પ્રિત એક પડછાયાની - ૪ Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત એક પડછાયાની - ૪

અન્વય હવે સવાર સુધી રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ ન લાગતાં ફરી પાછો રૂમમાં આવ્યો. રાતના નવ વાગ્યા છે.લીપીની બાજુમાં તેના મમ્મી બેઠા છે.

પ્રિતીબેન અન્વયને જોતાં જ એક આશાભરી નજરે બોલ્યાં, બેટા કંઈ વાત થઈ ડોક્ટર સાથે ?? લીપી કેમ જાગતી નથી ?? શું થયું છે એને ??

અન્વય એક નિસાસા સાથે બોલ્યો, મમ્મી હવે શું થશે એ તો સવારે જ ખબર પડશે મુંબઈ ના એ આ સુપરસ્પેશિયાલિસ્ટ ના એકવાર ચેક કર્યા પછી.

બેટા આપણે એને અમદાવાદ કે બરોડા ન લઈ જઈ શકીએ?? જોને એ ઉઠતી પણ નથી.

મમ્મી પણ આમ હજુ તે જરા ભાનમાં પણ નથી અહીંથી અમદાવાદ સુધી એમ કેવી રીતે લઈ જઈ શકીએ કંઈ નિદાન થયા વિના. રસ્તામાં કંઈ થાય તો આપણે શું કરી શકીએ ??

પ્રિતીબેન ," તારી વાત પણ સાચી છે બેટા. એના પપ્પા તો જો લીપીને આ સ્થિતિ માં જોઈ નથી શકતાં એટલે બહાર જઈને મંદિર પાસે બેસી ગયાં છે.એ બધી બાબતમાં વાઘ જેવા છે પણ લીપીને સહેજ કંઈક થાય તો પણ સાવ હિંમત હારી જાય છે."

અન્વય : મમ્મી હવે અહીં કેન્ટીન છે તમે અને પપ્પા જમી આવો. મારા પપ્પાને લોકોને આવતા હજું કલાકેક થશે. આમ પણ પપ્પાને ડાયાબિટીસ છે એટલે તેમને ભુખ્યા રહેવું હિતાવહ નથી. તમે જમશો તો જ એ પણ જમશે.

પ્રીતિબેન : બેટા તારે નથી જમવાનું ??

અન્વય : ના મને ભુખ નથી... પ્લીઝ મને ફોર્સ ના કરતાં તમને લીપીના સમ છે.

લીપી અત્યારે જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે એ પરિસ્થિતિને સારી રીતે જાણતા હોવાથી વધું કંઈ આગ્રહ કરવો હિતાવહ ન લાગ્યું. તેઓ લીપીના પપ્પા સાથે વધુ કંઈ ચર્ચા કર્યા વિના કેન્ટીનમા ગયાં....ને ફરી એકવાર અન્વય લીપીને અનિમેષ નજરે તાકી રહ્યો.

*. *. *. *. *

રાતનો એક વાગ્યો છે. એ સ્પેશિયલ રૂમમાં અન્વય અને લીપી બંનેના પેરેન્ટસ બધા જ ચિંતામાં ત્યાં બેઠા બેઠા જ સુતા છે. ચિંતામાં તો ઉઘ કોણે આવે ?? પોતાના સંતાનો જેમને લાડેકોડે હજુ પરણાવ્યા હોય ને ચાર દિવસમાં જ આવી જ સ્થિતિ થાય તો એ માતાપિતાની શું હાલત થાય ?? પણ કુદરતની પણ અમુક કરામત છે કે ગમે તેટલી ચિંતામાં પણ તેને અમુક સમય કે જે તેના નોર્મલ કરતાં હદ બહાર થાય એટલે જાતે જ ઉંઘ આવી જાય છે તેને તે કંટ્રોલ કરી શકતો નથી.એમ જ અન્વય પણ આખા દિવસના થાક અને ચિંતાના કારણે લીપીની બાજુમાં હાથ પકડીને બેઠો બેઠો ત્યાં જ તેની આંખ થોડો સમય માટે મળી જાય છે.

અચાનક તેની આંખ ખુલે છે. તે જુએ છે કે બેડ પર લીપી નથી...તે પહેલાં ઘડિયાળમાં જુએ છે તો એક વાગ્યો છે. બધાં જ રૂમમાં સુતાં છે... અન્વયની એકદમ જ લીપી લીપી બુમ સાંભળીને બધાં એકદમ સફાળા જાગી ગયાં...

અન્વયનાં મમ્મી માલતીબેન થોડા ઉંઘમાં બોલ્યા, શું થયું બેટા?? કેમ બુમો પાડે છે??

ત્યાં જ પ્રિતીબેન પણ લીપીને ન જોતાં પહેલાં રૂમનો દરવાજો ખોલ્યો, લીપી.. લીપી... કરવાં લાગ્યાં.

અન્વયે બાથરૂમમાં ચેક કર્યું ત્યાં કોઈ નહોતું. એટલે ફરી બધાં જ બહાર જઈને અલગ અલગ જગ્યાએ શોધવા લાગ્યાં. ત્યાં રાતનો સ્ટાફ પણ અત્યારે ઉંઘમાં હતો. અનિચ્છાએ પણ એ લોકોને જગાડીને લીપી વિશે પુછ્યું. પણ કોઈને કોઈ જ ખબર નહોતી.

અડધી રાત્રે હોસ્પિટલમાં દોડાદોડી જોઈને ઘણાં દર્દીઓ જાગી ગયાં...તો ઘણાં તો દર્દ અને પીડાને કારણે તેમના ખાટલાઓ પર જાગતાં જ હતાં. લગભગ દોઢેક કલાક સુધી આખાં હોસ્પિટલમાં તપાસ કરી પણ ક્યાંય લીપીનો પતો નહોતો.

આખરે અન્વય એક બહારના મેઈન વોચમેન પાસે ગયો, તે જાગતો જ હતો. તેને લીપી ક્યાંય એકલી કે કોઈ સાથે બહાર ગઈ નથી એ વિશે પુછ્યું. તેને કહ્યું, એક મિનિટ માટે પણ આજે તો મારી આંખ મળી નથી ભાઈ...મે અત્યારે કોઈને બહાર જતાં નથી જોયાં. મેઈન ગેટ પણ લોક છે.

બધાં એકદમ ચિંતામાં આવી ગયાં... અન્વય બોલ્યો, સાડાબારે તો મે ઘડિયાળમાં જોયું હતું. પણ પછી ક્યારે આંખ મળી ગઈ ખબર ના પડી. પણ અડધો જ કલાકનો સમય હતો જે થયું છે એ...

દર્દીઓના સગાં પણ આમતેમ બધે તપાસ કરવામાં મદદ કરવાં લાગ્યાં... એટલામાં જ એક સગાં ફરતાં ફરતાં મેઈન ગેટ પાસે પહોંચ્યા...ને એમનું બહાર અનાયાસે ધ્યાન ગયું...તે ભાઈ બોલ્યાં, સાહેબ અહીં કોઈની ઓઢણી જેવું પડ્યું છે...

અન્વય દોડતો આવીને મોબાઈલની ટોર્ચથી જોવાં લાગ્યો. એ બોલ્યો, આ તો લીપીની સ્ટૉલ છે..પણ ત્યાં કેવી રીતે પહોંચી??

ફટાફટ વોચમેને ગેટ ખોલ્યો.અન્વયને તેની સાથે ચોકીદાર અને તેના તથા લીપીના પપ્પા પણ ગયાં... હોસ્પિટલ એ જગ્યાએ હતી જ્યાં એકબાજુ શહેરની નજીક હતી પણ બીજી બાજું જંગલ વિસ્તાર જેવું શરૂં થતું હતું. એ સ્ટૉલ જોતાં જ અન્વયે આસપાસ નજર કરી... ત્યાં કોઈ દેખાયું નહીં...પણ જાણે ભીનાં કોઈનાં કાદવવાળા પગ હોય એમ કોઈનાં એ વનવિસ્તાર તરફ આગળ વધતાં પગલાં દેખાયાં...એ જોઈને જ અન્વય પરસેવે રેબઝેબ થઈ ગયો..તેને કંઈક અજુગતું થવાનો ડર લાગવા લાગ્યો.

બધાં તો હજું એકબીજા સાથે વાત કરતાં હતા ત્યાં તો બધાનું ધ્યાન ગયું તો અન્વય બેધ્યાનપણે આગળ વધી રહ્યો છે... બધાં ત્યાં ફટાફટ તેની પાસે પહોંચ્યા. તો ત્યાં જ સાઈડમાં એક ઝાડ નીચે લીપીના પપ્પા નિમેશભાઈનું ધ્યાન ગયું.... ત્યાં લીપી બેભાન અવસ્થામાં પડી છે...તેના એકદમ વિખરાયેલાં વાળને, થોડાં અસ્તવ્યસ્ત કપડાંમાં જમીન પર પડી છે.

લીપી એવો અવાજ સાંભળીને અન્વયે તરત એ તરફ જોયું. અન્વય તો ફટાફટ એની પાસે જઈને સીધી લીપીને ઉપાડી દીધી. અને હોસ્પિટલ તરફ ભાગ્યો. એવા અંધારામાં એક જગ્યાએ એનો પગ અથડાયો...એને વાગ્યું પણ ખરૂં પણ પરવા કર્યા વિના હોસ્પિટલ પહોંચ્યો. પાછળ કોઈ આવ્યું પણ નહીં કે તે જોવાની પણ એણે તસ્દી ન લીધી.

ત્યાં ફટાફટ નાઈટ ડોક્ટર્સ ને સ્ટાફ મળીને લીપીને ઇન્જેક્શનને આપ્યાં ને આરામથી સુવાડી...હવે આ ઘટનાં પછી તો કોઈને શું કરવું સમજાતું નહોતું. નક્કી કંઈક તો લીપી સાથે થઈ રહ્યું છે. હવે તો બધાની ઉંઘ હરામ થઈ ગઈ છે...હવે તો સવારે મોટા ડોક્ટરનાં આવ્યાં સિવાય કોઈ વિકલ્પ નથી.

અન્વયનાં મમ્મી બોલ્યાં, અનુ તારાં પપ્પા ક્યાં છે?? તારી સાથે નહોતાં આવ્યાં??

અન્વય : હતાં તો ખરાં. પણ પછી ક્યાં ગયાં મને નથી ખબર.

એટલામાં જ બધાં ત્યાં વાત કરતાં હતાં ત્યાં જ અન્વયનાં પપ્પા પરેશભાઈ આવ્યાં રૂમમાં. પણ એ કંઈ જ બોલ્યાં નહીં ને એક ખુરશી પર આવીને બેસી ગયાં.. એકદમ સુનમુન...

અન્વય : પપ્પા ક્યાં હતાં તમે ?? શું થયું ?? કેમ તમે આટલા ગભરાયેલા લાગો છો??

ત્યાં જ પરેશભાઈએ કહ્યું, એ પછી કહીશ. પણ બેટા હવે અહીં રહેવું જરા પણ યોગ્ય નથી. આપણે અત્યારે જ લીપીને અહીંથી લઈને નીકળી જઈએ‌.

અન્વય : પણ પપ્પા અત્યારે કેવી રીતે ?? આવી સ્થિતિમાં તેને કેમ લઈ જઈશું ?? એ હજું ભાનમાં પણ નથી ??

પરેશભાઈ : તને કદાચ પરિસ્થિતિનો અંદાજ પણ નથી કે આ શું થઈ રહ્યું છે?? સામાન્ય એક્સિડન્ટની ઘટનાં નથી આ..લીપીનો જીવ જોખમમાં છે.

અન્વય: હા પપ્પા હવે તો મને પણ વિશ્વાસ થઈ ગયો છે. પણ શું છે એ જાણવું તો પડશે ને ?? કોઈ કડી તો મેળવવી પડશે ને ?? સવારે એક બહુ અગત્યનું કામ છે લીપીને સારી કરવાં માટે.

પરેશભાઈ અને અન્વય સિવાય કોઈ પણ બીજી વાતથી અજાણ બધાં એકબીજા સામે જોઈ રહ્યાં....

શું લીપીના પરિવારજનો તેને હોસ્પિટલમાંથી ઘરે લઈ જશે ?? શું સુપરસ્પેશિયાલિસ્ટ કંઈ મદદ કરી શકશે ?? સવારે અન્વયને એ જેક્વેલિન સિસ્ટર ફરી મળશે ખરાં??

શું થશે આગળ?? અવનવાં રોમાંચ માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - 5

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.........