VAHEN books and stories free download online pdf in Gujarati

વહેણ

વાર્તા-વહેણ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775

ઋષીકેશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની ફાઇનલ એક્ઝામ માં પાસ થઇ ગયો હતો.શહેરના પોશ વિસ્તારમાં તેના પિતા ગૌતમભાઇએ એક કોમ્પ્લેક્ષ માં તેના માટે ઓફિસ પણ લઇ લીધી હતી.અને ફર્નિચર બનાવવાનું કામ પણ ચાલુ કરાવ્યું હતું.ગૌતમભાઇ,અનિલાબેન અને બે પરણાવેલી દીકરીઓ બધાનો હરખ માતો નહોતો.પોતાની જ્ઞાતિમાંથી સૌ પ્રથમ સી.એ.બનનાર તરીકે ઋષીકેશ માન ખાટી ગયો હતો.અઠવાડિયા પહેલાં તેમના જ્ઞાતિ સમાજે તેનું બહુમાન પણ કર્યું હતું.મિત્રો અને સ્વજનોને એક ભવ્ય પાર્ટી આપવાનું પણ ગૌતમભાઇ એ પ્લાનિંગ કરી રાખ્યું હતું. સમાજમાં પોતાનું ગૌરવ વધારનાર દીકરા નસીબદારને જ મળેછે એવું પણ લોકો તેમને કહેતા હતા.

ઋષીકેશ માટે સમાજમાંથી અનેક ઠેકાણેથી કન્યાઓના માગા તો તે ભણતો હતો ત્યારથી આવતાં હતાં.પણ સી.એ.પૂરું કર્યા વગર આ બાબતે વિચારવાનું પણ નથી એવું તેણે ઘરમાં કહી દીધું હતું એટલે એ દિશામાં કોઇ આગળ વધ્યું નહોતું.

નવી ઓફિસ ઓપનીંગ નું શુભમુરત પણ જોવાઇ ગયું હતું.ગૌતમભાઇ ને બે દિવસથી ઋષીકેશ થોડો અપસેટ હોય એવું લાગી રહ્યું હતું.તેમણે પૂછ્યું પણ ખરું પણ ‘કંઇ નથી પપ્પા એતો અમસ્તુ જ ‘એમ કહીને ઋષીકેશે વાત ઉડાવી દીધી.ગૌતમભાઇ ચિંતાતુર હતા.

ગૌતમભાઇની ચિંતા સાચી નીકળી. ઋષીકેશે ઘરમાં ધડાકો કર્યો કે ‘મારે ઓફિસ પણ કરવી નથી,પરણવું પણ નથી અને જીવવું પણ નથી’ઘરમાં બધાંને માથે વીજળી ત્રાટકી હોય એવું થયું.પછીતો

ઋષીકેશે તેના રૂમમાંથી બહાર આવવાનું પણ બંધ કરી દીધું.ચા-પાણી અને જમવાનું પણ બંધ કરી દીધું.અચાનક આ શું થઇ ગયું? ડોક્ટરને બોલાવવામાં આવ્યા.ડોકટરે ચેક અપ કર્યા પછી કહ્યું કે શારીરિક બીમારી નથી કદાચ કોઇ માનસિક આઘાત હોય એવું લાગેછે.ગૌતમભાઇ એ શહેરના સારામાં સારા સાઇક્રિયાટ્રીટ ને કન્સલ્ટ કર્યા.તેમણે દવાઓ આપી,બે ત્રણ વાર સીટીંગ કરીને સલાહ સૂચન આપ્યા પણ કશો ફેર પડ્યો નહીં.છેલ્લે તેમણે ગૌતમભાઈને કહ્યું કે ઋષીકેશના જે ખાસ મિત્રો હોય તેમને મળો કદાચ કારણ જાણવા મળે.

સમીર તેનો કોલેજકાળ નો હોસ્ટેલનો રૂમ પાર્ટનર હતો.અને ખાસ ફ્રેન્ડ હતો.એકબે વાર ઘરે પણ આવી ગયો હતો.તેનો સંપર્ક કર્યો અને સાચું કારણ જાણવા મળ્યું.

નિરાલી નામની તેની કલાસમેટ ને ઋષીકેશ સાચો પ્રેમ કરતો હતો.બંને એકબીજાને અનહદ પ્રેમ કરતા હતા.અને સી.એ.પાસ કર્યા પછી વડીલોની સંમતિ લઇને લગ્ન કરવા એવું બંનેએ નક્કી કર્યું હતું.નિરાલી પણ સી.એ.ની ફાઇનલ એકઝામમાં પાસ થઇ ગઇ હતી.તેના પિતા I.A.S.ઓફિસર હતા અને તેમનું ગર્ભશ્રીમંત ફેમીલી હતું.તેમણે અચાનક અમેરિકાથી આવેલા તેમના ખાસ મિત્રના દીકરા સાથે નિરાલીનું સગપણ કર્યું અને ઘડિયા લગ્ન લીધા અને નિરાલી સાત સમંદર પાર કરી ગઇ. ઋષીકેશે આ જાણ્યું અને તરત નિર્ણય કર્યો કે હું બીજી કોઇ છોકરીને હવે પ્રેમ કરીજ ના શકું.હવે મારે લગ્ન કરવા નથી.

