I DON'T KNOW.....! books and stories free download online pdf in Gujarati

આઈ ડોન્ટ નો...!

ત્યારે હું 16 વરસનો ધનુષ્યની ખેચાયેલી પણછ જેવી જુવાનીના ઉંબરે આવી પહોંચેલો નવયુવાન હતો.નાહી ધોઈને તૈયાર થવું ખૂબ જ ગમતું.અરીસામાં દેખાતા પ્રતિબિંબને જીતેન્દ્ર સાથે કે રાજેશ ખન્ના સાથે તો વળી ક્યારેક ધર્મેન્દ્ર સાથે સરખાવી જોવાની મઝા જ કંઈક ઓર હતી. સાઇકલ લઈને ગામની શેરીઓમાં નીકળી પડતો.થોડા વર્ષો પહેલા સાથે ભણતી અને હવે ઘરકામ કરતી કન્યાઓ પાણી ભરવા સાંકડી શેરીમાં થઈ ગામના પાદરે આવેલા કુવા પર જતી.હું એ બેડાઓની લાઇન ને બસ એ શેરીમાં રોજ સામો મળતો.બધી વારા ફરતી મારી પાસેથી પસાર થતી. કોઈ મારી સાથે જીભાજોડી કરતી , તો કોઈ મને પાણીના ચાબખાથી ભીંજવતી, કોઈ મોં મચકોડતી તો કોઈ ડોળા પણ કાઢતી.હું તો ત્યારે અગિયાર સાયન્સમાં ભણતો અને આ બધી સાતમાં ધોરણ પછી ગામ માં હાઈસ્કૂલ ન હોવાથી અટકી પડેલી.બધી જ મારી બહેનપણીઓ હતી એવું નહોતું.પણ એમાં ત્રણનું એક ગ્રુપ હતું અને એ ત્રણમાં એક મારા માટે ખાસ હતી. એનું નામ શીલા ! એ પણ મારી જેમ આગળ ભણી શકી હતી.તેના પપ્પા થોડા એજ્યુકેટેડ હોવાથી ફોરવર્ડ હતા અને એમણે શીલાને અમદાવાદ ગર્લ્સ હાઈસ્કૂલ અને હોસ્ટેલમાં ભણવા મૂકી હતી.ત્યારે એ બાર સાયન્સમાં એટલે કે મારાથી એક વરસ આગળ હતી.પણ હું તો એને છેક છઠ્ઠું ભણતો ત્યારથી મારા દિલમાં વસાવી ચુક્યો હતો.એ મને ખાસ ઓળખતી નહિ, કારણ કે હું અભ્યાસમાં એનાથી એક વરસ પાછળ હતો અને એ મારા ઘરથી દૂર બીજા છેડે આવેલા મહોલ્લામાં રહેતી.અમારી શાળામાં એકવાર સાંસ્કૃતિક કાર્યક્રમ થયેલો અને શીલાએ તેમાં એક સરસ મજાનું નૃત્ય રજૂ કરેલું.એ વખતે વિડીયો રેકોર્ડિંગની સુવિધા ન હતી એ બાબતનો અફસોસ મને હમેશા રહ્યો.બસ એ રાતે પેટ્રોમેક્સના અજવાળામાં સ્ટેજ પણ નાચતી સાતમા વાળી શીલાને સ્ટેજની સામે નીચે કોથળા પાથરીને બેઠેલા છઠ્ઠાવાળા છોકરાઓના ટોળામાં થી હું એકીટશે નીરખી રહ્યો હતો.અને શીલા અજાણપણે મારા જહાંનમાં ઉતરી રહી હતી. મને તો ત્યારે એટલી જ ખબર પડી હતી કે શીલા મને બહુ જ ગમે છે અને એનું નૃત્ય કેટલું સરસ હતું !


