અંત પ્રતીતિ - 3 Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંત પ્રતીતિ - 3

અંત પ્રતીતિ

નીતા કોટેચા

(૩)

વધાઈનો શુભ અવસર

શુભ લાભ ચોઘડિયા હરખાયા, મંગળ વાતાવરણ સર્જાયું...

રાહ જોવાતી હતી, એ શુભ અવસર આવી પહોંચ્યો.

સગાઈની તૈયારીઓ ધામધૂમથી થવા લાગી. જો ધ્વનિને ઉષાબહેન સાથે જવાનું હોય તો તેઓ ધ્વનિને આગલા દિવસે જ કહી દેતા, જેથી કોઈને દોડાદોડી ન થાય. ધ્વનિ પણ ખૂબ જ ખુશ હતી. આખરે સગાઈનો દિવસ આવી ગયો. ખૂબ જ સુંદર શણગાર સજીને, જ્યારે ધ્વનિએ માંડવામાં પગ મૂક્યો, ત્યારે ઉષાબહેન અને મનસુખરાયે ધ્વનિની નજર ઉતારી. ઉષાબહેન એને જોતાં જ રહી ગયા. એ વિચારતાં હતાં કે સ્વરૂપ અને સંસ્કાર બંનેનો સંગમ થવો ખૂબ જ મુશ્કેલ છે. મેં કેટલાં સારા પુણ્ય કર્યા છે કે મને આવી સંસ્કારી વહુ મળી... પછી પોતાને થયું કે ક્યાંક પોતાની મીઠી નજર વહુને ન લાગી જાય એટલે એમણે ધ્વનિ પરથી નજર હટાવી લીધી.

ઈશ્વરની કૃપાથી અને બધાનાં આશીર્વાદથી સગાઈ વિધિ સુખરૂપથી પૂર્ણ થઈ. ઉષાબહેન સવિતાબહેનની રજા લઈને ધ્વનિને પોતાના ઘરે લઈ ગયાં. જલદર્શન બંગલો પણ મલકી રહ્યો હતો. આજે આ ઘરમાં પુત્રવધુનું આગમન થઈ રહ્યું હતું. મનોજના ફ્રેન્ડ્સનું ગ્રુપ પણ ખૂબ જ મોટું હતું. બધા ફ્રેન્ડ્સમાં મનોજ પહેલો હતો કે જેની સગાઈ થઈ હતી એટલે એના ગ્રુપમાં તો જાણે બધાને ખૂબ જ મસ્તી મજાક કરવાનો મૂડ હતો. ઘરની થોડી વિધિ પતાવીને ઉષાબહેને મનોજને કહ્યું, “મનોજ, હવે તું થોડીવાર ધ્વનિ સાથે બહાર ફરી આવ અને પછી સમયસર એને એના ઘરે મૂકી આવજે.” ધ્વનિ બધાને પગે લાગીને મનોજ સાથે બહાર ફરવા નીકળી. આજે પહેલી વાર એ એકલી કોઈ છોકરા સાથે ફરવા જતી હતી. મનમાં ખુશી હતી પણ સાથે ગભરામણ પણ થતી હતી. તેઓ કાર પાસે આવ્યાં. મનોજે એની બાજુનો કારનો દરવાજો ખોલીને પ્રેમથી કહ્યું, “બિરાજો, મારા રાણી.” અને ઘ્વનિ શરમાતી શરમાતી સીટ પર બેઠી. મનોજે દરવાજો બંધ કર્યો અને પોતે ડ્રાઇવિંગ સીટ પર આવીને બેઠો.... અને જેવી કાર ચાલુ કરી, પાછળના બંને દરવાજા ખુલ્યા અને એના ત્રણ ફ્રેન્ડ્સ પાછળની સીટ પર ગોઠવાઈ ગયા....મનોજ અને ધ્વનિએ આશ્ચર્યથી પહેલાં એ લોકો સામે અને પછી એકબીજા સામે જોયું તો તેઓ બોલ્યા, “શું જુઓ છો? ચાલો ફરવા જઈએ. હજી બીજી બે કાર આપણી પાછળ જ ઉભી છે, તૈયાર....અમે તમને એકલા ફરવા જવા દઈશું, જો એવું તમે વિચારતા હો, તો ભૂલી જજો... એ શક્ય નથી. જઈશું તો બધા સાથે જ.”

મનોજ લાચારીભરી નજરથી ઘ્વનિ સામે જોવા લાગ્યો. ધ્વનિએ હસીને ઈશારો કરીને કહ્યું, “કંઈ વાંધો નહીં.” મનોજને હાશ થઈ. એને ખબર હતી કે એનું એના મિત્રો પાસે કંઈ જ ચાલવાનું ન હતું, એટલે મનોજે કાર ચાલુ કરી અને બોલ્યો, “ખમો, તમે પણ પરણો... ત્યારે જુઓ, હું શું કરું છું તમારા બધા સાથે?” મનોજની અકળામણ પર બધાએ હસીને પોતાની જીત મનાવી. ધ્વનિ આ બધાની મસ્તી જોઈને હસતી હતી. મિત્રોએ બધો પ્રોગ્રામ ગોઠવીને રાખ્યો હતો. બધા ટીકુજીની વાડીમાં ગયા. ત્યાં બધાએ ઘ્વનિને પોતાનો પરિચય આપ્યો. સમીર, વર્ષા, ઉદય, આશા, આનંદ, મનીષ અને બીજા બધા મિત્રો સાથે મળીને ઘ્વનિને પણ ખૂબ જ સારું લાગ્યું. વર્ષા સાથે તો જાણે પહેલેથી ઓળખાણ હોય તેવા સખીપણા બંધાઈ ગયા. બધાએ ખૂબ મોજમસ્તી કરી... અને સાંજ પડી, ત્યારે બધા ઘરે પાછા ફર્યા. ઘરે જતી વખતે ઘ્વનિ અને મનોજ કારમાં એકલા હતાં. થોડે દૂર થઈને મનોજે કાર એક બાજુ ઉભી રાખી અને ઘ્વનિને કહ્યું, “ધ્વનિ, તું નારાજ નથી ને? અમે બધા વર્ષો જૂના મિત્રો છીએ, એટલે આપણી સગાઈની અને તારા આવવાની એમને ખૂબ જ ખુશી છે. એટલે તેમણે આજે આ સરપ્રાઈઝ પ્રોગ્રામ આપણી માટે ગોઠવ્યો હતો. આપણે આજે એકલા ન રહી શક્યા. મને આશા છે કે તું સમજી શકીશ.” ધ્વનિએ જવાબ આપ્યો. “મનોજ, મને બિલકુલ ખરાબ નથી લાગ્યું. તમારા મિત્રોએ આટલું સરસ આયોજન કર્યું એ માટે તો ખાસ આભાર... એમને માન આપવું એ મારી પણ ફરજ છે. મને તો આજે ખરેખર ખૂબ જ મજા આવી. અને આપણે તો હવે મળતાં રહેશું ને?” મનોજને ધ્વનિનો આ સમજણપૂર્વકનો જવાબ ખૂબ જ ગમ્યો એટલે ભાવાવેશમાં ઘ્વનિનો હાથ પકડીને ચૂમી લીધો... પણ પછી પોતે જ શરમાયો. આ જોઈને ધ્વનિ ખૂબ હસી અને બોલી, “બુધ્ધુ જ છો, તમે મારા...” મનોજ પણ હસી પડ્યો. ઘ્વનિને એના ઘરે પહોંચાડીને મનોજ પોતાના ઘરે આવ્યો.

ઘરે પહોંચીને જોયું તો બધા મહેમાન નીકળી ગયાં હતાં. પણ ઘરના બધા જ ફક્ત એની જ રાહમાં હતાં. આજે પહેલી વખત ઘ્વનિ અને મનોજ એકલાં મળ્યા હતા, એટલે બધાના ચહેરા પ્રશ્નોથી ભરેલા હતા. બધાને આવી રીતે જોઈને મનોજ સ્તબ્ધ થઈ ગયો... પણ પછી હસતાં હસતાં એની મમ્મી પાસે બેસીને વાતો કરી, મમ્મીને ભેટી પડ્યો અને બધા જોરજોરથી હસવા લાગ્યાં.

બીજો દિવસ ઉગ્યો. ઘ્વનિ ઘરમાં આમથી તેમ ચક્કર લગાવતી હતી. નવનીતરાય અને સવિતાબહેન એને અચરજથી જોતા હતાં કે ધ્વનિ રાતના પાછી આવી ત્યારે તો ખૂબ જ ખુશ હતી. આ સવારના અચાનક એને શું થયું? બે વાર તો તો પણ સવિતાબહેને પૂછી લીધું. “ધ્વનિ, કાંઈ તકલીફ હોય તો અમને કહે. કેમ આટલી વ્યાકુળ થઈને આંટા મારે છે... અને અમને પણ ચિંતા કરાવે છે?” એટલે ધ્વનિએ સાધારણ હોવાનો દેખાવ કરવાની કોશિશ કરી. છાપું વાંચવા બેઠી પણ પાછું બે મિનિટમાં છાપું બંધ કરીને પાછા ચક્કર મારવાના શરુ કરી દીધા. નવનીતરાયનો ઓફિસ જવાનો સમય થયો એટલે જતાં જતાં એમણે ચિંતિત સ્વરે પાછું એકવાર ધ્વનિને પૂછ્યું. “ધ્વનિ, હું ઓફિસ જાઉં કે નહીં? કંઈ તકલીફ હોય તો મને કહે.” ધ્વનિએ કહ્યું, “પપ્પા, ચિંતા કરવા જેવું કંઈ નથી. મારી એક ફ્રેન્ડનો ફોન આવવાનો છે, તેની રાહ જોઉં છું. ચિંતા ન કરશો અને ઓફિસ જાવ.” ઘ્વનિનું કારણ સાંભળીને નવનીતરાય સ્વસ્થ મને ઓફિસ ગયા. હજી તો એમની કાર ચાલુ થઈ હશે ત્યાં ઘરમાં ફોનની રીંગ વાગી. સવિતાબહેન ફોન ઉપાડવા જ જતા હતા, ત્યાં ઘ્વનિ દોડતી આવી અને ફોન ઉપાડ્યો. સામે છેડે મનોજ હતો. મનોજનો અવાજ સાંભળ્યો અને ઘ્વનિએ રીસથી કહ્યું, “કેમ આટલો મોડો ફોન કર્યો? તમે મને કાલે કહ્યું હતું કે હું સવારના સાત વાગ્યામાં તને ફોન કરીશ અને હવે દસ વાગ્યા છે. કાંઈ રીત છે કે નહીં?” વાત કરતાં કરતાં ઘ્વનિનું ધ્યાન એની મમ્મી તરફ ગયું... તો તેઓ પ્લેટફોર્મ પાસે ઊભા હતા અને ધ્વનિ સામે જોઈને હસ્યા. એ જોઈને તે શરમાઈ ગઈ એણે મનોજને ધીરેથી કહ્યું, “તમને વાંધો ન હોય તો મારા મોબાઈલ પર ફોન કરો ને...” સામે છેડેથી જવાબ મળ્યો અને ધ્વનિએ ફોન મૂકી દીધો અને મમ્મી સામે જોયું... તો સવિતાબહેન ખડખડાટ હસવા લાગ્યાં. ત્યાં જ મોબાઈલ રણક્યો અને ધ્વનિ મોબાઈલ લઈને પોતાની રૂમમાં દોડતી આવી ગઈ. સવિતાબહેન હજી મનમાં ને મનમાં હસતાં હતાં, ત્યાં નવનીતરાયનો ફોન આવ્યો. એમણે પણ પાછો એ જ સવાલ કર્યો. “સવિતા, કાંઈ ખબર પડી? ધ્વનિને શું થયું હતું?” સવિતાબહેને હસીને બધી વાત કહી એ સાંભળીને સામે છેડે નવનીતરાય પણ ખડખડાટ હસવા લાગ્યા.

આમ ને આમ હસી ખુશીથી બીજા દસ દિવસ પણ પસાર થઈ ગયાં. ધ્વનિ અને મનોજ માટે તો આ ગોલ્ડન પિરિયડ... જો કે બંને ખૂબ જ સમજદાર હતા, એકબીજાની પસંદ નાપસંદને સમજીને બંને એકબીજાને ખૂબ જ માન આપતાં હતાં... એટલે એમનો આપસી સ્નેહબંધન પણ દિવસે-દિવસે મજબૂત બનતો જતો હતો... અને આ બંને સંતાનોને આપસમાં ખુશ જોઈને બેઉ પરિવારોને પણ એક અનોખી ખુશી મળતી હતી. એક દિવસ ઉષાબહેનનો ફોન આવ્યો. એમણે સવિતાબહેન પાસે લગ્નનું મુહૂર્ત કઢાવવા માટેની રજા માંગી. ત્યારે સવિતાબહેને કહ્યું, “કેમ આટલું જલ્દી?” ઉષાબહેને હસીને જવાબ આપ્યો. “બહેન, આજના જમાનાના બાળકો છે. આપણે ક્યાં દૂર રહીએ છીએ? સગાઈ અને લગ્ન વચ્ચેનો સમય જેટલો વધારે રહેશે એટલી વધારે ચિંતા આપણા જ બંનેના ભાગમાં આવશે. એના કરતાં પરણીને બંને રાજી રહે એમાં જ આપણી ખુશી છે ને?” સવિતાબહેનને ઉષાબહેનની વાત વ્યાજબી લાગી... અને એમણે પણ એમની વાતમાં સંમતિ આપી. બે મહિના પછીનું મુહૂર્ત નીકળ્યું. મનોજ અને ધ્વનિ પણ આ સાંભળીને રાજી થયા કારણ કે હવે તેઓ પણ એક થવા માટે આતુર હતા. આ ખુશીમાં ઓર એક વધારો થયો... મનોજના ખાસ મિત્ર સમીર અને વર્ષાની પણ સગાઈ થઈ અને તેઓના લગ્ન પણ નક્કી થયા.

