ડેવિલ રિટર્ન-2.0
14
અર્જુન અને એની ટીમ ઉપર જે હુમલો થયો હતો એ વાતને બે દિવસ વીતી ગયાં હતાં.. વધુ ઘવાયેલાં છ કોન્સ્ટેબલ સિવાય બાકીનાં બધાં પોલીસકર્મીઓએ શહેરમાં અત્યારે જે પરિસ્થિતિ હતી એને ધ્યાને રાખી હોસ્પિટલમાંથી રજા લઈ લીધી હતી. ફાધર વિલિયમનાં કહ્યાં મુજબ છેલ્લાં બે દિવસથી કોઈ જાતનાં હુમલાની ઘટના તો બની નહોતી છતાં અર્જુનનાં મનમાં એક ગજબની અકળામણ તો હતી જ.
હુમલાનાં બે દિવસ પછી સાંજનાં સમયે અર્જુન પોતાની કેબિનમાં નાયક અને જાની સાથે બેઠો-બેઠો ચર્ચા કરી રહ્યો હતો. હવે અર્જુને જીપમાં બેસીને જ ડ્યુટી કરવાનું નક્કી કર્યું હતું. આ માટે દરેક જીપમાં ભારે માત્રામાં લસણ અને હોલી વોટરની વ્યવસ્થા કરી રાખી હતી. હજુ બધાં પોલીસકર્મીઓ સંપૂર્ણપણે સ્વસ્થ નહોતાં થયાં એટલે અર્જુન કોઈ નવું જોખમ લેવાં નહોતો માંગતો.
"નાયક, બે દિવસમાં કોઈ હુમલો નથી થયો એનો મતલબ એ નથી કે આગળ કોઈ હુમલો નહીં થાય. "અર્જુને નાયકને ઉદ્દેશતાં કહ્યું.
"હા સાહેબ.. આ તોફાન પહેલાં ની શાંતિ લાગે છે. "અર્જુનનાં સુરમાં સુર પરોવતાં નાયક બોલ્યો.
"સાહેબ, એ લોકોની શક્તિ ખરેખર ગજબની છે.. આ તો ફાધર વિલિયમ સમયસર ત્યાં પહોંચી ગયાં નહીં તો ક્યાંક એવું બનત કે આપણાં બધાંનાં રામ રમી ગયાં હોત. "જાનીનાં અવાજમાં એ ઘટનાનો ડર હજુ પણ વર્તાતો હતો.
"પણ નાયક મને એ વાત નથી સમજાતી કે જનરેટરમાં ડીઝલ અચાનક કઈ રીતે પતી ગયું.. ?રાતે મેં મારી નજર સામે જ અબ્દુલ જોડે બંને જનરેટરમાં ડીઝલ ભરાવ્યું હતું. "અર્જુને ચિંતાસભર ચહેરે કહ્યું.
"સાહેબ, એ રાતે તો દિપકે પણ આવીને બધું બરોબર ચેક કર્યું હતું તો પછી અચાનક જનરેટરમાંથી બધું ડીઝલ કઈ રીતે પૂરું થઈ ગયું. ?"નાયકે પણ સવાલ દોહરાવ્યો.
નાયકનાં આમ બોલતાં જ અર્જુન થોડો સમય માટે ચૂપ થઈ ગયો અને નાયક તથા જાનીનાં ચહેરાનાં ભાવ વાંચતો હોય એમ એમની તરફ એકધાર્યું જોઈ રહ્યો.
"ક્યાંક તમે એવું તો નથી વિચારતાં ને કે દિપકે.. ?"મનમાં આવેલાં વિચારને રજૂ કરતાં અર્જુન બોલ્યો.
અર્જુનનાં આમ બોલતાં જ નાયક અને જાનીએ એકબીજાનો ચહેરો જોયો અને પછી હકારમાં ડોકું હલાવવાં લાગ્યાં.
જાની અને નાયકનાં આ પ્રતિભાવને જોતાં અર્જુને કંઈક વિચાર્યા બાદ પોતાનાં ખિસ્સામાંથી મોબાઈલ નીકાળી શેખ ને કોલ લગાવ્યો.
"બોલો ઓફિસર.. લાગે છે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. "અર્જુનનો કોલ રિસીવ કરતાં જ યાસીર શેખે કહ્યું.
"હા ભાઈ.. હવે છૂટકો પણ નહોતો. તું તો જાણે જ છે કે અત્યારે શહેરની જે હાલત છે એનાં લીધે વધુ સમય હોસ્પિટલમાં રોકાવવું પોષાય એવું પણ નહોતું. "અર્જુન બોલ્યો.
"એ તો સાચી જ વાત છે.. આ રક્તપિશાચોની ટોળકીએ આ શહેરમાં જે આતંક મચાવ્યો છે એ પછી તો કોઈપણ સંજોગોમાં એ લોકોથી આ શહેરનાં માસુમ લોકોને બચાવવા પ્રયત્ન કરવાં જ રહ્યાં. "શેખ બોલ્યો.
"હા એવું જ છે.. મારી સાથે બધાં પોલીસકર્મીઓએ પણ રજા લઈ લીધી અને એ પુરવાર કરી દીધું કે એમનાં માટે પણ મારી માફક પોતાની ફરજ પ્રથમ સ્થાને છે. "અર્જુને નાયક અને જાની તરફ જોતાં શેખને કહ્યું.
"હવે એ જણાવ કે તે કોલ કેમ કર્યો.. ?"શેખે પૂછ્યું.
"જે દિવસે અમારી ઉપર હુમલો થયો હતો ત્યારે તારો લેબ આસિસ્ટન્ટ દિપક ત્યાં આવ્યો હતો.. યુ. વી લાઈટ નું કનેક્શન યોગ્ય છે કે નહીં એ ચેક કરીને દિપક ત્યાંથી નીકળી ગયો. "અર્જુન બોલ્યો.
"તો એ તો સારી બાબત છે ને.. "શેખ બોલ્યો.
"સારી બાબત તો છે પણ એ રાતે જ્યારે એ વેમ્પાયર પરિવાર સાથે ખરાખરીનો મુકાબલો થયો ત્યારે જનરેટરમાં અચાનક ડીઝલ પૂરું થઈ ગયું અને અમે લોકો યુ. વી લાઈટ બંધ થઈ જતાં અસહાય બની મરવાં મજબૂર થઈ ગયાં.. "અર્જુન હજુ આટલું બોલ્યો ત્યાં એની વાત કાપતાં શેખ બોલ્યો.
"અર્જુન તું શું કહેવા ઈચ્છે છે એ સ્પષ્ટ જણાવ.. "
"તું મને એ જણાવ કે એ રાતે તે દિપકને મોકલ્યો હતો.. ?"અર્જુને શેખને પૂછ્યું.
"હમમ.. ના, મેં દિપક ને નહોતો મોકલ્યો. "અર્જુનનાં સવાલનો ટૂંકમાં જવાબ આપતાં શેખ બોલ્યો.
"બસ આટલું બહુ થઈ ગયું.. . શેખ મેં તને કોલ કર્યો હતો એ વિશે તું દિપકને કંઈપણ ના જણાવતો. હું આગળ મારે જે કરવાનું છે એ કરી લઈશ. "અર્જુન બોલ્યો.
"સારું.. પણ તું કંઈ અવિચારી પગલું ના ભરતો.. "શેખનાં આટલું બોલતાં જ અર્જુને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.
"તો સાહેબ હવે આગળ શું કરીશું.. ?"અર્જુનનાં કોલ ડિસ્કનેક્ટ કરતાં જ નાયકે સવાલ કરતાં કહ્યું.
"આપણે દિપક જોડે એ કારણોસર તો ના જ જઈ શકીએ કે એ રાતે એ આપણી મદદે આવ્યો હતો.. "અર્જુન નાયકનાં પ્રશ્નનો જવાબ આપે એ પહેલાં જાની બોલ્યો.
"જાની તમારી વાતમાં દમ તો છે.. પણ એક બીજું કારણ પણ છે જેનાં લીધે દિપક પ્રત્યે મારી શંકા ગાઢ બની છે.. "અર્જુન બોલ્યો.
"બીજું કારણ.. ?"નાયક અને જાની અર્જુનનાં આમ બોલતાં જ એકસાથે બોલી પડ્યાં.
"હા બીજું કારણ.. જ્યારે પહેલી વેમ્પાયર યુવતીને લેબમાંથી બચાવવા એનાં ભાઈ-બહેનોએ લેબ ઉપર હુમલો કર્યો ત્યારે બીજાં લોકો તો એમનાં હાથે મોતને ભેટ્યા પણ દિપક બચી ગયો.. હાથમાં આવેલો શિકાર આમ છોડીને એ વેમ્પાયર પરિવાર પાછો જાય એ વાત માનવી થોડી અઘરી તો છે.. હા એ સમયે આ વાત ઉપર મેં વધુ ધ્યાન ના આપ્યું પણ એ રાતે જે કંઈપણ થયું એ પછી તો દિપકની ઉપર મારો શક પ્રબળ બન્યો છે. "અર્જુનની આ વાત સાંભળી જાની અને નાયકની આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ.
"તો વધુ સમય વ્યર્થ કરવામાં સમય બગાડ્યા વગર નીકળીએ દિપકની પૂછપરછ કરવાં.. "જાની બોલ્યો.
"હા ચલો.. નાયક તે દિપક નું ઘર તો જોયું છે ને.. ?"અર્જુને પોતાનાં સ્થાનેથી ઉભાં થતાં નાયક ભણી જોતાં કહ્યું.
"હા એનું ઘર ગાર્ડન જોડે છે.. મેં જોયું છે એનું ઘર.. "અર્જુનની પાછળ-પાછળ ચાલતાં નાયક બોલ્યો.
"તો પછી જઈએ દિપક ની પાસે.. નક્કી એ કંઈક તો રહસ્ય છુપાવીને બેઠો છે. "આટલું કહી અર્જુન પોલીસ સ્ટેશનની બહાર નીકળી જીપમાં ગોઠવાઈ ગયો.
અર્જુનનાં જીપમાં બેસતાં ની સાથે જ નાયકે પોલીસ જીપનું એક્સીલેટર દબાવ્યું અને જીપને સરદાર પટેલ ગાર્ડન જોડે આવેલાં દિપકનાં ઘર તરફ ભગાવી મુકી.
******
દિપક તરફ શંકાની જે સોય ગઈ હતી એ પાછળ કેટલું સત્ય હતું એ તો અર્જુન દિપકની પૂછપરછ કરે પછી જ માલુમ પડવાનું હતું પણ અર્જુન જે સમયે દિપક નાં ઘર તરફ જવાં રવાના થયો એ જ સમયે વેમ્પાયર પરિવાર એમનાં જહાજ પર ક્રિસનાં રૂમમાં એકઠો થયો હતો. ક્રિસ રોજની માફક આજે પણ એ લોકો વચ્ચે થઈ રહેલી ચર્ચાનું કેન્દ્ર સ્થાન લઈને બેઠો હતો.
"તો આજે તમે લોકો તૈયાર છો આપણાં ભાઈ બ્રાન્ડનની મોત નો બદલો લેવા.. ?તમે તૈયાર છો આપણાં માટે ખતરારૂપ અર્જુનને ખતમ કરવાં.. ?"ક્રિસનો અવાજ બંધ ઓરડામાં બીજી વખત પડઘાયો.
"હા.. અમે તૈયાર છીએ. "ક્રિસનાં પુછાયેલાં પ્રશ્નનો ટૂંકમાં જવાબ આપતાં એનાં ભાઈ-બહેનો બોલ્યાં.
"ડેવિડ, તું મારી વાત ધ્યાનથી સાંભળ.. "ડેવિડની નજીક ઉભાં રહી ક્રિસ બોલ્યો.
"બોલો ભાઈ શું આજ્ઞા છે.. ?"ડેવિડે કહ્યું.
"આપણે ગઈ વખતે પણ સફળતાથી થોડી જ દૂર હતાં ત્યારે વિલિયમ નામનો એ પાદરી આપણાં માર્ગમાં અડચણ બનીને આવ્યો હતો.. શહેરનાં પૂર્વ ભાગમાં આવેલી સેન્ટ લુઈસ ચર્ચનાં એ પાદરીને ખતમ કરવાની જવાબદારી હું તને આપું છું. "ક્રિસ ડેવિડનાં ખભે હાથ મૂકીને બોલ્યો.
"ભાઈ, હું એ કાર્ય ચોક્કસ પૂરું કરી શકીશ. "ક્રિસ તરફ જોઈ ડેવિડ ડોકું હકારમાં હલાવતાં બોલ્યો.
"તો પછી ડેવિડ તું તને કહેલું કાર્ય કરવાં નીકળ, જ્યારે હું, ઈવ, ડેઈઝી, ટ્રીસા, જ્હોન ગુલામ વેમ્પાયરોની ફૌજ સાથે અર્જુનનાં આ શહેર પર એવો હુમલો કરીશું જેને આ શહેરનાં લોકો આજીવન ભૂલી નહીં શકે.. "દાંત ભીંસીને આટલું બોલતાં તો એની આંખમાં લોહી ઉતરી આવ્યું.
"હા, આજે તો આ શહેરનાં લોકોને એ ધ્રાસકો આપીશું જેને યાદ કરીને સદાયને માટે એ લોકો ધ્રુજી ઉઠશે. "ઈવ પણ ક્રિસનાં સુરમાં સુર પરોવતાં બોલી.
"ચાલો ત્યારે નીકળીએ.. "આટલું બોલી ક્રિસ દરવાજા તરફ અગ્રેસર થયો.. ક્રિસની પાછળ-પાછળ એનાં બધાં ભાઈ-બહેનો પણ રૂમની બહાર જવાં આગળ વધ્યાં.
ક્રિસ અને એનાં બાકીનાં ભાઈ-બહેનો જેવાં જહાજની તૂતકનાં ઉંચા ભાગ ઉપર આવ્યાં એ સાથે જ તૂતક પર મોજુદ પચાસેક જેટલાં ગુલામ વેમ્પાયરો એમની આગળ આવીને ઉભાં રહી ગયાં. આ પણ ત્રણ દિવસ પહેલાં જે ગુલામ વેમ્પાયર ક્રિસની સાથે હુમલામાં સામેલ હતાં એમની જ માફક યંત્રવત બનીને ઉભાં હતાં.
"તમે બધાં મારી દરેક વાતનું પાલન કરવાં બંધાયેલાં છો કેમકે હું તમારો માલિક છું.. કોણ છું હું તમારો માલિક.. "
"માલિક.. માલિક.. માલિક.. "ક્રિસનાં આમ બોલતાં એની સામે ઉભેલાં બધાં જ ગુલામ વેમ્પાયરો જહાજનાં ડેસ્ક પર પગ પછાળી ધ્વનિબદ્ધ રીતે એક સુરમાં બોલવા લાગ્યાં.
એ લોકોનાં સાથે હોવાનાં લીધે ક્રિસની સાથે એનાં ભાઈ-બહેનોનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. ક્રિસની તરફ સસ્મિત જોતાં જ્હોન, ડેઈઝી, ઈવ, ટ્રીસા અને ડેવિડ નો ચહેરો એ વાતની ચાડી ખાઈ રહ્યો હતો કે એ લોકો આજે રાધાનગરમાં મોટી તબાહી મચાવવા તૈયાર છે.
ક્રિસ પોતાનાં ભાઈ-બહેનો ને લઈને જહાજનાં તુતકની સપાટી પર આવીને ઉભો રહ્યો અને ગુલામ વેમ્પાયરોને પોતાને અનુસરવા હુકમ કરી પાણીમાં કૂદી પડ્યો. ક્રિસની પાછળ-પાછળ એનાં વેમ્પાયર ભાઈ-બહેનો અને ગુલામ વેમ્પાયરોની ટુકડીએ પણ પાણીમાં કૂદકો લગાવી દીધો.
સમુદ્રનાં પાણી પર ક્રિસને અનુસરતાં ગુલામ વેમ્પાયરોની ટુકડી રાધાનગર તરફ અગ્રેસર થઈ ગઈ. એ લોકોની આગેવાની કરી રહેલાં ક્રિસને જોઈ એ વાત સરળતાથી સમજાઈ રહી હતી કે એને આજે પોતાને ધારી સફળતા મળશે એવો પૂર્ણતઃ વિશ્વાસ હતો.
ચંદ્રની આછેરી રોશનીમાં રાધાનગરનાં માસુમ લોકો માટે યમનાં દૂત બની આગળ વધી રહેલાં વેમ્પાયર પરિવારનાં સભ્યો અને વેમ્પાયર ગુલામોની આ મોટી ફૌજ જોઈને ભલભલાનાં હાંજા ગગડી જાય એમ હતું. નક્કી આજે આ બધાં મળીને રાધાનગરમાં લોહીની નદીઓ વહેડાવવાનાં હતાં એમાં કોઈ શંકા ને સ્થાન નહોતું. આ ગુલામ વેમ્પાયરો પણ આજથી બે દિવસ પહેલાં સામાન્ય માનવી જ હતાં પણ ક્રિસની યોજના મુજબ એનાં ભાઈ-બહેનોએ આ લોકો પર હુમલો કરી એમને પોતાનાં ગુલામ બનાવી દીધાં હતાં.
રાધાનગર પર હિચકારો હુમલો કરવાનાં આશયથી વેમ્પાયરોની મોટી ટુકડી શહેર તરફ અગ્રેસર થઈ રહી છે એ વાતથી અજાણ અર્જુન જીપમાં બેસી દિપક નાં ઘરે પહોંચી ચુક્યો હતો.
જેવી નાયકે જીપની બ્રેક મારી જીપ ને થોભાવી એ સાથે જ અર્જુન ફટાફટ જીપમાંથી હેઠે ઉતર્યો અને દિપકનાં ઘરનાં મુખ્ય દરવાજા તરફ ઉતાવળા ડગલે ચાલતો થયો.. !!
*******
વધુ આવતાં ભાગમાં.
શું સાચેમાં દિપકનું વેમ્પાયર પરિવાર સાથે કોઈ કનેક્શન હતું.. ?ફાધર વિલિયમને અર્જુન બચાવી શકશે.. ?વેમ્પાયર પરિવારનાં લોકો સાથે શું થશે.. ?વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે.. ?ઘંટડી વગાડી કોને વેમ્પાયર ફેમિલીને ત્યાં બોલાવી હતી.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
મર્ડર એટ રિવરફ્રન્ટ
The ring
~જતીન. આર. પટેલ (શિવાય)