Ant Pratiti - 9 books and stories free download online pdf in Gujarati

અંત પ્રતીતિ - 9

અંત પ્રતીતિ

નીતા કોટેચા

(૯)

ઓચિંતો વળાંક

જિંદગીમાં કોઈક લેણાદેણી હોય ત્યારે ભેગા થવાય છે,

મિત્રતાની હુંફમાં અણજાણી રીતે ઓગળી જવાય છે.

એક દિવસ સાંજે ધ્વનિ અને મનસુખરાય ઓફિસની વાતો કરતાં હિંચકા પર બેઠા હતાં, ત્યારે અચાનક સમીર અને વર્ષા ત્યાં આવ્યાં. હમણાં ખૂબ કામ રહેતું હોવાથી સમીર અને વર્ષાને સમય ઓછો મળતો હતો, તેથી ઘણા દિવસે તેઓ મળવા આવ્યાં. મનસુખરાય ગાર્ડનમાં જવાના હતા પરંતુ ત્યાં જ બેસી ગયા. ઘણા દિવસે આવ્યા તેથી મનસુખરાય ફરિયાદના સૂરમાં બોલ્યા, “કેમ બેટા, અંકલને ભૂલી ગયો ને? કેમ હમણાંથી દેખાતો નથી?” સમીરે કહ્યું, “સોરી અંકલ, ઓફિસમાં જ કામ એટલું વધારે હતું કે ઘરે આવવા માટે પણ મોડું થતું હતું, મળવા આવી નથી શકાયું માટે માફ કરજો, અંકલ.” મનસુખરાય હસીને બોલ્યા, “અરે બેટા, હું તો મજાક કરું છું. શું નથી જાણતો કે ઓફિસમાં કેટલાય કામ હોય છે? ચાલો, તમે બધા બેસીને વાતો કરો. હું હમણાં આવું છું.” એમ કહી તેઓ ત્યાંથી નીકળીને ઘરમાં ગયા.

વર્ષા અને સમીરે ધ્વનિની પણ માફી માંગી. વર્ષા બોલી, “ધ્વનિ, જો... આવતા શનિવારે અને રવિવારે આપણે અલીબાગ જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. તારે અને બાળકોએ અમારી સાથે જ આવવાનું છે. બે દિવસનો પ્રોગ્રામ છે. મજા કરીશું ને પાછા આવીશું. તારે આવવાનું છે.” “હા, હા, સમીર બેટા, તેઓ ચોક્કસ આવશે.” ઉષાબહેન ત્યાં અચાનક આવ્યા અને કહ્યું. મમ્મીને એકદમ આવેલા જોઈને ધ્વનિ કંઇક બોલવા જતી હતી, “પણ... મમ્મી” ઉષાબહેને કહ્યું, “પણ- બણ કશું નહીં, બેટા... થોડી બહાર આવતી જતી જા દીકરા, આખો દિવસ ઘર અને ઓફિસ...કામમાં જ વ્યસ્ત રહે છે. થોડું બહાર જવાથી મનને બીજી તરફ વાળી શકાય. સમીર બેટા, તેઓ ચોક્કસ તમારી સાથે આવશે જ.” સમીરે કહ્યું, શનિવારે સવારે અમે કાર લઈને આવીશું. ધ્વનિ અને બાળકોને સાથે લઈને બધા કારમાં અલીબાગ જઈશું.”

ઉષાબહેને કહ્યું, “પણ એક કારમાં તમે ચાર જણા જશો તો બીજા ત્રણ કેવી રીતે આવશે? એક કામ કરો... ધ્વનિ બેટા, તું આપણી જ કાર લઈ લેજે, જેથી બધા આરામથી મુસાફરી કરી શકે.” ધ્વનિએ કહ્યું, “ભલે એમ કરીશું.” બધું નક્કી થયું. ધ્વનિએ બીજે દિવસે બપોરે ત્રણેય જણાના કપડા પેક કર્યા. થોડો નાસ્તો બાળકો માટે લીધો.