બંને પક્ષે લગ્નની તૈયારીઓ શરૂ થઈ. મનોજના મમ્મી ઉષાબહેન દર બે દિવસે ધ્વનિને બોલાવતાં. બધું જ ધ્વનિની પસંદગીનું તેઓ લેતાં. ધ્વનિ પણ બધા સાથે ખૂબ જ ભળી ગઈ હતી. તેને ઉષાબહેન સાથે રહેવું ખૂબ જ ગમતું હતું. ઉષાબહેનનો સ્વભાવ એને સમજવા મળતો હતો. મોટા ભાભી મીનાક્ષીભાભી સાથે પણ ધ્વનિને ખૂબ જ બનતું હતું. ધ્વનિએ જોયું, ઉષાબહેન ખૂબ જ જરૂર પૂરતું બોલતા. ખૂબ જ શાલીનતાથી વર્તન કરતાં. ઉષાબહેન સાથે સમય ગાળવો ધ્વનિને બહુ જ ગમતો હતો. ઘરના બધા સભ્યોનો સ્વભાવ પરિચય, એમની પસંદ-નાપસંદ અને સંયુક્ત કુટુંબમાં સંપથી રહેવા માટે જતું પણ કરવું પડતું હોય છે. આ બધી કેળવણી તેઓ ધ્વનિને સરસ રીતે સમજાવીને આપતાં હતાં. ઉષાબહેનની દરેક વાતમાં પણ એક વાત ખાસ રહેતી કે ઘરનો સંપ જળવાઈ રહેવો જોઈએ. અંગત સ્વાર્થને લીધે એ સંપમાં તડ ન પડવી જોઈએ... અને તેમનો પોતાના જેઠાણી એટલે કે મીનાક્ષીભાભી સાથેનો મનમેળ જોઈને તો આશ્ચર્ય થતું કે આ બંને દેરાણી જેઠાણી છે કે સગી બહેનો? આવો પરસ્પર સ્નેહના તાંતણે બંધાયેલો મનસુખરાયનો પરિવાર... અને ધ્વનિ પણ સ્વભાવે એટલી જ મીઠડી કે દૂધમાં સાકરની જેમ ભળી ગઈ. સમીર અને વર્ષાના લગ્નની તૈયારીઓ પણ સાથે ચાલતી હતી એટલે તેઓને બધાને આપસમાં મળવાનું પણ ઘણું જ થતું હતું.

જેમ જેમ દિવસો પસાર થતાં હતા, નવનીતરાય અને સવિતાબહેનનું કાળજુ જાણે હાથમાં રહેતું ન હતું. એકની એક લાડકવાયી દીકરી સાસરે જતી રહેશે, પોતાની નવી દુનિયા વસાવશે... તેઓને ખૂબ જ ખુશી હતી પરંતુ બંને એકલા થઈ જશે આ વાતથી ક્યારેક રાતના અંધારામાં રડી લેતાં. સારી શિખામણ આપીને સવિતાબહેન દીકરીને સંસ્કારોથી સમૃધ્ધ બનાવતાં. સવિતાબહેન વિચારતાં હતાં કે દીકરીને પરણાવતી વખતે બધા માતા-પિતાને ચિંતા રહેતી હશે કે, મારી દીકરી દુઃખી તો નહીં થાય ને? પણ અહીં એ બાબતમાં સદભાગ્ય છે કે આ ઘરમાં જઈને એટલે સુખી થઈ જશે કે... એના ભાગ્યની કોઈને ઈર્ષા ન થાય. પોતાની દુનિયામાં એટલી ખોવાઈ જશે ત્યારે અમને ભૂલી જશે તો પણ વાંધો નથી. ધ્વનિની ખુશી પાસે એકલતાના દુઃખની શી વિસાત? ધ્વનિ એની દુનિયા વસાવવામાં વ્યસ્ત હતી. એ જે ખરીદી કરવા જાય ત્યારે મનોજને ગમતા રંગની જ વસ્તુઓ લેતી. આ બાજુ મનોજના ઘરમાં પણ દીકરાવાળાનું ઘર હોવા છતાં ખૂબ જ કામ હતું. લગ્નની તૈયારી તો હતી જ... સાથે જ બધા સગાઓ માટે ભેટ-સોગાદ લેવાની હતી એટલે ઉષાબહેન અને મીનાક્ષીભાભી ખૂબ જ વ્યસ્ત રહેતાં હતાં. બધાને એમ થતું હતું કે દિવસો કેટલા જલ્દી પૂરા થાય છે... પણ ધ્વનિ અને મનોજને દિવસો જાણે જતાં જ ન હતાં એવું લાગતું હતું. વચ્ચે વચ્ચે મનોજના ફ્રેન્ડ્સ પણ ક્યારેક પ્રોગ્રામ બનાવતાં અને બધા સાથે જઈને મોજ મજા પણ કરતાં હતાં. લગ્નના કામ માટે, કોઈ પણ તૈયારી માટે બધા ખડે પગે હાજર રહેતાં. આખરે બે મહિના પૂરાં થયાં અને લગ્નનો દિવસ આવી ગયો.

આજે તો... બંને ઘરે સોનાનો સૂરજ ઉગ્યો હોય એટલું સરસ ઝળહળતું વાતાવરણ હતું. ઢોલ ઢબુક્યા અને શરણાઈનાં સૂર રેલાયા... જે વાતાવરણને મધુર બનાવી રહ્યાં. સાજન માજન સાથે મનસુખરાય વાજતે ગાજતે પોતાના જીગરના કટકાને પરણાવવા જાન જોડી. નવનીતરાય અને એમના પરિવારે જાનૈયાઓનું દિલથી સ્વાગત કર્યું.

કૃયાત સદા મંગલમ્... અગ્નિની સાક્ષીએ ધ્વનિ અને મનોજ જીવનસફરના હમસફર બન્યા. નવનીતરાયના ઘરની લક્ષ્મી આજે મનસુખરાયના પરિવારની ગૃહલક્ષ્મી બની. સર્વત્ર આનંદનું સામ્રાજ્ય છવાયેલું હતું. સવિતાબહેન અને નવનીતરાયે પોતાની લાડકી દીકરીને સ્વગૃહે સુખી થવાના આશીર્વાદ આપ્યાં. અને કહ્યું, “બેટા, સુખી થવાનો નહીં, પરંતુ સુખી કરવાનો વિચાર કરજે. બધાને સુખી રાખીશ તો ભગવાન તને સદા સુખી રાખશે.”

એક આંખમાં ખુશીના આંસુ અને બીજી આંખમાં વિયોગના આંસુ... કન્યાની સાસરે વળાવતી વખતે માતા-પિતા પર શું વીતે, એ તો એમનું મન જ જાણે. એક બગીચાના માળી જેવી મનોસ્થિતિ સર્જાય.

કળીને ખૂબ જતનથી, માવજતથી મોટી કરવાની... જ્યારે સુગંધી પુષ્પ બને અને મહેકે ત્યારે એને યોગ્ય હાથમાં સોંપી દેવાની... પોતાનાથી દૂર કરી, વિયોગ સહન કરીને પણ એની ખુશી માટે દુઆ કરવાની. મિલન અને વિયોગની કેવી અદભુત ક્ષણ... વિદાયના સમયે નવનીતરાય, સવિતાબહેન અને ધ્વનિ ખૂબ જ રડયાં. ઉષાબહેન પણ ગળગળા થઈ ગયા તેમણે સવિતાબહેનને આશ્વાસન આપતા કહ્યું, “ તમે રડો નહીં. તમે જ્યારે બોલાવશો, ધ્વનિ તમારી પાસે હાજર થઈ જશે.” મનસુખરાય પણ છૂપી રીતે પોતાના આંસુ લૂછી લેતા હતા. દીકરીની વિદાયનો પ્રસંગ જ એવો હોય છે કે ભલભલા કઠણ કાળજાના લોકો પણ રડી પડે છે, ભલે ને દીકરાવાળા કેમ ના હોય? તેઓ પણ ભાવનાશીલ, લાગણીશીલ વ્યક્તિઓ હતા. પુત્રવધૂને ઘરે લઈ જવાનો આનંદનો પ્રસંગ હતો, પણ એક માતાને રડતી જોઈને તે લોકો પોતાના આંસુ ન રોકી શક્યા...પણ હવે મનસુખરાયથી સવિતાબહેન અને ધ્વનિનું રડવું સહન નહોતું થતું. આખરે એમને થયું કે હવે એમણે જ કાંઈક કરવું પડશે એટલે વાતાવરણ હળવું થાય. તેઓ ધ્વનિ પાસે આવ્યા અને કહ્યું, “વહુ બેટા, ચાલો... હવે રડો નહીં બસ. મેં મારો નિર્ણય બદલી નાખ્યો છે. આપણે એમ કરીએ કે આપણા ઘરને તાળું મારી આવીએ... અને પછી આપણે બધા તમારા મમ્મી પપ્પાને ઘરે જઈએ. કેવો લાગ્યો મારો આઈડિયા?” જે બધા વિદાય પ્રસંગમાં સજળ નયને ઊભા હતાં, તે બધા ખડખડાટ હસવા લાગ્યા. સાથે ધ્વનિ અને સવિતાબહેન પણ હસી પડ્યાં અને ધ્વનિની વિદાય થઈ.

