વાર્તા-શિવરાત્રી લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775
આજે મહાશિવરાત્રી નો પવિત્ર તહેવાર હતો.ઉપવાસ હતો એટલે ફળાહાર કરીને મંદિરના ઓટલે બેસીને વડીલો ગપાટા મારી રહ્યા હતા.એંશી વર્ષના ઈશ્વરકાકા નો ચહેરો હસુ હસુ થઇ રહ્યો હતો.બચુકાકા એ કહ્યું ‘ઈશ્વરકાકા કંઇક સારા સમાચાર આવ્યા લાગેછે.સવારના મુડમાં દેખાઓ છો.” ઈશ્વરકાકા ખરેખર ખુશ હતા જ.હસતાં હસતાં બોલ્યા’ભાઈઓ આજે મારા નિખિલ નો જન્મ દિવસ છે.કેટકેટલી બાધાઓ રાખ્યા પછી ભોળાનાથે કૃપા કરી હતી અને બરાબર શિવરાત્રી એ દીકરો આપ્યો હતો.અત્યારે તો ઓસ્ટ્રેલીયા માં લીલાલહેર છે એને.એની વહુને દીકરો આવ્યો એ પણ શિવરાત્રી ના દિવસે જ.દાદાની કૃપા છે.દીકરાને દેવું કરીને પણ સારામાં સારું ભણાવ્યો એટલે તો અત્યારે ઓસ્ટ્રેલીયા માં જલસા છે એને.’ વાત પૂરી કરીને ઈશ્વરકાકાએ ધોતિયાના છેડાથી આંખો લૂછી.બચુકાકા એ તેમના ખભે હાથ મુકીને આશ્વાસન આપ્યું.
‘બચુભાઈ આજે તો તમારી સુખદુઃખ ની વાતો સાંભળવી છે.તમારી વાત તો કદી કરતા જ નથી’ ઈશ્વરકાકાએ ભીની આંખે ફરિયાદના સૂરે કહ્યું.
‘ મારી શું વાત કરું, એક દીકરી છે જે સાસરે સુખી છે.કોઈવાર મળવા આવેછે.મા વગરની દીકરી છે એટલે કોઈવાર હૈયું ઠાલવવા આવેછે.બીજું કોઇ સગું વહાલું મળવા આવે એવું નથી.’બચુકાકાએ વાત ટૂંકમાં પતાવી દીધી.
સામેથી વ્હીલચેર પર નાથાકાકા આવી રહ્યા હતા.આવતાં જ તેમના રમુજી સ્વભાવ મુજબ જ બોલ્યા’ભઈ આજે તો રાજગરા નો શીરો અને બટાટા ની ભાજી દાબીને ખવાઈ ગઇ છે.’તેમની વાત ઉપર કોઇ હસ્યું નહીં એટલે તેમને નવાઇ જેવું લાગ્યું.બધા ગંભીર થઇને બેઠા હોય એવું લાગ્યું એટલે તેમણે ઇશારાથી રામજીભાઇ ને પૂછ્યું.રામજીભાઇ એ કહ્યું કે ‘આજે શિવરાત્રીના પવિત્ર દિવસે બધા મિત્રોને પોતાના દીકરા-દીકરીઓ સાંભળ્યા છે.દૂર રહેતા સંતાનોને યાદ કરીને આજે બધા મિત્રો બેચેન થઇ ગયાછે.’આટલું બોલતાં બોલતાં રામજીભાઇ પણ ગમગીન થઇ ગયા. બાજુમાં બેસેલા ભગવાનભાઈએ તેમના ખભે હાથ પસવાર્યો.ભગવાનભાઇ એ બધાને આશ્વાસન આપતાં કહ્યું કે ‘મિત્રો,ભણેલા ગણેલા દીકરા કમાવવા દૂર દૂર ગયા છે અને એ જરૂરી પણ છે.આપણે એકલવાયું જીવન જીવતાં ટેવાઇ જવું પડશે.’
નાથાકાકા બધા કરતાં ઉંમરમાં મોટા હતા.આજની ચર્ચાથી તેઓ પણ ઉદાસ થઇ ગયા.પણ તુરંત સ્વસ્થ પણ થઇ ગયા કારણકે તેમને લાગ્યું કે બાજી મારે જ સંભાળી લેવી પડશે.બાંકડા ઉપર બેસેલા બધા મિત્રોને તેમણે શિવસહસ્ત્ર નામાવાલીની ચોપડીઓ વહેંચી અને બધાને પાઠ કરતા કર્યા.પાઠ પૂરો થયા પછી બધા વડીલોએ ભગવાનને પ્રાર્થના કરીકે ‘ભલે અમારાં સંતાનો દૂર રહેતા હોય પણ તેમને તમે માબાપ ની જેમ જ સાચવજો.અમારાં સંતાનોને ઊની આંચ પણ ના આવવી જોઇએ.’વાતાવરણ થોડું હળવું જરૂર થયું પણ વડીલોને થતું તો હતું જ કે કેટકેટલી આશાઓ અને અરમાનો હતા દીકરા,વહુ સાથે રહેવાના અને પૌત્ર ને રમાડવાના.પણ કમાવવાની લ્હાય માં માબાપ અને સંતાનો વિખુટા પડતા જાયછે.નવી પેઢીને કશું કહી શકાય એમ નથી એના કરતાં અલગ રહીને પણ પ્રેમ જળવાઇ રહેતો હોયતો અલગ રહેવું સારું.મન તો માનતું નહોતું પણ બધા પોતપોતાની રીતે આશ્વાસન લઇ રહ્યા હતા.
એટલામાં ખબર પડીકે સંત પ્રભુશરણ પધારી રહ્યા છે અને આજે શિવમહિમા વિશે વક્તવ્ય આપશે.બધા વડીલો ને આનંદ થયો કે ચાલો આજના પવિત્ર દિવસે સંત નાં દર્શન નો લ્હાવો મળશે.
સંત આવ્યા એટલે બધાએ હારબંધ ઊભા રહીને તેમને વંદન કર્યા અને ચટ્ટાઈ ઉપર બેઠા.સંતે સુંદર વક્તવ્ય આપ્યું.સંતાનોની યાદમાં ઝુરી રહેલા આ માબાપોને માનસિક શાંતિ મળી. છતાં પણ એકબે વડીલોથી રહેવાયું નહીં એટલે સંતને પૂછી બેઠા કે ‘મહારાજ અમારે હવે સંતાનો વગર જીંદગી પૂરી કરવી પડશે? સંતાનો પોતપોતાની જંજાળમાં પડી ગયાછે,અમને કોઇ ગણતું નથી.શું આ જ જીવન છે?’
સંત પ્રભુશરણ આંખો બંધ કરીને સહુની વાતો સાંભળી રહ્યા હતા.તેમણે કોઈને કશો જવાબ ના આપ્યો કારણકે આ પ્રશ્નનો જવાબ તેઓ અનેકવાર આપી ચૂક્યા હતા પણ કોઇને સંતોષ થાય એમ નહોતું.
એટલામાં મંદિરના લાઉડ સ્પીકર ઉપર જાહેરાત થઇ કે ભક્તિ પરાયણ વૃદ્ધાશ્રમ ના સર્વે વડીલો આરતી કરવા મંદિરમાં આવે અને પછી ફળાહાર લઇને પોતપોતાની રૂમમાં જાય.સંતાનોએ તરછોડેલા આ માતા પિતાઓ સામે સંત પ્રભુશરણ કરૂણા દ્રષ્ટિ થી જોઇ રહ્યા.