બીજે દિવસે સવારે આઠ વાગ્યે સમીર ગાડી લઈને જલદર્શન આવ્યો ત્યારે વર્ષાને ન જોતાં ધ્વનિએ પૂછ્યું, “વર્ષા ક્યાં છે? તે નથી આવતી?” સમીરે કહ્યું, “ધ્વનિ, કાલે અચાનક જ તેના ભાઈનો ફોન સુરતથી આવ્યો. તેની મમ્મીની તબિયત થોડી બગડી છે તેથી તેને ત્યાં બોલાવી છે. તો તેના જવાથી આ પ્રોગ્રામ કેન્સલ જ કરવાના હતા. પરંતુ બાળકો જિદ્દે ભરાયા છે અને કહે છે કે પપ્પા, અમારે તો અલીબાગ ફરવા જવું જ છે તેથી હમણાં જ વર્ષાને બોમ્બે સેન્ટ્રલ ટ્રેનમાં બેસાડીને તમને લેવા આવ્યો છું. હવે તો એક જ કારમાં બધા આવી જઈશું કેમ ખરું ને?” “હા, સમીર બેટા. બધા એક જ કારમાં આવી જશો. જોજો, ધ્યાનથી કાર ચલાવીને જજો... બેટા.” ઉષાબહેન બોલ્યા. પછી બધો સામાન કારની ડીકીમાં ગોઠવીને બધા કારમાં બેઠા. ધ્વનિ અને બાળકો પાછળની સીટ પર ગોઠવાયાં, મીત આગળની સીટ પર બેઠો. ચારે બાળકો ખૂબ જ ઉત્સાહિત હતાં. ધ્વનિને મનમાં એમ થતું હતું કે વર્ષા આવી હોત તો સારું થાત. વર્ષા વગર સમીર સાથે બહાર જવાનું પહેલી વખત હતું, તેથી તે જરા મુંઝાયા કરતી હતી, પણ તે બોલી ના શકી. બે કલાક ગાડી ડ્રાઇવ કરીને બધા અલીબાગ આવી પહોંચ્યાં. ત્યાં હોટલમાં રૂમ બુક પહેલેથી જ થયેલાં હતાં. તેથી બધા પહેલા રૂમમાં ગયા, ફ્રેશ થઈને જમ્યા, પછી ગાડી લઈને ફરવા નીકળ્યા સાંજનો સમય હતો બધા દરિયા કિનારે આવ્યા.

કહે છે ને કે સાંજની સંધ્યા દરિયાકિનારે ખૂબ જ સરસ લાગે છે. એક બાજુ સૂરજ પશ્ચિમમાં આથમતો હોય છે અને તેનો લાલ રંગ એવો લાગે છે જાણે કે... પોતાના પિયુના સ્પર્શથી એક નવોઢાના ગાલ પર શરમના શેરડા પડતાં હોય છે અને કેવાં રતુંબડા બની જાય છે. સૂર્ય લાલ રંગનો બની જાય છે તેનું પ્રતિબિંબ દરિયામાં પડતા એક અનોખું દ્રશ્ય રચાય છે. તેમાં પણ મંદ મંદ શીતળ પવન લહેરાતો હોય, આકાશમાં પીળા રંગની સંધ્યા ખીલી હોય અને લાલ રંગનો સૂરજ... તે દ્રશ્ય ખૂબ જ મનમોહક લાગે છે. સાથે દરિયાની લહેરો ઉછળતી કિનારે અથડાતી હોય....પોતાના પ્રિયતમના હાથમાં હાથ રાખીને ભીની રેતીમાં એકસાથે પગલાં પાડતાં ચાલવાની મજા કંઇક ઓર જ છે. દરિયાકિનારે ઘણા બધા યુવક-યુવતીઓ દરિયાના પાણીમાં સ્નાન કરવાની મજા માણતાં હતાં. ઘણા યુગલો હાથમાં હાથ રાખીને ભીની રેતીમાં ચાલતાં હતાં. વાતાવરણ ખૂબ જ રોમેન્ટિક હતું. બાળકો દરિયાના પાણીને જોતાં જ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયાં. તેઓ પાણીમાં એકબીજા સાથે ગમ્મત કરતાં ગયાં. પાણીમાં ખૂબ અંદર નહીં જવું એવી તાકીદની સૂચના સમીરે પણ આપી. “પપ્પા, અમે અંદર નહીં જઈએ.” એમ બોલીને દોટ મૂકી.

ધ્વનિ નીચે રેતીમાં બેઠી હતી અને બધા બાળકોને લઈને સમીર દરિયાના પાણીમાં ગયો. ધ્વનિ આ બધું શાંતિ તે જોઈ રહી હતી. દરિયાની આ સાંજ તેને તેની અને મનોજની મુલાકાત યાદ અપાવી ગઈ. મનોજને દરિયો ખૂબ જ ગમતો હતો. તે પ્રથમ વખત ધ્વનિને લઈને ગયો હતો. ત્યાં ગાળેલી મુલાકાતના દ્રશ્ય આંખ સામે તરવરી ઉઠયાં. મનોજ અને ધ્વનિ બંને સાથે પાણીમાં ભીંજાયા હતા. તે આ સુહાની સાંજ, સાથે માણેલો એ સમય...બધું જ એની નજર સમક્ષ રજૂ થઈ ગયું. તે પોતાના એ સોનેરી સપનામાં ખોવાઈ ગઈ હતી. ત્યાં જ સમીરનો અવાજ આવ્યો, “ વિચારોમાં એકલી બેઠી છે, અહીંયા આવ. જો, બાળકો કેટલી મસ્તી કરે છે?” ધ્વનિએ કહ્યું, “સમીર, હું અહીં જ ઠીક છું.” “અરે પ્લીઝ, આવું નહીં કર, આવ તો...” સમીરના કહેવાથી ઊઠીને ધ્વનિ તે ઊભો હતો ત્યાં નજીક જઈને ઉભી રહી. સમીર બોલ્યો, “ઘૂઘવતો દરિયો અને મોજાનું દ્રશ્ય, દરિયાકિનારો અને સાંજનું દ્રશ્ય કેટલું સુંદર લાગે છે? તને યાદ છે મનોજને દરિયા કિનારો ખૂબ જ ગમતો?” ધ્વનિએ કહ્યું, “હા સમીર, મને બધું યાદ છે. હું હમણાં એ જ બધું યાદ કરતી હતી. બાળકો પાણીમાં રમે છે. આપણે થોડું ચાલી આવીએ.” પછી બંને થોડા દૂર રહીને સાથે રેતીમાં ચાલવા લાગ્યા. “સમીર, વર્ષા હોત તો કેટલી મજા આવતને? તું પણ આજે એકલો પડી ગયો.” ધ્વનિના જવાબમાં સમીરે કહ્યું, “હવે એકલો ક્યાં છું? તું છે, બાળકો છે, આટલા બધા તો છો મારી સાથે.” પછી થોડા જોક્સ અને બીજી વાતો કરીને ધ્વનિને હસાવતો રહ્યો. જ્યારે તેની વાત પર હસતી ધ્વનિને જોઈને સમીરને ખૂબ ગમ્યું કે ચાલો, થોડું તો ધ્વનિ હસતાં શીખી. નહીં તો, મનોજના ચાલ્યા ગયા પછી ધ્વનિ જાણે કે હસવાનું ભૂલી ગઈ હતી.