'જલદર્શન'માં કંકુ પગલા કરતી ધ્વનિએ પ્રવેશ કર્યો. નવયુગલનું સ્વાગત બધાએ ખૂબ જ પ્રેમથી કર્યું. હાથોમાં ચૂડીઓનો ખનકાટ, પગમાં પાયલનો રણકાર, માથે લાલ ચટક ચુંદડી, ભાલે કુમકુમ ટીલડી, આંખોમાં રંગીન સપના સાથે ધ્વનિએ મનના માણીગર મનોજ સાથે સહજીવનની શરૂઆત કરી.

મનોજના મિત્રો મનોજ અને ધ્વનિને લઈને હોટેલમાં ગયા. ત્યાં તે લોકોએ બીજા બે કલાકે મનોજ અને ધ્વનિને એકલાં છોડ્યા. જે ઘડીની રાહ આતુરતાથી જોવાતી હતી એ ઘડી આવી ગઈ. બંનેએ ઘરની શાંતિ સચવાય એવી રીતે જીવવાના એક બીજાને વાયદા આપ્યા. એકબીજાના સાચા અર્થમાં જીવનસાથી બની રહેવાના વચન આપ્યા પછી બંને એકબીજામાં ખોવાઈ ગયા. આખરે બંનેની મનની, આત્માની અને શરીરની તરસની તૃપ્તિ થઈ. સવારના સાત વાગ્યામાં ધ્વનિ અને મનોજ તૈયાર થઈને ઘરે પહોંચી ગયા. એમને આટલા વહેલા આવેલા જોઈને સૌથી વધારે ઉષાબહેન રાજી થયા. ધ્વનિએ રિવાજ પ્રમાણે પોતાના હાથે કંસાર બનાવ્યો. મોટા ભાઈ ભાભી પણ ખુશ હતા કે આટલી ગુણિયલ વહુ ઘરમાં આવી છે. બીજા દિવસે સમીર અને વર્ષાના લગ્ન હતાં... એ ધમાલમાં બીજા બે દિવસ નીકળી ગયા.

મનસુખરાયે ચારે જણા માટે બીજા દિવસની સાંજની ફ્લાઈટની ટિકિટ તૈયાર રાખી હતી. અને હોટેલ બુકિંગ પણ કરાવી રાખ્યા હતાં. ધ્વનિનું મનપસંદ સ્થળ ઉટી હતું એટલે મનોજે એને વિદેશની બદલે એના મનપસંદ સ્થળે લઈ જવાનું નક્કી કર્યું હતું. વર્ષા અને ધ્વનિ અંતરંગ સખી બની ગઈ હતી. હવે તો ક્યાંય પણ જવું હોય તો ચારે ભેગા જ નીકળતાં. બંને નવપરિણીત યુગલ તે દિવસે સાંજે ઉટી ફરવા નીકળી ગયાં. કોઇમ્બતુર એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયું. ત્યાંથી કારમાં ઉટી જવા રવાના થયા. કુદરતી સૌંદર્ય માણવા જેવું હતું. ચારે બાજુ હરિયાળી જ હરિયાળી દેખાતી હતી. કુદરતે જાણે સોળે કળાએ પોતાનો શણગાર સજ્યો હોય, એવી સરસ ખીલી હતી. સાચે જ, કુદરતની લીલા અકળ છે, તેની પાસે પામર મનુષ્યનું કોઈ ગજું નથી. બધા મનોમન કુદરતી સૌંદર્યનું રસપાન કરી ખુશ થઈને આનંદથી સફર માણી રહ્યા હતાં... અને તેમની સપનાની દુનિયા ઉટીની નજીક આવતા જતાં હતાં. લગભગ અઢી કલાકની સફર બાદ તેઓ 'ક્વીન ઓફ હિલ સ્ટેશન- ઉટી' આવી પહોંચ્યા. તાજ ગ્રુપની સેવોય હોટેલમાં તેઓ પહોંચી ગયા. એકમેકમાં ખોવાઈને બધી જ ક્ષણોને યાદગાર બનાવી. કુદરતી સૌંદર્યની સાથે તેમનો પ્રેમ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો. હરવા ફરવામાં અને એકબીજાનો સંગાથ માણવામાં આઠ દિવસ ક્યાંય પસાર થઈ ગયાં. બધી જ ક્ષણોને અવિસ્મરણીય સંભારણા બનાવીને તેઓ મુંબઈ પાછા ફર્યાં.

નવયુગલના માનમાં અનેક પાર્ટીઓ યોજાઈ. સમય ક્યાં રોક્યો રોકાય છે? ધ્વનિનું રૂપ ખૂબ જ નિખરી ઉઠ્યું હતું. ધ્વનિને જોતાં જ સવિતાબહેન એને જોતાં જ રહી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે પુરુષના સ્પર્શથી સ્ત્રીનું રૂપ કેટલું બધું ખીલી જાય છે? ધ્વનિ પરથી એમની નજર જ નહોતી હટતી. ત્યાં જ તેમના હાથ પર કોઈના હાથનો સ્પર્શ થયો. તેમણે જોયું તો એ હાથ ઉષાબહેનનો હતો. અને કોઈ ના સાંભળે તેમ સવિતાબહેને કહ્યું, “બહેન, નજર મારી પણ હટતી નથી, જ્યારે ધ્વનિને જોઉં છું... પછી ડર લાગે છે ક્યાંક આપણી જ મીઠી નજર ન લાગી જાય. ભગવાન સદા સુખી રાખે આપણી લાડલીને.” સવિતાબહેને પણ મનોમન પ્રભુનો પાડ માન્યો. બધા જ સારા ભવિષ્યની કામના કરતાં હતાં અને ખુશીના વાતાવરણને મનમાં ભરતાં હતાં. ધ્વનિ અને મનોજને સદા સુખી રહેવાના આશીર્વાદ આપીને ઘરે ગયાં.

ધ્વનિ પોતાના ઘરના કાર્યમાં તલ્લીન થતી ગઈ. મીનાક્ષીભાભીની અને ઉષાબહેન પાસે ઘરના રીતિ-રિવાજ શીખતી ગઈ. નણંદો સાથે પણ ગાઢ મિત્રતા બંધાઈ ગઈ. આમ ને આમ આઠ દિવસ તો ચપટી વગાડતા નીકળી ગયાં. એક દિવસ સાંજે સવિતાબહેનનો ફોન આવ્યો. ફોન ઘ્વનિએ ઉપાડ્યો અને ઘ્વનિનો અવાજ સાંભળીને જ સવિતાબહેન રડી પડ્યાં અને બોલ્યા, “ધ્વનિ, તને અમારી યાદ જ નથી આવતી? બેટા, અમને દર બે દિવસે તો તારો અવાજ સંભળાવતી જા... આજે તો તારા પપ્પાની આંખમાં પણ આંસુ આવી ગયા, એટલે મારે ફોન કરવો પડ્યો.” ધ્વનિ એની મમ્મીની વાત સાંભળીને ઢીલી પડી ગઈ, કે આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ ગઈ? પણ પોતાને સંભાળીને ધ્વનિએ મમ્મીની માફી માંગી અને કહ્યું, “હું હમણાં જ પપ્પાને ફોન કરું છું અને હવે દર બે દિવસે તમને યાદ કરીને ફોન કરીશ.” હવે સવિતાબહેનને હાશકારો થયો અને એમણે ફોન મુક્યો. ફોન મુક્યા પછી ધ્વનિ તો જાણે ભાંગી જ પડી. ત્યાં બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, સાથે એ વિચારવા લાગી કે હું કેવી રીતે આમ મમ્મી-પપ્પાને ભૂલી ગઈ? ત્યાં અચાનક મીનાક્ષીભાભી આવ્યા. ધ્વનિને રડતી જોઈને એમને ધ્રાસકો પડ્યો. એમણે ધ્વનિ પાસે જઈને સવાલો પર સવાલ પૂછવા માંડ્યા, “ધ્વનિ બેટા, કોઈએ તને કંઈ કહ્યું? તારા સસરાએ મસ્તી કરી? મનોજ સાથે ઝઘડો થયો? ઉષા કંઈ બોલ્યા તને? નણંદોમાંથી કોઈએ તારું અપમાન કર્યું? તારા મમ્મી પપ્પાને તો ઠીક છે ને?” મીનાક્ષીભાભીનો આટલો બધો પ્રેમ જોઈને ધ્વનિ હજી વધારે રડવા લાગી અને રડવાને લીધે એમના સવાલોના જવાબ ન આપી શકી. એટલામાં તો મીનાક્ષીભાભીએ બધાને બૂમ પાડીને ત્યાં બોલાવ્યા અને બધા સામે જોઈને પૂછ્યું, “કોણે શું કહ્યું એવું ધ્વનિને? કે એની આંખમાં આંસુ આવ્યા?” ઉષાબહેન પણ ગભરાઈ ગયા. એ પણ ધ્વનિ પાસે બેસી ગયાં અને પૂછવા લાગ્યા, “શું થયું? ધ્વનિ બેટા, અમને કહો. અમારાથી તમારી આંખમાં આંસુ સહન નથી થતા. ધ્વનિએ માંડ માંડ પોતાને શાંત પાડી અને બધી જ વાત કરી, ત્યારે બધાને શાંતિ થઈ એમનામાંથી કોઈનાથી કોઈ ભૂલ થઈ નહોતી. મનસુખરાય જે ધ્વનિના આંસુથી ગભરાઈને ચૂપ થઈને બધાની પાછળ ઉભા હતા તે ધ્વનિની આ વાત સાંભળ્યા પછી આગળ આવ્યા અને ધ્વનિના માથા પર હાથ મૂકીને પૂછ્યું, “તમે તમારા પપ્પા સાથે વાત કરી?” ધ્વનિએ કહ્યું, “ના, હવે લગાડીશ એમને ફોન.” ત્યાં મનસુખરાયે નવનીતરાયને ફોન લગાવ્યો અને કહ્યું, “નવનીતરાય, આજે સાંજે તમે અને બહેન ઘરે આવજો. એક નાની પાર્ટી રાખી છે. જમવાનું અહીં જ છે એ યાદ રાખજો.” અને ફોન મૂકી દીધો. ધ્વનિને પણ વાત કરવા ન આપી. એમની આ વાત સાંભળીને પાછા બધા હસવા લાગ્યા અને ધ્વનિ પણ સ્વસ્થ થઈ ગઈ. બધા સાંજની પાર્ટીની તૈયારીમાં લાગી ગયા. મનસુખરાયનો ફોન બંધ થયો અને નવનીતરાયે પોતાના ઘરે ફોન લગાવ્યો અને સવિતાબહેનને બધી વાત કરી. સવિતાબહેનને આશ્ચર્ય થયું કે હમણાં તો હજી ધ્વનિ સાથે વાત થઈ એ તો કંઈ જ બોલી નથી મને, પણ હવે તો રાતના ખબર પડે કે શેની પાર્ટી છે?

રાતના સમીરે નવનીતરાય અને સવિતાબહેન જલદર્શનમાં પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે ફક્ત ઘરના સભ્યો હતા. બહારની કોઈ વ્યક્તિ હતી જ નહીં. તેમનું સ્વાગત મનસુખરાયે કર્યું પછી ધ્વનિને બોલાવી અને કહયું, “નવનીતભાઈ, પહેલાં તો હું બે હાથ જોડીને માફી માગીશ કે તમારી દીકરીની આંખમાં આંસુ આવ્યાં આજે... અમારા ઘરના વાતાવરણમાં એણે પોતાની જાતને એટલી તલ્લીન કરી લીધી છે કે તમે એને યાદ ના આવ્યા.... અને અમને પણ યાદ ન આવ્યું કે એણે તમને ફોન નથી કર્યો અને મળવા પણ નથી આવી. એટલે આજે તમે બધા એકબીજાને મળી શકો એટલે આ પાર્ટીનું બહાનું બનાવ્યું. હવે તમે ત્રણે થોડી વાર વાતો કરો પછી આપણે બધા જમવા બેસીશું.” ધ્વનિ અને એના મમ્મી પપ્પા બધા ગળગળા થઈ ગયા. મનસુખરાયની સરળતા એમને સ્પર્શી ગઈ. એમનામાં દીકરાના પપ્પા તરીકેનું કોઈ જ અભિમાન ન હતું. નવનીતરાય ઉભા થયા અને હાથ જોડીને બોલ્યા, “શું કરું, ભાઈ? દીકરીનો બાપ છું, દીકરી વગર રહેવાની આદત નથી ને?” મનસુખરાય પણ આ વાત સાંભળીને ગળગળા થઈ ગયા અને નવનીતરાય ભેટી પડ્યા અને ત્રણેયને બેસાડીને તે ચાલ્યા ગયા. ત્રણેયે મન ભરીને વાતો કરી પછી બધા બહાર આવ્યા અને બધા સાથે પ્રેમથી બેસીને જમ્યા. જમતી વખતે મનસુખરાયે એક ઓર્ડર જારી કર્યો. દર રવિવારે મનોજ અને ધ્વનિ ફરવા જશે તેની પહેલાં એમણે સવિતાબહેન અને નવનીતરાય પાસે જવાનું... પછી જ ફરવા જવાનું. બધા જ એમની વાત સાંભળીને રાજી થયાં.

***