વાર્તા:-સેવા લેખક-જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.97252 01775
" એ રમણિયા એ રમેશિયા ક્યાં ખોવાઇ ગયા છો અલ્યા
મારી અંતિમ ઘડી આવી ગઇછે હવેતો મળવા આવો." સવારથી જેઠાભા નું આ રટણ ચાલતું હતું.જેઠાભા અઠવાડિયા થી પથારીવશ હતા.ડૉકટરે કહ્યું હતું કે દાદા બે દીકરાઓ ને મળવા તરસી રહ્યાછે.દીકરાઓને ફોન કરીને બોલાવો.
મોટો દીકરો રમણ હૈદરાબાદ રહેતો હતો.કમ્પ્યુટર એન્જિનિયરિંગ સારા ટકાએ પાસ કર્યા પછી તેને ઊંચા પગારની જૉબ મળી હતી.તે પછી જેઠાભાએ તેને પરણાવ્યો અને પરણ્યા પછી વહુને લઇને જ હૈદરાબાદ રહેવા ચાલ્યો ગયો.
નાનો દીકરો રમેશ એમ.કોમ.સુધી ભણ્યો હતો.તેને મુંબઇ નોકરી મળી.તે પણ પરણ્યા પછી વહુને લઇને મુંબઇ રહેવા જતો રહ્યો.બંને દીકરાઓ માબાપને પૈસા મોકલતા હતા પણ કદી મળવા આવતા નહોતા.એકજ જવાબ હતો કે નોકરીઓ સાચવવી હોયતો રજાઓ ની આશા રાખવી નકામી છે.જેઠાભા એકલવાયું જીવન જીવતા હતાં.મણિકાકી તો બંને દીકરાઓ ના લગ્ન પછી તુરંત સ્વર્ગે સિધાવ્યા હતા.
જેઠાભા પોતાના મિત્રો આગળ આ હૈયાવરાળ ઠાલવતા ત્યારે મિત્રો તેમને સમજાવતા કે હવે સમય જ એવો છે.તમારે તો બંને દીકરાઓ સુખી છે એટલે બસ એવું મનમાં રાખીને રાજી રહેવાનું.હવે આ જમાનામાં દીકરો ભેગો રહેશે અને સેવા કરશે એવી વ્યર્થ આશા નહીં રાખવાની.
જેઠાભા નું મન માનતું નહોતું.દીકરાઓને જીવની જેમ ઉછેરીને મોટા કર્યા,મિલકતો વેચીને ભણાવ્યા અને પરણાવ્યા અને હવે દીકરાઓ પાસે માબાપને મળવા સમય જ નથી.
એક બે પડોશીઓ એ રમણ અને રમેશને ફોન કરીને સમાચાર આપ્યા કે જેઠાભા સિરિયસ છે.તમને બંને ને ખૂબજ યાદ કરેછે તેમની થોડી સેવા છેલ્લે છેલ્લે કરી દો. તેમને દવાખાને દાખલ કરવાના છે,સેવા કરવાની છે અને કદાચ અવસાન થાયતો અંતિમ ક્રિયા કરવી પડે આ બધું તો તમારે જ કરવું પડશેને ભાઇ? પૈસા ખર્ચીને આ બધું કામ કેવી રીતે થશે? ભલે તમારી પાસે લાખો રૂપિયા હશે પણ ઘરના માણસો ક્યાંથી લાવશો?
દીકરાઓ એ ફોનમાં જવાબ આપ્યો કે પૈસેથી જ બધું થશે.તમે આ ચિંતા અમારા ઉપર છોડીદો.પડોશીઓને આ ઉદ્ધતાઇ ગમી તો નહીં.પડોશીઓને જેઠાભા નો ઓશિયાળો ચહેરો જોઇને ઘણો જીવ બળતો હતો.મારા દીકરા મારા દીકરા કરતો જે માણસ ગૌરવ લેતો હતો તે અત્યારે દીકરાઓ નાં મોં જોવા તરસતો હતો.
ફોન ઉપર વાતચીત થયાના બે દિવસ પછી ગામના જગદંબા ચૉક આગળ એક વાન આવીને ઊભી રહી.ડ્રાઇવરે કોઇને પૂછ્યું કે જેઠાભા નું ઘર ક્યાં આવ્યું? એક વડીલે ઘરનો રસ્તો બતાવ્યો.વાન જેઠાભા ના ઘર આગળ જઇને ઊભી રહી.અંદરથી આઠ યુવાનો ઉતર્યા અને જેઠાભા ના ઘરમાં ગયા.જેઠાભા નો લવારો ચાલુ જ હતો.તેમણે આ યુવાનો સામે પ્રશ્નાર્થ નજરે જોયું.યુવાનોએ કહ્યું કે અમે રમણ અને રમેશના મિત્રો છીએ.એ બંને બે ચાર દિવસ પછી આવશે.અત્યારે અમને તમારી સેવા કરવા મોકલ્યા છે દાદા.જેઠાભા ના બોખા ચહેરા ઉપર ઘણા સમય પછી સ્મિત જોવા મળ્યું.
પછીતો આ યુવાનોએ જેઠાભા ને સારી હોસ્પિટલમાં ભરતી કર્યા.દીકરો અને વહુ તો શું સેવા કરે એનાથી પણ સવાઇ સેવા કરી.જેઠાભા ના મિત્રો અને પડોશીઓ દંગ રહી ગયા.જેઠાભા પાણી માગે ત્યાં દૂધ હાજર.પણ જેઠાભા ઘણા સમયથી બિમાર રહેતા હતા એટલે શરીર કૃશ થઇ ગયું હતું એટલે અઠવાડિયા માં તો તેમણે અંતિમ શ્વાસ લીધા.છેલ્લે સુધી દીકરાઓ ને મળવાની ઇચ્છા તો પૂરી ના થઇ શકી.તેમની અંતિમ ક્રિયા પણ પડોશીઓ ની સાથે રહી આ યુવાનો એ પૂરી કરી.અંતિમ ક્રિયા અને લૌકિક ક્રિયા પણ આ યુવાનોએ પતાવી.જેઠાભા ના સમાજના માણસો પણ આ યુવાનોના કામથી સંતુષ્ટ થયા.પણ છેલ્લે સુધી બંને દીકરાઓ તો ના જ આવ્યા.
હવે આ યુવાનો ને વિદાય લેવી હતી.તેમણે જેઠાભા ના મિત્રો અને સ્નેહીઓ પાસે જઇને બે હાથ જોડીને રજા માગી.બધાએ કહ્યું કે દીકરાઓ તમેતો સગા દીકરા કરતાં પણ અદકેરી સેવા કરીછે.જેઠાભા ના આશીર્વાદ સદાય તમારી સાથે રહેશે.
પછી તો આ યુવાનોએ તેમના ખિસ્સામાં થી તેમના વિઝિટિંગ કાર્ડ બહાર કાઢ્યા અને ઉપસ્થિત બધા લોકોને આપ્યા.સહુએ કાર્ડ જોયા અને આંખો પહોળી થઇ ગઇ.
:- આશીર્વાદ પે સર્વિસ:-
આપના કુટુંબીજનો ની સેવા, અંતિમ ક્રિયા, લૌકિક ક્રિયા વિ.પ્રસંગો સફળતા પૂર્વક પાર પાડવા માટે સંપર્ક કરો.મો.નં.xxxxxxxxxx
(આવતા પાંચ વર્ષ પછી આ સ્થિતિ હશે.)