Nasib books and stories free download online pdf in Gujarati

નસીબ

** નસીબ **

દર્પણના ઘરમાં આજે આનંદનો ઉત્સવ હતો. તેના સૌથી નાના દિકરાના લગ્ન હતા. આમ તો છેલ્લા એક મહિનાથી લગ્નની તૈયારીઓ ચાલતી હતી પરંતુ છેલ્લા એક અઠવાડીયાથી ઘરમાં નજીકના મહેમાનો આવી ગયા હતા અને સૌ આ આનંદના ઉત્સવની ઉજવણી ખૂબ પેટ ભરીને કરી રહ્યા હતા. થોડાક દિવસોથી ઘરમાં રોજ સિત્તેર થી એંશી માણસોની રસોઈ બનાવવામાં આવતી હતી. દર્પણે ગામને અડીને આવેલા તેના ખેતરમાં તાજેતરમાં જ તેનું ફાર્મ હાઉસ બાંધ્યું હતું. એક વિશાળ બંગલો જોઈ લો જાણે !. આમ તો દર્પણનું કુટુંબ અમદાવાદમા સ્થાયી થયેલું હતું પરંતુ તેઓ તેમનો દરેક પ્રસંગ ગામમાં ઉજવવાનું પસંદ કરતા હતા.

આજે રિસેપ્શન રાખવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનો, રાજકીય નેતાઓ, તેના ધંધા સાથે સંકળાએલા મિત્રો, તેની કંપનીના સૌ કર્મચારીઓ, સૌ સગાં વહાલાં અને ગામના આબાલવૃધ્ધ સૌ માટે જમણવાર રાખવામા આવ્યો હતો. અંદાજે દસ હજાર માણસોની રસોઈ તૈયાર થઈ ગઈ હતી. સાંજ ઢળતાં બંગલો રંગ બેરંગી એલ.ઈ.ડી. લાઇટની રોશનીથી ઝળહળી ઉઠ્યો. મહેમાનોનું આગમન થવા માંડ્યુ હતું. કુટુંબના દરેક સભ્યે સ્વયંભૂ અલગ અલગ જવાબદારી ઉપાડી લીધી હતી. દર્પણ અને તેની પત્ની દર્શનાને સૌએ કહી દીધું હતું કે તમારે, તમારા દિકરાઓએ કે પુત્રવધૂઓએ આજે કોઈ ફિકર કરવાની જરૂર નથી. ફક્ત તમે મહેમાનોને આવકાર આપજો બાકીનું બધુ આમારા પર છોડી દો. આવનાર દરેક મહેમાનની તેમની હેસિયત મુજબની સરભરા કરવાનું આમારા શિરે રહેશે તમને કોઈ ફરિયાદ કરવાનો મોકો નહિ મળે તેવું આયોજન કર્યું છે માટે બેફિકર રહેજો.

મહેમાનો આવતા ગયા તેમનું સ્વાગત અને સન્માન થતું રહ્યું. સૌ કોઈ રસોઈની વિવિધ વાનગીઓ આરોગતા રહ્યા અને દર્પણના વૈભવના ગુણગાન કરતાં રહ્યા. હવે ધીરે ધીરે મહેમાનો ઓછા થવા માંડ્યા હતા. લગભગ આમંત્રિત સૌ મહેમાનો આવ્યા હતા તેમ છતાં પત્ની દર્શનાને લાગ્યું કે દર્પણને હજુય કોઈના આવવાનો ઇંતેજાર છે. તે પ્રેમથી દર્પણનો હાથ પકડી બોલી, “ દર્પણ, લગભગ તમામ મહેમાનો આવી ગયા છે. આપણાં સગા સબંધીઓએ આવનાર દરેક મહેમાનોની પૂરેપૂરી સરભરા કરી છે અને બધુ સુખરૂપ પાર પડ્યું છે તેનો આનંદ છે. હવે આપણે જમી લઈ શું ?”

દર્પણ “ થોડીક વાર રાહ જોઈએ જો કોઈ મહેમાન બાકી હોય અને આવે તો તેમની સાથે જમીશું “ દર્પણનો જવાબ સાંભળી દર્શના જ્યાં રસોઈ બનતી હતી તે તરફ એક આંટો મારવા ઉપડી ગઈ. દર્પણને થયું સિદ્ધાર્થકાકાનું કુટુંબ કેમ ન દેખાયુ ? શું હજુ તેમને મારા પર રોષ હશે ?

દર્પણને તે નાનો હતો ત્યારે પોલિયોનો એટેક આવ્યો હતો. તે વખતે તેની ઉમર ફક્ત ત્રણ વર્ષ હતી. તે કઇં સમજતો ન હતો. તેની મમ્મીએ તેને કહ્યું હતું કે તેને તે દિવસે ખૂબ તાવ આવ્યો હતો એટલે તેની મમ્મી તેને ઘોડિયામાં સુવડાવી ઝડપથી સવારના કામો આટોપવામાં પરોવાઈ હતી. કામ વચ્ચે થોડી થોડી વારે તે તેના માથા પર મીઠાના પાણીના પોતા મૂકી જતી હતી. તે રડે ત્યારે તેનો મોટા ભાઈ, જે તે વખતે પાંચ વર્ષનો હતો, આવી ઘોડિયું હલાવી જતો. મમ્મીએ કામથી પરવારી તેને ઘોડિયામાંથી બહાર કાઢી તેને બે પગે ઊભો રાખવા પ્રયત્ન કર્યો ત્યારે તેને લાગ્યું કે તેનો એક પગ હલન ચલન કરતો ન હતો. તેણે તરત તેના ભાઈને મોકલી તેના પપ્પાને બોલાવરાવ્યા. તેઓ તાત્કાલીક તેને સાઇકલ પર બેસાડી ગામના દવાખાને લઈ ગયા. દાક્તરે તેની તપાસ કરી અને શહેરમાં મોટા દવાખાને લઈ જવા ભલામણ કરી. શહેરના દાક્તરે નિદાન કર્યું કે દર્પણને પોલિયો થયો છે. તેણે સારવાર શરૂ કરી પરંતુ ધાર્યું પરીણામ ન મળ્યું. તેનો ડાબો પગ દિવસે દિવસે પાતળો પડતો ગયો. તેના લીધે હવે તે ખોડંગાતો ચાલતો હતો.

તે જ્યારે ધોરણ પાંચમાં ભણતો હતો ત્યારે એક દિવસે તેના મિત્ર જયેશે તેને શાળાની લોબીમાં ધક્કો માર્યો જેનાથી તે પડી ગયો. જયેશ તેને ધક્કો મારો દોડીને નાસી ગયો. દર્પણથી ઝડપથી ઊભું ન થવાયું. તેની બાજુમાં ઊભેલી વિહંગાએ તેને ટેકો આપી ઊભો કર્યો. દર્પણને વાગ્યું હતું એટલે તે ઊભો થયા પછી એકદમ ચાલી ન શક્યો એટલે વિહંગા તેને સહારો આપી ધીમે ધીમે દોરતાં દોરતાં શાળાના કમ્પાઉન્ડ બહાર લઈ આવી. ત્યાં સુધીમાં દર્પણને થોડોક આરામ થયો એટલે તે વિહંગાના સહારા વિના ધીમે ધીમે ચાલતો ઘર તરફ રવાના થયો. બીજા દિવસે વિહંગાએ શાળામાં જયેશ સાથે દર્પણને ધક્કો મારી નીચે પાડી દેવા બાબતે ખૂબ ઝગડો કર્યો. બસ ત્યારથી દર્પણ અને વિહંગાની દોસ્તી મજબૂત થઈ ગઈ. દર્પણની ખોડ ને કારણે તેના મિત્રો તેને ચિઢવવા “તૈમૂર લંગ” કહેતા તે વિહંગાને ગમતું ન હતું.

પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂરું કરી વિહંગાએ ભણવાનું છોડી દીધું. દર્પણે નજીકના શહેરની હાઇસ્કૂલમાં ભણવાનું ચાલુ રાખ્યું. તે ભણવામાં હોશિયાર ન હતો અને તેને ભણવામાં રસ પણ ન હતો તેથી તે એસ.એસ.સી.ની પરીક્ષામાં નાપાસ થયો. તેના પિતાએ તેને પૈસા કમાવા માટે કોઈ ધંધો રોજગાર શોધી લેવા જણાવ્યુ. તેણે ગામમાં પાન બીડીનો ગલ્લો શરૂ કર્યો પરંતુ તેમાં બહુ આવક થતી ન હતી. હવે તે યુવાન થયો હતો. વિહંગા પણ યુવાન થઈ હતી. ભગવાને વિહંગાને અઢળક રૂપ આપ્યું હતું. તે દર્પણને મનોમન ખૂબ પ્રેમ કરતી હતી એટલે દિવસમાં બે ત્રણ વાર તે કોઈ વસ્તુ ખરીદવાના બહાને દર્પણના ગલ્લે આવી તેની સાથે અલક મલકની વાતો કર્યા કરતી. દર્પણ જાણી ગયો હતો કે વિહંગા તેને ખૂબ પ્રેમ કરે છે.

વિહંગાના પિતા સિદ્ધાર્થ શેઠ ગામમાં ધીરધારનો ધંધો કરતા હતા. તેઓ પૈસે ટકે સમૃધ્ધ હતા. તેમને એક દીકરો અને એક દિકરી એમ બે બાળકો હતા. દીકરો સુભાષ વિહંગાથી બે વર્ષ નાનો હતો. એક દિવસે દર્પણના ગલ્લે આવી વિહંગા એક ચિઠ્ઠી તેને આપી તરત રવાના થઈ ગઈ. વિહંગાના ગયા પછી દર્પણે તે ચિઠ્ઠી વાંચી. વિહંગાનો તે પ્રેમપત્ર હતો. તેણે તેના પ્રેમનો એકરાર કર્યો હતો અને તેની સાથે જ લગ્ન કરશે તેવો કોલ કર્યો હતો. દર્પણ વિહંગાની પોતાના તરફની આસક્તિ જાણી ભાવ વિભોર થઈ ગયો. થોડાક સમય માટે તે આકાશમાં વિહંગા સાથે ઊડતો હોય તેવી કલ્પનાઓમાં રાચવા માંડ્યો. તેને સ્વર્ગ હાથવગું લાગ્યું પરંતુ જ્યારે તે હકીકતની કઠોર જમીન પર ઉતાર્યો ત્યારે તેને સમજાયું કે તે બેકાર છે અને પાછો એક પગે પોલીઓના કારણે ખોડ ધરાવે છે એટલે વિહંગાના પિતા તેની સાથે તેનું લગ્ન નહિ કરે તેમ વિચારી તેણે વિહંગા વિષે વિચારવાનું માંડી વાળ્યું.

વિહંગા અવારનવાર દર્પણને મળી તેના પિતા સમક્ષ દર્પણના પિતા મારફતે લગ્નનો પ્રસ્તાવ મૂકવા દબાણ કરતી રહી. દર્પણ તેના પિતાને વિહંગાની વાત કહી ન શક્યો. થોડા દિવસ પછી વિહંગાએ દર્પણને જણાવ્યુ કે તેના માટે મુંબઈના એક વેપારીના દિકરા સાથે સગાઈની વાત ચાલે છે માટે તે તેના પિતા સમક્ષ તેમના લગ્ન માટે તેના પિતા મારફતે માગું નંખાવે. દર્પણે તેના પિતાને જ્યારે વિહંગા સાથે તેનું વેવિશાળ કરવા માંગુ નાખવા કહ્યું ત્યારે તેના પિતા અવાચક રહી ગયા. તેમને થયું કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગું તેલી ! તેઓ હિમ્મત ન કરી શક્યા એટલે એક દિવસે દર્પણે પોતે વિહંગાના પિતા પાસે જઈ તેને જેવું આવડ્યું તેવું કહ્યું કે “ સિદ્ધાર્થકાકા, હું વિહંગાને ખૂબ પ્રેમ કરું છું અને વિહંગા પણ મને તેટલો જ પ્રેમ કરે છે માટે આમારા લગ્ન કરાવી આપો.” સિદ્ધાર્થ શેઠ દર્પણની હિંમત જોઈ દંગ રહી ગયા અને એક પળ પછી બોલ્યા “ ભાઈ પહેલાં તું તારા તૂટેલા પગ તરફ જો અને તારી હેસીયતને ધ્યાને લે. મારો ફૂલ જેવી દિકરી તારા જેવા અપંગ અને મુફલિસ સાથે પરણાવું તેટલા મારા દિવસો ખરાબ નથી આવ્યા !. તું શું મારા પગલામાં પગ મૂકવાનો હતો ? જો હવે પછી વિહંગા બાબતે મનમાં પણ વિચાર કર્યો છે તો તારો બીજો ટાંટિયો ભાંગી તને ભીખ માગતો કરી દઇશ “ સિદ્ધાર્થ શેઠ ગુસ્સાથી ધ્રૂજવા માંડ્યા. તેમણે દર્પણને બહાર જવાનો આદેશ કર્યો તે સાંભળી વિહંગા તેના પિતા સમક્ષ હાજર થઈ બોલી “ બાપુ, હું દર્પણને ખૂબ ચાહું છુ. તે મને ખૂબ સુખી કરશે માટે મને તેની સાથે પરણાવો “ સિદ્ધાર્થ શેઠ બોલ્યા “નાદાન છોકરી ! તું યુવાનીના જોશમાં ભાન ભૂલી ગઈ છે. આ મુફલિસની દાનત મારી સંપત્તિ હડપ કરી જવાની છે. તું ઘરમાં જા અને જો હવે તેની સાથે વાતચિત કરીશ તો તારો ટાંટિયો પણ ભાગી નાખીશ. “
દર્પણ ધૂંવાપૂંવા થઈ ગયો. તેનું અપમાન થયું જાણી તેનું આત્મસન્માન જાગી ઉઠ્યું. તેણે કહ્યું “ સિદ્ધાર્થકાકા મારે તમારી સંપત્તિ નથી જોઈતી હું ફક્ત વિહંગાનો પ્રેમ માંગવા આવ્યો હતો. તમે મને ખોટો સમજી બેઠા. યાદ રાખજો કે સંપત્તિતો હાથનો મેલ છે. આ બધા નસીબના ખેલ છે. તમને તમારી સંપત્તિ પર જો અભિમાન હોય તો તે તમને મુબારક પણ એક વાત કહેતો જાઉ છુ કે જો એક દિવસે તમારા કરતાં વધારે સંપત્તિ કમાઈ ન બતાવું તો મને વાણિયાના દિકરાના બદલે ભિખારીનો દિકરો કહેજો. “

સિદ્ધાર્થકાકાના વેણ દર્પણના હદયમાં તિરની જેમ ખૂંપી ગયા. તેણે ખૂબ કમાવાનો નિશ્ચય કરી લીધો. થોડાક દિવસોમાં તેણે ગામ છોડી અમદાવાદની વાટ પકડી. અમદાવાદના પરાં ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યા હતા. તેણે એક બિલ્ડરના ત્યાં તેના કામો પર દેખરેખ રાખવાની નોકરી સ્વીકારી લીધી. થોડાક સમયમાં તેણે તેના કામથી તેના શેઠને જીતી લીધા. એક દિવસ તે કોઈક કામે મ્યુનિસિપાલિટીની ઓફિસે ગયો હતો. ત્યાં તેને જાણવા મળ્યું કે મ્યુનિસિપાલિટી શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે શહેરની ફરતે એક રીંગ રોડ બનાવવાનું વિચારી રહી છે. આ બાબત એકદમ ગુપ્ત હતી તેમ છતાં દર્પણને તેની જાણકારી થઈ ગઈ. તેણે તેના શેઠને આ માહિતી આપી અને જયાંથી રિંગ રોડ નિકળવાનો હતો તે વિસ્તારમાં જે ભાવે મળે તે ભાવે જમીન ખરીદી લેવા સલાહ આપી. બિલ્ડરને તેની વાત ગમી. તેણે ખેડૂતો પાસેથી મોં માગી કિંમતે કેટલીક જમીન ખરીદી લીધી. થોડાક સમયમાં નવી ખરીદેલી જમીન પાસેથી રીંગ રોડ નીકળવાની વાત જાહેર થતાં નવી ખરીદેલી જમીનના ભાવો એકા એક બેઠી ત્રણ ઘણા વધી ગયા જેથી બિલ્ડરને કરોડો રૂપિયાનો ફાયદો થયો. તેમણે તે વિસ્તારમાં એક નવી સ્કીમ મૂકી અને તેમાં દર્પણને મૂડી વગર અડધો હિસ્સેદાર બનાવી દીધો.

