ભાગ-૧૯
(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ એકદમ વ્યાકુળ થઈ જાય છે એને ઊંઘ આવતી નથી, તે વ્રતી પાસે જાય છે.. હવે આગળ....)
વ્યોમ બોલ્યો,
"તમને મારા વિશે બધી વાત કેમ ખબર પડી જાય છે, જાસૂસો રાખ્યા છે કે અંતર્યામી છો ??"
વ્રતી મંદ મંદ હસી ને પછી બોલી,
"ના જાસૂસો પણ નથી ને હું અંતર્યામી પણ નથી. તમારા પિતા પ્રમોદભાઈ મને દીકરી માને છે, એ દર છ મહિને અહીં આવે છે તો તમારી વાતો થાય છે, ને આ તમારા પૂર્વજોનું ગામ છે તો ગામના ઉદ્ધાર માટે અંકલ ઘણું કરે છે, આ ટ્રસ્ટ તમારા પિતાનું જ છે, અમે બધા તો ખાલી ચિઠ્ઠીના ચાકર છીએ, મૂળ તો આ ગામ વિશે વિચારનાર જ તમારા પિતા છે, તમારા અહીં આવવાનું કારણ એમણે મને પત્ર દ્વારા જણાવેલું હતું. એક સાચી વાત કહું તમે અહીં આવો એવી એમની ઈચ્છા હતી એટલે જ તમે અહીં છો. ને તમારા અમુક કર્મોનું ફળ તમને અહીં ખેંચી લાવ્યું છે.."
વ્યોમને આ છેલ્લું વાક્ય ન સમજાયું, છતાં વ્યોમ બોલ્યો,
"તો શું મારી સાથે જે ત્યાં થયું એ બધું નાટક હતું.."
વ્રતી બોલી,
"ના, નાટક તો ન હતું એ જે થયું એ સંજોગો હતા, પણ તમારા પિતા ધારે એ કરી શકતા હતા, એમણે તમને અહીં સકારણ મોકલ્યા, બાકી એ બધું રફેદફે પણ કરી શકે એમ હતા.."
વ્યોમ ચૂપચાપ રૂમ તરફ ચાલવા લાગ્યો. આવ્યો ત્યારે જે વ્યગ્રતા હતી અત્યારે પણ એવી જ વ્યગ્રતા ચાલતી હતી, પણ અત્યારે મનની ગડમથલે બીજું સ્થાન લઈ લીધું હતું. પરિસ્થિતિ બદલાતા બધું બદલાઈ જાય છે. વ્યોમને પોતાના પિતા માટે ગુસ્સો વધી ગયો. એક તો એ અહીં અનુકૂળ થઈ શકતો ન હતો ને પાછી આવી વાતે એને વધુ વિહ્વળ બનાવી દીધો. વ્યોમ ગુસ્સે થતો રૂમ પર પહોંચ્યો. એને ક્યાંય ચેન પડતું ન હતું. એના મનમાં અનેક ગડમથલો ચાલવા લાગી. આટલી બધી ગડમથલોને અંતે એણે છેલ્લે નક્કી કર્યું કે સવારે એ સીધો એના પિતા પાસે જશે ને ફરી એને એની કોલેજમાં એડમિશન અપાવી દે એવું કહેશે. આમ પણ અહીં આવ્યે એને ઘણો સમય થઈ ગયો હતો, તો ત્યાં પણ બધું રફેદફે થઈ ગયું હશે. પોતાનો સામાન પેક કરી કોઈને પણ જાણ કર્યા વગર વ્યોમે ઘરની વાટ પકડી.
સીધો જ પ્રમોદભાઈ સામે જઈને ઉભો રહી ગયો. પ્રમોદભાઈને ખબર તો હતી જ કે આ પરિસ્થિતિ આવવાની જ છે પણ આટલી જલ્દી આવશે એની કલ્પના નહતી કરી. કુમુદ તો આટલા દિવસે લાડકવાયાને જોઈ હરખઘેલી થઈ ગઈ. દોડીને દીકરાના ઓવારણાં લેવા જતી હતી, ત્યાં જ પતિની કરડી નજરે એના પગ અટકી ગયા. એક ઈશારા પર કુમુદ સીધી અંદર ચાલી ગઈ. હવે વારો વ્યોમનો હતો એણે આવી સીધી ફરિયાદો ચાલુ કરી..
"મિ. પ્રમોદ તમે જાણીજોઈને મને મુસીબતોમાં નાખ્યો. તમે જો ઈચ્છયું હોત તો મારે આટલું સહન ન કરવું પડ્યું હોત. તમને ખબર હું ત્યાં કેવી રીતે રહું છું એ."
પ્રમોદભાઈ નાસ્તાના ટેબલ પરથી ઉભા થયા. હવે બોલવાનો વારો એમનો હતો. વ્યોમને ફક્ત સાંભળવાનું હતું...
"તને ખબર વ્રતી ત્યાં કેમ રહે છે એ. એની બધી મુસીબતોનું કારણ તું છે એ તને ખબર છે. વિરલના અકસ્માતનું કારણ તું છે. વિરલની મોતનું કારણ તું છે, વ્રતીને રંગવિહીન થવાનું કારણ તું છે..."
વ્યોમ તો ફાટી આંખે જોઈ રહ્યો. એ કઈ રીતે બને. હું તો એમને ઓળખતો પણ નથી. પ્રમોદભાઈ બોલ્યા..,
"તને યાદ છે એ દિવસ જ્યારે તને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું હતું. ધનવાન બાપની બગડેલી સંતાન જેવો તું નશાની હાલતના કાર ચલાવતો હતો. વિરલ ને વ્રતી કઈક કામથી આવતા હતા. તારા બેજવાબદારપણાંનો ભોગ વિરલ બન્યો. તું બેધડક કાર ચલાવતો હતો ને સામેથી આવનાર વિરલે ગાડી પરનો કાબૂ ગુમાવ્યો. ને એ ત્યાં જ મોતને ભેટ્યો. તું એ વખતે ઘવાયો હતો. તારી માને થયું કે મારો દીકરો આ વાત સાંભળી ખુદ પ્રત્યે નફરત ન કરી બેસે એટલે તને આ વાત કોઈએ કરી નથી. ને ભલું થજો એ દીકરી વ્રતીનું જેણે પોલીસને જાણ કર્યા વગર પોતાનું ભાગ્ય આમ જ સ્વીકારી લીધું. વ્યોમ તારા લીધે એ સારસ બેલડી નોખી પડી. શું તને હજી લાગે છે કે તારે એ ગામમાં ન રહેવું જોઈએ. વ્રતીને મદદ ન કરવી જોઈએ. એ છોકરી કેમ રહે છે ત્યાં એ તને ખબર નથી. ને એ જાણે પણ છે કે વિરલના મોતનું કારણ તું છે છતાં તને ક્યારેય જતાવવા નથી દીધું. હજી પણ તને લાગતું હોય કે મેં કઈ ખોટું કર્યું તો ભલે. બાકી આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી. હું સમજી લઈશ કે વિરલ સાથે તું પણ જતો રહ્યો હતો. મારી જ ભૂલ હતી કે એ સમયે તને મેં વાત ન કરી, તારી મા ના આંસુએ હું પીગળી ગયો હતો, પણ હવે નહિ, હું મારી ભૂલ સુધારવા માંગુ છું. તને હવે માફી નહિ મળે. નીકળી જા અહીંથી....."
કુમુદ અંદરથી બધું સાંભળતી હતી. પણ આ વખતે એ પણ કઈ કરી શકે એમ ન હતી. પ્રમોદભાઈનો ગુસ્સો એ બરાબર જાણતી હતી. વ્યોમ ઘરના ઉંબરેથી જ પાછો વળી ગયો. હવે વ્યોમનું મન વિચારે ચડ્યું. શહેરની બહાર એક શાંત જગ્યાએ જઈ વ્યોમ બેઠો. મન એકદમ શાંત હતું. સોક્રેટિસ કહે છે એમ..,
"મારા પોતાના માટે એટલું જાણું છું કે હું કાંઇ જાણતો નથી.."
આવી જ હાલત વ્યોમની હતી. એ વાસ્તવિકતાથી કેટલો અનાવગત હતો. કશું જાણતો જ ન હતો. પોતાનો ગુનો કહો તો ગુનો ને ભૂલ કહો તો ભૂલ પણ એણે બે જિંદગી બગાડી હતી. જેની એની કશી જાણ પણ નહતી. વ્યોમ વિચારવા લાગ્યો.,
"હવે મારે શું કરવું. વ્રતી સામે જવાની હિંમત કઈ રીતે એકઠી કરું. મારી ભૂલનું પ્રાયશ્ચિત કઈ રીતે કરું..."
ફરી બીજો વિચાર આવ્યો,
"ગમે તે હોય પણ મેં જાણીજોઈને થોડું કઈ કર્યું હતું. મને પસ્તાવો છે જે થયું એ માટે, પણ આમાં મારું કરિયર દાવ પર લગાવી દેવું એ કઈ રીતે યોગ્ય કહેવાય.."
દ્વંદ્વયુદ્ધ દરેક મનુષ્યના મનમાં ઉઠે છે. તમારી સ્વભાવની પરિપકતા જેમાં હોય એ વિચાર જીતી જાય છે. હરવખત સારો ને નરસો બંને વિચારો વચ્ચે યુદ્ધ થાય જ છે. સગવડીયો નિર્ણય એ માણસની ખાસિયત છે. પોતાની અનુકૂળતા મુજબ જ એ નિર્ણય લેતો હોય છે. વ્યોમ કઈ કોઈ મહાન આત્મા તો હતો નહિ કે પોતાની જિંદગી ખર્ચી નાખે. એણે ધીરજ ધરી એક વરસ પિતાજી કહે એ રીતે સોનગઢમાં કાઢી લેવાનું નક્કી કર્યું. રહી વાત વ્રતીની તો એની માફી માંગી લઈશ એટલે વાત ખતમ. એ સોનગઢ જવા માટે નીકળ્યો....
(વ્યોમે જે ધાર્યું છે એ જ થાય છે કે નિયતિ કોઈ નવો ખેલ રચે છે.. વધુ વાત આવતા ભાગમાં....)
© હિના દાસા