kshamabar books and stories free download online pdf in Gujarati

ક્ષમાબાર
*ક્ષમાબાર*


'કેમ આવ્યો છે તું અહીં ??'

'માફી માગવા...'

'તું માફીને લાયક નથી આલોક...'

'જાણું છું, પણ માફી માગી તો શકું ને શ્વેતા ?'

'તું અહીં થી જતો રે...'

'મને માફ કરી દે પ્લીઝ...'

'તું જતો રે આલોક... હું તારો ચહેરો પણ નથી જોવા માગતી.'

'મેં તને બહુ દુઃખી કરી છે શ્વેતા. મને એકવાર મારી ભૂલ કબૂલ કરવાનો ચાન્સ આપ.'

'તે અત્યારે અહીં આવીને મને ફરી એકવાર દુઃખી કરી છે.'

'મેં તને આખી જિંદગી દુઃખી કરી અને અત્યારે પણ તને દુઃખ પહોંચાડી રહ્યો છું. પણ આ છેલ્લી વખત છે શ્વેતા પ્લીઝ મને સાંભળી લે.... માફી મળશે કે નહીં એવું વિચાર્યા વિના ભૂલનો એહસાસ થાય કે માણસે તરત જ માફી માગી લેવી જોઈએ. મેં પહેલા જ બહુ મોડું કરી નાખ્યું છે માફી માંગવામાં... ભૂલનો એહસાસ મને તે દિવસે જ થઈ ગયો હતો પણ....'

શ્વેતા બારી બાજુ જુએ છે.

'આ બારી ખોલી આપ.'

'હા, ખોલું છું...'

આલોક બારી ખોલે છે. ચૌદશનો ચંદ્ર આકાશને શોભાવી રહ્યો છે. શ્વેતા સૂતી છે, શ્વેતાની બાજુમાં બેસતાં આલોક,
'હું તને બહુ પ્રેમ કરતો હતો. હજુય કરું છું. મારે તારા માટે, આપણાં પરિવાર માટે ઘણું કરવું હતું પણ હું કંઈ જ ન કરી શક્યો. મારે આ સમાજને આપણા આરવની યુવાનીમાં એની સાથે યુવાન બનીને એના હમઉમ્ર મિત્ર બનીને એક સારા પિતા તરીકે જીવનને ખરાં અર્થમાં કેમ જીવાય એનું ઉદાહરણ પૂરું પાડવું હતું.
પણ હું એવું કંઈ ન કરી શક્યો. આરવ યુવાન થાય એની પહેલા જ હું....'
(આટલું બોલતાં ડૂમો ભરાયો, આલોક ત્યાં જ અટકી ગયો)

શ્વેતા બારી તરફ જોઈ રહી છે. આલોકે ફરી બોલવાનું શરૂ કર્યું.

'શ્વેતા મને કોઈ જ અંદાજ નથી એ વાતનો કે હું વ્યસની ક્યારે બની ગયો. મેં ક્યારે પ્રથમવાર દારૂ ચાખ્યો હતો કે ક્યારે સિગારેટને પેલી વખત હોઠે લગાવી હતી, કાંઈ જ યાદ નથી. તને ન ગમતું બધું કર્યું. કેમ અને ક્યારથી એ બધું કરવા લાગેલો મને કોઈ સમજ ન રહી. મેં મન ફાવે એમ વ્યસન કર્યું. દારૂ, ગાંજો, ચરસ, સિગારેટ... ખરાબ સંગત અને છેલ્લે શહેરનાં એક હલકાં વિસ્તારનો હું રાહી બન્યો. દરરોજ એક નવી સ્ત્રી... હું બીમાર પડ્યો. તને અને ઘરમાં સહુને મારી બીમારીની ખબર પડી એ પહેલાં મેં તપાસ કરાવી હતી. મને મારી બીમારીનો પહેલાંથી જ ખ્યાલ હતો. ને તેમ છતાં મેં જ્યારે બી શક્ય બન્યું તારી સાથે જાણી જોઈને ખોટું કરતો રહ્યો અને આજે તું પણ એ બીમારીનો ભોગ બનીને અહીં સૂતી છે. ના તને પતિ તરીકેનો સંતોષ આપી શક્યો ના બાળકોને પિતાનું સુખ. હું આખી જિંદગી મારા શરીરની સાથે સાથે તારા શરીર અને આત્માને ય બાળતો રહ્યો. હું જાણું છું હું માફીને લાયક નથી જ તેમ છતાં તને કહેવાની હિંમત કરું છું કે પ્લીઝ મને માફ કરી દે...' આલોક બે હાથ જોડી બેસી રહ્યો.

શ્વેતા એ આલોકની તરફ જોયું, 'મારે પણ તારી માફી માગવી છે'

આલોકને આશ્ચર્ય થયું, 'કેમ આવું બોલે છે ? તારે શેની માફી માગવાની હોય, ગાંડી છે તું!!'

'આપણી સગાઈ થઈ ત્યારે હું ભણતી હતી. મેં ફક્ત ભણવામાં ધ્યાન આપ્યું. તને બિલકુલ સમય ન આપી શકી. લગ્ન થયાં. હું પરિવારને ખુશ કરવામાં રહી. લગ્નના થોડાં મહિનામાં આરવ પેટ રહ્યો. હવે મારુ સંપૂર્ણ ધ્યાન આરવ કેન્દ્રિત હતું. તું ઓફીસથી ઘરે આવે ત્યારે ક્યારેય તને પ્રેમથી પૂછી ન શકી કેવો રહ્યો દિવસ ? ઑફિસનું કામ ઘરે લાવતો ત્યારે તું એક રાતમાં એકસાથે ઘણી સિગારેટ પી જતો છતાં કોઈ સવારે ન પૂછ્યું કે ઓફીસમાં બધું ઓકે છે ને ? તું ન હતો સમજી રહ્યો પણ હું સમજતી હતી કે તું વ્યસની બની રહ્યો છે તેમ છતાં મેં ક્યારેય તને રોકવાના પ્રયત્ન ન કર્યા. ક્યારેય તને દારૂની વાસની ફરિયાદ ન કરી. ક્યારેય તારા શર્ટ પર રહેલાં લાંબા વાળને ગંભીરતા ન દાખવી. હું ફક્ત આરવને મોટો કરવામાં, મમ્મી-પપ્પાને જાત્રા કરાવવામાં રહી. મારે એક સારી વહુ, એક સારી મા બનવું હતું. સારી પત્ની તો હું છું જ એવો મને વહેમ હતો માટે ક્યારેય સારી પત્ની બનવાનો ખ્યાલ જ ન આવ્યો. મને માફ કરી દઈશ આલોક ??' આટલું બોલતાં શ્વેતાંને હાંફ ચઢી.

શ્વેતા એ આંખો મીંચી દીધી.

'મને માફ કરી દે શ્વેતા.... પ્લીઝ માફ કરી દે.... (આલોક રડવા લાગ્યો) અને મનમાંથી એ વિચાર કાઢી નાખ કે તું ભૂલમાં છે. તારો સમય જ એવો છે કે આવા વિચાર તને આવે હું સમજી શકું છું. તું અત્યારે આરામ કર. ચાલ, હું જાઉં છું.'

******

'ગુડ મોર્નિંગ મમ્મા... ચાલ ઉઠી જા, જો સિસ્ટર આવ્યાં... ડૉક્ટર પણ આવતાં હશે' શ્વેતાને જગાડતાં આરવ બોલ્યો.

'બેટા આ બારી કેમ બંધ કરી ?' શ્વેતાએ ઉઠતાંવેંત બારી તરફ જોયું.

આરવ ને આશ્ચર્ય થયું કારણ કે પિતા આલોકભાઈએ બારીએથી કૂદીને આત્મહત્યા કરી પછી શ્વેતાને બારીનો બહુ ડર રહેતો. એ ક્યારેય કોઈ જગ્યા એ બારી ન ખોલતી કે ના તો કોઈને ખોલવા દેતી.

'મમ્મા, કેમ આવું બોલે છે ? તું ઠીક તો છે ને ? તાવ નથી ને તને,જોવા દે તો....'

'સપનું હતું!!' શ્વેતા મનોમન વિચારી રહી. થોડી સ્વસ્થ થતાં બોલી,'આરવ, બારી ખોલી નાખ અને એક ઈચ્છા છે પુરી કરીશ ?'

'હા મમ્મા બોલને...'

'નીતિ ક્યારે આવવાની છે ? પપ્પાનો ફોટો મગાવી દેને નીતિ પાસે અને પપ્પાને ગમતાં મોગરાનો હાર પણ.... અને આ ડૉક્ટર અહીં સામેની દીવાલે ફોટો ટીંગાળવા તો દેશેને બેટા...'

આરવે પત્ની નીતિને ફોન કરીને પિતા આલોકનો ફોટો અને મોગરાનો હાર મગાવી લીધાં.

નીતિ આવી.

શ્વેતા આલોકના ફોટોને જોઈને રડી પડી.

(આલોકના ફોટાને જોતા શ્વેતા મનોમન) 'તું દુનિયાનો શ્રેષ્ઠ પતિ, શ્રેષ્ઠ પિતા અને શ્રેષ્ઠ દિકરો હતો. તે જીવનમાં કંઈ ખોટું નથી કર્યું. તે એક જ ભૂલ કરી હતી આલોક, તું બારી પાસે ગયો ને તું...
તે એકવાર મને બોલાવી હોત. એકવાર મને કહ્યું હોત.... પણ કાલે રાત્રે તારી પાસે મેં બારી ખોલાવી. તું બારી ખોલીને પાછો ફર્યો. તું મારા તરફ પાછો ફર્યો. તું મારી પાસે આવીને બેઠો. તે મારી સાથે વાતો કરી. તારાં મનમાં જે વાત હતી તે મારી સાથે શેર કરી. આલોક, મેં ત્યારે જ તને માફ કરી દીધો હતો. પણ હવે તું પણ મને માફ કરીશ ? પ્લીઝ. તું ક્યારેય મને કંઈ કહી ન શક્યો. હું એવી રહી જ ન શકી તારા સાથે કે તું મને કંઈ કહે. મેં ક્યારેય તને કંઈ પૂછ્યું જ નહીં. મને માફ કરજે આલોક...'

આરવે હોસ્પિટલની પરમિશન લઈને શ્વેતાના બેડ સામેની દીવાલે આલોકનો ફોટો ટીંગાળ્યો. ફોટોને મોગરાનો હાર લગાવ્યો.

હોસ્પિટલના આ રૂમમાં મોગરાની ખુશ્બુ પ્રસરી રહી.

- અનામી D

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED