મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
છળ
નીરા એ હજી સુધી ચાળીસમું વર્ષ પણ પૂરું નહોતું કર્યું અને તેના કાળા ભમ્મર વાળમાં અત્યારથી જ ચાંદીની રેખાઓ ઉભરી આવી હતી. ખબર નહીં એ કેવી પળ હતી જ્યારે સુંદરતાના મદમાં છકી જઈને તેણે અમિતનો તિરસ્કાર કર્યો હતો. હા એ માન્યું કે તે રતિની પ્રતિકૃતિ હતી અને અમિત કામદેવનો અવતાર ન હતો, પણ તે તેના પ્રેમની સચ્ચાઈને ઓળખી શકી નહીં.
નીરા પોતાના ફ્લેટની બાલ્કનીમાં ઉભી ઉભી સમયના એ પળને પકડવાની કોશિશ કરી રહી હતી જે સમયે તેણે અમિતનો હાથ ઝાટકી નાખીને મોહિતનો હાથ પકડ્યો હતો અને તેની ગરદન અહંકારથી ઉંચી થઇ ગઈ હતી. તેની બેનપણીઓ મોહિતની ચારે તરફ એવી રીતે ચક્કર લગાવતી હતી જેવી રીતે જુદાજુદા ગ્રહો સૂર્યની આસપાસ ચક્કર લગાવતા હોય છે, પરંતુ હવે એ સૂર્ય ફક્ત નીરા નો હતો.
સાંજનો પ્રકાશ બાલ્કનીથી દૂર થઇ રહ્યો છે જેની સાથે જ નીરા પોતાના વર્તમાનમાં પરત આવી રહી છે.
બે વર્ષ પણ એ સંબંધ ચાલ્યો ન હતો કે મોહિત તેને એકલી છોડીને એક છળ આપીને વિદેશ જઈને વસી ગયો હતો.
જીંદગીની સફરમાં એ એકલા ચાલતા ચાલતા ખૂબ થાકી ચૂકી હતી. લાચાર થઈને એ રેલીંગને સહારે બેસી ગઈ છે.
“કદાચ હું તારા પ્રેમને પારખી શકી હોત અમિત!” એક નિશ્વાસ સાથે નીરા ની લાગણીઓ બહાર આવી ગઈ.
ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ડોરબેલ સતત વાગી રહી છે પણ તેનામાં ઉઠવાની હિંમત નથી.
ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ઉઠવું તો પડશે જ એમ વિચારીને તે પોતાની જાતને સંભાળતા સંભાળતા ઉભી થઇ અને દરવાજો ખોલી નાખ્યો.
“તે મને યાદ કર્યો હતો નીરા?”
“અમિત!” એની આંખો પહોળી થઇ ગઈ છે.
“એવું તો શક્ય છે જ નહીં કે નીરા તું મને યાદ કર અને મને ખબર ન પડે? જો તેં મને સોળ વર્ષ પહેલા યાદ કરી લીધો હોત તો આ ડોરબેલને આટલી બધી રાહ જોવી ન પડત.” અમિતના ચહેરા પર એ જ મોહક સ્મિત હતું જેને તે એ સમયે ઓળખી શકી ન હતી.
નીરા પોતાના ભૂતકાળમાં ફરીથી ડૂબવા લાગી છે. જિંદગીમાં કાયમ તો આપણી સાથે છળ નથી થતું ને?
***