Sanshay books and stories free download online pdf in Gujarati

સંશય

15. સંશય

“પ્રેમ, બી. 118 ફ્લેટ જે ખાલી હતો ત્યાં કોઈ રહેવા આવી ગયું હોય એવું લાગે છે.” ઈશિતા એ ચા બનાવતા બનાવતા રસોડાની બારીમાથી જોઈને કહ્યું. “અરે વાહ તો તો તને ગપ્પાં મારવાની મજા આવશે. આપણી અને તે ફ્લેટની બાલ્કની બિલકુલ સામસામે છે માટે.” પ્રેમની વાત સાંભળી ઈશિતા નાકનું ટેરવું ચડાવી બોલી, “મને ક્યારે ટાઈમ હોય છે ગપ્પાં મારવાનો!” “મળતો નથી પણ તો.....ય....” પ્રેમ આટલું બોલ્યો અને બંને હસી પડ્યા.

ઈશિતા બહિર્મુખ સ્વભાવની, કોઈ પણ વ્યક્તિ સાથે સરળતાથી ભળી જાય. વાતો કરવી ગમે, સિંગિંગ,ડાંસિંગ તોફાન, મસ્તી, હરવું, ફરવું, મિત્રો સાથે ચેટિંગ આ બધા તેના શોખ. જ્યારે પ્રેમના માત્ર બે જ શોખ. ક્લાસિકલ મ્યુઝિક અને રીડીંગ બંનેના સ્વભાવ અને શોખ અલગ અલગ હોવા છતાં કોલેજમાં હતા ત્યારે ઈશિતા પ્રેમના પ્રેમાળ સ્વભાવને મોહી ગઈ અને પ્રેમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પ્રેમને પણ નમણી નટખટ ઈશિતા ગમી ગઈ અને બંને એ અભ્યાસ પૂરો કર્યા બાદ લગ્ન કર્યા. અને સુખી લગ્નજીવન જીવી રહ્યા હતા.

પરંતુ, બી. 118 નંબરના ફ્લેટમાં આવેલા ક્રિષ્ના અને અનુરાગનું દાંપત્યજીવન જોઈ ઈશિતાના મનમાં જાણે સ્થિર પાણીમાં કંકર ફેંકવાથી વમળો વળી ઊઠે તેમ અપેક્ષા અને અધુરપના વમળો તેના સ્થિર મનમાં વળવા લાગ્યા.

દરરોજ સવારે બાલ્કનીનું બારણું ખોલતા ઈશિતાની સામે એક દ્રશ્ય આવે. અનુરાગ અને ક્રિષ્ના બાલ્કનીમાં બેસી, સામસામે ખુરશી રાખી આનંદ કિલોલ કરતાં ચા પિતા હોય છે. આ દ્રશ્ય ઈશિતાના મનમાં ખળભળાટ મચાવી જતું. ન ઇચ્છવા છતાં ઈશિતા આડકતરી નજરે અનુરાગ અને ક્રિષ્નાની દિનચર્યા જોયા કરતી. ક્રિષ્ના બ્રશ પર પેસ્ટ આપે ત્યારે અનુરાગ બ્રશ કરે. અનુરાગના કપડાં, બેલ્ટ, વોલેટ બધુજ ક્રિષ્ના બેડ પર તૈયાર રાખે. અનુરાગનો નાસ્તો જમવાનું સમયસર તૈયાર હોય. ક્રિષ્ના જે કઈ કામ કરે અનુરાગ તેની આસપાસ જ જોવા મળે. અનુરાગ ઓફિસે જાય પછી બાલકની નું બારણું બંધ થઈ જતું.

જ્યારે ઇશિતા અને પ્રેમની જીવનશૈલી અલગ હતી. ઈશિતા અને પ્રેમ અલગ અલગ ઓફિસમાં સર્વિસ કરતાં હતા. દરરોજ સવારે વહેલા ઉઠી બંને પોતપોતાના કામમાં લાગી જાય. પ્રેમ ઈશિતાને દરેક કામમાં મદદ કરે. પોતાના કપડાં,પોતાનો નાસ્તો, જમવાનું જાતે લેવાની આદત. ટિફિન લઈ બંને પોતપોતાની ઓફિસે જવા નીકળી જતાં. સાંજે ઘરે આવ્યા પછી ઈશિતાને મિત્રો સાથે ચેટિંગ કરવું ગમે તો પ્રેમને સગીત સંભાળવું ગમે. ઘરની ઘરવકરી લાવવાની હોય કે શાકભાજી, લાઇટબિલ ભરવાનું હોય કે મોબાઈલ બિલ, કે પછી બેન્ક ના કોઈ પણ કામ હોય.બહારના કામની તમામ જવાબદારી ઈશિતા જ નિભાવતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અનુરાગ અને ક્રિષ્ના ના દાંપત્યજીવને ઈશિતાના મનને ખળભળવી નાખ્યું. મોલ, માર્કેટ કે પછી ઘર, ઇશિતાએ ક્યારેય ક્રિષ્ના ને અનુરાગથી અલગ જોઈ ન હતી. આથી ઈશિતા પણ પ્રેમ પાસેથી આવી અપેક્ષાઓ રાખવા લાગી.

“પ્રેમ, ચાલને આપણે સાથે શાકભાજી લેવા જઈએ.” “પ્રેમ, આજે સન્ડે છે. ચાલ આપણે શોપિંગ કરવા જઈએ.” ઈશિતા કહેતી તો પ્રેમ તેને પ્રેમથી જવાબ આપતો, “ઈશુ, તું કાયમ એકલી જ જાય છે તો આજે શા માટે મને સાથે ધકેલે છે? તને તો ખબર છે મને એ બધી ભીડભાડ.....”ઈશિતા ગુસ્સો કરી પ્રેમની વાત સાંભળ્યા વગર જ એકલી માર્કેટ જઇ આવી. ઈશિતાના ન ઇચ્છવા છ્તાં અનુરાગ અને ક્રિષ્ના તેના વિચારોમાથી હટતા ન હતા. તેઓના દાંપત્યજીવનમાં તે ક્યારેક પ્રેમને શોધતી હતી તો ક્યારેક પોતાને.ઈશિતા ઘરે આવી છતા હજુ પણ ઈશિતાનો ગુસ્સો શમ્યો ન હતો. તે પોતાના આવેગોને દબાવી ન શકી. “પ્રેમ, કઈક તો શીખ. ક્યારેક તો મારા માટે સમય કાઢ. મારી સાથે સમય પસાર કર. You don’t love me.” પ્રેમ કઈ સમજ્યો નહીં. “ઈશિતા વાત શું છે? શા માટે આટલી બધી.... ઇશિતાએ ફરી પ્રેમને અધવચ્ચેથી જ રોક્યો. ‘પ્રેમ, પ્લીઝ હું થોડી વાર નીચે ગાર્ડનમાં બેઠી છું. મને એકલી રહેવા દે” પ્રેમે પહેલી વાર ઈશિતાના આવા વર્તનનો અનુભવ કર્યો. પણ ગુસ્સો શાંત થાય પછી પૂછવાનું વિચાર્યું.

ઈશિતા કમ્પાઉન્ડ ના ગાર્ડનમાં ગઈ. આજે ગાર્ડનમાં ક્રિષ્ના ને એકલી જોઈ. ઈશિતાને તેની સાથે વાત કરવાનું મન થયું. સાદો ચોટલો, સાદી સાડી, સેંથામાં સિંદુર અને કપાળમાં મરુન રંગનો ચાંદલો કરેલી નમણી અને સુંદર ક્રિષ્ના ને ઇશિતાએ પહેલી વાર નજીકથી જોઈ. “ફ્રી હોય તો આવોને બેસોને.” ક્રિષ્ના એ હસીને કહ્યું. ઈશિતા ક્રિષ્ના ની બાજુમાં આવીને બેઠી. “આજે તો નવાઈની વાત છે કે અનુરાગભાઈ તમારી સાથે નથી!” “હા, ઓફિસના કામે એ બહાર ગયા છે. એટલે મોડા આવવાના છે. થોડી વસ્તુઓ વોચમેન પાસે મંગાવી છે. બસ એની રાહ જાઉં છું. જે વિચારે તે બોલી દેવાના બહિર્મુખ સ્વભાવ ના કારણે ઈશિતા બોલી ઉઠી, “ક્રિષ્નાબેન તમે ખરેખર ખુબજ નસીબદાર છો. અનુરાગભાઈ તમને કેટલો પ્રેમ કરે છે! આમ તો કોઈના ઘરમાં તાકીને ન જોવાય પણ જ્યારે પણ તમારા ઘરની બાલ્કની ખૂલ્લી હોય ત્યારે આડકતરી રીતે તમારા ઘરમાં નજર કરી લઉં છું. ઘર હોય કે બહાર તમે અને અનુરાગભાઈ ક્યારેય એકબીજાથી અલગ હોતા નથી. ગુસ્તાખી માફ પણ મને તમારા દાંપત્યજીવનની ઈર્ષ્યા આવે છે.”

ક્રિષ્ના હસી પડી, “ઈશિતાબેન માણસને હંમેશા બીજાની થાળીનું ભોજન સ્વાદિષ્ટ હશે એવું લાગતું હોય છે. વધારે સમય તમારી સાથે બેસી નહીં શકું પણ એક વાત તમને જણાવવા માંગુ છું. તમે જેને પ્રેમ કહો છો એ હકીકતમાં એક કેદ છે. તમે માત્ર એ જુઓ છો કે અનુરાગ હંમેશા મારી સાથે હોય છે. ખબર છે શ માટે? કારણ કે તેનો સ્વભાવ શંકાશીલ છે. એને મારા પર કે બહારની કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ નથી. એટલે હંમેશા મારી સાથે અને મારી આસપાસ હોય છે. તમારા પતિ માટે તમે એક સ્વતંત્ર વ્યક્તિ છો. માટે તમે સર્વિસ કરો છો. તમારે મિત્રો છે. તમે એકલા બહાર જાવ છો. સ્વતંત્ર રીતે હરી ફરી શકો છો. જ્યારે અનુરાગ માટે હું માત્ર એક પત્ની જ છું. અને તેની જરૂરિયાત છું. મારી સ્વતંત્ર કોઈ ઓળખ નથી. કે કોઈ પસંદ નાપસંદ નથી. એ પસંદ કરે એ સાડી હું પહેરું છું. એ લઈ જાય એ સ્થળે હું જાઉં છું. એ કહે તે રસોઈ બનાવું છું. અને તેની ઇચ્છા હોય ત્યારે તેની શારીરિક ભૂખ સંતોષું છું. આ તો...... “ ક્રિષ્ના એ વોચમેનને ગેટ તરફ આવતો જોયો. એની વાત અધૂરી રહી ગઈ. “ઓકે બાય વધારે નહીં બેસી શકું.” કહી ક્રિષ્ના ચાલવા લાગી. ઈશિતા હજુ પણ બાકડા પર બેઠી બેઠી ક્રિષ્ના ને જોઈ રહી હતી. ત્રણ વર્ષ પહેલાની ઘટના એની સ્મૃતિમાં તાજી થઈ આવી. ઈશિતાના હાથમાં નોકરી નો ઓર્ડર હતો. અને વિચારતી હતી કે શું કરું? કારણ કે પ્રેમ એકાઉન્ટન્ટ હતો. જ્યારે ઈશિતાના હાથમાં ચીફ મેનેજરનો ઓર્ડર હતો. ઈશિતાને લાગ્યું કે પ્રેમ નો અહમ ઘવાશે પરંતુ પ્રેમે હસીને ઈશિતાનો હાથ પોતાના હાથ માં લીધો અને અને કહ્યું, “ઈશિતા હું નથી ઇચ્છતો કે દુનિયા તને માત્ર પ્રેમની પત્ની તરીકે જ ઓળખે. તારું પોતાનું વ્યક્તિત્વ છે, ઓળખ છે. “your success is my happiness. Wish you all the best.”

કઈક અવાજથી ઈશિતા ઝબકી ગઈ. એ સફાળી ઊભી થઈ, ઘરે ગઈ અને પ્રેમને ભેટી પડી. “prem, I am very sorry. I love you too much. You are the best husband in the world.”

કાવ્ય "સંગાથ"

હાથોમા હાથ છે ખુશીઓની રાત છે.

પરિણયના પંથે પ્રેમથી પ્રસરતો

વરસોવરસનો આપણો સંગાથ છે.

સ્મિતનુ સિંદુર ભરી, હરખનુ પાનેતર પહેરી,

ખટમીઠા ઘરસંસારની યાદોનો

ઝરમરતો વરસાદ છે.

વરસોવરસનો આપણો સંગાથ છે.

ઈશ્વરને આરાધના, ન મળે કદી વિરહની વેદના,

સુખ દુ:ખના સાથીદાર

જનમો જનમનો આપણો સાથ છે.

હાથોમા હાથ છે ખુશીઓની રાત છે

પરિણયના પંથે પ્રેમથી પ્રસરતો

આપણો ઘરસંસાર છે.

જુલી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED