અલ્યા એ ઉભો રે..
તરડાયેલ પ્રચંડ હોકારે ઉતાવળે ડગ માંડતા પથિકને રોકાય જવા ફરમાન ફેંક્યું.આધેડ વય વટાવી ચૂકેલ માનવીના ધૂળમાં પગ ખુપ્યા પણ એની ચકરવકર આંખો અંધકારને ફફોસતી ચોમેર ફરતી હતી.
કોણ શે ભૈ?
અલ્યા હું પરભુ. મારા એક હોકારે શેઠિયાં વેપારીઓ હોલાની માફક ફફડે ને તું વળી નામઠામ પૂછવા મંડયો હે.
પણ બાપુ હું નવો શુ એટલા હારું પૂછી બેઠો માફ કરો.
છું તો આ મલકનો જ ને. કહેતો પરભુ એક કદાવર પાંચ હાથોડી કાયા લઈ માર્ગનો આડશ બની ઉભો રહ્યો.
પહેરવેશ સાદો હતો. કાળું ખમીસ અને ધોળું ધોતિયું એના અંગોએ કસાયને ચોટયા હતા.માથે સફેદ ફાડિયું વીટેલું એના હિસાબે એની કદાવર જાત ઓળખાતી પણ એના રુપરંગનો ખ્યાલ રાતના પહોરે મળે તેમ ન હતો.
ખભે ટેકવેલ ધારીયા પર ચંદ્રનો પ્રકાશ પરાવર્તિત થતા એની તીક્ષ્ણ ધારના દર્શન કરાવતું હતું.
માર્ગ રોકી ઉભેલા પરભુને જોતાવેંત મુસાફર અડધો મરી ગયો.કઈ એના મુખેથી સ્વર ઝરે.આખરે પરભુએ વાત ઉપાડી.
કઈ જાય શે?
મારા ઠેકાણે જાવ શુ બાપુ.
ક્યાંનો શે?
બાપુ કોઠાગારાનો શુ.
તને ખબર તો હશેને કે હું તારી રાહ જોતો હોઈશ.
વાત તો મળી બાપુ. કેટલાયે પાછો વળવા જણાવ્યું પણ મારા ઘેર એકલી છોડીયો રાહ જુવે એની ઉતાવળે હું ચાલી આયો.
ભલે. જે હોય એનો અડધો ભાગ આપ. કાતો ધારીયાનો ઘા ખમવા તૈયાર થઈ જા.
ધીરજ ધરો બાપુ છે એનું અડધું આપું. કહી ગન્જવામાંથી પાંચ રૂપિયાનું પરચુરણમાંથી અઢી રૂપિયા આગળ ખસી ધર્યા.
લો બાપુ અઢી રૂપિયા.
અલ્યા એ અઢી રૂપિયા ધરી મરવાનો થયો શે.
પણ બાપુ પાચ છે તો અડધા તમને આપું શુ.
તારી આપવાની દોનત નથી લાગતી. પહેરવેશે તો સુખી જણાય શે.
પણ બાપુ આ તો કોઈનો દીધેલો પોશાક શે.મારી દીકરીના હાહરાએ ઘણો આગ્રહ કરી પેરાયો શે બાપુ બાકી આપણા આવા પોશાકો તો સપનામાં જ પેરાય.
અરે રેવા દે તારી વાતો.
હાચુ કહું શું બાપ. મારી ચાર છોડીયું ના હમ.
હા હા રેવા દે દિકરીયુના હમ ના ખાઈશ. જે આલવું હોય એ આલ અને નીકળ અહીથી.
લો બાપુ આ અઢી.કહેતા એણે પરભુના હાથમાં મૂક્યા.પણ અઢીનો ભાર પરભુ વેઠી ન શક્યો.એણે હોંકારો કરી મુસાફરને રોક્યો.
એ ભૈ થોભી જા.
આગળ નીકળેલો માનવી પાછો ફર્યો.
બોલો બાપુ?
તારું નોમ શુ શે ભઈ?
ઝવર.
હા. લે ભઈ આ અઢી.
રેવા દો બાપુ.
ના ઝવર તું લઈ લે અને નીકળ.
વાત પારખી ચૂકેલ ઝવરે અઢીરૂપિયા લઈ મારગ માપતો થયો.
પરભુ એની રોજની જગ્યાએ પહોંચી બેઠો.એનું મન ખોટા ગરીબ માણસને આતરતા અંદરોઅંદર વલોવાતું હતું.માર્ગ સુમસામ પડ્યો હતો.શીતળ હવાના જોરે ભરાવદાર ઝાડીઓ હીંચતી હતી. તો કોઈ કોઈ ઝાડવે પર્ણો ફરફરી રહ્યા હતા. આગિયાની ઝબુકતી જ્યોત હવામાં અધ્ધર મન ફાવે તેમ તારલાઓની જેમ ઝબુકતી હતી.શિયાળોની લાળીનો રવ,ઝાડીઓનો સળવળાટ શાંત વાતાવરણમાં ભય પ્રસરાવતો હતો.રખડતા કૂતરાઓ ભસતા કોઈ મુસાફર કે જીવ હોવાનો સંકેત પરભુ સુધી પહોંચતો હતો.
નિરાશ વદને નવા વટેમાર્ગુની રાહ જોતો પરભુ પોતાની જાતને ઝવર સાથે જોડતો હતો. ભલે હું ને ઝવર જુદા પણ માથાનો ભાર તો સરખો.એની જાતને સવાલ કરતો અને એનો સંતોષકારક જવાબ આપતો રસ્તે કાન માંડી બેઠો હતો.
મંદગતિએ ધુળીયા રસ્તે શીતળ વાયરો ઝોલા ખાતો પસાર થઇ રહ્યો હતો.એની વચ્ચે પગલાંનો રવ પરભુના કાને પડતા વમળ રચી શાંત પડેલ સરોવરની ભાતિ વિચારો સ્થિર થતા ધારીયું ખભે જઇ પહોંચ્યું.
સર્પની ગતિએ પરભુ ઝાડીઝાખરા ચીરતો રસ્તા તરફ સરકયો એની દ્રષ્ટિ દૂર આવતા મુસાફર પર મંડાય એના કાન પછવાડે અચાનક ઉદ્દભવેલા પગલાંઓ તરફ ખેંચાયા.પાછળ નજર કરી જોયુ તો એ તરફ વીસેક ફલાંગ દૂર કોઈ મુસાફર ઉભો હતો તો વળી સામેની તરફથી ઉતાવળે મુસાફર આવી રહ્યો હતો.
મનનો મક્કમ પરભુ મનોમન હરખાયો.લે એક ને બદલે બે લૂંટાશે. હરામનું ઝાઝું ખાધું હશે એટલે વે'લો ધરવા આયો લાગશ હશે જેની જેવી ઈચ્છા કહી હોંકારો કર્યો.
એલ્યા ઉભો રે.
પણ સામેથી આવતા પથિક પર એના હોકારાની અસર બેઅસર હતી એ ચાલતો જ રહ્યો. પાછળનો રોકાયેલ મુસાફર ધીમે પગલે આગળ ખસતો હતો. વચ્ચે પરભુ અને બંને મુસાફરો આમને સામને આવી રહ્યા હતા. અંતર ખૂબ ઓછું થતા. પરભુએ હોંકારો કરે તે પહેલાં બન્ને મુસાફરો દસ દસ પગલાંના અંતરે થોભ્યા.
પરભુ સાબદો થઈ હાથમાં રહેલ હથિયાર પર સખ્તાઈથી પકડ જમાવી આગળ પાછળ ઘુવડની માફક નજર ફેરવતો હતો ત્યાંજ પીઠ પાછળ ઉભેલ મુસાફર સામે ઉભેલ મુસાફરને ઉદ્દેશી બોલ્યો.
આજ પરભુ ભૈ લૂંટાયા.
સામેવાળો મુસાફર હસતો હસતો બોલ્યો,
હાહો ઝવર લૂંટાયો.
અવાજ પારખી ચૂકેલ પરભુ પાછળની તરફ ફરી બોલ્યો,
ઝવરભૈ તમે.
હા હું એજ ઝવર પણ ઝવરભૈ હવલદાર અને એ સામે ઊભાએ તખ્તસિંહ જમાદાર.
પરભુ ચૂપ હતો એકાદ ડગલું પાછળ ખસ્યો અને ઝાડીઓ તરફ છલાંગ ભરે તે પહેલા તખ્તસિંહે પરભુને ચેતવ્યો,
ભાગવાનો વિચાર કરવો વ્યર્થ છે પરભુ તારી છાતી માર બંદૂકની નોક પર છે.
હસતા હસતા પરભુએ કહ્યું, જમાદારસા'બ ચાર ચાર દિકરીયુનું વ્હાલ છાતીમાં ભર્યું હોય એ છાતીને છુદવી સરકારી કારતુશનું કોમ નઈ.
વાહ બાપુ વાહ શુ વાત શે.
હવાલદાર ઝવરે વખાણ કર્યા.
તો પરભુ એ છોડીયુંને હાતું પકડાય જા. તખ્તસિંહે કહ્યું.
પકડી શુ કરશો બાપ.જે તમે કરો એ હું કરું શું.
એમ નઈ પરભુ આ તારો ગુનો કેવાય.
ગુનોબુનો અમને ન હમજવો સા'બ માર મતે તો બધુંય હરખું.જાવ એ ગોરાઓને જે ઉખાડવું હોય એ ઉખડી લે. આ પરભુ હાથ બોધી શરણે થઇ તમારે ઠેકાણે પુરાય એ પે'લા મરે પણ ગોરાઓને શરણે તો જીવતા જીવ ન બને જાવ અઈથી કહી પરભુ પોતાની બેઠક તરફ ચાલ્યો.
બંનેએ રોકાય જવા આદેશ ફેંકયો પણ પરભુ વાતને અનસુની કરી પોતાને સ્થાને જઇ બેઠો.
બન્ને એની પાસે જઈ બેઠા.
ઝવરે વાત ઉપાડી, પરભુ તે મને વગર લૂંટે કેમ જતો કર્યો?
ભૈ ઝવર આ પરભુ જાત જ એવી છે. ગરીબને લૂંટું એટલો નમાયલો નથી ગરીબને લૂંટી લૂંટી ભેગું કરનાર શેઠયાઓને લૂંટવા એ મારું કોમ.તમે બેય ઉભા થાવ તો હારુ. કેમ કે તમારા જેવાના લીધે એ ગોરાઓ આખાય મલકને ચલાવે શે.
બંનેનું મસ્તક શરમથી નીચું પડ્યું.
આ રીતે હું બેઠા શો નીકરો મારા મલકના શો એટલે જતા કરું શું ગોરો હોત તો ચ્યારનો વધેરી આ ઝાડીઓમાં શિયારવા હાતું પડયો હોત.
મારુ કોમ લૂંટવાનું શે આજ હુધી કોઈને વધેર્યો નથી.ગોરો આયો એ દિવસે ગ્યો.
પરભુ આ કોમ છોડી દે.
ના છૂટે ભલા મોણસ
અમે ઉપરી અધિકારીને વાત કરી તને નોકરી અપાવી દઈશું.
અરે જા જા ના જોયા હોય તો નોકરી કરાવનારા.
એમાંય પરભુ પૈસો,નોમ, બધુંય મલે.
પણ આઝાદી કઈ મલેશ.
હવે બઉ છેટું નથી.
ના માર નથ કરવી.બાપુની ખાદી પે'રી ગરીબડાનો પૈસો લઉં તો મારું કુળ લાજે,બાપુની ખાદી લાજે,આખોય ખાદી પે'રેલ વર્ગ લાજે એના કરતા આ રીતે લુંટું તો મારું એકલાનું નોમ જાય. મારે ખાદી પર દાગ મને ન પોસાય સા'બ રોમ રોમ કહી પરભુ ખભે ધારીયું ટેકવી ઝાડીઝાંખરા વટાવતો ઝાડીઓમાં ખોવાય ગયો.