1. કેટલું સુંદર...
ખૂટે ભલે રાતો પણ, વાતો આ ખૂટે નહિં,
વાતો એવી તારી મારી...
ચાલતી રહે આ રાત, ચાલતી રહે સદા,
મીઠી મીઠી વાતો વાળી...
ચાંદ ને કહો આજે, આથમે નહીં...
કાળું પોતાની જ મસ્તીમાં આ ફિલ્મી ગીત ગણગણી રહ્યો હતો ને અચાનક ઘૂઘરીનો અવાજ આવતા જ ચૂપ થઈ ગયો.
'શું...!!! શું બોલ્યો તું આ...?? સરસ જ છે ફરીથી બોલ ને!!' પોતાની સાથે રહેલી ઘૂઘરી બાંધેલી સ્ટિકને બાજુમાં મૂકી અને કાળું ની પાસે બેસતાં પૂનમે કહ્યું.
'બે ગાંડી... પૂનમડી, હું કઈ બોલી ન'તો રહ્યો... ગાઈ રહ્યો હતો. આને ગાવાનું કહેવાય ગાવાનું...'
'અચ્છા, એમ!!' પૂનમે હળવું સ્મિત રેલ્યું.
'હા, પાગલ. આ એક નવી ગુજરાતી ફિલ્મનું ગીત છે. હમણાં જ આવ્યું છે પણ તને ના ખબર હોય ને!! તું ક્યાં ગુજરાતી ગીતો સાંભળે છે! ને મને ગમે એ તો તને ક્યાંથી ગમે નહીં...!' કાળું એ મોઢું બગાડ્યું.
'હા એજ ને! આમ પણ મને આ આજકાલના હિન્દી કે ગુજરાતી એકેય ગીતો નથી ગમતાં.' પૂનમ હસી રહી.
ચાંદ ને કહો....
કાળું એ ફરી ગીત ગાવાનું ચાલુ જ કર્યું ત્યાં પૂનમ બોલી...
'કાળું... હું શું કહું છું તને, આ ચાંદ, આ રાત આ બધું દેખાવે કેટલું સુંદર હશે નહિં!!'
'હા પૂનમ, બહુ જ સુંદર હશે. તારા અને મારા જેટલું સુંદર. મારુ નામ કાળું છે તો રાત મારા જેટલી અને તારું નામ પૂનમ છે તો ચાંદ તારા જેટલો સુંદર હશે...'
'ચાંદ મારા જેટલો સુંદર હશે ??' પૂનમે આકાશ તરફ નજર કરતા પૂછ્યું.
કાળું એ પૂનમની તરફ માથું ઘુમાવતા ધીમેથી કહ્યું, 'હા...'
'હા ને !? તો ચાલ મને પણ શીખવ... મારે પણ ગાવું છે આ ગીત' પૂનમે થોડા ખચકાટ સાથે કહ્યું.
'હે...એમ!!!, સારું ચાલ પહેલા સાંભળ, પછી આપણે જોડે જોડે ગાઈશું. લે આ ફોન એમાં ઉપરની સ્વીચ બે વાર પ્રેસ કર, છેલ્લે થી બીજા નંબરે છે આ ગીત...'
અંધજન મંડળના પ્રાંગણમાં કારતકી પૂનમે ખીલેલા ચાંદના સાનિધ્યમાં બંને આંખોથી દિવ્યાંગ એવા કાળું અને પૂનમ બેઠા બેઠા આ ગીત સાંભળી રહ્યા.
ખૂટે ભલે રાતો પણ, વાતો આ ખૂટે નહિં,
વાતો એવી તારી મારી, .....ચાંદ ને કહો આજે, આથમે નહીં
* * * * *
2. ચા અને કૉફી
'એક ચા અને એક કોફી' આરવે ઓર્ડર આપ્યો.
અનુરાધા એકીટશે આરવને જોતી રહી.
'શું' આરવે ઈશારાથી પૂછ્યું.
'તું બધા સાથે ચા પીવે છે. બધી જગ્યા એ ચા પીવે છે ને ચા તને કેટલી પસંદ છે તો તું મારી સાથે કોફી કેમ પીવે છે. મને તારી સાથે ચા પીવી છે' એક જ શ્વાસે આટલું બોલતાં તો અનુરાધા રડમસ થઈ ગઈ.
'પહેલાં તો તું શ્વાસ લે અને...'
આરવ આગળ કંઈ બોલે ત્યાં તો અનુરાધા લગભગ રડવા જ લાગી.
'અરે કેમ રડે છે...!! શુ થયું તને ?'
'તને કંઈ સમજાતું કેમ નથી ?'
'તું સમજાઈશ કે શું નથી સમજાતું મને !!'
'આરવ, જે છોકરી એ હંમેશાં થી કોફી પીધી છે. જેને ચા નામથી પણ અણગમો હતો. એ આજે તારી સાથે ચા પીવાની વાતો કેમ કરે છે ? તને એટલું પણ કેમ નથી સમજાતું કે હું તને પ્રેમ કરવા લાગી છું.'
અનુરાધા ફરી રડી પડી.
આરવ હસવા લાગ્યો. અનુરાધાના આંસુ લૂછયા અને બોલ્યો, 'સાંભળ...'
'તને યાદ છે જ્યારે કોલેજ કેન્ટીનમાં નિરાલી એ પ્રથમ વખત તને અમારાં ગ્રુપ સાથે ઇન્ટ્રોડૂસ કરી હતી. પછી તને પૂછ્યું હતું કે ચા ફાવશે કે કોફી ? તે કહ્યું હતું કે કોફી જ હો ! ચા ના તો નામથી પણ ચીડ છે.
આમ તો હું જ્યારે ચા પીતો હોઉં ત્યારે ચા સિવાય બીજે ક્યાંય નજર ન કરું પણ તે દિવસે કંઈક અલગ થયું. તારા તરફ જોવાય ગયું. તું હસતી હતી ને એક તે પળથી કોલેજના ત્રણ વર્ષ સુધી સતત મેં ઇંતેજાર કર્યો કે કોઈ એક દિવસે તને ચા ગમવા લાગશે. તને હું ગમવા લાગીશ. કોલેજ પુરી થઈ ગઈ. એ દિવસ ક્યારેય ના આવ્યો.
પછી તો મેં અહીં આ જોબ સ્ટાર્ટ કરી અને તે માસ્ટર્સ ચાલુ કર્યું. હું ઓફિસના કામમાં અને તું તારા ભણતરમાં આપણે બંને વ્યસ્ત થઈ ગયા.
આરવ થોડું અટક્યો.
એક છોકરો આવીને ટેબલ પર ચા અને કોફી મૂકી ગયો.
'અનુરાધા મને આ કોફી તો શું "કોફી" શબ્દ પણ કડવો લાગે છે પણ તારા ઇંતેજારની ઇન્તેહા જો... કોફી પીવી પડે છે મારે !!' કોફી પીતાં આરવ બોલ્યો.
એક સાંજે અચાનક તારો ફોન આવ્યો. તે પૂછ્યું કે ચા માટે મળીએ ?
મને નવાઇ લાગી... ચા માટે ?
તે કહ્યું કે હા
મને આશ્ચર્ય થયું ને મેં પૂછી જ લીધું તને કે તારે મારી સાથે ચા પીવાની છે..!? ચા !!!
તે કહ્યું કે હા, હું હવે ચા જ પીઉં છું ને હવે તારી સાથે ચા પીવી છે.
હું ત્યારે જ બધુ સમજી ગયો હતો પણ તારી પાસેથી જાણવા માગતો હતો માટે મેં તને પૂછ્યું કે કેમ ? કેમ મારી સાથે ચા પીવી છે તારે ?
ને મેડમ તમારો જવાબ હતો...
'એમાં કેમ શુ ? એમજ...' અનુરાધા હસવા લાગી.
'હા... આપણે મળ્યા ને તને તારા "એમજ" પાછળનું જે સાચું તારણ છે એ સમજાવવા માટે જ છેલ્લી ત્રણ મુલાકાતથી હું તારી સાથે આ કોફી પી રહ્યો છું.
મને ખબર હતી કે તારાથી આ સહન નહીં થાય એક દિવસ તું બોલીશ. તું જ બોલીશ સામેથી...
જો તું બોલી આજે...
તું જ બોલી... આટલા વર્ષોનો મારો ઇંતજાર આજે રંગ લાવ્યો.
અનુરાધા હું પણ તને પ્રેમ કરું છું, હંમેશાથી કરું છું ને હંમેશા કરતો રહીશ.
અનુરાધા આરવને જોતી રહી.
આરવ કોફી ને જોતો રહ્યો.
થોડીવાર ના મૌન પછી અનુરાધા, 'હવે આપણે ચા પી શકીએ છીએ....!?'
'હા ચાલ તું જ કહે ને... .મગાવ બે ચા !!'
'આજે આ Share કરીએ ?' પોતાની ચા તરફ ઈશારો કરતાં અનુરાધા બોલી.
બંન્ને હસી રહ્યા.
અનુરાધાને ચા ગમવા લાગી. આરવ ગમવા લાગ્યો.
આરવનો ચાર વર્ષનો ઇંતજાર પૂરો થયો.
* * * * *
3. બ્લૉક
બ્રેકઅપના એક વર્ષ પછી ઇન્સ્ટાગ્રામ પર અર્પિતાના મેસેજના આજે મલય તરફથી રીપ્લાય આવી રહ્યાં છે પણ અર્પિતા ને આ વાત ચિંતાજનક લાગી રહી છે.
રાતના બાર વાગવા આવ્યાં છે.
અર્પિતાને આજે મલયનું વર્તન અજુગતું લાગી રહ્યું છે. એનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. એને ગભરામણ થવા લાગી. મન વિચલિત થઈ ઉઠ્યું. અચાનક પ્રશ્ન થયો કે મલય ઠીક તો હશે ને ? ઠીક જ હશે !! અર્પિતા એ ધારી લીધું.
પણ શા માટે ધારણાઓ બાંધવી ? ધારી લેવું અને પછી પોતાની ધારણાઓને જ સત્ય માની લેવું આ ટેવને કારણે જ તો આજે અર્પિતા એનાં મલયથી દૂર હતી.
આજ થી આ ટેવ નહીં સુધારું તો ક્યારથી સુધારીશ ?? અર્પિતા એ ખુદને પ્રશ્ન કર્યો.
કોલ કરું ? ને તરત જ મલયને મેસેજ કરીને પૂછી લીધું.
સામેથી રીપ્લાયમાં જીભ બહાર કાઢતું ઇમોજી આવ્યું.
વેઇટ હું કોલ કરું છું... અર્પિતા એ મેસેજ સેન્ડ કરતા ભેગું જ હેન્ડ્સ ફ્રી લગાવ્યા અને નંબર ડાયલ કર્યો.
બ્રેકઅપ ના એક વર્ષ પછી પણ અર્પિતાને એક અડધી સેકન્ડ ન થઈ નંબર ટાઈપ કરીને ડાયલ કરતા.
રિંગ જતાંની સાથે જ સામેથી કોલ રિસીવ થયો ને રિસીવ થતાની સાથે જ અર્પિતા બોલી ઉઠી ,"હેલ્લો..."
સામે છેડેથી કોઈ અવાજ નથી આવતો.
હેલ્લો... હેલ્લો...
મલય...
ઠીક છો ને તમે ?
હેલ્લો... મલય....
શુ થયું ?
મલય....
અર્પિતા ક્યાંય સુધી બોલતી રહી.
પછી શાંત થઈ ગઈ.
કેમ નથી બોલતાં..? ઘરે બધા સુતા હશે...કોઈ હશે આસપાસ..શુ હશે !! અર્પિતા એ મનમાં જ ધારણાઓ બાંધી.
સામેથી ક્યારેક ઊંડા શ્વાસ લેવાનો તો ક્યારેક પુસ્તકના પાનાંઓ ફેરવવાનો અવાજ આવતો રહ્યો.
થોડી થોડીવારે અર્પિતા મલયનું નામ લેતી રહી. પરંતુ મલય તરફથી કોઈ જવાબ ન આવ્યો.
અર્પિતા બેડ પર આડી પડી. મલયના મૌન સંગીતને માણતી રહી. પુસ્તકના પાનાં ફેરવવાનો અવાજ પણ આટલો મધુર હોઈ શકે છે એ વાત અર્પિતાએ આજે પ્રથમવાર જાણી.
કૉલ ચાલું થયો એ વાતને ચાલીસ મિનિટ જેવું થઈ ગયું છે. બંન્નેમાંથી કોઈએ ના તો કોલ કટ કરવાની દરકાર કરી ના તો વાત કરવાની.
અર્પિતા... અર્પિતા...
પોતાના નામનો સાદ સાંભળી ને અર્પિતા સફાળી જાગી ગઈ.
ફોન બાજુમાં પડેલો.
હેન્ડ્સ ફ્રી કાનમાંથી નીકળી ને ગળે વીંટળાયેલ હતાં.
દરવાજો ખટખટાવવાનો અવાજ આવ્યો.
અર્પિતા... અર્પિતા બહારથી બૂમો સંભળાઈ.
અર્પિતા ઊભી થઈ અને ઘરનો મેઈન દરવાજો ખોલ્યો.
ઘરના સભ્યો કે જે સોસાયટીમાં જ એક પ્રસંગમાં હાજરી આપવા ગયેલાં એ પાછાં ફર્યા હતા. અર્પિતાની તબિયત ખરાબ હોવાથી એ એકલી ઘરે હતી.
અર્પિતા એ બેડ પર આવીને આંખો ચોળતાં ચોળતાં મોબાઈલ જોયો.
મોબાઈલ બંધ હતો. સ્વિચ ઑફ થઈ ગયો હતો.
હા બેટરી ઓછી હતી નહિ!!! અર્પિતા મનમાં જ બબડી. ફોન ચાર્જ કરવા મૂકીને પાછી સુઈ ગઈ.
સવારે ઉઠીને સૌ પ્રથમ ઇન્સ્ટાગ્રામ ખોલ્યું ને મલયને મેસેજ કર્યો.
'I am sorry મલય.
ખબર નહિ મને ક્યારે ઊંઘ આવી ગઈ હતી અને પછી જાગી ત્યારે જોયું તો ફોન સ્વીચઑફ થઈ ગયો હતો.
તમારો અવાજ પણ મને સાંભળવા ન મળ્યો. મને તમારો અવાજ સાંભળવો છે. એક છેલ્લી વાર કોલ કરું ?'
થોડીવાર પછી મલયનો રીપ્લાય આવે છે.
'ના...
હવે કોઈ કોલ નહીં કોઈ મેસેજ નહીં...
હું તને બ્લોક કરું છું...'
'હું મેસેજ કરું છું એટલે ને ? હવે નહીં કરું પણ બ્લોક ન કરો પ્લીઝ' અર્પિતા એ સામે મેસેજ કર્યો.
'ના... તું બ્લોક જ સારી છે.'
'પણ કેમ ..?'
'તારાં માટે...'
પછી અર્પિતા એ મેસેજ તો કર્યા પણ સીન ન થયાં એટલે અર્પિતા એ પ્રોફાઈલ ચેક કરી જોઈ પણ મળી જ નહીં.
પછી અર્પિતા જુએ છે તો એમનો કોલ એક કલાક અને સત્તર મિનિટ સુધી ચાલુ હતો. આટલીવાર સુધી કોલ ચાલુ હતો તેમ છતાં મલયે એકવાર હેલ્લો પણ ન બોલ્યું. અર્પિતા રડવાં લાગી.
બ્રેકઅપના એક વર્ષ પછી આજે ફરી એકવાર અર્પિતાએ મલયથી અલગ થવાનું દુઃખ સહન કર્યું અને આ વખતે પણ વાંક એની ધારણા બાંધવાની ટેવનો જ હતો.
* * * * *
4. રાહભંગ
" મમ્મી પપ્પા હું જાઉં છું મારા સાગર સાથે. હું મારા સાગર વિના નહીં રહી શકું અને સાગર પણ મારા વગર નહીં રહી શકે. તમે મારી ચિંતા ન કરતા. " કાગળમાં આટલું લખીને શૈલજા ખરાં બપોરે જ્યારે ઘરે કોઈ ન હતું ત્યારે ઘરેથી નીકળી ગઈ.
આજે સવારે જ શૈલજા અને સાગરે ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.
નાની ટ્રાવેલિંગ બેગ સાથે નીકળેલી શૈલજા કોઈ આડોશી પાડોશી કે કોઈ ઓળખીતું જોઈ ન જાય એ રીતે છુપતી છુપાવતી મુખ્ય રોડ પરથી સાગરની સોસાયટી સુધીની રિક્ષા કરી. બન્ને એ નક્કી કર્યું હતું કે શૈલજા રિક્ષા લઈને આવશે અને સાગર એની સોસાયટીની બહાર ઉભો રહેશે પછી બંને રેલવે સ્ટેશન જતા રહેશે.
એક વાર એને ફોન કરી લઉં. ને પછી ફોન સ્વિચઑફ કરી નાખીશ. શૈલજા એ સાગર ને ફોન કર્યો પણ ફોન ઉપડ્યો નહીં. શૈલજા એ ફોન બંધ કરીને બેગમાં મૂકી દીધો.
ગાંડો ફોન કેમ નથી ઉપાડતો. મેસેજ પણ નથી જોયા. શૈલજા મનમાં જ બબડતી રહી.
સાગરની સોસાયટી બહાર થોડી દૂર રિક્ષા ઊભી રહી. શૈલજા ક્યાંય સુધી સાગરની રાહ જોતી ઉભી રહી. પણ સાગર ન આવતા એણે સાગરના ઘર તરફ કદમ ઉપાડ્યા.
ઘરની બાલ્કનીમાં ઉભેલો સાગર શૈલજાને સોસાયટીમાં પ્રવેશતાં જોઈ ગયો. દોડી ને નીચે આવ્યો. શૈલજા સાગરને જોતા જ ભેટી પડી.
'ચાલ આપણે જઈએ અને તારું બેગ ક્યાં છે ' શૈલજા એ સાગર ને પૂછ્યું.
'તું અહીં કેમ આવી ? મને એમ કે આપણે ફોન પર વાત નથી થઈ તો કદાચ તું નહીં નીકળી હોય.'
શૈલજા અવાચક ઉભી રહી.
'શૈલું જો સાંભળ, ઘરે આવ્યા પછી ફ્રેશ થઈને હું બેગ પેક કરતો હતો ને પપ્પા મને જોઈ ગયા. અને પછી મારે એમને સાચું કહેવું પડ્યું. ઘરમાં બધાને ખબર પડી ગઈ. ને મમ્મી તો બીમાર પડી ગઇ. એ તો બેહોશ જ થઈ ગઈ. શૈલજા તું અત્યારે ઘરે પાછી જતી રેહ. હું નહીં ભાગી શકું. મને મારી મર્યાદા નડે છે. મારી મમ્મી પણ બીમાર છે અને પછી મને પણ લાગ્યું કે આપણે ખોટું પગલું ભરવા જઈ રહ્યા હતા. મારાથી નહીં આવી શકાય.'
આટલું બોલીને સાગર એના ઘરે જતો રહ્યો. શૈલજા ક્યાંય સુધી એની સોસાયટીની બહાર રડતી રહી. પછી પોતાનું બેગ ત્યાં જ મૂકીને એ જતી રહી.
બીજા દિવસે સવારે શહેરથી દૂર એક અવાવરું જગ્યાએ એક યુવતી મૃતપ્રાય હાલતમાં મળી આવી.
એની એકબાજું એક ઝેરની શીશી પડી હતી. શીશીની નીચે એક કાગળ હતો.
કાગળમાં લખ્યું હતું, " પર્વત સાથે ઝઘડો કરીને , ઝાડી કાંકરા સામે લડીને એક નદી જ્યારે દરિયાને મળવા શિખરે થી નીકળી પડે છે. પહોંચતા પહોંચતા એ હાંફી જાય છે. થાકી જાય છે. ફંટાય જાય છે. અને છેલ્લે બધું જ હારી જાય છે. તેમ છતાં એ એક આખરી પ્રયત્ન કરે છે. દરિયાને વિનંતી કરે છે કે થોડોક નજીક આવ. મારી તરફ એક ડગલું આગળ આવ. ને દરિયો કહે છે કે મને મારી મર્યાદા નડે છે. મારાથી થોડુંક પણ આગળ નહીં વધી શકાય. તું પાછી ફરી જા...
નદી વિચારે છે કે હવે પાછું ફરવા જેવું ક્યાં કાઈ રાખ્યું જ છે મેં ક્યાં મોંઢે પાછું ફરવું...!? ત્યારે નદી પાસે જમીનમાં સમાઈ જવા સિવાય કોઈ જ રસ્તો નથી હોતો. "
મોટો હોબાળો થયો. બંને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. એકબીજાં ના બાળકો પર આરોપ થયાં. અને પછી બધું શાંત થઈ ગયું. શૈલજા ના પરિવારે સાગરના પરિવારની વિનંતી અને સમાજના ડરથી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું. શૈલજા મૃત્યુ પામી અને શૈલજાના મૃત્યુના આઘાતમાં સાગર ભણી પણ ના શક્યો અને વ્યસનનો શિકાર થયો.
* * * * *
સમાપ્ત