ઘરમાં બધાએ સમજાવ્યો કે ‘બેટા આવું થોડું ચાલે જે છોકરી તને વિશ્વાસઘાત કરીને જતી રહી એના માટે તું આજીવન કુંવારો રહીને અમને સજા કેમ આપેછે?પણ ઋષીકેશે પોતાનો નિર્ણય અફર છે એવું જણાવીને બધાને ચૂપ કરી દીધા.

બપોરના સમયે ઘરમાં બધા ચિંતિત બેઠા હતા એ વખતે સોસાયટીમાં પડોશના બંગલામાં રહેતા ચિંતનભાઇ ઘરે આવ્યા.હસમુખો ચહેરો,આશરે ચાલીસ વર્ષની ઉંમર અને મળતાવડા સ્વભાવના ચિંતનભાઈ આવ્યા એ બધાને ગમ્યું.ચા-પાણી કર્યા પછી ગૌતમભાઇ એ તેમના આવવાનું પ્રયોજન પૂછ્યું.ચિંતનભાઇ એ સ્મિતભર્યા ચહેરે કહ્યું ‘આજે રજા છે અને ઘરે એકલો છું.તમનેતો ખબર છે મને વાતો કરવાનો અને અવનવું જોવા જાણવાનો શોખ છે.આજે વિચાર્યું કે હું અને ઋષીકેશ આખો દિવસ સાથે ફરીએ,સાથે જમીએ અને નદી કિનારે બેસીને ગપાટા મારીએ’ચિંતનભાઇની નિખાલસતા બધાને સ્પર્શી ગઇ.બધાના આશ્ચર્ય વચ્ચે ઋષીકેશ પણ ફરવા જવા તૈયાર થઇ ગયો.બધાંને નિરાંત થઇ.

બંને સાથે જમ્યા,મુવી જોયું પછી નદી કિનારે ફરવા ગયા.ઋષીકેશને પણ ચિંતનભાઇ ની કંપનીમાં મજા આવી.નદી કિનારે મહાદેવના મંદિર પાસે બાંકડા મુક્યા હતા ત્યાં બંને બેઠા.ત્યાંથી ફક્ત દસ ફૂટ દૂર નદીનો પ્રવાહ દેખાતો હતો.

‘ઋષીકેશ,સામે નદીનું વહેણ દેખાય છે?’ ‘હા,અંકલ.’ ઋષીકેશે ધીમા અવાજે કહ્યું. પણ તેણે નોંધ્યું કે નદી કિનારે આવ્યા પછી ચિંતનભાઇ થોડા ગંભીર થઇ ગયાછે.

ચિંતનભાઇ એ ઋષીકેશ સામે સ્નેહ નીતરતી આંખે જોયું અને’ ઋષીકેશ,તું નદીનું વહેણ જે જોઇ રહ્યો છે તે આની પહેલાં જુદી દિશામાં વહેતું હતું.પણ કુદરતી ઘટનાઓના કારણે તેનો પ્રવાહ પલટાઇ ગયોછે.’

‘એવું બને અંકલ?’ ઋષીકેશે કુતુહલતાથી પૂછ્યું.’હા,કેમ નહીં ?કોઇને ખબર પણ પડે ખરીકે અગાઉ આ વહેણ જુદી દિશામાંથી વહેતું હતું?એકદમ સાહજિક લાગેછેને? મિત્ર,વહેણ ની દિશા બદલાઇ શકેછે.કોલેજમાં ભણતો ત્યારે એક છોકરીને હું જાનથી પણ વધારે પ્રેમ કરતો હતો.પણ લગ્ન ના થઇ શક્યા.મને ઊંડો આઘાત લાગ્યો હતો.જીવવાની ઈચ્છા મરી પરવારી હતી.પણ સમયના પ્રવાહમાં વહેણ પલટાયું.મારા લગ્ન બીજે થયા.અને અત્યારે સમાજમાં સુખી દંપતિ તરીકે લોકો અમને ઓળખેછે.વહેણ ની દિશા પલટાઇ શકેછે.અશક્ય નથી’

ચિંતનભાઇ વાત પૂરી કરીને પાછા હળવાફૂલ થઇ ગયા.મહાદેવના મંદિરમાં સંધ્યા આરતીનો ઘંટારવ વાગી રહ્યો હતો.સૂર્યનારાયણ વિદાય થઇ ચુક્યા હતા.પણ ઋષીકેશના અંતરમાં ઉજાસ ફેલાયો હતો.વહેણ ની દિશા પલટાઇ રહી હતી.સહજ લાગી રહ્યું હતું. ઋષીકેશે આભારવશ નજરે ચિંતનભાઇ ની સામે જોયું.ઇશ્વરે જ આજે ચિંતનભાઇ સાથે મેળાપ કરાવ્યો હતો.મહાદેવજીની ધજા સામે શીશ નમાવીને બંનેએ ઘર તરફ પ્રયાણ કર્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED