અણબનાવ - 4 bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણબનાવ - 4

અણબનાવ-4
વિમલની કારમાં ત્રણે મિત્રો ગીરનારનાં રસ્તે આગળ વધ્યાં.બપોરનો સમય હતો એટલે રસ્તો શાંત અને માનવવિહોણો હતો.વિમલનું ધ્યાન કાર ચલાવવામાં હતુ, આકાશ માટે તો આ રસ્તો જાણીતો હતો અને રાજુ આ રસ્તાની આજુબાજુ વહેતા દ્રશ્યોને દિવસનાં અજવાળામાં ઘણાં સમય પછી જોઇ રહ્યોં હતો એટલે એકીટસે બધુ જોઇ રહ્યોં હતો.ગીરનાર દરવાજાથી જ શહેરી વાતાવરણનો ધમધમાટ જંગલની શાંતિમાં સમી જાય છે.થોડા આગળ જતા જમણી તરફ એક ટેકરી પર દુર દેખાતું વાઘેશ્વરી માતાનું મંદિર અને પછી તરત જ ગાયત્રી મંદિરનાં પગથીયા દેખાયા.હવે રસ્તાની બંને બાજુએ જુના-નવા મકાનો સતત આવ્યાં.પણ પછી એક વળાંક આવ્યો,ત્રણ રસ્તા આવ્યાં જયાં એક રસ્તો સ્મશાનનાં દરવાજા પાસે અંત પામતો હતો અને જમણી તરફનાં રસ્તે હતુ ગીરનારી જીવન.જાણે જયાં સંસાર ખતમ થાય ત્યાંથી જ સંન્યાસ જીવન ચાલુ થતુ હોય.અને એ રસ્તે આગળ વધતા થોડા અંતરે જમણી તરફ અશોકનો શીલાલેખ દેખાયો.સમ્રાટ અશોકે અનેક યુદ્ધો કર્યાં પછી લખેલો શાંતિ અને વૈરાગ્યનો સંદેશ.થોડે આગળ વધ્યા એટલે સોનરખી નદીનો પુલ આવ્યો.નદીમાં પાણી તો શિયાળા સુધી માંડ ટકે અત્યાંરે ઉનાળામાં તો પથ્થરો એમાં કાલાતીત થઇને પડયા છે.એના ઉપર પવન પર સવારી કરીને જીવનનો માત્ર ભાસ આપતા સુકા પાંદડાઓ દેખાય છે.જે કયાંરેક ખડ ખડ અવાજ પણ આપે છે, જેથી નદી વહેવાનો ભ્રમ જીવતો રહે.એવું લાગે છે જાણે નદીએ આ સુકા પાંદડાઓ પાસે પોતાના ભુતકાળનાં અવાજનાં રૂપમાં રહેવાનો કરાર કર્યોં હોય.એ પછી ફરી જમણી તરફ દામોદર મંદિર અને કુંડ આવ્યો.જાણે અહિં સંસાર અને સંન્યાસી જ્ઞાનનાં સંગમરૂપે ભકિત રસ આકાર લઇને કુંડ બની ગયો.કારનાં વણથંભ્યા પૈડા ડાબી તરફનાં રસ્તાનાં એક ફાટા પાસે ધીમા પડયા.વિમલ કશુંક યાદ કરવા મથી રહ્યોં હોય એમ એ ડાબી તરફ જોઇ રહ્યોં.એટલે આકાશે તરત જ કહ્યું “આ નારાયણ ધરો યાદ છે? આપણે નહાવા માટે અહિં આવતા.” વિમલ અને રાજુ બંનેનાં મનમાં જયાં સુધી ભુતકાળ રમ્યો ત્યાં સુધી એમના ચહેરા મલકાતા રહ્યાં.પણ પછી એમના ચહેરાઓ તંગ થયા.કદાચ બંનેનાં મનમાં રાકેશ અને સમીરની દુઃખદ યાદો તરી આવી હશે.એ યાદને દબાવવા વિમલે ફરી કારનું એકસીલેટર એવું દબાવ્યું કે કાર સીધી ભવનાથનાં મોટા કાર પાર્કીંગ પાસે ઉભી રહી.બહાર ગરમી હોવાથી વિમલે કાર ચાલુ જ રાખી.એ.સી.ની ઠંડકમાં એ ગરમ થઇને બોલ્યોં
“શું યાર? મને હજુ એવું લાગે છે કે આપણે આ કંઇ મુર્ખામી તો નથી કરી રહ્યાં ને? હું માનું છું કે રાકેશનું અચાનક અકસ્માતે મૃત્યુ અને પછી સમીરનો આ હેવી હાર્ટએટેક, બંને એક વાતે જોડી શકાય કે જુનાગઢ શહેરની બહાર ગયા એ મરી જશે.માનો કે પેલો બાવો કોઇ તાંત્રિક છે અને એણે આપણા પર કોઇ વિધી કરી છે.પણ....આપણે અત્યાંરે અંધારામાં તીર મારી રહ્યાં હોય એવું લાગે છે.”
આકાશ અને રાજુ પણ કયાં કોઇ વાતે ચોકકસ હતા? બંને પોતાના વિચારોમાં હતા ત્યાં વિમલ ફરી બોલ્યોં
“કયાંક આપણે હાફળા ફાફળા થઇને ઉંધી દિશામાં તો નથી ભાગતા ને?”
કારમાં આગળ બેઠેલા આકાશે કહ્યું
“આ યોગ્ય દિશા જ છે.બસ હવે થોડા આગળથી ડાબી તરફ લાલઢોરીનો રસ્તો આવશે.”
રાજુએ વળી કહ્યું “હું કોઇ જોખમ લેવા નથી માંગતો.જુનાગઢની બહાર જઇને મરવાનું જોખમ લેવું એના કરતા તો અહિં જ રસ્તો શોધવો યોગ્ય છે.”
ગાડી આગળ હંકારવી કે નહિ એ તો વિમલનાં હાથની વાત હતી.પણ આકાશ અને રાજુએ એને એમ કહીને મનાવ્યોં કે ‘આપણે ફકત તિલકભાઇને મળીને આવતા રહીશું.એ શું કહે છે એટલું સાંભળીને એના પ્રમાણે કરવું કે નહિ એ તો આપણા હાથની જ વાત છેને.’ વિમલે ફરી કાર ચલાવી અને મુખ્ય રસ્તાથી ડાબી દિશાએ વળાંક લીધો.રસ્તે એક રાહદારીને ‘ગેબી ગુંજ’ ધર્મશાળા વિશે પુછયું અને એના કહ્યાં પ્રમાણે રૂપાયતનથી પણ આગળ છેક રસ્તાની છેલ્લે આ ધર્મશાળા આવેલી છે.આખરે એક બે માળની જુનવાણી ધર્મશાળા દેખાઇ.જેમાં આગળ જ પ્લાસ્ટરમાં ઉપસાવેલું ‘ગેબી ગુંજ’ નામ અને સન 1976 એવું લખેલું વંચાયુ.નીચેનો માળ જુનો દેખાતો હતો જયાંરે ઉપરનો માળ થોડા વર્ષો પહેલા જ બંધાયો હોય એવો લાગ્યો.વચ્ચે મોટો લોખંડનો ડેલો હતો.જમણી તરફ બીજી ધર્મશાળા હતી અને ડાબી તરફ મોટા વૃક્ષોથી આચ્છાદીત જંગલ ચાલુ થઇ જતુ હતુ.અત્યાંરે તો મોટા ભાગનાં ઝાડ સુકાયેલા થડ જ દેખાતા હતા.બપોરનાં સમયે જંગલમાંથી ફકત તમરા બોલવાનો તીણો અવાજ આવતો હતો, કયાંરેક અચાનક તમરા બોલતા બંધ થઇ જાય તો જંગલની આ શાંતિ બિહામણી ભાસતી હતી.એટલે રાજુ સીધો જ અંદર ગયો.આકાશ અને વિમલ પણ ગયા.અંદર ચારે તરફ ધર્મશાળાની રૂમો અને વચ્ચે લગભગ પચાસ ફુટની લંબાઇ પહોળાઇનું ખુલ્લુ મેદાન.એક તરફ ખુણામાં પતરાનાં છાયડા નીચે કેટલાક બાવાઓ નીચે બેસી જમતા હતા.અમુક સાધુઓ મેદાનમાં વચ્ચે આવેલા ઘેઘુર આંબાનાં ઝાડ નીચે આવેલા ગોળાકાર ઓટલામાં બેસીને અલગ અલગ સાફીઓથી એક સહીયારી ચલમ પીતા દેખાયા.એક રૂમ ઉપર ‘ઓફીસ’ એવું લખ્યું હતુ પણ એ રૂમ બંધ હતી એટલે આકાશે એક સાધુને પુછયું “મહારાજ, આ તિલકભાઇ કયાં મળશે?”
“કૌન? વો તિલક રસોઇયા?” સાધુએ સામે પુછયું.
જવાબમાં ત્રણેય મિત્રોએ હા કહી.પેલા સાધુએ એક રૂમ તરફ આંગળી ચીંધીને કહ્યું “ઉધર રસોઇઘર હૈ...વહા હોગા.” ત્રણેય ઉતાવળા પગલે ત્યાં ગયા.એ ખુણાનો મોટો રૂમ હતો.એટલે એમાં જ રસોડું બનેલું હતુ.અંદર એક પાતળો અને મધ્યમ લંબાઇનો માણસ લાકડાનાં ચુલામાં જાડા રોટલા બનાવતો હતો.થોડે દુર ઉભા રહી આકાશે પુછયું “આ તિલકભાઇ કયાં મળશે?”
“હું જ છું તિલક.બોલો મારું શું કામ પડયું?” એમણે કહ્યું.આકાશ કે રાજુ કંઇ બોલવા જતા હતા પણ તરત જ એ ફરી બોલ્યાં “થોડી વાર બહાર બેસો.આ રોટલા બનાવીને પછી આવું.”
“તિલકભાઇ, આ કવર તમને ઓમકાર મહારાજે આપવાનું કહ્યું છે.” વિમલે ઉતાવળ બતાવી.
“એલા ભાઇ, આટલી શું ઉતાવળ છે? એવું હોય તો સાંજે આવજો.અને ઓમકારે મોકલ્યાં એટલે કાંઇ સાયબ થઇ ગયા?” તિલકે જાડો રોટલો તાવડી પર પછાડતા કહ્યું.અને ચુલામાં લાકડા સંકોરયા એટલે ચુલાની આગ વધુ પ્રજવલ્લિત થઇ.એક તો ઉનાળાની ગરમી, ઉપરથી તિલકનાં શબ્દોની ગરમી અને આ ચુલાની આગ ત્રણેયને બહાર ધકેલવા પુરતી હતી.બહાર એક તરફ ઓસરીમાં જયાં કોઇ સાધુ બાવા ન હતા ત્યાં ત્રણે મિત્રો નીચે બેઠા.થોડીવારે તિલક એમની તરફ આવતા દેખાયો.એના હાથમાં કંઇક હતુ.નજીક આવી એ બોલ્યોં “આ લ્યો પતરાળા, હું ભોજન લઇને આવું.” ખબર નહિ કેમ પણ કોઇ તિલકને ના ન કહી શકયુ.જાડા રોટલા,અડદની દાળ અને છાશ આવી એટલે બધા જમી લીધા.એટલે તિલક પણ અંદર જમીને એક સફેદ કપડા વડે હાથ લુછતા લુછતા આવ્યોં.
“હા...બોલો.ઓમકાર મહારાજે શું આપ્યું છે?”
આકાશે તરત જ કવર પોતાના ખીસ્સામાંથી કાઢી તિલકનાં હાથમાં ધર્યું.વિમલ તો તિલકનું અવલોકન જ કરતો રહ્યોં.નીચે ખાખી રંગનું જર્જરીત પેન્ટ,ઉપર સફેદ રંગનું ફાટેલુ ગંજી અને માથે કેસરી કપડું અધકચરી પાઘડી જેવું વીંટેલુ.સુકલકડી શરીર પણ ચહેરા પર તેજ દેખાતુ હતુ.થોડી વધેલી કાળી દાઢી એની ઉંમર પાત્રીસ વર્ષની આસપાસ હોય એવી ચાળી ખાતી હતી.એક કાનમાં પહેરેલી ચમકદાર રૂપેરી કળી ધ્યાન ખેંચતી હતી.તિલકે કવર ખોલી કાગળ વાંચવાનું ચાલુ કર્યું.થોડીવારે એ કાગળનો ડુચો કરી ફેંકી દીધો.અને બોલ્યોં
“મારી ઉપર વિશ્વાસ હોય તો જ આગળ વાત કરું?”
“આપના પર ભરોસો છે કે તમે કંઇક મદદ કરશો એટલે જ તો તમારી પાસે આવ્યાં છીએ.અમારા પર આ રહસ્યમય સંકટ આવ્યું, અમારો એક મિત્ર...” આકાશનું વાકય હજુ અધુરુ જ હતુ ત્યાં તિલક વચ્ચે જ બોલ્યોં “બસ, તમારી રામકહાણી અહિં કહેવાની જરૂર નથી.હું જાણું છું.” આકાશ તો ચુપ થઇ ગયો.રાજુએ આકાશ તરફ જોયું.પણ વિમલને આ વાતથી ગુસ્સો આવ્યોં એટલે એ વચ્ચે જ બોલી પડયો “આપ શું મદદ કરી શકશો?”
તિલકે આકાશ તરફ જોયું અને વિમલ તરફ આંગળી ચીંધીને બોલ્યોં “આને બહું ઉતાવળ હોય તો અમદાવાદ મોકલી દો.જીવતો પાછો ન આવે તો મારી કોઇ જવાબદારી નહિ.” આકાશે હાથનાં ઇશારાથી વિમલને ચુપ રહેવા કહ્યું.રાજુને તિલકનાં આવા વિચીત્ર વર્તનથી ઉચાટ અનુભવાયો.છતા મનને કાબુમાં રાખી, બે હાથ જોડી એ બોલ્યોં “અમારી ઉતાવળ માટે અમારી આ પરીસ્થિતી જવાબદાર છે.પણ આપ કહો એમ જ કરીશું....બસ તમે મદદ કરો.” રાજુની વાત સાંભળી તિલક ઉભો થયો.અને અંદર એક રૂમમાં ગયો.વિમલે તરત જ પેલો ડુચો થયેલો કાગળ નીચેથી ઉપાડીને પાછો ખોલ્યો અને આંખો પહોળી કરી બોલ્યોં “આ તો કોરો કાગળ છે.” રાજુ અને આકાશે પણ એ કાગળ જોયું.ખરેખર એ કાગળ તો કોરો જ હતો.
“ચાલો...ચાલો અહિં કંઇ થવાનું નથી.આ બધા ખોટા છે.આપણે ખોટા ફસાય જઇશું.” વિમલે એ કોરો કાગળ દુર ફેંકતા કહ્યું.આકાશ કે રાજુ કંઇ બોલે એ પહેલા તો તિલક અંદરથી પોતાના શર્ટનાં બટન બંધ કરતા કરતા બહાર આવ્યોં.
“તમારા કોઇ પાસે મોબાઇલ છે?” તિલકે નજીક આવતા પુછયું.કંઇક કામ થવા જઇ રહ્યું છે એવો વિશ્વાસ આવતા ત્રણે મિત્રોએ પોતાના મોબાઇલ તિલકની સામે ધર્યાં.તિલકે એક ખંધુ હાસ્ય કરી ત્રણેય મોબાઇલ લઇ લીધા.અને પોતાના આવા વિચીત્ર વર્તનની ચોખવટ પણ કરી નાંખતા કહ્યું
“આપણે જયાં જવાનું છે ત્યાં આ ડબલા ‘એલાઉડ’ નથી.” વિમલને આ ભારોભાર અપમાન લાગ્યું.એટલે એ ગુસ્સામાં બોલ્યોં “એવી તે કેવી જગ્યા કે મોબાઇલ એલાઉડ નથી.”
“હું તમને મારા ગુરુ પાસે લઇ જવાનો છું ત્યાં એમને આ મોબાઇલ પસંદ નથી.એટલે એને અહિં ઓફીસમાં રાખી દઉં છું.” તિલકે કહ્યું.
“તમારા ગુરુ કોણ છે? એ અમને યોગ્ય રસ્તો બતાવી શકશે?” વિમલે સવાલ કર્યોં.તિલકે વિમલનો મોબાઇલ ફરી એના હાથમાં આપી દીધો.
“તમારી પાસે બે વિકલ્પ છે.યા તો તમે મારા પર ભરોસો રાખો.યા તો સમીરને પણ ગુમાવો.અને પછી તમારો પણ વારો આવશે.ફોન કરીને સમીરની હાલત પુછી લે.” તિલકે ગુસ્સાથી કહ્યું.ત્રણે મિત્રોનાં મનમાં એક જ પ્રકારની મુજવણ ચાલી કે ‘આ તિલક તો બધુ જ જાણે છે.ઓમકાર મહારાજે લખેલો કાગળ તો કોરો જ હતો.એક તરફ એવું લાગે છે કે આ તિલકનું વર્તન વિચીત્ર છે.એક સામાન્ય રસોઇયો અમને શું મદદ કરશે? કયાંક આ કોઇ ચકકરમાં તો નથી ફસાવતો ને? કદાચ ઓમકાર મહારાજે અંદર જઇ આને ફોન કરી દીધો હોય.પણ ના ઓમકાર મહારાજ આવું ખોટું કરે એવું લાગતુ ન હતુ.જો આ ઓમકાર મહારાજનો ખાસ ઓળખીતો માણસ હોય તો આનાથી ડરવાની જરૂર નથી.’ આખરે વિમલે વિચારોમાંથી બહાર આવવા સમીર જયાં દાખલ હતો એ હોસ્પીટલમાં ફોન કર્યોં.એક ડોકટર સાથે મેડીકલની ભાષામાં વાત કરી.આખરે વિમલે ફોન કાપી તિલકનાં હાથમાં આપ્યોં.આ વખતે આકાશ અને રાજુ બંને વિમલનાં ચહેરે મીટ માંડીને અવાક ઉભા હતા.
“સમીરની હાલત....નાજુક છે.”
“તિલકભાઇ, અમને બચાવો.” આકાશથી એટલું જ બોલાયું.આગળ રાજુ પણ બોલ્યોં “શું તમારા ગુરૂ અમને આમાંથી ઉગારી શકશે?” તિલક તો કંઇ બોલ્યાં વિના બધાનાં મોબાઇલ અંદર મુકી આવ્યોં.બહાર આવીને એ બોલ્યોં “સમર્થ ગુરૂ છે.મને કોઇ શંકા નથી તો તમને પણ ન હોવી જોઇએ.હવે જલ્દી કરો....સમીર સુધી યમદુતો પહોંચે એ પહેલા આપણે મારા ગુરૂ પાસે પહોંચવું પડશે.” તિલકની વાતોમાં ફરજીયાત વિશ્વાસ મુકી ત્રણેય એકબીજા તરફ ચિંતીત દ્રષ્ટી કરી ચાલતા થયા.
ક્રમશઃ
--ભરત મારૂ