મારી ચૂંટેલી લઘુકથાઓ - 39 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 39

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

એક તંત્ર

રાજપથના ચોક પર ખૂબ મોટી ભીડ ઉભી છે, દરેકના હાથમાં પોતપોતાના ડંડા છે અને તેના પર પોતપોતાના ઝંડા પણ છે. લાલ રંગ, લીલો રંગ, ભૂરો રંગ, ભગવો રંગ અને કેટલાક તો બે-બે, ત્રણ-ત્રણ અને ચાર-ચાર રંગના ઝંડાઓ પણ પકડ્યા છે. ભીડમાં ઉભેલા તમામ પોતપોતાના ઝંડાઓ સહુથી ઉપર લહેરાવવા માંગે છે.

છેલ્લા એક મહિનાથી આ બધા જ ઝંડા, શહેરના પ્રમુખ રસ્તાઓ પર માર્ચ પાસ્ટ કરતા જોવા મળ્યા હતા. એક અજબ કલબલાટ અને ઉત્સુકતા શહેરની હવાઓમાં ફેલાઈ રહી હતી. કોઈ બીજો ઝંડો પોતાના ઝંડાથી ઉપર ન જતો રહે તે માટે દરેક પક્ષ એકદમ સચેત અને તૈયાર રહેતા હતા. છેલ્લે આ કાપાકાપી સમાન પ્રતિયોગીતા બાદ નિર્ણય એક લોકરરૂપી સુરક્ષિત ઓરડાઓમાં બંધ કરી દેવામાં આવ્યો હતો.

બે દિવસની સ્મશાનવત શાંતિ બાદ આજે કલબલાટ આજે ફરીથી હવામાં તરવા લાગ્યો હતો. લોકરરૂપી રૂમમાં બંધ નિર્ણય આજે રાજપથ પર જાહેર કરવામાં આવી રહ્યો હતો. દરેક ઉદઘોષણા બાદ ડંડા અને ઝંડાના રંગ બદલાઈ જતા હતા. ક્યારેક લાલ ઉપર તો ક્યારેક ભૂરો, ક્યારેક ભગવો તો ક્યારેક લીલો. ક્યાંય પણ કોઈ સ્થિરતા નહોતી જોવા મળી રહી. દરેક પળે લોકોની બેચેની વધી રહી છે. ઝંડાઓના ઉપર નીચે થવાનું નિરંતર ચાલુ રહ્યું છે.

બપોર થતાની સાથે જ ભીડનો લગભગ અડધો હિસ્સો પોતાના ઝંડાઓ લઈને પોતપોતાને ઘરે જતો રહ્યો છે. તેમણે સ્વીકારી લીધું છે કે તેઓ હવે વધુ સમય પોતાનો ઝંડો ફરકાવી નહીં શકે.

ભીડ થોડી ઓછી જરૂર થઇ છે પરંતુ તેમનો શોરબકોર રોકાઈ નથી રહ્યો. કોઇપણ ઝંડો પૂરી તાકાત સાથે ઉપર નથી પહોંચી રહ્યો. બેચેની અને તકલીફ વધી રહી છે. અનેક રંગોના ઝંડા હજી પણ હવામાં લહેરાઈ રહ્યા છે.

રાજપથ પર હવે સાંજ ઢળી ચૂકી છે. હલકું હલકું અંધારું પણ લાગી રહ્યું છે. ચારે દિશાઓમાં ફેલાયેલો કોલાહલ અચાનક જ શાંત થઇ ગયો છે. એક વિચિત્ર શાંતિ કોઈએ કાવતરું રચ્યું હોય એ રીતે છવાઈ ગઈ છે.

એક આધેડ વ્યક્તિ પોતાની હથેળીને માથા પર લગાવીને આ સન્નાટાને દૂર સુધી જોવાની કોશિશ કરી રહ્યો છે... ઝંડાના રંગ એકબીજામાં ભળી રહ્યા છે. તે એ અલગ અલગ રંગોને ઓળખવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તેને હવે દરેક ઝંડો એક જ રંગનો લાગી રહ્યો છે. શાહી જેવા કાળા રંગે દરેક રંગને પોતાનામાં સમાવી લીધા છે.

આ આધેડ વ્યક્તિ જનપથને રાજપથ સાથે જોડતા ચોક પર ગભરાયેલી અવસ્થામાં વિચારી રહ્યો છે, “આ કેવી રીતે શક્ય છે? ક્યાંક મારી આંખ દેખવાનું તો બંધ નથી કરી ચૂકીને?”

***