક મિનીટ. તમારા ભાઈએ ભલે તમારી સાથે મજાક કરી હોય પણ મારે થોડી વાતો કરવી છે તમારી સાથે, જે ગંભીર પણ છે અને સાથે તમારે માનવી પણ પડશે.”

હવે ઘરના બધા જ લોકો અચરજમાં મુકાઈ ગયાં... કારણ બોલવાનું કામ ઉષાબહેનું હતું જ નહીં. તેઓ અતિશય મૌન રહેતાં અને જો આજે તેઓ કંઈક કહેવા માંગતા હોય, તો વાત જરૂર ગંભીર હશે... એ તો બધાએ માની જ લીધું. ઉષાબહેન સવિતાબહેન અને નવનીતરાય પાસે ગયા. બે હાથ જોડ્યા અને કહ્યું, “જુઓ, ખરાબ ન લગાડતાં... પણ તમારે જે આપવું હોય તે તમારી દીકરીને આપજો. અમારા કુટુંબીજનોને, બધાને અમે ભેટ આપીશું. તમારે બધાને ફક્ત શ્રીફળ આપવાના છે. એનાથી વધારે અમે કાંઈ જ નહીં લઈએ...અને અમને તમારી સંસ્કારી દીકરી મળી છે એ જ અમારા માટે સર્વેસર્વા છે.... અને આજ પછી આપણે લગ્ન સુધી આ બાબતથી એક પણ ચર્ચા નહીં કરીએ.” આટલું બોલીને ઉષાબહેને શ્વાસ લીધો અને બધાની અચરજભરી નજર પોતાના પર જોઈને પોતે થોડુંક હસી પડ્યાં. મનસુખરાય ઉષાબહેન પાસે આવ્યા અને કહ્યું, “ઉષા, તેં તો બહુ સરસ મુદ્દાની વાત કરી, મને ખૂબ જ આનંદ થયો.” પછી નવનીતરાય પાસે આવીને બોલ્યા, “તો નવનીતશેઠ, તમે અમારી પત્નીનો હુકમ સાંભળી લીધો ને? તો લેવા માંડો દસ-બાર ગુણી શ્રીફળની...” પાછા ભારે વાતાવરણને મનસુખરાયે હાસ્યમાં ફેરવી નાખ્યું. બધા હસતાં હસતાં છુટા પડ્યાં.

ઘરે પાછા ફરતી વખતે સવિતાબહેનની આંખો સુકાતી ન હતી. એમને એમની દીકરીના નસીબ માટે ખુશી થઈ અને ભગવાનનો પાડ માન્યો. એ વિચારતાં હતાં કે મારી દીકરી પર હવે ક્યારેય દુ:ખનો પડછાયો પણ નહીં પડે. પણ કહેવાય છે ને, કોઈને ખબર નથી હોતી કે ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું હોય છે?

***