મારી ચૂંટેલી લઘુકથાઓ - 48 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 48

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

ધર્મ

આ ૯ સપ્ટેમ્બર ૨૦૧૪ની ત્રાસદાયક સવાર હતી.

લોકો ત્રણ ત્રણ દિવસથી પોતાના ઘરની અગાસીઓ પર લટકીને બેસી રહ્યા હતા.

લોકોની આંખ ખાલી ખાલી આકાશ પર ટકેલી હતી. લોકોની નજર ઘર અને રસ્તાઓ પર વહી રહેલા પાણી પર સ્થિર થઇ ગઈ હતી.

ધરતીનું સ્વર્ગ આ સદીના સહુથી મોટા પૂરના કબજા હેઠળ આવી ચૂક્યું હતું.

આકાશમાંથી કેટલાક દેવતાઓ થોડા સમય પહેલા જ હેલીકોપ્ટરથી ખાવાના પેકેટ અને પાણીની બોટલો નાખીને ગયા હતા. જમીનના દેવતાઓ થોડા સમય પહેલા જ છત પર લટકીને બેસી રહેલા લોકોને હોડીઓ દ્વારા સુરક્ષિત કિનારાઓ પર લઇ ગયા હતા.

સોઝુદ્દીન એ અભાગીયાઓમાંથી એક હતો જેમની આંખો આ બંનેની રાહ જોવામાં પથરાયેલી પડી હતી. ત્યારેજ પોતાના ઘર તરફ ઝડપથી આવી રહેલી એક બોટને જોઇને તેમની આંખોની ચમક પરત આવી ગઈ.

જમીનના દેવતાઓએ તેને તથા તેના જેવા બીજા અભાગીયાઓને ઘણી હોશિયારીથી છતથી ઉતારીને હોડીમાં બેસાડ્યા.

હોડી હવે સુરક્ષિત રીતે કિનારા તરફ પરત ફરી રહી હતી. સોઝુદ્દીનની આંખો અત્યંત સન્માન સાથે એક દેવતાના ચહેરા પર ટકી ગઈ હતી.

“તું સુભાષ કૌલનો દીકરો છે ને?”

“હા, બાબા!”

“તું મને ઓળખે છે?”

“હા બાબા તમે સોઝુદ્દીન છો.”

“તને કશું યાદ આવે છે?”

“હા બાબા, પંદર વર્ષ પહેલા આતંકવાદીઓએ મને અને મારા પરિવારના સભ્યોને આ સ્વર્ગમાંથી કાઢી મુક્યા હતા.”

“તો તો તને એ પણ ખબર હશે કે એ આતંકવાદીઓનો આગેવાન કોણ હતો!”

“એ ચહેરાને હું કેવી રીતે ભૂલી શકું બાબા!” એની આંખોમાં અંગારા ભડકી રહ્યા હતા પરંતુ લશ્કરી શિસ્તને લીધે તે બહાર ન આવી શક્યા.

“શું તારા ધર્મમાં દુશ્મનનો જીવ બચાવવો યોગ્ય છે?”

“બાબા એક સૈનિકનો ધર્મ તેની ફરજ હોય છે અને તે હેઠળ તમારો જીવ બચાવવો મારા માટે બિલકુલ યોગ્ય છે.”

સુરક્ષિત કિનારો આવી ચૂક્યો હતો. સોઝુદ્દીન હોડીમાંથી ઉતરતા ઉતરતા એ સૈનિકના ધર્મને પુરજોશ સલામ મારી રહ્યો હતો.

***