આજે વરસો પછી પણ એ પેટ્રોમેક્સના અજવાળે સ્ટેજ પર નાચતી સાતમા ધોરણમાં ભણતી શીલા એવી ને એવી જ યાદ છે એનું શુ કારણ હશે ? એ પ્રેમ કહેવાય એવી ખબર તો સાંકડી શેરીમાં હું ખાસ એના માટે જ સાઇકલ લઈને સામો મળતો ત્યારે પણ નહોતી પડી.બસ શીલાને જોવાનું મન થતું.એની સાથે વાત કરવાની તીવ્ર ઈચ્છા થયા કરતી.એ તક મને મળતી નહીં પણ શીલા ની બહેનપણી ગૌરી હતી જે મારે કુટુંબમાં ભત્રીજી થતી એટલે એ શેરીમાં હું સામો મળું એટલે કાકા કહીને કઈક આડુ અવળું બોલતી અને શીલા સહિત બધી જ ખડખડાટ હસી પડતી.અને એ વૃંદમાં શીલાને મારા કારણે હસતી જોઈને હું ધરાઈ જતો.


હોઠ ઉપર આછી આછી રૂંવાટી ઉગવાની શરૂ થઈ હતી. હજુ મેં ક્યારેય દાઢી કરી નોતી.મારા શરીરમાં અજબ પ્રકારનું કૌવત દોડી રહ્યું હતું.અમે બે નાના ભાઈઓ ખૂબ ધમાલ કરતા.કોઈકને પાછળથી માથામાં કારણ વગર ટપલી મારીને ભાગી જવું, ખરા બપોરે ગામની બજારમાં નીકળીને મોટે મોટે થી હિન્દી પિક્ચરના ગીતો બરાડા પાડીને ગાવા, કોઈની ડેલીમાં પછેડી ઓઢીને સુતેલા દાદાની પછેડી ખેંચીને દોડી જવું, વાડીઓમાં જઈને કૂવામાં ધુબાકા મારવા, પહોળા કુવા ઠેકવાની શરતો મારવી, અને રામ બંધાવવા- એટલે જે બે મિત્રોએ રામ બંધાવ્યા હોય તે જ્યારે એકબીજાને મળે ત્યારે એકબીજાને જોઈને તરત જ જય શ્રી રામ એમ બોલી જવું પડે નહિતર જે પહેલો બોલી જાય તે બીજાને જોરથી ગડદો મારે.જેટલા જોરથી મારવો હોય તેટલા જોરથી.આવા પરાક્રમો કરવામાં બાપુજીનો માર પણ અઠવાડિયા માં એક થી બે વાર ખાવો પડતો.પણ તોય પરાક્રમ ચાલુ જ રહેતા.


પણ હવે હું સોળ વરસનો અને મૂછનો દોરો કાઢી ચુકેલો યુવાન હતો.અને રોજ સાઇકલ લઈ ને છોકરીઓને પાણી ભરીને આવવાના સમયે જ સાંકડી શેરીમાં સામું મળવું એ પ્રક્રિયા ગામના રખડેલ અને શિકારી કૂતરા જેવા જુવાનિયાઓની નજર બહાર નહોતી રહી.અને એટલે એક દિવસ મને મારી સાઇકલ સહિત ઉઠાવવામાં આવ્યો. કોઈક જાણી લાવ્યું હતું કે હું લાઇન મારવા જ આ સાંકડી શેરીમાં આ સમયે સાઇકલ લઈને નીકળું છું.


મારા બાપુજીની ગામમાં બહુ જ ઈજ્જત હોવાને કારણે મને નસિહત આપીને છોડી મુકવામાં આવ્યો. કે જો ભાઈ તું સાયન્સનું ભણે છે તો ભણવામાં ધ્યાન રાખશે તો ડોકટર કે એન્જીનીયર થઈ શકશે અને આ બધી કરતા પણ સારી છોકરી તને મલશે એટલે તું એટલામાં જ સમજી જાય તો તારા હાથ અને પગ અમે સલામત રહેવા દઈશું.અને શીલાની તો તું વાટ પણ ના જોશ કારણ કે એ તો ભણી ગણી ને એના કાકા અમેરિકા રહે છે ત્યાં જતી રહેવાની છે, સમજ્યો ?


એ ટોળકીના છેલ્લા વાક્યનો માર મને એટલો બધો વસમો લાગ્યો કે મને એમ થયું કે આવી વાત કહેવાને બદલે આ લોકોએ મને સારી પેઠે ધોયો હોત તો સારું હતું.જે શીલામાંથી હું મારા મન મંદિરમાં એક મૂર્તિ કંડારી રહ્યો હતો એ શીલાનો જ આમણે ભાંગીને ભૂકો કરી નાખ્યો !!


હું તાલુકાશાળામાં ભણતો.અમારી હોસ્ટેલ પણ ત્યાં જ હતી એટલે હું શનિ રવિ ઘેર આવી જતો કારણ કે શીલા પણ દર શનિ રવીમાં આવતી.જો કે મારા મનમાં જે રંધાઈ રહ્યું હતું એની તો એને ગંધ કે સુગંધ નહોતી આવી.હવે સાંકડી શેરીમાં સાઇકલ લઈને જવા પર પ્રતિબંધ હતો.એટલે મેં શીલાને કેમ જોવી તેના કિમીયા વિચારવા માંડ્યા. આ પ્રેમરોગ ખરેખર ખૂબ જ ખરાબ છે, હું ભણવામાં ખૂબ હોશિયાર હતો, પણ શીલાની પાછળ પહેલા મન અને પછી તનથી ભટકવા લાગ્યો. મારા કુટુંબને મારા પ્રત્યે ખૂબ જ આપેક્ષાઓ હતી.હું ડોકટર બનવાનો છું એવી મેં ઘણીવાર જાહેરાત કરી હતી.મારુ રિઝલ્ટ માત્ર નબળું જ નહીં પણ પ્રથમ પરીક્ષામાં હું ત્રણ વિષયમાં નાપાસ થયો.મારા સહપાઠીઓ કે જે મારી પાસે મેથ્સના દાખલા શીખતાં એ લોકોએ મારી કરતા મેથ્સમાં સારો સ્કોર કર્યો હતો.મારા ખાસ દોસ્ત રમેશે મને આવુ કેમ બન્યું તે જાણ્યા બાદ તે ખૂબ ગુસ્સે થયો , એ એટલા માટે કે શીલા જેવી છોકરી માટે હું મારી કારકિર્દી નું અચ્યુત્તમ કેશવમ કરી રહ્યો હતો. અને એણે જ્યારે જાણ્યું કે શીલા ને તો આ વાતની ખબર પણ નથી ત્યારે એ બરાબરનો ખીજવાયો.


" સાલ્લા ડફોળ, મને એમ કે એ પણ તને પ્રેમ કરતી હશે, પણ એ તો ભણે છે ખૂબ સારી રીતે, અને તું એની પાછળ પાગલ થઈને તારી કેરિયરમાં દીવાસળી ચાંપી રહ્યો છે, તારા બાપાએ આટલા સાટું વ્યાજે રૂપિયા નથી લીધા.


તારી ફી ભરવા મારા બાપા પાસેથી દસ હજાર વ્યાજે લઈ ગયા છે એ વખતે હું હાજર હતો.એટલે મેં મારા બાપને સમજાવ્યા કે સમીર મારો દોસ્ત છે એટલે એના પપ્પા પાસેથી વ્યાજ નહિ લેતા ! સમજ્યો ? એટલે એવી શીલા ફિલા ને છોડ અને ભણવા માંડ નકર ઇ તો ઉપડી જશે અમેરિકા અને તું અહીં ભીખમંગો થઈને રખડી પડીશ.તારે ડોકટર થવાનું છે ઇ ખબર છે ને ? તો એમ પ્રેમના ચક્કરમાં પડીશ તો ડોકટર તો શું કમ્પાઉન્ડર પણ નહીં બની શકે સમજ્યો ?"


રમેશ શીલાના ઘરથી થોડે જ દૂર રહેતો હતો.એને શીલાની બધી જ ખબર હતી.કારણ કે એમના ઘર અને શીલાના ઘર વચ્ચે ઘરોબો હતો.શીલા રમેશના ઘેર ઘણીવાર કઈક વસ્તુ આપવા લેવા આવતી જતી. રમેશને પણ આવા વસ્તુ વિનિમય માટે શીલાના ઘેર જવાનું ઘણી વાર બનતું.રમેશની વાડીએ ઘણીવાર શીલા કપડાં ધોવા પણ આવતી.અને રમેશ અને શીલા સાથે જ એક જ કલાસમાં એક થી સાત ધોરણ સાથે જ ભણ્યા હતા.છતાં રમેશને કદી શીલા પ્રત્યે કેમ મારી જેવી લાગણી નહિ થઈ હોય એ મને સમજાતું નહિ.અને મને રમેશની ઈર્ષા પણ થતી કારણ કે જો હું રમેશની જગ્યાએ હોઉં તો ચોક્કસ શીલાને મારા પ્રેમમાં પાડી જ દઉં એવો આત્મવિશ્વાસ મને હતો પણ મોટેભાગે એ ઓવરકોન્ફિડન્સ હોઈ શકે.


રમેશે મને સમજાવ્યો અને લાલ બત્તી પણ બતાવી કે જો તું કઈ અટકચાળુ કરવાનો હોય તો પહેલા તારા બાપની આબરૂનો વિચાર કરજે અને ઓલ્યા લખુભાને ઓળખે છે ને ? એમને શીલાની મમ્મી રાખડી બાંધે છે એટલે શીલા એમની સગ્ગી ભાણકી કરતાંય વધુ છે એ પણ સમજી લેજે. તું મારો ભાઈબન્ધ છો એટલે આ બધું મેં કીધું.હવે તારે આ જગતું ડુંભાણું લઈને દાઝવું જ હોય અને બાપાની આબરૂમાં પણ પલિતો ચાંપવો હોય તો તારી મરજી.


મને આજ દિન સુધી એ સમજાયું નથી કે એ સમયે આ રમેશ કે જે મારી કરતા દોઢ વર્ષ જ મોટો હતો એનામાં આટલી બધી બુદ્ધિ કેવી રીતે આવી હશે.એની સમજાવટ અને લખુભા નામની લોખંડી દીવાલ મને પ્રેમના મારગે થી પાછા વળી શક્યા.હું રમેશનું માનીને છાનોમાનો ભણવા પણ મંડી પડ્યો. અને વાર્ષિક પરીક્ષામાં ડેમેજ કન્ટ્રોલ પણ કરી નાખ્યું.હું અગિયાર સાયન્સના મારા વર્ગમાં ત્રીજા નંબર પર ઝળહળતો સિતારો બની શક્યો. અને જે મેથ્સમાં તો મારા હાઈએસ્ટ માર્ક્સ, 150 માંથી 137 !!


ચોતરફથી શાબાશી, અને પુરસ્કાર મળ્યા.ગામમાં મારો વટ પડી ગયો.નાના મોટા બધા મને અહોભાવથી જોતા.જેમના છોકરા દસમા ધોરણમાં હતા એ લોકો ખાસ મને એમના ઘેર બોલાવતા અને પોતાના છોકરા કે છોકરીને સલાહ સુચન અપાવતા.ચાર પાંચ છોકરાઓ તો મારી પાસે ટ્યુશન રખાવવા પણ તૈયાર થઈ ગયા બોલો !!


રમેશના ઘેર હું ગયો ત્યારે રસ્તામાં શીલાનું ઘર આવતું હતું.મારુ દિલ એની ખડકી પાસેથી પસાર થયો ત્યારે જોર જોર થી ધડકી ઉઠ્યું.પેટમાં ચકડોળમાં ઉપરથી નીચે આવીએ ત્યારે જે ગલીપચી થતી હોય છે એવું જ કંઈક થવા લાગ્યું.હું એ ખડકીના બંધ બારણાને ચાલતા ચાલતા જ તાકી રહ્યો હતો ત્યાં જ શીલા ખડકી ખોલીને બહાર નીકળી.એના હાથમાં સાવરણી હતી.એ કદાચ ઘરની બહાર વાળવા માટે બહાર નીકળી હતી.પળવાર અમારી નજરી મળી.એ મને ઓળખતી તો હતી જ, રમેશના મિત્ર તરીકે, સાંકડી શેરીમાં સાઇકલ લઈને સામાં મળનાર , તેની સખી ગૌરીના દૂરના કાકા તરીકે. અને એવી આછી પાતળી ઓળખાણને કારણે એ હસી. હું પણ હસ્યો.અમારી વચ્ચે સ્માઇલની આપલે થઈ.બસ એટલું જ.એ તરત જ વળવા લાગી.અને હું લખુભા યાદ આવતા જ ચાલવા પણ માંડ્યો.


