મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
ઉદ્દંડ
દરોગામલના બધાજ સાથીઓ કહે છે કે તે પોતાના સમગ્ર જીવનમાં અત્યંત ઉદ્દંડ રહ્યો છે. ઓફિસ અને ઘર બંને જગ્યાએ તેની ઉદ્દંડતાના કિસ્સાઓ આજે પણ જીવંત છે.
મને આ કિસ્સાઓ અને તેના પર થતી ચર્ચાઓ પર ક્યારેય વિશ્વાસ ન હોતો થતો અને થાય પણ કેવી રીતે કારણકે મારો અનુભવ તો સદંતર અલગ હતો.
મારા બંગલાની દીવાલ દરોગામલના બંગલાની દીવાલની સાથે જ જોડાયેલી છે. તેની સાથે મારી પહેલી મુલાકાત એ સમયે થઇ હતી જ્યારે મેં તેને મારા ગૃહપ્રવેશનું આમંત્રણ આપવા તેના બંગલાની ડોરબેલ વગાડી હતી. એ પરસાળમાં જ ખાટલા પર સુતો હતો. મેં એને કાર્ડ આપવા મારો હાથ લંબાવ્યો તો એણે પોતાના બંગલાની અંદર જવાનો ઈશારો કર્યો. મને આશ્ચર્ય તો થયું પરંતુ વધુ કોઈ વિચાર કરે મેં અંદર જઈને તેના દીકરા અને પત્નીને કાર્ડ પકડાવી દીધું.
હું બંગલામાંથી બહાર નીકળ્યો તો દરોગામલ ખાલી ખાલી આંખોથી મને તાંકીને જોઈ રહ્યો હતો. સાચું કહું તો મને તે એ સમયે અત્યંત નિર્દોષ લાગી રહ્યો હતો.
“નાલાયકો, હું હજી જીવું છું, મર્યો નથી...” મારા ગૃહપ્રવેશને હજી એક મહિનો પણ નહોતો થયો કે દરોગામલનો કડક અવાજ મને ચોંકાવી ગયો.
“તારા જીવતા રહેવાથી કે મરી જવાથી કોઈને ફરક પડે છે ખરો?” તેના કડક અવાજથી પણ ઉંચો અવાજ આવ્યો અને હું બહાર આવવા માટે વિવશ થઇ ગયો.
“હા ફરક પડે છે બેટા! એ ન ભૂલતો કે આ બંગલો મારો છે, મેં બનાવ્યો છે. હું અત્યારેજ તને તારો હાથ પકડીને બહાર કાઢી શકું છું.”
“તું મને બંગલાથી બહાર કરીશ? તારા હાથમાં એટલો દમ છે?” દીકરાએ બાપની મશ્કરી કરી તો એ ખાટલા પરથી ઉભો થઇ ગયો.
બંગલાની આસપાસ ભીડ ભેગી થઇ ગઈ હતી. દરોગામલ ક્રોધથી કાંપતા કાંપતા બંગલાથી બહાર નીકળ્યો તો કેટલાક હાથ તેને ટેકો આપવા માટે આગળ આવ્યા.
“ના હું હજી જીવતો છું, જ્યારે મરી જાઉં ત્યારે ખભો આપીને સ્મશાન સુધી પહોંચાડી દેજો.”
બધાજ પડોશીઓ ડરીને એક તરફ હટી ગયા. દરોગામલ હાંફતો હાંફતો અને કાંપતો કાંપતો રોડ ક્રોસ કરીને બીજી તરફ જતો રહ્યો.
બે કલાક બાદ ભીડ વિખેરાઈ ચૂકી હતી. બધા જ પડોશીઓ પોતપોતાના ઘરમાં જતા રહ્યા હતા અને ત્યાંજ પોલીસની જીપ સાયરન વગાડતી વગાડતી આવી અને તેમને ફરીથી બહાર આવવા માટે મજબૂર કરી દીધા.
બધાની સાથે સાથે મેં પણ આશ્ચર્યચકિત થઈને જોયું તો પોલીસના ચાર સિપાઈઓ દરોગામલના છોકરાને ઘેરી વળીને પોતાની જીપ તરફ આગળ વધી રહ્યા હતા. દરોગામલ પોતાની પરસાળમાં ટટ્ટાર થઈને ઉભો હતો.
હા, આજે હું એ માનવા માટે પૂરી રીતે તૈયાર છું કે દરોગામલ પોતાના પૂરા જીવન દરમ્યાન ખરેખર ઉદ્દંડ રહ્યો હશે.
***