દર્પણની કમાણી જોઈ સમાજમાંથી તેના માટે માંગાં આવવા માડ્યાં. દર્પણના પિતાએ એક સારું ખાનદાન જોઈ તેનું લગ્ન દર્શના નામની યુવતી સાથે કરી દીધું. દર્પણે લગ્ન પહેલાં દર્શનાને તેના અને વિહંગાના સબંધો બાબતે જાણ કરી દીધી હતી જેથી પાછળથી કોઈ ગેરસમજ ઊભી ન થાય અને લગ્નજીવનમાં કોઈ અંતરાય ઊભો ન થાય. દર્શના દેખાવે સાધારણ હતી પરંતુ તે તેના માટે ખૂબ નસીબદાર પુરવાર થઈ. ભાગ્ય ચક્ર તેનો સાથ આપવા માંડયું. ખૂબ ટૂંકા સમયમાં દર્પણની સંપત્તિ વધવા માંડી. હવે તે સ્વતંત્ર ધંધો કરતો હતો. અમદાવાદમાં ખૂબ મોંઘા વિસ્તારમાં તે રહેવા માંડ્યો. સમયનું ચક્ર ફરતું રહ્યું. આ સમય દરમ્યાન તેના મા બાપ આ દુનિયા છોડી સ્વર્ગે સીધાવ્યા. દર્પણના મોટાભાઇ, તેમનો દીકરો સૌ પ્રથમ તેની સાથે તેના વ્યવસાયમાં જોડાયા. તેને સંતાનમાં એક દિકરી અને બે દિકરા હતા. દિકરી પરણાવી દીધી હતી. બંને દિકરા પણ તેમનું શિક્ષણ પૂરું કરી હવે તેની સાથે વ્યવસાયમાં જોડાઈ ગયા હતા.

આ બાજુ દર્પણ દ્વારા વિહંગાના હાથની માંગણી અને વિહંગાનું દર્પણ પ્રત્યેનું ખેંચાણ જોઈ સિદ્ધાર્થ શેઠ સતેજ થઈ ગયા. તેમણે આબરૂ જવાની બીકે મુંબઈના જે વેપારીના દિકરા સાથે વિહંગાના સગપણની વાત ચાલતી હતી તે બાબતે વધુ તપાસ કર્યા સિવાય વિહંગાની સગાઈ કરી ટૂંકા ગાળામાં તેનું લગ્ન કરી દીધું. વિહંગાનો પતિ સુબોધ કુછંદે ચઢેલો હતો. તેને દારૂ અને નશાની લત હતી અને વેશ્યાવાડે પણ જતો હતો એટલે મુંબઈમાં કોઈ પોતાની દિકરીની સગાઈ તેની સાથે કરવા તૈયાર ન હોવાથી સુબોધના પિતાએ ગામડા તરફ નજર દોડાવી સિદ્ધાર્થ શેઠને અંધારામાં રાખી દેખવાડી વિહંગા સાથે તેના લગ્ન કરાવી દીધા. લગ્ન પછી થોડા સમય માટે વિહંગાનો સંસાર સુખે ચાલ્યો પરંતુ તેના પતિ સુબોધની કુટેવોથી તે તંગ આવી ગઈ. સુબોધ તેના સાળાને વેપાર શીખવાડવાના બહાને મુંબઈ લઈ ગયો અને ત્યારબાદ સિદ્ધાર્થ શેઠને મુંબઈમાં ધંધામાં પૈસા રોકવા લલચાવ્યા અને તેના સાળા સાથે એક નવું સાહસ શરૂ કરવા સિદ્ધાર્થ શેઠ પાસેથી પૈસાની માગણી કરી. સિદ્ધાર્થ શેઠે પોતાના દિકરાના ભવિષ્યનો વિચાર કરી તેમની પાસે જે રકમ હતી તે રકમ સુબોધના હવાલે કરી. સુબોધે તે તમામ રકમને ક્રુડ ઓઇલના સટ્ટામાં લગાડી દીધી. થોડાક સમયમાં ક્રુડ ઓઇલનું માર્કેટ કકડભૂસ થઈ ગયું. સિદ્ધાર્થ શેઠનું દેવાળું નીકળી ગયું. તે ફૂટપાથ પર આવી ગયા. આ બાબતે વિહંગાનો સુબોધ સાથે ખૂબ મોટો ઝગડો થયો. સુબોધે વિહંગાને એક જોરદાર ધક્કો માર્યો તેનાથી તે જમીન પર પડી ગઈ. તેના જમણા પગની કુલડી ભાગી ગઈ. અપૂરતી સારવાર અને પૂરતી કાળજી ન લેવવાના કારણે તે અપંગ થઈ ગઈ. સુબોધે વિહંગાને પોતાના ઘરમાથી કાઢી મૂકી. વિહંગા ભાઈ સુભાષ સાથે પિતાના ઘરે પરત આવી ગઈ.

એકવાર દર્પણ ઘરે આવ્યો ત્યારે તેને સિદ્ધાર્થકાકાની બદલાએલી પરિસ્થિતી અને વિહંગાના લગ્ન જીવનમાં આવેલ ભંગાણની જાણ થઈ. તેણે ખુબ દુખ થયું અને તેનું હૈયું ભરાઈ આવ્યું. તે સિદ્ધાર્થકાકાના ઘરે ગયો. દર્પણને પોતાના ઘરે આવેલો જોઈ તેમનું અહમ ઘવાયું. વિહંગા દર્પણને જોઈ ખૂબ વિહવળ થઈ ગઈ. સિદ્ધાર્થકાકાએ દર્પણને આવકારવા બદલે ગુસ્સે થઇ કહ્યું “ અમારા ઘાવ પર મીઠું ભભરાવવા આવ્યો છે ?” તું એમ ન સમજતો કે હું પરવશ થઈ ગયો છુ. મારામાં હજુ સાગરને બાથ ભરવાની હામ છે.”
દર્પણે કહ્યું “ કાકા હું તો વિહંગાની ખબર પૂછવા આવ્યો છું જો તમને ન ગમ્યું હોય તો માફ કરજો. હવેથી નહીં આવું. પરંતુ મારા જોગું કોઈ કામ હોય તો મને બેધડક કહેજો મારાથી થતું બધુ કરી છૂટીશ અને હા આ દુ:ખની ઘડીમાં વિહંગા તેની હિંમત ટકાવી રાખે તે જોજો. કાકા તમે તો મારા બાપ બરાબર છો માટે શું સલાહ આપું પણ જો જીવનમાં સુખી થવું હોય તો અહંકાર છોડી સમજણપૂર્વક નિર્ણય લેજો“
સિદ્ધાર્થકાકાને દર્પણના શબ્દો હદયમાં ભોંકાયા. તેમણે કહ્યું “ દર્પણ, ભલે પાયમાલ થઈ જાઉં પણ તારી મદદ કદી નહીં માગું.” દર્પણ સિદ્ધાર્થકાકને જવાબ આપ્યા સિવાય વિહંગાની આંખોમાં ડોકાતી કરુણા તરફ અમીદ્રષ્ટિ કરી ચૂપચાપ જતો રહ્યો.”
આ પ્રસંગ પછી દર્પણને સમાચાર મળ્યા હતા કે સિદ્ધાર્થકાકાની આર્થિક પરિસ્થિતી વધારે નબળી પડી હતી. તેમનો દીકરો સુભાષ નજીકના શહેરમાં કોઈ પેઢીમાં નામું લખવાનું કામ કરતો હતો તેના પગારમાંથી માંડમાંડ ઘરનું ગુજરાન ચાલતું હતું. વિહંગાના પતિ સુબોધે કદી વિહંગાને તેડી જવાના પ્રયત્નો કર્યા ન હતા. વિહંગા બગલઘોડીના સહારે ચાલતી હતી. દર્પણને સિદ્ધાર્થકાકાના કુટુંબને મદદરૂપ થવું હતું પરંતુ તે વડીલ ઘમંડના કારણે તેની મદદ સ્વીકારશે નહીં તેવું માની તેણે કોઈ પ્રયત્ન ન કર્યો.

દર્પણના દિકરાના લગ્ન પ્રસંગે યોજેલ જમણવારમાં આખા ગામમાં સહકુટુંબ હાજર રહેવા તેના દિકરા ઘરે ઘરે જઇ આમંત્રણ આપી આવ્યા હતા. જે દીકરો પરણતો હતો તે પોતે સિદ્ધાર્થકાકાના ઘરે જઇ આમંત્રણ આપી આવ્યો હતો. તેણે કહ્યું હતું “ દાદા , અમારા ઘરે હવે આ છેલ્લો પ્રસંગ છે માટે તમે બધા અચૂક અમારા ઘરે પધારી શોભામાં અભિવૃદ્ધિ કરજો. તે તેના પિતા અને વિહંગાની દોસ્તી વિષે જાણતો હતો એટલે વિહંગાને પણ રૂબરૂ મળી તેના લગ્નના જમણવારમાં આવવા આગ્રહ કર્યો હતો. વિહંગાએ ભરાએલા હૈયે અને સજળ આંખે હાજર રહેવાની હા કહી હતી. જમણવારના આગળના દિવસે દર્શના પોતે સિદ્ધાર્થકાકાના ઘરે જઇ ફરીથી આમંત્રણ પાઠવી આવી હતી. તે પણ વિહંગાને રૂબરૂ મળી હતી. બંને પહેલીવાર મળ્યા હતા. થોડીક મિનિટોના પરિચયમાં બંનેએ એક બીજાનું દિલ જીતી લીધું હતું.

દર્શના જમણવારના રસોડા તરફ જતી હતી ત્યારે તેને એકાએક યાદ આવ્યું કે સિદ્ધાર્થકાકાના કુટુંબનું કોઈ સભ્ય જમણવારમાં દેખાયું નથી અને કદાચ દર્પણ તેમની રાહ જોઈ રહ્યો હતો. તે રસોડા તરફ જવાના બદલે ડ્રાઇવરને બોલાવી ગાડી લઈ સીધી સિદ્ધાર્થકાકાના ઘરે પહોંચી ગઈ. તેમના ઘરમાં એકદમ શાંતિ જણાતી હતી. સિદ્ધાર્થકાકાને જમણવારમાં જવું તો હતું પરંતુ તેમનો અહમ નડતો હતો.
દર્શનાએ હળવેથી “સિધાર્થકાકા” તેમ બૂમ પાડી. તેમણે હોકારો કર્યો એટલે તે બોલી “ કાકા જમણવારનું સ્થળ દૂર હોવાથી તમને, કાકીને અને વિહંગાને આવવામાં તકલીફ ન પડે એટલે હું ગાડી લઈને આવી છુ. દર્પણ તમારી રાહ જોઈ રહ્યા છે ચાલો બધા બેસી જાઓ. વિહંગાતો આવવા તૈયાર જ બેઠેલી હતી તે સૌ પ્રથમ તેની બગલઘોડી લઈ બહાર આવી. દર્શનાએ તેને ગાડીમાં બેસવામાં મદદ કરી. વિહંગા ગાડીમાં બેસી ગઈ હતી એટલે સિદ્ધાર્થકાકા પોતાનો અહંકાર છોડી તેમની પત્ની સાથે ગાડીમાં ગોઠવાયા. સુભાષ અને તેનું કુટુંબ ગામમાં ન હતું.

દર્પણની તંદ્રા તૂટી એટલે તેણે દર્શનાના નામની બૂમ પાડી. કોઈ જવાબ ન મળ્યો એટલે તેણે રસોડા તરફ જવા પગ ઉપાડ્યા ત્યાં સામેથી ગાડીની હેડલાઇટ દેખાઈ એટલે કોઈ મહેમાન આવી રહ્યા હોવાનું વિચારી તે ઊભો રહ્યો. ગાડી ઊભી રહી અને તેમાંથી દર્શનાની સાથે વિહંગા, સિદ્ધાર્થકાકા અને કાકીને ઉતરતા જોઈ તે એકદમ આનંદમાં આવી ગયો. તે સિદ્ધાર્થ કાકાને ભેટી પડ્યો. કાકા તેમનો અહમ છોડી દર્પણને વળગી પડ્યા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યા “ બેટા દર્પણ મારી જિંદગીમાં મેં તને સમજવામાં જે ભૂલ કરી હતી તેની ખૂબ આકરી સજા ભોગવી રહ્યો છુ. તારા અને વિહંગાના સાચા પ્રેમને હું પારખી શક્યો ન હતો. ઉતાવળમાં નિર્ણય લઈ મેં વિહંગાને જીવતા નર્કમાં નાખી ખૂબ મોટો અપરાધ અને તમને બંનેને અન્યાય કર્યો છે જેના માટે ભગવાન મને માફ નહીં કરે પણ બેટા તું મને માફ કરી દેજે ”

દર્પણ “ સિદ્ધાર્થકાકા આ બધો નસીબનો ખેલ છે. તમે તો મારા વડીલ છો એટલે તમારે માફી માગવાની ન હોય હા, મારે તમારો આભાર માનવો છે. જો તમે મને મારી હેસીયત અંગે મહેણું ન માર્યું હોત તો હું આટલા ઝનૂનથી પૈસા કમાવવાનો પ્રયત્ન ન કરત. હું તે માટે તમારો આભારી છુ.

જમતાં જમતાં દર્પણે કહ્યું કાકા જો ખોટું ન લગાડો તો એક વાત કહું !”
સિદ્ધાર્થકાકા “ હા બોલ ને બેટા “
હું સુભાષને મારી કંપનીમાં નોકરીએ લઈ જવા માગું છુ. હું તેને ધંધો શીખવાડીશ. હું તેને આર્થિક રીતે સધ્ધર જોવા માંગુ છું. હું વિહંગાના અને સુબોધના સબંધોને ફરીથી જોડી તેમના જીવનમાં એક નવો ઉજાશ ભરવા માંગુ છુ. મારે મારા આ કાર્યોમાં સફળ થવા ફ્ક્ત તમારા આશીર્વાદની જરૂર છે.”

સિદ્ધાર્થકાકા દર્પણની ઉદારતા અને સંસ્કારો જોઈ ગદગદીત થઈ ગયા. વિહંગા હવે આ ઉમરે ફરીથી સુબોધ સાથે જોડાવવા ઇચ્છતી ન હતી એટલે તેણે દર્પણને તે બાબતે કોઈ પ્રયત્ન ન કરવા વિનંતી કરી. દર્પણે તેની વાત સ્વીકારી લીધી. સૌએ વાતો કરતાં કરતાં ભોજન લીધું.

દર્પણે સુભાષને તેની કંપનીમાં સારા પગારે નોકરીમાં લઈ લીધો. થોડા સમય પછી તેણે અમદાવાદના મશહૂર ઓર્થોપીડિક સર્જન મારફતે વિહંગાના પગનું ઓપરેશન કરાવ્યુ જેના કારણે વિહંગાને બગલઘોડી લઈને ફરવાની યાતનામાંથી છૂટકારો મળ્યો. વિહંગાના સફળ ઓપરેશનના સમાચાર જાણી સુબોધ અને તેના પિતા વિહંગાને પોતાના ઘરે તેડી જવા આવ્યા. હવે તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયો હતો અને સુબોધની બધી કુટેવો છૂટી ગઈ હતી. વિહંગા ફરીથી સુબોધ સાથે જવા તૈયાર ન થઈ. તેણે સુબોધને છૂટાછેડા જોઈતા હોય તો આપી દેવાની તૈયારી દર્શાવી અને તેને બીજે લગ્ન કરી લેવા પણ જણાવ્યુ.

સિદ્ધાર્થકાકા, કાકી અને વિહંગા હવે સુભાષ સાથે રહેવા અમદાવાદ આવી ગયા છે. દર્શના અને વિહંગા વચ્ચે ખૂબ સારી મિત્રતા છે. દર્પણ હવે વિહંગાને પ્રેમિકા નહીં પરંતુ એક મિત્ર ગણે છે. ભાગ્યનું ચક્ર હાલ સુખરૂપ ફરી રહ્યું છે.




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED