મારી ચૂંટેલી લઘુકથાઓ - 37 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 37

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

મોહ માયા

આ શહેરની એક ફાઈવસ્ટાર હોસ્પિટલ છે. પંચ્યાશી વર્ષના શેઠ દીનદયાળ છેલ્લા નેવું દિવસથી આ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં પોતાના જીવનના અંતિમ શ્વાસ ગણી રહ્યા છે. ડોક્ટરોએ ઘણી વખત તેમને મૃત જાહેર કરવાનો નિર્ણય લઇ લીધો હતો પરંતુ ત્યારેજ એમના શરીરમાં કોઈ હલચલ થાય છે અને તેઓ પોતાના હોઠ હલાવવા માંડે છે.

ગઈકાલે સાંજે જ્યારે શેઠજીને છઠ્ઠી વખત આઈસીયુમાંથી વેન્ટીલેટર પર લઇ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોની આખી પેનલે એક મતે કહ્યું કે તેઓ આવતીકાલની સવાર નહીં જોઈ શકે. આથી આજે સવારથીજ હોસ્પિટલની લોબી શેઠજીના સગાં સંબંધીઓ તેમજ નજીકના મિત્રોની ભીડથી ભરાઈ ચૂકી હતી. પરંતુ આશ્ચર્ય... શેઠજી ફરીથી મૃત્યુને હાથતાળી આપીને આઈસીયુમાં પરત આવી ગયા અને હવે તેમની હાલત પહેલા કરતા બહેતર હતી.

લોબીની ભીડ હવે હોસ્પિટલની કેન્ટીનમાં પહોંચી ચૂકી હતી. દરેક ટેબલ ત્રણ-ત્રણ, ચાર-ચાર લોકોથી ભરાઈ ગયા હતા. ગરમ નાસ્તો અને કોફીની સાથે ટેબલો પર થતી વાતોમાં ફિલોસોફી ભળી ચૂકી હતી.

“મને નથી લાગતું કે શેઠજીના પ્રાણ આમ સરળતાથી જશે.” આ શેઠજીનો પડોશી હતો.

“કેમ?” બીજાનો પ્રશ્ન પણ ટેબલ પર ટીંગાઈ ગયો.

“એમની જીવવાની લાલસા એમને મરવા નહીં દે.”

પ્રશ્નનો આ પ્રકારનો ઉત્તર કદાચ ટેબલ પર બેસેલા કોઈને પણ સંતુષ્ટ કરવા માટે સક્ષમ ન હતો.

“જેની પાસે જેટલું વધુ ધન હોય તેના પ્રાણ એટલી જ વધુ મુશ્કેલીથી નીકળતા હોય છે.” કોફીના ખાલી કપ ટેબલ પર મુકાયા.

“હા ભાઈ, આ તો સાવ સાચી વાત છે. અહીં કમાયેલું અહીં જ છોડીને જતું રહેવાનું દુઃખ તો લાગે જ.”

કદાચ આ વખતે કેટલાક સ્વર જોરથી બોલાઈ રહ્યા હતા. આજુબાજુના ટેબલો આ તરફ જોવા લાગ્યા હતા. આ ટેબલ હવે અહીંથી ઉભું થઈને બહારની તરફ જઈ રહ્યું હતું.

***