થોડે દૂર સુધી ચાલ્યા પછી તેઓ પાછા ફર્યા, જ્યાં બાળકો હતાં. ત્યાં આવીને દરિયા કિનારે ઉભા રહ્યાં, ત્યાં મીત બોલ્યો, “પપ્પા પ્લીઝ, અમારી પાસે આવો ને, આવો ને... કેવી સરસ લહેરો ઊઠી છે? પ્લીઝ પપ્પા આવો ને...” તો મહેક અને યશ તેમની મમ્મીને કહેવા માંડ્યા, “મમ્મી પ્લીઝ, તમે પણ આવો ને. જુઓને લહેરો કેટલી ઊઠે છે? ભીંજાવાની ખૂબ જ મજા આવે છે. પ્લીઝ આવો ને.” સમીરે કહ્યું, “બાળકો આટલું બોલાવે છે તો પ્લીઝ તેમનું મન રાખવા પણ ચાલ ને.”

“ઓકે, ઓકે, આવું છું.” પછી ધ્વનિ અને સમીર દરિયાના પાણીમાં અંદર જવા લાગ્યાં. દરિયાની લહેરો ઉઠીને કિનારે આવતી હતી. તો તે ધ્વનિને અને સમીરને ભીંજવતી હતી. ધીરે ધીરે તેઓ બાળકો હતાં ત્યાં જઈ રહ્યાં હતાં. બાળકો ખૂબ જ મજા કરી રહ્યાં હતા એ જોવામાં ધ્વનિ મગ્ન હતી. ત્યાં અચાનક દરિયાની લહેરનું એક મોટું મોજું આવ્યું તેનાથી ધ્વનિનું બેલેન્સ ન રહ્યું અને તે પાણીમાં અંદર પડી ગઈ. પછી તે એટલી ડરી ગઈ હતી, એક તો તેને તરતા આવડતું ન હતું તેથી તે બીકની મારી પાણીમાં બચવા પ્રયત્ન કરવા લાગી. બધા જ બાળકો 'આંટી, મમ્મી' બૂમો પાડવા માંડયા. ત્યાં અચાનક તેની તરફ જઈને સમીરે ધ્વનિને પકડી લીધી.

એકદમ સમીરનો હાથ તેના હાથમાં આવતા ધ્વનિએ એકદમ સમીરને પકડી લીધો. ધ્વનિ એટલી બધી ડરી ગઈ હતી, તેને જાણે બચવાનો એક સહારો મળ્યો, તે સમીરને વળગી પડી, એક તો પાણીનો ડર, અને કેટલાય વખતની એકલતાની વેદના... ધ્વનિની અસહાય સ્થિતિમાં તેને તો ધ્યાન જ ન હતું, કે તે સમીર સાથે છે, તેને મનોજનો સ્પર્શ, મનોજની હુંફ યાદ આવવા લાગી. આ પરિસ્થિતિમાં શું કરવું એ સમીરને તો સમજાતું જ ન હતું. ધ્વનિની આ વેદના, પીડા સમીરને સમજાતી હતી. પરંતુ પોતાના મન પર તરત જ કાબૂ કરી અને એણે જોયું કે ધ્વનિ તો ઘણું બધું પાણી પી ગઈ છે, એટલે સમીરે તેની પીઠ થાબડી, તેથી પાણી બહાર નીકળી ગયું.

બાળકો પણ ધ્વનિની નજીક આવી ગયાં આવ્યા પછી ધ્વનિને થોડું સમજાયું કે તેની સાથે શું થયું... તે સમીરથી છૂટી પડીને અચકાઈને બોલી, “સોરી અને આભાર. તેં મને પાણીમાં ડૂબતા બચાવી.” સમીરે સાંત્વના આપતાં કહ્યું, “ધ્વનિ, તેમાં આભાર માનવાનો ન હોય.” તેમ કહીને તેનો હાથ પકડીને ધીરે ધીરે પાણીમાંથી બહાર લાવીને, કિનારે એક પથ્થર પર બેસાડી સમીરે પૂછ્યું, “ધ્વનિ, આર યુ ઓકે?” ધ્વનિએ કહ્યું, “હા, સમીર.” સમીરની સામે તે આંખ મિલાવી શકતી નહોતી. રહી રહીને તે સમીરને, પોતાના ડરને લીધે વીંટળાઈ ગઈ હતી... તે દ્રશ્ય તેની આંખો સમક્ષ આવતું હતું. એને મનમાં થયું, “જો સમીરે મને બચાવી ન હોત તો ચોક્કસ પાણીમાં ડૂબી જાત. મારા બાળકોનું શું થાત? તેમના પપ્પા તો નથી, દૂર ચાલ્યા ગયા છે. મને કાંઈ થઈ જાત તો, તેમની માની મમતા પણ છીનવાઈ જાત.” તે આ બધા વિચારોમાં ડૂબી ગઈ... સમીરે બધા બાળકોને કહ્યું, “ચાલો, ફટાફટ કપડાં બદલો, હવે અંધારું થવા આવ્યું છે. ચાલો, જલ્દી કરો.” બાળકો પાણીમાંથી બહાર નીકળીને, કપડા બદલીને, તેમની પાસે આવ્યાં.

ધ્વનિના કપડાં પણ ભીંજાઈ ગયા હતાં. તે તો કપડાં લાવી જ નહોતી, હોટેલ પર જઈને જ બદલવા પડશે. એટલામાં સમીરે ગાડીમાંથી એક ટોવેલ લાવ્યો અને ધ્વનિને આપીને બોલ્યો, “ધ્વનિ, શરીર લૂછી લે. પછી રૂમ પર જઈને કપડા ચેન્જ કરી લેજે.” સમીરે કહ્યું, “થેંક્યુ? જો મને થેંક્યુ કહીને આભારનો ભાર નહીં આપ. આ તો મારી ફરજ હતી તે નિભાવી છે. હવે બધા ગાડીમાં બેસો, પાછા હોટલ પર જઈએ.” એમ કહીને સમીર એની પાસે આવ્યો અને પૂછ્યું, “ધ્વનિ, હવે કંઈ પ્રોબ્લેમ નથી ને? તું ઠીક છે ને? તો આપણે જઈશું?” ધ્વનિ સ્વસ્થ થઈ ગઈ હતી અને બોલી, “હા, હવે સારું છે, ચાલો જઈએ” એમ કહીને ધ્વનિ પણ ગાડી પાસે આવી. સમીર સાથે ચાલતાં-ચાલતાં તેને ખ્યાલ આવ્યો કે પોતાને બચાવવા જતાં સમીર પણ આખો ભીંજાઈ ગયો છે. તેની પાસે પણ બીજા કપડાં હતા નહીં. ધ્વનિએ સમીરને ટોવેલ આપતા કહ્યું, “સમીર, લે આ. એકવાર તારૂં શરીર લૂછી લે.” સમીરે કહ્યું, “ડોન્ટ વરી, હું ઓકે છું. હવે તો હોટેલ પર હમણાં જ પહોંચી જઈશું.” પણ ધ્વનિ ના માની અને બોલી, “હોટેલ પહોંચતાં વાર લાગશે. તારી ધ્યાન રાખ.” પછી ધ્વનિના હાથમાંથી ટોવેલ લઈને સમીર બોલ્યો, “તું નહીં માને? ઓકે.”

બધા ગાડીમાં ગોઠવાયા અને હોટલ પર આવ્યાં. ત્યાં જઈને બધાં પોતપોતાના રૂમમાં ગયાં, જ્યાં બધા ફરીથી ફ્રેશ થયા. પછી સમીરે ધ્વનિ અને બાળકોને નીચે જમવા માટે બોલાવ્યા અને બધા ડાઇનિંગ હોલમાં ગયા. ત્યાં માહોલ સરસ હતું. સામે મ્યુઝિક વાગી રહ્યું હતું. બાળકોએ પોતાની પસંદગીનું જમવાનું ઓર્ડર કરી દીધું. બધા ભેગા હતા તેથી આનંદથી ડિનરની મજા માણી. સૂપ, પાપડ, સલાડ, પરાઠા, વિવિધ શાક, પુલાવ, આઇસક્રીમ... બધાને જમવાની ખૂબ જ મજા આવી.

ધ્વનિ મ્યુઝિક સાંભળતી હતી પરંતુ તેના મનમાં સાંજે બનેલી ઘટનાઓ ઉથલપાથલ મચાવી રહી હતી. સમીર ખૂબ જ ધ્યાનથી ધ્વનિના ચહેરાની રેખાઓ વાંચવાનો પ્રયત્ન કરતો હતો. ત્યાર પછી સમીરે તેની વાત કરવા માટે પણ પ્રયત્ન કર્યો, પણ એણે તો જાણે હોઠ પર તાળું જ વાસી દીધું હતું. તે ચૂપચાપ જમવાને ન્યાય આપી હતી. જમવાનું પતી ગયું પછી બધા ઉભા થઈને બહાર ગાર્ડનમાં આવીને બેઠાં. સામે સાગરનો અવાજ સંભળાતો હતો. બાળકો તેમની મસ્તીમાં હતાં. ધ્વનિ ચૂપ હતી. કશું બોલતી પણ ન હતી. સમીરે વિચાર્યું જો ધ્વનિને આ વિચારોમાંથી બહાર નહીં નીકળે તો તે નિરાશ થઈ જશે... અને સમીરે ફરીથી ધ્વનિને બોલાવી, “તું કેમ આટલી ચૂપ થઈ ગઈ છે? કાંઈક તો બોલ.”

ધ્વનિએ સામે જોયું પરંતુ કશું બોલી ન શકી એટલે સમીરે એને સમજાવીને કહ્યું, “ધ્વનિ, તારે કોઈ અકળામણ કે દુઃખની લાગણી રાખવાની જરૂર નથી. તું આટલું બધું વિચાર નહીં કર. જે કંઈ થયું છે તે જાણી જોઈને નથી કર્યું. અચાનક થઈ ગયું છે...” ધ્વનિ પરાણે હસી પણ તે સમીર સાથે વાત ન કરી શકી.

બીજે દિવસે સવારે વર્ષા પણ આવી ગઈ, તેના આવવાથી વાતાવરણ પાછું નોર્મલ થઈ ગયું. તેને ધ્વનિ સાથે પણ એવું જ વર્તન કર્યું જાણે કશું થયું જ નથી. પણ ધ્વનિનું મન હચમચી ગયું હતું. કહેવાય છે કે મન ખૂબ જ ચંચળ હોય છે. તેમાં પણ એવું હોય છે કે આપણે મનથી માનીએ તે કદી સાચું નથી હોતું અને સાચું હોય છે તેને મન માનતું નથી. અત્યારે ધ્વનિની હાલત પણ એવી જ હતી. સાંજની બનેલી ઘટનાએ તેને પૂરેપૂરી હલાવી નાખી હતી. તે વર્ષા સાથે પણ બોલવા ખાતર જ બોલતી હતી. વર્ષાએ ખૂબ પ્રયત્નો કર્યા પણ ધ્વનિની ચૂપકીદી તોડી ન શકી. આખરે તેણે સમીરને પૂછ્યું, “સમીર, ધ્વનિને શું થયું છે કે આટલી ચૂપચાપ છે?” સમીરે આગલા દિવસે સાંજે બનેલી ઘટનાની વિગત વર્ષાને કહી. તે સાંભળીને તેને ખાતરી થઈ ગઈ કે પોતાની સખીની કફોડી હાલત છે.” તે રાતે ધ્વનિના રૂમમાં તેને મળવા ગઈ... વર્ષા અચાનક રાતે તેને મળવા આવી, તેથી ધ્વનિને થોડું આશ્ચર્ય થયું. થોડી આમ તેમ વાતો કરીને વર્ષાએ મૂળ વાત શરૂ કરી. ધ્વનિના બંને હાથ પોતાના હાથમાં લઈને તે બોલી, “જો ધ્વનિ, તેં કાંઈ ખોટું કામ નથી કર્યું. બીકના માર્યા એ બધું થયું. તેમાં તું આટલી બધી શા માટે અપસેટ છે? ભૂલી જા... ને ભગવાનનો આભાર માનો કે તને વધારે કંઈ થયું નથી. નહીં તો અમે અંકલ આંટીને શું જવાબ આપત? માટે પ્લીઝ રિલેક્સ થઈ જા.” વર્ષાના સાંત્વનાના શબ્દો સાંભળીને ધ્વનિના દિલ પરથી હજાર મણનો બોજ હટી ગયો અને હૃદય હલકું ફૂલકું બની ગયું. તે પ્રેમથી વર્ષા ભેટી પડી અને આંખમાં આંસુ આવી ગયાં. “ચાલ, તેમાં શું કામ રડે છે? ભૂલી જા બધું અને હા, અંકલ આંટીને કશું ના કહીશ. નહીં તો, એમને પણ ચિંતા થશે. ચાલ હવે, હસી દે.” વર્ષા એમ બોલી એટલે ધ્વનિ હસી પડી. વર્ષાએ કહ્યું, “ચાલ, તું આરામ કર...કાલે આપણે પાછા મુંબઈ જવાનું છે.”

બીજે દિવસે સવારે બધા ગાડીમાં મુંબઈ જવા રવાના થયા. ઘરે આવ્યા પછી ધ્વનિ ગુમસુમ રહેવા લાગી હતી એ મનસુખરાયની નજરથી અજાણ ન રહ્યું. અલીબાગથી આવ્યા પછી, વર્ષા અને સમીરે પણ મળવા આવ્યા ન હતા, તેથી તેમને થયું કે ચોક્કસ અલીબાગમાં કંઈક બન્યું હોવું જોઈએ.

એક દિવસ સવારે નાસ્તાના ટેબલ પર મનસુખરાયે ધ્વનિને પૂછયું, “બેટા, અલીબાગમાં કંઈ બન્યું હતું?” અચાનક આવા સવાલથી તે બોલી, “કેમ પપ્પા, શું થયું?” “કશું નહીં બેટા, તું આટલી ગુમસુમ થઈ ગઈ છે. વર્ષા અને સમીર મળવા પણ અહીં આવ્યા નથી. તો મને એમ થયું કે ત્યાં કશું બન્યું હોવું જોઈએ, તેથી તેને પૂછયું બેટા.” “ના પપ્પા કદાચ થાકને કારણે તે મળવા આવી શક્યા નહીં હોય.” હજુ તો ધ્વનિ આ વાત બોલે ત્યાં મનસુખરાયે સમીરને મોબાઈલ લગાવી દીધો હતો. સામે છેડે સમીરને અવાજ સાંભળવા મળ્યો. મનસુખરાય બોલ્યા, “અરે, સમીર બેટા... કેમ છો? એક વાત તો કહે, અલીબાગમાં કંઈ બન્યું છે? મારી દીકરી ત્યાંથી આવ્યા પછી કેમ ચૂપ થઈ ગઈ છે? તમે પણ અહીં આવ્યા નથી.” સામેથી સમીરે શું વાત કરી તે તો ધ્વનિને ન સમજાયું. છેલ્લે બોલ્યા, “સારું, સારું, બેટા. આરામ કરી લે અને સારું લાગે ત્યારે તમે અમને મળવા જરૂરથી આવજો.” એમ કહીને મોબાઈલ બંધ કર્યા પછી તેઓ બોલ્યા. “તેને થાક લાગ્યો છે અને શરીરમાં કળતર થાય છે. જો કાલે સારું હશે તો અહીંયા મળવા આવશે.” એમ બોલીને મનસુખરાય ઊભા થયા, ઓફિસ જવા રવાના થયા.

ધ્વનિ થોડી વાર ઉષાબહેન પાસે બેઠી. પોતાના રૂમમાં આવી અને તબિયત સારી ન લાગતાં થોડીવાર માટે સૂઈ ગઈ. પણ તેને અલીબાગના દરિયાની ઘટના યાદ આવી હતી. તે કેવી રીતે સમીરને ડરીને વીંટળાઈ ગઈ હતી. ત્યારે એમ જ લાગ્યું કે તે મનોજની બાહોમાં છે. મનોજની યાદ આવતી હતી કે તે ખૂબ જ વિચલીત થઈ ગઈ હતી. મનને ન સમજાય તેવી મૂંઝવણ થતી હતી. શા માટે? શું થતું હતું? તેની તેને ખબર પડતી ન હતી. આ બધું વિચારતાં વિચારતાં, તે ન જાણે ક્યારે સૂઈ ગઈ એને ખબર જ ન પડી. મનોજનો સાથ છૂટીને એક વર્ષ થઈ ગયું હતું અને મનોજ વગર ધ્વનિને પોતાની જિંદગી ખૂબ જ અધૂરી લાગતી હતી. મનોજના ગયા પછી સમીર અને વર્ષાએ ખરેખર પોતાનો મિત્રધર્મ નિભાવ્યો હતો.

ધ્વનિ પહેલાં થોડા સમય માટે ઓફિસ જતી હતી પરંતુ હવે બાળકો મોટા થઈ ગયા હતા અને મનસુખરાયની તબિયત પણ નરમગરમ રહેતી હતી. તેથી ધ્વનિ વધારે સમય ઓફિસમાં વિતાવતી હતી અને મનસુખરાયના માર્ગદર્શન હેઠળ ધીમે ધીમે આંખો બિઝનેસ સંભાળતી થઈ ગઈ હતી.

મહેક અને મીત વચ્ચે પણ ખૂબ જ સારી દોસ્તી થઈ ગઈ હતી. મીત મહેકની ખૂબ જ કાળજી રાખતો હતો અને મીત અને યશ વચ્ચે પણ ખૂબ જ સારી દોસ્તી થઈ ગઈ હતી. એમની દોસ્તી જોઈને સમીર અને મનોજની દોસ્તી બધાને યાદ આવતી હતી. એક દિવસ જલદર્શનમાં બધા વાતો કરતા બેઠાં હતાં. અને ત્યારે છોકરાઓ મજાક મસ્તી કરતાં હતાં. સમીર અને વર્ષાને હવે નીકળવાનો હોવાથી સમીર છોકરાઓને બોલાવવા તેમની રૂમમાં ગયો.... તો ત્યાંનું દ્રશ્ય જોઈને તેને મનમાં હસવું આવતું હતું.

મહેક મોઢું ફુલાવીને પલંગ પર બેઠી હતી, મીત અને યશ બંને સામે ખુરશી પર બેઠા હતાં. મીત મહેકને સોરી કહેતો હતો પણ મહેક કોઈ જવાબ આપતી ન હતી. સમીર રૂમમાં દાખલ થઈને સીધો મહેક પાસે ગયો અને બોલ્યો, “બેટા, શું થયું? કેમ ગુસ્સામાં છે? શું થયું આજે મારી દીકરીને? મીતે તને કંઈ કહ્યું છે કે યશે તને ચીડવી છે? કહે બેટા.” મહેક કશું જ બોલી નહીં તેથી સમીરનો ખ્યાલ આવ્યો કે ખરેખર ઝગડો મોટો થયો લાગે છે. તેથી તે મહેકના માથે પ્રેમથી હાથ ફેરવતા બોલ્યો. “અરે બેટા, શું થયું આજે અમારી એંજલને ? શા માટે ગુસ્સામાં છે? મને નહીં કહે, બેટા. જો હું તારો અંકલ છું ને? પ્લીઝ બેટા, મને કહે.” સમીરના સ્નેહભર્યા શબ્દો સાંભળીને તેને તેના પપ્પાની યાદ આવી ગઈ. તેના પપ્પા પણ આમ જ તેને ખૂબ લાડ કરતાં હતાં. તેની આંખો ભરાઈ આવી અને તે રડવા લાગી. પછી જોરથી એને ભેટી પડી અને રડી પડી. મહેકને અચાનક રડતી જોઈને મીતને હવે અફસોસ થતો હતો કે તેણે શા માટે મસ્તી કરી? પરંતુ મહેક ખરેખર દુઃખી થઈ ગઈ છે અને બાળકોને તેના પપ્પા યાદ આવી જતાં, ઉદાસીનું વાતાવરણ છવાઈ ગયું. મહેકે સમીરને રડતાં રડતાં અંકલની બદલે પપ્પા બોલી અને કહ્યું. “પપ્પા, આ મીત મને બહુ જ હેરાન કરે છે. અને યશ એને જ સાથ દે છે. મારી વાત માનતો નથી.” એમ કહીને તે રડવા લાગી. એટલે સમીરે ઈશારાથી મીતને નજીક આવવા કહ્યું અને પછી કહ્યું, “એમ કેમ તું મારી દીકરીને હેરાન કરે છે? તેને રડાવે છે? જો આજે તારા કારણે તેની આંખમાં આંસુ આવી ગયા છે. ચાલ, સોરી કહે મારી દીકરીને.” મીતે કહ્યું, “પપ્પા, પણ એવી કઈ વાત હતી જ નહીં.” સમીરે કહ્યું, “હું કંઈ પણ ન જાણું. મારી એંજલને રડાવી છે, એ માટે એને સોરી કહેવું પડશે.” પછી મીત પલંગ પાસે આવ્યો, બે હાથે કાન પકડ્યા અને માફી માંગતા બોલ્યો. “સોરી મહેક, મેં તને રડાવી.” એની આવી હરકત જોતાં જ મહેકનો ગુસ્સો ઉતરી ગયો અને તે પણ હસી પડી અને બોલી. “ઠીક છે, માફ કર્યો. પણ પપ્પા, સોરી અંકલ.” એમ સમીરને બોલી તો સમીર બોલ્યો, “બેટા આજથી તારે મને અંકલ નહીં, પપ્પા જ કહેવાનું છે. તારા મોઢે ખૂબ જ મીઠું લાગે છે. બેટા...” “પણ...” મહેક ખચકાઈ. “જો આ પણ ને બણ, કશું નહીં. આ અંકલ તને કહે છે. તારે અને યશે હવેથી મને અંકલ નહીં, પણ પપ્પા કહેવાનું છે. જેવી રીતે હું મીત અને ઉદિતાનો ડેડી છું. તેમ આજથી તમારો પણ ડેડી. દીકરા, માટે પ્લીઝ આજથી સમીર અંકલ નહીં પણ પપ્પા.”

“ભલે તમને અંકલ નહીં કહું. આજથી પપ્પા જ કહીશ.” કહીને મહેક રડી પડી તેના પપ્પાને યાદ કરીને. અને યશ દોડતો દોડતો સમીર પાસે આવીને ભેટી પડ્યો અને રડતાં રડતાં “પપ્પા, પપ્પા” બોલવા લાગ્યો. ત્યારે બારણામાં ઉભેલા વર્ષા અને ધ્વનિ આ દ્રશ્ય જોઈને ગળગળા થઈ ગયાં કે બાળકો મનોજને કેટલા બધા મિસ કરે છે. ધ્વનિ સમીરનું આ રૂપ જોઈને ડઘાઈ ગઈ હતી. મનોજ સાચો મિત્ર હતો, પણ તે આજે બાળકોને કારણે તેમના માટે અંકલમાંથી ડેડી બન્યો હતો. તેઓ કશું પણ બોલ્યા વગર ચૂપચાપ નીચે દિવાનખંડમાં આવી ગયા. પછી ધ્વનિ વર્ષા પાસે ખૂબ રડવા લાગી. વર્ષા તેને શાંત રાખતાં બોલી, “રડ નહીં, જો નહીં બધું સારું થઈ જશે. બાળકો પણ કાલે મોટા થઈ જશે. હિંમત રાખ.” એટલામાં ધ્વનિના રડવાનો અવાજ સાંભળીને ઉષાબહેન બહાર આવ્યાં, જોયું તો ધ્વનિ રડતી હતી. તેઓ તેની પાસે ગયાં અને બોલ્યા, “બેટા, શું થયું? કેમ રડે છે?” પછી વર્ષાએ બધી વાત કરી. સમીરનું આ સ્વરૂપ જોઈને તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા ને બોલ્યા, “વર્ષા, અમે ગયા જન્મમાં કોઈ સારા કર્મો કર્યા છે. આટલો સરસ પુત્ર મળ્યો અને દોસ્તો પણ એટલા સારા મળ્યા... અને હવે પુત્રની જવાબદારી નિભાવવા તૈયાર થયો છે. આજે અમે ધન્ય થઈ ગયા, બેટા.” વર્ષા બોલી, “ના, ના આંટી એવું નહીં બોલો. અમે મહેક અને યશને કદી અમારા બાળકોથી અલગ માન્યા જ નથી. જેવા તે બે બાળકો છે, એવા જ આ બે બાળકો પણ અમારા જ છે આંટી.”

તો ઉપર... સમીર પ્રેમથી મહેકના માથે હાથ ફેરવીને બોલ્યો, “જો બેટા, આજ પછી ક્યારેય પણ આ મીત કે યશ તને રડાવે, કે હેરાન કરે, તો મને કહી દેજે. પછી હું જોઉં છું કે તે લોકો તને કેમ હેરાન કરે છે?” ઉદિતાએ કહ્યું, “મહેક, હું છું ને તારી સાથે? આપણે બંને આ બધાને પહોંચી વળીશું.” એમ કહીને બધાને હસાવી દીધા. પછી કહ્યું, “ચાલો, તમે બધા બેસો. હું હવે નીચે જાઉં છું. મીત, યશ જો તમારે ધ્યાન રાખવાનું છે. આજ પછી મહેકની આંખમાં આંસુ ન આવવા જોઈએ.” મીતે કહ્યું,“આજ પછી મહેકની આંખમાં આંસુ નહીં આવવા દઉં.” યશે કહ્યું, “હા, હું પણ ધ્યાન રાખીશ.” “ઓકે, હવે તમે એન્જોય કરો. હું નીચે જાઉં છું.” એમ કહીને સમીરે નીચે આવ્યો. ધ્વનિ રડતી જોઈને એ ગભરાઈ ગયો. એણે ઉષાબહેનને પૂછ્યું, “ધ્વનિ, શું થયું? તું કેમ રડે છે?” ઉષાબહેન બોલ્યા. “તમે બેટા, ચિંતા નહીં કરો. આ તો ખુશીના આંસુ છે.” સમીરે કહ્યું, “ખુશીના આંસુ? કાંઈ સમજાયું નહીં, આંટી...” ઉષાબહેને કહ્યું, “જો બેટા, આજથી તારે અમને અંકલ આંટી કહેવાનું નથી. જેમ મનોજ મમ્મી-પપ્પા કહેતો હતો એમ તારે પણ મમ્મી-પપ્પા કહેવું પડશે.” સમીરે અચકાઈને પૂછ્યું, “કેમ આંટી?” ઉષાબહેને જવાબ આપ્યો. “કેમ, તું મહેક અને યશનો ડેડી બની શકે છે. તો અમે તારા મમ્મી-પપ્પા ન બની શકીએ.” સમીરે કહ્યું, “એમ છે? આ તો મારી ફરજ છે, આંટી. મનોજના બાળકો મારા જ બાળકો છે. મેં ક્યારેય પણ એ લોકો વચ્ચે ભેદભાવ રાખ્યા નથી. હા, મનોજ મને પણ ખૂબ જ યાદ આવે છે. તે મારો બચપણનો મિત્ર હતો. હવે એ મારા દોસ્તની યાદો જ મારી માટે રહી ગઈ છે. પણ એક વાતની ખુશી છે કે આજે આ બાળકોના ઝઘડાથી મને એક સુંદર ગિફ્ટ મળી ગઈ. અચાનક બધા જ તેની સામે પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યા. વર્ષા બોલી, “સમીર શું ગિફ્ટ મળી?” સમીરે હસતાં હસતાં બોલ્યો, “જેની જિંદગીમાં કમી હતી તે મારા મમ્મી પપ્પા.” “ઓહ, એમ વાત છે?” એમ કહી બધા ખુશ થયાં અને વાતાવરણ નોર્મલ થઈ ગયું. રાતના જમીને બધા છુટા પડ્યાં.

મનસુખરાય અત્યારે આજે આ બનેલી ઘટના જાણીને તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા. “ઉષા, આપણે ચોક્કસ કોઈ સારાં પુણ્ય કર્યા હશે. ભગવાને આજે આપણને દીકરાની ખોટ પણ પૂરી કરી દીધી, સમીરના રૂપમાં” “હા, તમારી વાત સાચી છે. ખરેખર, એ માટે આપણે ભગવાનનો ઉપકાર માનીએ તેટલો ઓછો છે.” ઉષાબહેને કહ્યું. અવિનાશભાઈ અને મિનાક્ષીભાભી આ બધી વાતોના સાક્ષી હતાં. તેમને તો એમ જ થતું હતું તે ખરેખર આ બધી પ્રભુની કૃપા છે. ઘરથી જે ખુશીઓ દૂર થઈ ગઈ હતી એ ખુશીઓ થોડે ઘણે અંશે આવી. સમીર અને વર્ષા પોતાનાથી બનતી તમામ કોશિશ કરતા હતા કે બને તેટલું બધા નોર્મલ થઈને જિંદગી જીવી શકે…

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED