આશરો Anami D દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આશરો

ઘરના આંગણે એક સફેદ વાન આવીને ઉભી છે. ગામ ના નાના બાળકો એ વાનના ફરતે ફરી રહ્યા છે. પાડોશમાં રહેતા રાવજીભાઇ વાનમા આવેલ પેલા માણસ સાથે વાતો કરી રહ્યા છે. ઘરમાથી એક કેડેથી નમેલી વાંકી ચાલતી ડોશી ધીરે ધીરે ડગ માંડતી આવી રહી છે. લખુ ડોશી, એના એક હાથમા લૂગડાંની એક ખાલી થેલી છે ને બીજા હાથમાં પાતળી લીમડા ની સોટી. એ સોટી નાં ટેકે એ ચાલતી આવી રહી છે. ત્યાં જ રાવજીભાઇ ના પત્ની આવી પહોંચ્યા અને લખુ ડોશીનો હાથ પકડતા બોલ્યા, લખુ ડોશી આજ તો તમે નવી સાડી પહેરી લાગે છે અને માથાના વાળ પણ ચમકે છે લાગે છે કે તેલ નાખ્યું છે હે ને !! લખુ એ આજે જૂના કબાટમા નીચલા ખાના ના ખૂણામાં ગગા નાં લગન માટે સાચવીને રાખેલી સાડી પહેરી હતી.

ગામના માસ્તર પેથાભાઇને પરણીને આ ગામમાં આવી ત્યારે લખુ ૧૭ વર્ષની હતી. સુવર્ણ વર્ણ, કમરે પહોચતા એના લાંબા સોનેરી વાળ, લાલ લીલી બંગડીઓથી શોભતા એના હાથ ઘરકામમાં પણ એવા ચપળ. ગામમાં સૌ કોઈ લખુના વખાણ કરે.

લગ્નના પાંચ વરસે બે દીકરા સાથે શાંતિથી જીવન ગુજારતા પેથા અને લખુ એવી રીતે જીવતા કે જોવાવાળા ને ઈર્ષ્યા થાય. એક સાંજે શાળાએથી આવીને પેથા એ લખુ ને સાદ કરતા કહ્યું, લખુ... એ લખુડી... સાંભળ મારે છે ને આવતી કાલે વેલા સવારે શહેર ભણી જવું પડશે. મોટા સાઇબ ને મળવાનું છે મારે ગામમા નવી નિશાળ બનવાની છે તો મળવાનુ છે.
'સારું ત'ય જઈ આવજો પણ હા જલ્દી પાછા વળજો હો નનકા નાં બાપુ'
'હા વળી હું ત્યાં રોકાવા થોડી જાવ છું'

સવાર પડે છે. પેથો છકડામા બેસી શહેર તરફ જવા નીકળે છે, પણ સાંજ સુધીમાં તો પેથાની લાશ આવે છે ગામમાં. છકડા નું હાઇ વે પર અકસ્માત્ થઈ જાય છે અને પેથો એ અકસ્માતમાં મૃત્યુ પામે છે. પત્ની અને બે દીકરાઓ ને એકલા મૂકીને પેથો સ્વર્ગે સિધાય છે. બીજો વર નહીં કરવાની જીદ પકડીને પિયર સાથે સંબંધ તોડીને લખુ આ ગામમાં જ રહી જાય છે. ખેતરુ માં કામ કરીને પોતાની બાવીસ વર્ષની કોમળ કાયાને કષ્ટ આપતી બે દીકરાઓને મોટા કરતી રહી.

એક બપોરે ગામની સીમમા રમતાં લખુના નાના દીકરા નનકાને સાપ દંશ મારે છે અને નનકો ત્યાં જ મૃત્યુ પામે છે. લખું તો રોઈ રોઈ ને અધમુઇ થઈ જાય છે. થોડા દિવસ પછી ખુદને સંભાળી ફરી જીવનની ગાડી હન્કારવા લાગે છે. હવે તો લખુની હારે એનો મોટો દીકરો ગગો પણ ખેતરુમા કામ કરવા જાય છે. બે'ય માં દીકરો કામ કરે ને ખાય ને જીવન ગુજારે છે. લખુની ઇચ્છા હતી કે ગગો ભણે પણ દીકરો ભણવામા સાવ "ઢ" હતો ને દિવસભર રખડ્યા કર એના કરતા કામ કરે એ માટે લખુ એને ખેતરે લઈ જતી.

એક દિવસ ખેતરે કામ કરતા ગગા એ ભૂલ થી પાણીની મોટી મોટરનો ચાલુ વાયર અડકી લેતા વીજ શોક લાગ્યો અને એ વીજ શોક નાં કારણે તેનો જમણો હાથ કાપવો પડ્યો. ગગો હવે આખો દિવસ પડ્યો રહેતો. એ કાપેલા હાથમાં સડો થયો અને સારવાર ન અભાવે એક દિવસ ગગો પણ નાના ભાઈ અને બાપ ન રસ્તે ચાલ્યો ગયો.

હવે લખુ સાવ એકલી થઈ ગઈ. એને હવે કામમા પણ જીવ ન રહેતો. એને ગગાના મૃત્યુનો ઘેરો શોક લાગેલો. એનું મગજ હવે ઓછું કામ કરતું'તુ હવે. લખુ કંઈ ખાતી પીતી નહીં અને ગામમા ગાંડાની પેઠે ફરતી રહેતી. ગામના બાળકો તેની ગમ્મત કરતા. થોડો સમય વીતતા લખુ થોડી સ્વસ્થ થઈ અને હવે તે તેના ઘરમાં પડી રહેતી. આજુબાજુ વાળા કોઈ કંઈ ખાવાનું આપી જાય તો ખાય લેતી નહીંતર સૂતી રહેતી.

વૃદ્ધાવસ્થા એ પહોંચેલી લખુ પર ગામના સૌ કોઈ જીવ બાળતા. એક દિવસ બધા એ સહમતિ થી નક્કી કર્યું કે લખુ માટે કંઈક કરવું જોઈએ.

વાનના ડ્રાઈવર એ હોર્ન વગાડ્યું અને વાનમા સાથે આવેલ પેલા માણસે લખુનો હાથ પકડીને વાનમા બેસાડી. સરસ મજાની ઠંડકવાળી વાન અને તેમાં ધીમા અવાજે ભજન વાગી રહ્યા હતા. રાવજીભાઇ અને તેમના પત્ની એ પેલા માણસને કહ્યું કે અમારા લખુ ડોશીનુ ધ્યાન રાખજો હો ભાઈ!! એ માણસ લખુના ઘરને તાળું મારીને ચાવી લઈને વાનમા બેસી ગયો અને ડ્રાઈવરે વાન હંકારી મૂકી શહેર તરફ જતા રસ્તામાં વચ્ચે આવતા "આશરો વૃદ્ધાશ્રમ" તરફ.