પણ હવે ? એકવાર મેં પાછું વળીને જોયું.એ વાળતી હતી. આ વાત રમેશને કરવી ન જોઈએ એમ મારુ દિલ કહેતું હતું.મેં મેળવેલી સિદ્ધિ મને શીલા તરફ ખેંચાવાની ના પાડી રહી હતી.પણ એના એક અમસ્તા જ મળેલા સ્માઈલે રમેશની સમજાવટ ના કિલ્લામાં ગાબડું તો પડી જ દીધું હતું.અને હું મારી સિદ્ધિ સિમેન્ટથી તે રીપેર કરવા મથતો હતો.પણ તોય અંદરથી કોઈક શીલા શીલા ના જાપ જપતું હતું તે કેમેય કરીને બંધ થતું નહોતું.સાલું ડફોળ, સમજતું જ નહોતું.


એટલાથી વિશેષ કંઈ જ બન્યું હોત તો તો હું એ જાપ જપનારને તમાચો મારીને પણ બંધ કરી દેત. પણ હું રમેશના ઘેરથી પાછો વળ્યો ત્યારે શીલાના પપ્પાએ એમની દુકાનમાંથી મને સાદ પાડ્યો.એ કરિયાણાની દુકાન ચલાવતા અને ઘરની આગળના ભાગમાં એમની દુકાન હતી.રમેશના ઘેર જવું હોય તો જે ખાંચામાં મારે વળવાનું થતું એ ખાંચાના કોર્નર પર શીલાના પપ્પા રમણિકભાઈની દુકાન અને અંદરની બાજુ ખડકી હતી જ્યાં થોડીવાર પહેલા શીલા સાથે સ્માઇલની આપલે થઈ હતી.


એમનો સાદ એ મારા શીલા તરફ ન જવા માટે ચણેલા કિલ્લા ઉપર દગાયેલ બીજો તોપગોળો પુરવાર થયો.કારણ કે એમની પાસે મારી જે સિદ્ધિ પહોંચી ગઈ હતી તેને કારણે તેઓએ મને ધન્યવાદ આપ્યા.મારી પીઠ થાબડીને મને દુકાનની અંદર પરાણે બેસાડ્યો.અને શીલાને મારા માટે પાણી લાવવા સાદ પાડ્યો.


શીલા પાણીનો ગ્લાસ લઈને આવી.અને એની પાસેથી ગ્લાસ લેતી વખતે એની આંગળીઓને સ્પર્શ કરવાની તક હું કેમે'ય કરીને જતી ન કરી શક્યો. એ વખતે બે ક્રિયાઓ (મારા માટે તો ઘટનાઓ)બની.મારી આંગળીઓ શીલાની નાજુક આંગળીઓને સ્પર્શી, મારા આખા શરીરમાં જાણે કે કરંટ પસાર થયો હોય એવી ઝણઝણાટી મેં અનુભવી.મારા જીવનનો એ સ્પર્શ , અહો કેવો અલહાદક !! કોઈ લેખકે લખેલો "રેશમી સંસ્પર્શ " શબ્દ મને યાદ આવી ગયો.મેં એની આંખોમાં જોયું, જો કે ત્યાં કઈ જ નહોતું,માત્ર ઘેર આવેલાને પાણી આપતી વખતના નોર્મલ, એકદમ નોર્મલ ભાવ અને સ્વાભાવિક રીતે એના હોઠનું વંંકાવું.અને હું સોળ વરસનો ફૂટતી જુવાનીમાં દિલ દઈ બેઠેલો, બાળપણથી જેને મનના ઊંડાણમાં સંઘરેલી ,તેના સહજ સ્મિતનો શો અર્થ શુ કરું ?


રમેશની સમજાવટના કિલ્લાને લખુભા નામના જે તોતિંગ દરવાજા હતા અને એની સાંકળો ઉપર મારી સિદ્ધિના જે અલીગઢી તાળા માર્યા હતા એ કિલ્લો હચમચી ગયો.


ફરીવાર મારી સાઇકલ સાબદી થઈ.રમેશના ઘરે આવવા જવાનું વધી પડ્યું.ફરીવાર એ ખડકી ખુલવાની અને શીલાની - હાથમાં સાવરણી લઈને બહાર નીકળવાની અને સ્માઈલ મળવાની આશા વેગવંતી થઈ. શનિ રવિની રજામાં હું રમેશના ઘેર જ પડ્યો પાથર્યો રહેવા લાગ્યો.કારણ કે ત્યાં શીલા આવતી.


હું પહેલેથી જ સાહિત્યનો રસિક તો છું જ.એટલે બાજુના ગામમાં જ રહેતા નવલકથા લેખક પુષ્કર ચંદરવાકરને મળવા ગયેલો.અને એ વાત આખા ગામમાં પ્રચલિત થઈ હતી.રમણિકભાઈને આ વાત પણ મળેલી.અને એ પણ વાંચનના જબરા શોખીન ! આખી લાઈબ્રેરી વસાવેલી ઘરમાં.સૌરાષ્ટ્રની રસધાર થી માંડીને વિક્ટર હ્યુગોની થ્રિ મસ્કેટીયર્સ, લા મિઝરેબલ જેવી નોવેલોથી એમની લાઈબ્રેરી શોભતી.ગામડાંનો એક કરિયાણાની દુકાન ચલાવનાર આટલો મોટો રસિક જન હોઈ શકે છે એ જાણીને મને તો આનંદના પોરા છૂટ્યા.પછી તો મને જાણે કે મીંદડાને માખણ જ મળી ગયું.પુસ્તકો લેવા મુકવા માટે શીલાના ઘેર જવાનો પરવાનો જ મળી ગયો.


આ રીતે હું મારી અને શીલા વચ્ચે દીવાલ ચણી ચુક્યો હતો એ રમેશની જાણ બહાર જમીનદોસ્ત થઈ ગઈ.અને ખુદ એના પપ્પાએ જ મને એક હોનહાર અને ડાહયો છોકરો હોવાનું સર્ટીફિકેટ પ્રદાન કર્યું હતું એટલે લખુભા નામની તોપ મારે મન ટીલડી ફોડવાની રમકડાંની બંધુક બનીને રહી ગઈ.


અને એમાં પાછું આ બળતામાં ઘી હોમાયું.રમેશ અને શીલા બન્નેનું બાર સાયન્સનું રિઝલ્ટ આવ્યું.બન્ને મેથ્સમાં ફેઈલ !! અને હું મેથ્સનો ખાં એટલે એ બન્ને મારા શાગીર્દ બન્યા. પોતાની પ્રાણ પ્યારીને ગણિત શીખવવાનું સદ્દભાગ્ય મને બગાસું ખાતા પતાસું આવી પડે એવી રીતે સાંપડ્યું.હવે તમે જ કહો હું કઈ રીતે એના પ્રેમમાં પડ્યા વગર રહી શકુ ?? આ તો ધોધમાર વરસાદમાં તૂટેલી છત્રી વડે ભીંજાયા વગર રહેવા જેટલું અઘરું હતું જે મારાથી કદી બની શકે તેમ નહોતું. રાત્રે હું મારા ઘેર ફળિયામાં સૂતો.મારા ખાટલા નીચે ધૂળમાં હું દિલનું ચિત્ર દોરતો અને એમાં સમીર અને શીલા લખતો.કેટલીય કલ્પનાઓમાં રાચતો. મારા અણુ અણુ માં બસ શીલા જ હતી.હું ખાતા, પીતાં ,ઉઠતાં, બેસતાં જાગતા અને સુતા દરેક ક્રિયાઓમાં હરદમ એને યાદ કરતો.અને મારો બાર સાયન્સનો અભ્યાસ ખેતરમાં લહેરાતા પાક પર ધસમસતી નદીનું પુર ફરી વળ્યાં પછી જેમ તહસનહસ થઈ જાય તેવો થઈ ગયો હતો.મારી ઉત્તમ કારકિર્દી કે જે ભવિષ્યના હોનહાર ડોકટર સુધી જઇ રહી હતી તેની ઉપર શીલા તરફના વિજાતીય આકર્ષણ- કે જેને હું પ્રેમ સમજતો હતો -તેનું ઘોડાપુર ફરી વળ્યું.


ધોરણ 12 સાયન્સની પ્રથમ પરીક્ષામાં મેથ્સ સિવાય હું બધા જ વિષયમાં ફેઈલ થયો હતો.


મેથ્સ તો હું પેલા બન્નેને શીખવતો એટલે પાસ તો થઈ ગયો પણ માત્ર પાસ !!


ફરી રમેશે સમજણનો ગઢ બાંધ્યો.શીલાએ મારા નબળા રિઝલ્ટ માટે સવાલ કર્યો, " સમીર તું શું કરે છે, આમ આઉટ થઈ જઈશ તો તું ડોકટર કેવી રીતે થઈશ.સંભાળ તારી જાતને, અને ક્યાં ધ્યાન છે તારું ?"


પણ હું એને કેમ કહું કે આ બધું થવા પાછળ તું જ કારણભૂત છો.તને જોઈને જ હું બધું જ, હા બધું જ ભૂલી જઉ છું , હું તને ખૂબ ખૂબ ખૂબ ચાહું છું શીલા, આઈ લવ યુ સો મચ !!


સમય, સમયનું કામ કરતો ગયો. રમેશ અને શીલા બન્ને પાસ થઈ ગયા મેં કુદી જવા માટે પાછળ ડગલાં ભર્યા, તે વખતે મારા જેવા હોશિયાર વિદ્યાર્થીઓ પરીક્ષાની અપૂરતી તૈયારી હોય તો ડ્રોપ લેતા.અને ફરી સારી તૈયારી કરીને પોતાનું લક્ષ એચિવ કરતા.મેં એ જ રસ્તો લીધો.


શીલા અમેરિકા ચાલી ગઈ.રમેશ સુરત હીરા શીખવા અને હું મારી વાડીએ બારમા ધોરણનું દફતર લઈને !!


હું ભગ્ન હૃદયથી ભણ્યો તો ખરો.પણ ડોકટર ન બની શક્યો.શીલા સાથે પ્રેમનો એકરાર ન કરી શકવાના અફસોસ સાથે હું પણ મારી જિંદગીમાં સેટ થઈ જ ગયો.


વરસો પછી ઇન્ટરનેટનો યુગ આવ્યો.ફેસબુકમાં મેં શીલાને શોધી કાઢી.લગભગ 25 વરસ પછી અમે મળ્યા.માંડ માંડ મેં એને એ બધું યાદ કરાવ્યું.અને અમારી વચ્ચે ઇમેઇલ શરૂ થયા.


એના પતિ તરફથી મળતા એના દુઃખો વિશે


વાંચીને હું રડી પડ્યો.મેં શીલાને લખ્યું કે શીલા હું એ વખતે તને પ્રેમ કરી બેઠો હતો પણ હું મેચ્યોર નહોતો.એક 17 વર્ષના છોકરાને પ્રેમ કોને કહેવાય તેની શી ખબર પડે ? પણ તોય શીલા હું તને ખૂબ ખૂબ ચાહતો.


શીલા એ પ્રત્યુત્તર પાઠવ્યો, " સમીર , સમીર મને તો ખબર જ નહોતી.હું માત્ર તારી પાસે દાખલા શીખવા જ આવતી.મેં તારા પ્રેમને નોટિસ નહોતો કર્યો.મારા મનમાં તારા પ્રત્યે આ પ્રકારની ફીલિંગ બિલકુલ નહોતી. પણ તે મને કહ્યું કેમ નહિ ? કાશ, સમીર કાશ તે મને કહ્યું હોત તો !!"


"હેં ? તું શું કહે છે શીલા ? એ વખતે મેં તને કહ્યું હોત કે કહી શક્યો હોત તો શું તું મારા પ્રેમ નો સ્વીકાર કરેત ?"


શીલાએ રીપ્લાય આપ્યો., " આઈ ડોન્ટ નો".


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED