કાળી રાત vipul parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાળી રાત

પેટલાદની પડખે પાંચસોને ખોળામાં લઈને બેઠેલું આશી ખાધે-પીધે સુખી હતું. પણ કોઈ કોઈ વસવાટે ગારમાટીના કાચા મકાનો ગરીબાઈ પ્રગટ કરતા હતા. ગામનું સૌંદર્ય જ એટલું રમણીય હતું કે અજાણ્યા માણસને નજરે ચડતા જ આશીમાં ઠરીઠામ થઈ જવાનો વિચાર સહેજેય આવી જાય એવા આ ગામમાં અઢારેય નાતમાં દૂધ પાણીનો સંપ.
રેવાકાકી ભેંસો દોહીને પરસાળમાં આવ્યા.એમના ચહેરા પરનું તેજ કપાળની કંકુ ભુસાય ત્યારથી જ ઊડી ગયેલું પણ શીવાના ઉછેર ખાતર નિરસ બની જીવતા હતા.
શીવો રેવાકાકીનું એકનું એક સંતાન.ઘણી માનતાઓ પછી મળેલો એટલે બહું લાડકવાયો.પિતા કરશનદાસ રેવાકાકીને અડધે રસ્તે છોડીને સ્વર્ગવાસી થયા એટલે પિતાનો અધુરો પ્રેમ રેવાકાકીના મુખેથી બમણો થઈને જ વહેતો હતો.
પિતાના અવસાન પછી શીવાએ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી શાળા છોડી. રેવાકાકીએ ઘણો મનાવ્યો પણ શીવો એકનો બે ન થયો.
રેવાકાકી કહેતા; બેટા ભણીશ તો સુખી થઈશ.
પણ માઁ તું ભરબપોરે ખેતરે કૉમ કરે ને મને પંખે ભણવા મોકલે એ મને બહું ખૂંચે છે.
અરે બેટા એમા શું વળી? કામ તો કરવું પડેને. રેવાકાકી ભેંસોને ચારો નીરતા નીરતા બોલ્યા.
માઁ જ્યા તું ત્યાં હું, તું ખેતરે તો હુય ખેતરે, તું તડકે તો હુંય તડકે,તું દુઃખી તો હુંય દુઃખી,તું ખુશ તો હું પણ ખુશ બસ આટલું મારુ જીવન. હવે તું ધકેલે તોય નહિ જાઉં નહિ જાઉં બસ નહિ...જાઉં.
શીવાની વાત સાંભળી રેવાકાકીની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં ઝળહળીયા આવતા સાલ્લાનો પાલવ માથેથી આગળ ખસેડી આંખો સુધી તાણી પોતાના કામમાં જોતરાઈ જતા. અને શીવો પણ સૂકા જાર,બાજરાના પુરાના કટકા કરવા દાતરડું ચલાવતો.
માઁના વાત્સલ્યના વરસાદે શીવો મોટો થતો રહ્યો તો એક તરફ રેવાકાકીના કાળા રેશમી કેશમાં ધોળા વાળની શેર નીકળી આવી.માઁ દીકરો વારસામાં મળેલા પાંચ વિઘા જમીન ખેડીને સુખીનો રોટલો ખાતા જીવન ગુજારતા પણ રેવાકાકીને એ પૂર્વજો અરસપરસ ભાઈઓમાં મૂકી ગયેલા વેરની ચિંતા એમના કાળજાને અંદરોઅંદર કોરી ખાતી હતી.
હિયારી દિવાલની આડશે કરશન અરજણના મકાન.બંને એક જ લોહીના છતાં વાટકીનોય વહેવાર નહિ. વારતહેવારે રેવાકાકી અરજણની ગેરહાજરીમાં ત્રણેય સંતાનોને બોલાવી પાઇ પૈસો આપી માથે હાથ ફેરવી વ્હાલ કરતા જ્યારે શીવો તો અરજણને આંખમાં કણાની જેમ ખૂંચતો. એના મસ્તિષ્કમાં હંમેશા શીવાને દૂર કરવાની,જમીન પચાવી પડવાની યોજનાઓ જ ઘડવામાં વ્યસ્ત રહેતું.
લીલી અરજણની અર્ધાંગિની પણ માનસિક રીતે એ સ્વતંત્ર હતી.એ પણ શીવાને સગા દીકરાની માફક જ અરજણની અનઉપસ્થિતિમાં વ્હાલ કરતી તો ચારેય સંતાનોને હળીમળીને રહેવાની સલાહ પણ અચૂક આપતી.એની અસરે ચારેયમાં ઘણો સંપ.
સુખ દુઃખનો ભારો લઈને આવતો વખત પસાર થતા શીવો યુવાન થયો.ખેતીમાં મનથી રંગાયેલો એટલે પાંચ વિઘામાં ઘણું મેળવતો થયો. એનું કસાયેલું શરીર નાનપણથી ખેતરોના કામને આભારી હતું.મુછનો દોર આછો આછો ફૂટ્યો હતો.આ ક્ષણે સુખના દિવસો ટક્યા એના હિસાબે રેવાકાકીનું શરીર પણ થોડું સુધર્યું હતું.અને યુવાન દીકરાને જોઈને એમના ઉરમાં હરખ માતો નહતો પણ આખરે માઁનું હૈયું યુવાન હોય કે બાળક દિકરાની ચિંતા એમને ક્ષણે ક્ષણે ચિંતાગ્રસ્ત કરીને જ છોડતી.
આ સુખ અરજણને વધારે ઉશ્કેરતું.એનું તનમન હેરાન પરેશાન થઈ જતું.એક તરફ ત્રણ સંતાનોની ચિંતા એની જવાબદારીનું ભાન કરાવતી હતી તો એક તરફ એની ઉંમર વધતી હતી.
અરજણની નજર હવે ક્ષણે ક્ષણે શિવાના રોજીંદા કામો પર ફરતી થઈ.એનું ધ્યાન રાખતી નજરોને યુવાન થયેલો ભીમો ભાળી ચુકેલો એટલે શિવાને મળીને એણે બધી વાત કરતા કહ્યું, ભૈ શીવા મારા બાપાથી ચેતજે.એ મગજ વગરના શે કઈક મારી બેહશે ધોન રાખજે. એ જૂનું વેર લઈને જીવનારા આદમી શે હંપ હુ શે એમને કઈ ખબર ના પડે. આતો આપડી જ કુળનો દીવો હોલવવા ફરે શે.
હારુ ભૈ ધોન રાખીશ.
ભીમાની વાતે શીવો સાબદો થઈ ફરતો પણ કઈ ન બનવાના બનાવે થોડા વખત પછી એ એની ધૂનમાં ફરતો થયો.
શિવાના પાંચેય વિઘામાં ઘઉંની ઉબીઓ લહેરાઈ રહી હતી.સીમના ખેતરો અલગ અલગ ખેતીથી છલોછલ ભર્યાં હતા.તો કોઈ ખેતરો પડતરરૂપે પડી રહેલા એમાં ભરવાડોની ગાયભેંસો કૂણાં કુણા ઉગેલા ચારાની જાયફત ઉડાવતા હતા.
એવામાં સામેના ખેતરેથી વયોવૃદ્ધ એવા દયા દાખવતા ચિમનકાકાની બુમ પડી.
અરે ઓ... શીવા....
સાદ કાને પડતા જ નજર ફેરવી ચીમનકાકાને પાસે બોલાવા શીવાએ હાથ વડે ઈશારો કર્યો.
ચિમનકાકા ધીમે પગલે ખેતરને શેઢે ડગમગતા ઘઉંની ડુડીઓ તપાસતા આવ્યા.
શીવો રાહ જોતો આંબાની છાયમાં બેઠો હતો.
ચિમનકાકા સાવ નજીક આવી ગયેલા જોઈ. આવો કાકા બેહો.બોલો હુ કૉમ શૅ?
અરે દિકરા બા'ર ગોમ જવું શે. વાંદરા રોઝોનો ત્રાસ પડ્યો શે એતો તું જાણે શે એટલે આવે તો તું આજનો દા'ડો નહાડજે.
અરે કાકા એમાં વળી કેવાનું હોય?
તમ ના કહોને તોય હું નહાડી આવત. તમતમારે ચિંતા મેલીને જાવ હું આખો દા'ડો અહીં જ બેઠો શું.
તો ચાલ દીકરા હું નીકળું.
જવાય શૅ કાકા બેહોને.કહેતા શીવો આંબાના થડીએ ટીગાળેલું થર્મોસ ઉતારી પ્લાસ્ટિકની પ્યાલીમાં ચ્હા ભરી ચિમનકાકાને ધરતા. લો કાકા ચ્હા પીઓ.
બન્નેએ ચ્હાની ચૂસકી ભરી અને એ જ સીમના ખેતરોની વાતો આગળ ચાલી.
બેટા, આવતા આવતા ઘઉં તપસ્યા.ડુડીઓ પોણી માગેશે.એક બે દા'ડામાં વારી લે.ઘઉં બહું હારા પાક્યા શે.એકદમ તારો બાપ પકવતો એવા જ પાક્યા શે.ચ્હા પૂરી કરતા ચિમનકાકાએ કહ્યું.
શીવો મનોમન આનંદ માણતાં બોલ્યો; હાચુ કહો શો કાકા?
અરે હા બેટા એમ વળી જૂઠું બોલવાનું આવેજ નઈને.
લે બીડી હરગાઈ.
શીવાએ બીડી હરગાવી સડાકો માર્યો અને ચિમનકાકા બીડી પેટાવી રજા લઈ હળવે હળવે ભાગોળને રસ્તે સલાહ આપી નીકળ્યા ગયા.
આખો દિવસ વાંદરા, ભૂંડો અને રોઝોની પાછળ દોડી દોડીને થાકીને નિર્બળ થઈ ચુકેલો શીવો પશ્ચિમ તરફ ઢળતા સૂર્યના ઈશારે ઘર તરફ વળ્યો. રસ્તામાં આવતી સરકારી ટ્યુબવેલ ચલાવતા પુનમકાકા અરજણ જોડે વાતોએ ચડેલા જોઈ શીવો એ તરફ સરકયો.
પુનમકાકા પોણીની વ્યવસ્થા કરી આપશો?
શીવા આજે મેળ નઈ પડે.કાલે વારવું હોય તો બોલ એક વાગે કોઈ પોણકી નહિ તું કહેતો હોય તો ગોઠવી દઉં.
ભલે ગોઠવી દેજો,હું મારી મેતે વારી લઈશ.
બન્નેની વાતો ચાલતી હતી તો એકતરફ વગર સૂર્યના તડકે બળતો અરજણ વાતો સાંભળી મનોમન કઈક ગોઠવણ કરતો હતો.
શીવો પાણીનું નક્કી કરી આગળ વધ્યો.રસ્તાની બન્ને ધારે ઊગી નીકળેલી વનસ્પતિ ધૂળના રંગે ખરડાયેલી હાલતમાં નક્કી કરેલા સ્થાને ઉભી હતી.કોઈ સ્થાને ખરેલા સૂકા પાંદડા પર સરકવાનો ખળભળાટ થતો હતો તો કોઈ ઝાડવાની બખોલોમાં નવજાત જન્મેલા બચ્ચાઓનો ચહેકવાનો રવ કાને પડતો હતો પણ ડેરીએ દૂધ ભરવાની જવાની ઉતાવળે શીવો ચાલતો જ રહ્યો.
* * *
પૂર્વમાં ઉગતા સૂર્યના પ્રકાશે સવાર ખીલી. રોજ ગવાતું સંગીત લઈને ઉડતા વિહગોનું ટોળું આજે પણ સંગીત રેલાવી ચણ ચરવા નીકળી પડયુ.આછું ધુમ્મસ વાતાવરણમાં પડદાની ગરજ સારતું ધીરે ધીરે વિખરાતું હતું.રોજીદું કામ આટોપી ગ્રામજનો ખેતરો તરફ વળ્યા પણ અરજણ ઉઠ્યો ત્યારથી અટારીએ ખોસેલી કટારીની ધાર કાઢવામાં તલ્લીન હતો. એનું માથું કઈક વ્યૂહરચના અંદરોઅંદર ઘડતું જોઈ ભીમો સાવધ થયો. ભીમો પિતાને ઉદ્દેશી બોલ્યો.
બાપુ હુ કરો શો?
ગુસ્સો ભ્રમરે ચડાવી, કઈ નઇ તું તારું કોમ કર.
ભીમો બાપુનો ગુસ્સો પારખી ત્યાંથી ભાગોળ તરફ રવાના થયો.એની નજર શીવાને શોધતી હતી.પણ આખાય ગામમાં શીવો ક્યાંય ન મળ્યો આખરે રેવાકાકી મળ્યા.
કાકી શીવો કઈ ગયો?
એતો બેટા ખેતરે ઢાળીયો હરખો કરવા ગયો શે.
કેમ?
આજ રાતે પોણી વારવાનું શે એટલે વળી. કહેતા રેવાકાકી પણ શેરીમાં ચાલ્યા ગયા.
ભીમો બાપુની આખેઆખી યોજના જાણી દ્રવી ઉઠ્યો.એ નિઃશબ્દ બની એણે બાપુ પર ચાંપતી નજર રાખવાનું નક્કી કરી ઘરે આવ્યો.
વાતની જાણ થઈ ત્યારથી બાપુના સુવાના વખત સુધી એણે નજર રાખી. અરજણ રોજના કરતા વહેલો સુવા ખાટલે પડ્યો. હાથમાં સળગતી બીડીનો થોડી થોડી ક્ષણે સડાકો મારવાની આદત બરાબર હતી.પણ રોજથી કઈક અંશે વધારે ગુસ્સો એના ડરામણા ચહેરે તરવરી રહ્યો હતો.
બારના ટકોરા પડયાં.શીવો પાવડો, બેટરી લઈ તૈયાર થઈ પરસાળમાં બેઠો હતો. શીવાના નીકળવાનો અણસાર મળતા અરજણ ધીમે પગલે પાછલાં બારણે થઈ સીમ તરફ નીકળી ગયો.ખેતર દૂર હતું પણ ઘડેલી યોજના મુજબ કામ પાર પાડી ઘરે જલ્દી પહોંચવાની એટલી જ આવશ્યક જણાતાં અરજણ અંધારી વાડની ઓથે લપાઈને રાહ જોતો બેઠો. હાથમાં ચકચકતી વર્ષો જૂની કટારી લોહી ચાખવા આતુર હતી એથી એ ઘણો આતુર એને ચલાવનાર હતો.
સુમસામ રસ્તે પગલાં પડવાનો અવાજ આવતો હતો એ ધીરે ધીરે મોટો થયો અંતે એ જ અવાજ માનવઆકૃતિરૂપે અંધકારને ચીરતો નજરે ચડ્યો. સાવ નજીક આવેલી આકૃતિને ઓળખવી મુશ્કેલ હતી.
અરજણ વાડની આડાસ છોડી આકૃતિ સમક્ષ ઉપસ્થિત થયો, તરસી કટારી જોરથી ચાલી હુંફાળું લોહી વહયું. માનવઆકૃતિ આવી હતી એ જ હાલતે એકદમ શાંત હતી ફરક બસ એટલો જ હતો કે એ હવે રસ્તા પર પડી હતી.
દેહને વીંટળાયેલી રસ્તાની ધૂળ ઝરતા હુંફાળા શોણીતને ચૂસતી હતી. તો ગામ તરફ ઝડપભેર ઉપડેલા પગલાંનો મંદ મંદ અવાજ આવતો હતો. ચટાક...ચટાક...
ઘડાયેલી યોજના મુજબ કાર્ય આટોપી પરત ફરેલો અરજણ ગયો હતો એજ બારણે ઘરમાં દાખલ થઇ ચૂપચાપ પોતાના ખાટલે આવી આડો પડ્યો.એનો દેહ ધ્રૂજતો હતો. ત્યાંજ શીવાનો સાદ પડ્યો. માઁ જઉં શુ.
એ સાદ અરજણના કાન ફાટીને સોંસરવો નીકળતા બગવાયેલા મને સફાળો બેઠો થયો.
શીવો અંધકારથી ઘેરાયેલા રસ્તે આગળ વધ્યો એની પાછળ લપાતો છુપાતો અરજણ એના પગલે ચાલતો હતો.રસ્તાની બન્ને ધારે વૃક્ષોના ઝુંડ અંધકારને વધારે ઘેરાવો રચી ઉભા હતા.
શીવો એની ધૂનમાં ચાલતો હતો,ત્યાંજ અથડાયો.એક ગુલાંટ ખાઈ જતા હાથમાં રહેલો પાવડો અને બેટરી છૂટી જતા મનોમન અપશબ્દો બોલતો બેટરી લઈ રસ્તા વચ્ચોવચ એરિયું પાડતા જ હાથમાં રહેલી બેટરી છૂટી ગઈ.
મોં ચીસ પાડી ઉઠ્યું. ભીમા....
પાછળ આવતો અરજણ શીવાના મુખે ભીમા નામની ચીખ સાંભળતા જ દોડતો આવ્યો.
બેટરીના આછા ઉજાસમાં ભીમાનો દેહ ધૂળ ખાતો હતો.એની ખુલ્લી આંખોમાં અજાણી જીત મેળવ્યાનો હરખ ચમકતો હતો.ચહેરા પર ગર્વની થોડી આછી રેખાઓ ખેંચાઈ હતી એના એક હાથની હથેળી ખુલ્લી હતી તો બીજી હાથની મુઠ્ઠીવાળેલી હતી.
અરજણ ભીમાની લાશ જોતા જ પોક મૂકી રડ્યો. પોતાના જ હાથે પોતાનો કુળનો દીવો હોલવ્યાનું દુઃખ એના નાનકડા મને અસહ્ય થઈ પડ્યું.શીવે અરજણના ખભે સાંત્વના ભર્યો હાથ મુકયો.આ ક્ષણે દુશ્મન શીવો દુશ્મન મટી કઈક અદનો માનવ થઈ ગયો.
બન્ને ભીમાની પડખે બેસી આંસુ સારતા અરજણે ઠંડો પડેલો હાથ પકડતો. હાથની મુઠ્ઠીવાળેલી હથેળીમાંથી ચબરખી પડી.એ કાગળના ટુકડાને શીવા તરફ ધરતા શીવે કાગળની ગળી ઉકેલી વાંચ્યો.
પ્રિય બાપુ.
હું આપની ક્ષમા યાચુ છું માફ કરજો મને બીજો કોઈ રસ્તો જ નથી સુજયો એટલે મેં તમારી ઘડેલી યોજના પ્રમાણે શિવાની જગ્યાએ હું તમારી પાછળ આવ્યો. બાપુ રેવાકાકીને તો આ એકજ ઘડપણની લાકડી છે એ તૂટી હોત તો રેવાકાકીનું કોણ થાત.એતો બિચારા જીવતા જીવ મરી જાત.પણ બાપુ પૂર્વજોનું વેર એમના પાછળ ગયું એમ માનીને શીવામાં મને જોજો.
બાપુ માઁને આ ઘટેલી ઘટનાથી અજાણ રાખજો.આપના ભીમના છેલ્લા પ્રણામ.
ચબરખી વાંચી રહેલા શીવાને અરજણ બેટા કહેતોક ભેટી પડ્યો. કાળી રાત ભીમનો ભોગ લઈ ગઈ તો એક તરફ પૂર્વજો વારસામાં મૂકી ગયેલ વર્ષો જૂનું વેર પણ લઈ ગઈ .