Featured Books
શ્રેણી
શેયર કરો

કુરૂસૈન્યને ભરખી જનાર ‘દિવ્યાસ્ત્ર’!

કુરૂસૈન્યને ભરખી જનાર ‘દિવ્યાસ્ત્ર’!

(ભાગ-૧)

મહાભારતનું યુદ્ધ ૧૮ દિવસો સુધી ચાલ્યું, જેમાં કંઈકેટલાય દિવ્યાસ્ત્રોનું આહ્વાન કરવામાં આવ્યું. બ્રહ્મદંડ, બ્રહ્મશીર્ષ, બ્રહ્મશીરા, બ્રહ્માસ્ત્ર વિશે આપણે આ કોલમમાં થોડા અઠવાડિયા અગાઉ વિસ્તૃત પરિચય મેળવી ચૂક્યા છીએ. પરંતુ જ્યારે દિવ્યાસ્ત્રની વાત આવે ત્યારે સમગ્ર પૃથ્વીનો સર્વનાશ નોતરી શકે એવા હથિયારોનું લિસ્ટ બહુ લાંબુ થઈ જાય છે! ચક્ર, અગ્નેયાસ્ત્ર, સુદર્શન ચક્ર, ગરૂડાસ્ત્ર, કનુમોદકી, પાશુપશાસ્ત્ર, શિવધનુષ, નારાયણાસ્ત્ર, ત્રિશુલ, વરૂણાસ્ત્ર, વૈષ્ણવાસ્ત્ર અને વાયવ્યાસ્ત્ર સહિત પુષ્કળ દિવ્યાસ્ત્રોનો ઉલ્લેખ પુરાણોમાં થયેલો છે.

હાઇ-ટેક્નોલોજીકલ વિમાનો પર સવાર થઈને પરસ્પર યુદ્ધ લડી રહેલા દેવ-દાનવોનાં વર્ણનોમાં અસંખ્ય વખત તમને આવા અસ્ત્ર-શસ્ત્ર વિશે વાંચવા મળશે. એકીઝાટકે આખેઆખા શત્રુસૈન્યનું નિકંદન કાઢતાં દિવ્યાસ્ત્રની ઉર્જા અને તેમની કાર્યપ્રણાલી અંગે મોડર્ન-વર્લ્ડમાં ઘણા મતમતાંમર પ્રવર્તે છે. સંસ્કૃત સાહિત્યનાં અભ્યાસુ એવા કેટલાક યુરોપિયન-અમેરિકન વૈજ્ઞાનિકો સ્પષ્ટપણે માને છે કે, પુરાણકાળમાં જોવા મળેલા દિવ્યાસ્ત્રોની રેન્જ અને તેમની વિનાશક અસરો હાલનાં વેપન્સ (હથિયારો) કરતાં ક્યાંય વધુ ભયાનક હતી. સિંધુખીણ સંસ્કૃતિ, મોહેં-જો-દારો તથા હડપ્પાનાં ભગ્ન-અવશેષો પણ આવા હથિયારોનાં અસ્તિત્વ અંગેની સાબિતી આપે છે. આ બધાની વચ્ચે ભીતિ એ વાતની છે કે, બ્રહ્માસ્ત્રનાં વર્ણનો વાંચીને હાલ ન્યુક્લિયર બોમ્બ કરતાં પણ વધુ વિનાશક અસરો ધરાવતાં હથિયારો બનાવવાની તૈયારી આદરી દેવાઈ છે!

દિવ્યાસ્ત્રોનાં આહ્વાન અને તેમનાં ઉપયોગ વિશે જાણતાં પહેલા અન્ય કેટલીક બાબતો અંગેની માહિતી મેળવવી આવશ્યક છે. દેવ-દાનવ યુદ્ધની સૌથી ધ્યાનાકર્ષક બાબત એ હતી કે, તેઓ પોતપોતાનાં વાહનો પર સવાર થઈને એકબીજા સાથે લડાઈમાં ઉતરતાં. વાહન તરીકે પક્ષી પણ હોઇ શકે અને પ્રાણી પણ! જેવો જેનો સ્વભાવ. કારણકે વાહનોને હંમેશા દેવ-દાનવોની પ્રકૃતિ તેમજ ખાસિયતોનું પ્રતિબિંબ કહેવાયા છે. પૌરાણિક કાળનાં લડવૈયાઓ મિલિટરી અને પેરાસાયકોલોજીકલ ટેક્નિક્સમાં નિપુણ હતાં એવું નાનપણથી આપણને કહેવામાં આવ્યું છે. કુરૂક્ષેત્રનાં યુદ્ધમાં ચક્રવ્યુહ સ્વરૂપે જોવા મળેલા ઉત્કૃષ્ટ મિલિટરી ફોર્મેશન વિશે પણ ભૂતકાળમાં આપણે પુષ્કળ ચર્ચા કરી ગયા. હવે વાત આવી, પેરાસાયકોલોજીકલ ટેક્નિક્સની!

સાયકિક ફિનોમેનન, ટેલિપથી, પેરાનોર્મલ એક્ટિવિટી, ક્લેરવોયન્સ, ટેલિકાયનેસિસ જેવા મોડર્ન શબ્દોની પરિભાષાનાં ઉંડાણમાં ઉતરીએ તો પેરાસાયકોલોજીકલ ટેક્નિક્સ વિશેનું પુષ્કળ જ્ઞાન મળી શકે એમ છે. વૈદિક ઋષિમુનિઓ ટેલિપથી, ક્લેરવોયન્સ અને ટેલિકાયનેસિસમાં પાવરધા હતાં. આ દરેક શબ્દોને વારાફરતી ટૂંકાણમાં સમજવાનો પ્રયત્ન કરીએ

(૧) ટેલિપથી : ચિત્તને એકાગ્ર કરી, સાત સમંદર પાર બેસેલા વ્યક્તિ સાથે ઐક્ય સાધીને તરંગો વડે વાતચીત કરવાની કળા. પાવર ઓફ ધ માઇન્ડ!

(૨) ટેલિકાયનેસિસ : કોઇપણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી, સ્પર્શ કર્યા વગર તેને તેની મૂળ જગ્યાએથી ખસેડી શકવાની ક્ષમતા.

(૨) ક્લેરવોયન્સ : ભવિષ્યમાં થનારી ઘટનાઓનો પૂર્વાભાસ થઈ જવો એ.

પેરાસાયકોલોજીમાં મૂળે તો, મૃતાત્માઓ સાથે સંપર્ક સાધી શકવાની ક્ષમતાનો પણ સમાવેશ થાય છે. વર્ષોનું ધ્યાન-તપ અને યોગનાં સહારે પેરાસાયકોલોજી ટેક્નિક્સ પર નિયંત્રણ મેળવી શકાય છે. બેઝિકલી, એનાં માટે શરીરમાંના સાત ચક્રોને જાગૃત કરવા પડે છે, જે પ્રક્રિયાને આપણે ‘કુંડલિની જાગરણ’ તરીકે વ્યાખ્યાયિત કરી છે. આપણા વડીલો પણ કહી ગયા કે, મનની શક્તિ અપાર અને અખૂટ છે. જેણે પોતાનાં સુષુપ્ત મન પર વિજય મેળવ્યો એણે વિશ્વ સર કરી લીધું. ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) તથા અન્ય દેવતાઓ નિર્મિત દિવ્યાસ્ત્રોનું આહ્વાન કરવા માટે પેરાસાયકોલોજિકલ ટેક્નિક્સ શીખવી અત્યંત મહત્વપૂર્ણ છે. ટેલિકાયનેસિસ, ટેલિપથી અને ક્લેરવોયન્સ પર પ્રભુત્વ મેળવ્યા વગર દિવ્યાસ્ત્રનું આહ્વાન બિલકુલ શક્ય નથી. ઘાસ અથવા નાનકડા અમથા તણખલા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તેને બ્રહ્માસ્ત્ર જેવા મહાશક્તિશાળી અસ્ત્રમાં પરિવર્તિત કરવું શક્ય છે. પેરાસાયકોલોજીકલ ટેક્નિક્સ પર કામ કરતાં દિવ્યાસ્ત્રો વિશે હવે ટૂંકાણમાં પરિચય મેળવી લઈએ :

(૧) દંડ : જીવસૃષ્ટિનો સર્વનાશ નોતરી શકે એવા દિવ્યાસ્ત્રો.

(૨) કાળ : શ્રી વિષ્ણુનું સુદર્શન ચક્ર તેમજ સ્વર્ગાધિપતિ દેવ ઇન્દ્રનાં વજ્રાસ્ત્ર જેવા દિવ્યાસ્ત્રો.

(૩) શિવધનુષ : ટંકાર માત્રથી ધરતી ધ્રુજાવી દેનાર અસ્ત્ર.

(૪) બ્રહ્મશીર અથવા બ્રહ્માસ્ત્ર : ફક્ત એકવાર આહ્વાન વડે જાગૃત કરી શકાય એવું અમોઘ દિવ્યાસ્ત્ર, જે સમગ્ર પૃથ્વીનો સર્વનાશ કરવા માટે કાફી છે.

(૫) વરૂણપાશ : વરૂણ દેવનાં વરદાન વડે પ્રાપ્ત થઈ શકનાર અસ્ત્ર.

(૬) શોષણ : ‘વર્ષાણ’ અસ્ત્રની અસરને નાબૂદ કરવા માટે ઉપયોગમાં લેવાતું દિવ્યાસ્ત્ર. સતત વરસતાં વરસાદ પર ‘શોષણ’નો પ્રહાર થતાંવેંત પાણીની બૂંદ વાતાવરણમાંથી વરાળ બનીને ઉડી જાય છે.

(૭) નારાયણાસ્ત્ર વર્ષાણ : કોઇ ચોક્ક્સ વિસ્તાર પર ભયંકર વર્ષા કરાવવા માટે.

દરેક દિવ્યાસ્ત્રનું આહ્વાન કરવા માટે અમુક ખાસ પ્રકારનાં મંત્રનું ઉચ્ચારણ થવું આવશ્યક છે. જેનો મુખ્ય આધાર દિવ્યાસ્ત્રનો પ્રકાર, એની અસરો અને તેનાં આરાધ્ય દેવ પર રહેલો છે. ગાયત્રીમંત્રનું ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ વખત ઉલ્ટા ક્રમમાં ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે કોઇ સામાન્ય બાણને પણ બ્રહ્માસ્ત્ર જેવા મહાશક્તિશાળી દિવ્યાસ્ત્રમાં પરિવર્તિત કરી શકવું શક્ય છે. બિલકુલ એવી જ રીતે, ગાયત્રીમંત્રની શરૂઆતમાં “(અમુક) શત્રુમ હણ હણ હમ ફટ્”નું બે લાખ વાર ઉચ્ચારણ કરવાથી બ્રહ્મદંડનું આહ્વાન શક્ય છે. અન્ય તમામ દિવ્યાસ્ત્રોનાં જાગરણ માટે પણ આ ટેક્નિકને પુરાણોમાં વર્ણવવામાં આવી છે.

મહાભારતમાં આપણે જેટલા પણ દિવ્યાસ્ત્રો વિશે વાંચીએ છીએ એ તમામ કોઇકને કોઇક દેવતા દ્વારા ભેટમાં અપાયેલ અસ્ત્ર-શસ્ત્ર છે. ફક્ત એક ચોક્ક્સ સૈનિક અથવા યોદ્ધાને રણભૂમિમાં આહત કરી શકે એવા દિવ્યાસ્ત્રો વિશે પણ તમે માહિતગાર છો જ! જ્યારે આજની મિસાઇલ અને બોમ્બમાં એ ક્ષમતા નથી. આધુનિક સમયનાં હથિયારો ફક્ત એક માણસ કે વિસ્તાર પૂરતાં નહીં, પરંતુ અસંખ્ય નિર્દોષ માણસોને મારી નાંખવા સક્ષમ છે. એ હથિયારોમાં દોષી વ્યક્તિને પારખી શકવાની ક્ષમતા નથી. ઓસામા બિન લાદેન કે સદ્દામ હુસૈનને મારવા માટે અસંખ્ય નિર્દોષ જીવોનો પણ ભોગ લેવાયો હતો. જ્યારે દિવ્યાસ્ત્ર આ બાબતે તદ્દન ભિન્ન છે. સૌથી ખાસ વાત એ છે કે, દિવ્યાસ્ત્રનો ઉપયોગ કરનાર યોદ્ધાનાં જનીનમાં રંગસૂત્રોની બે નહીં, પરંતુ ૧૨ જોડ હોવાની વિગતો પુરાણોમાંથી મળી આવી છે. અર્જુન અને કર્ણ બંને દેવતાપુત્ર (સન ઓફ ડેમિગોડ) હોવાને લીધે તેઓ ૧૨ રંગસૂત્રની જોડી સાથે જન્મ્યા હતાં!

(ક્રમશઃ)

bhattparakh@yahoo.com