૧)
સમયે આ જવાની નકારી થવાની,
ન થઈ કોઈની કે તમારી થવાની...
ન લઈને પધાર્યા ન લઇને જવાના,
ભવિષ્યે બુઢ્ઢી આ ખુમારી થવાની...
જીવનમાં તું ખેલાડી હો કે અનાડી,
ખભા ચાર પર આ સવારી થવાની...
ચહેરા દિવાલી છબી થઈ જવાના
બધી નાટ કાયા મુરારી થવાની...
કડવું છે સત્ય આ થવાનું અચલ છે,
ભુતળ માં બધાની પથારી થવાની...
૨)
ગઝલ રૂપે શબ્દો ની આ કહાની લઈને આવ્યો છું,
નવા અંદાજ માં વાતો પુરાની લઈને આવ્યો છું
હજારો ગમ હૃદય માં હું સમાવીને ભલે બેઠો,
જગત કાજે સ્મિત ની જિંદગાની લઈ ને આવ્યો છું,
ઘણા ઓછા રહ્યા છે લાગણીઓ ને સમજનારા,
વિચારે તો શબ્દો માં વાત છાની લઈને આવ્યો છું,
તે આપેલા આ હાથોને ડર તારો રહ્યો નથી,
ખુદા સામે ફરીયાદ આ મુદ્દાની લઈને આવ્યો છું,
મુસીબત ના નડે આ આત્મવિશ્વાસી અચલ મન ને
અખુટ આવી હિંમત આસમાની લઈને આવ્યો છું
૩)
હું જાત, આફતો સામે લડાવામાં રહી ગયો...
શબ્દો પાસે વિચારોને ઘડાવામાં રહી ગયો
ફૂલો ને લાગણીઓ મુજ અજાણ્યા પર ઘણી હતી,
અને હું બસ પથ્થરો ને મનાવામાં રહી ગયો..
ઘણા નું મન બધા ની નિંદા કરવામાં રહે ભલે,
હું સૌ ને પ્રેમનાં પાઠો ભણાવામાં રહી ગયો...
જમાનો આ કયા દુઃખ પર રડતો હતો ખબર નથી,
હું સ્મિત સૌના મોઢા પર સજાવામાં રહી ગયો...
ઘણા બધા જગત માં આજ ખુદ ની શોધમાં ફરે,
અચલ તું તારા આત્મને દીપાવામાં રહી ગયો...
૪)
કોઈ કામે થી મળ્યા કોઈ અમસ્તાં મળ્યાં,
ઘણાં રોતા ને ઘણા ચહેરા હસતાં મળ્યાં...
ઘણેબધે આ પાણી વહે છે દરિયા ની જેમ,
કેટલાક નળો એક બુંદ માટે તરસતા મળ્યાં...
માં બાપ ને ભૂલી ઘણા સંતાનો છે નિજાનંદ માં,
ને ઘરડા નેણ આંસુઓમાં પલળતા મળ્યા...
ગીતા એ હાથ રાખી દોષીઓ છૂટી જાય છે,
સૌ નિર્દોષ ન્યાયના દરવાજે તડપતા મળ્યા...
અંતે અચલ અમીર હતા કે જે હતા ગરીબ,
કોઈ સળગતા તો કોઈ અહીં દટાતા મળ્યા...
૫)
ચમકતાં સિતારા નિહાળ્યાં કરું છું,
દરદ વિસરી મોજ માં હું ફરું છું..
કિનારા તણાયા મને ક્યાં ખબર છે!!
હમેશા હું તો મધ દરિયે તરું છું...
જુકી જાય ના માથું એ બીક ક્યાં છે
હું મસ્તક ને ઈશ ના પગોમા ધરું છું,
મને એક ઝટકે જ દુઃખ આપ હવે તું
હવે તો જીવન માં હું પળ પળ મરું છું,
અચલ આ ગઝલમાં નથી માત્ર શબ્દો,
કલમમાં હું બસ લાગણીઓ ભરું છું...
૬)
દુઃખ આખો દિવસ હસવાના,
રાતે છાના જઈ રોવાના...
દિલ લાગે મસ્તી માં પણ
અંદર આંસુના ખજાના...
પાપો સે'લા માણસ માટે,
એ ક્યાં કોઈ થી ડરવાના...
કર્મથી ક્યાં કોઈ છૂટ્યું,
હિસાબો સૌને ભરવાના...
અચલ કલમ થાકી ગઈ કે શું!!
પૂછ્યું ક્યાં સુધી લખવાના??..
ભલે સર્જન ગઝલના થાતા
"શૂન્ય" કોઈ નથી બનવાના...
૭)
શબ્દો નો દરિયો છે કાગળ પર સમાવી નહિ શકે,
કહેવું હોય તે કહી દે હવે લાંબુ છૂપાવી નહિ શકે...
મારા બધા કવન ને આટલા પ્રેમ થી ના વાંચ્યા કર,
જો કઈ યાદ રહી ગયું પછી તું ભૂલાવી નહિ શકે...
પ્રેમ ના બંધન નો પાયો જ આ છે અતૂટ વિશ્વાસ,
શંકા ના પવન માં તો પ્રેમ દીપ ને જલાવી નહિ શકે...
કર્મો ને જૂઠ ના પડદાઓ થી તમે ઢાંકી લો ભલે,
સમયના ચક્ર માંથી કોઈ કોઈને બચાવી નહિ શકે...
ભરોષો ખુદ પર અને શ્રદ્ધા ખુદા માં જો હોય તો,
ચાલ્યો જા અચલ કોઈ તને અટકાવી નહિ શકે...
૮)
આંસુઓ ની હવે એટલી અસર નથી,
લાગણીઓ ની હવે કોઈ કદર નથી..
હું જે હતો એ હવે તો રહ્યો નથી,
પણ જે છું એની કોઈને ખબર નથી..
કોઈને જટ મળે, કોઈને લાંબે ગાળે
કોણે કહ્યું કર્મનું કોઈ વળતર નથી...
મન છકાય ત્યારે યાદ કરી લેજો,
કે ઘર થી જાજી દૂર કબર નથી..
આમ તો આ શબ્દો અચલ છે,
અહીં કોઈની કલમ અમર નથી..
૯)
વિચારે વિચારે ભટકતો ફરે છે,
પ્રકારે પ્રકારે લટકતો ફરે છે...
મુસીબત સગી તો નથી કોઈ માટે,
બધે કેમ આમજ છટકતો ફરે છે...??
પ્રહારો કરાશે પથ્થરો મરાશે,
છુપી રૈ તું શા માટે ડરતો ફરે છે...??
દરિયો ગમે તે કરી પાર કર તો,
કિનારા ઓ પર કેમ તરતો ફરે છે...??
અચલ આ દુનિયા નું ક્યાં કઈ નક્કી છે!!
કેમ ભાવ માટે તડપતો ફરે છે...??
૧૦)
કોઈ પ્રેમ માં કોઈ નફરતથી લખે છે,
પણ હરકોઈ અહી હૃદયથી લખે છે...
કોઈ ચા ના કપ સાથે વરસાવે શબ્દોને,
કોઈ મસ્ત મોસમમાં સમયથી લખે છે...
કોઈના શબ્દો માં મૌન રહે છે મુલાકાત,
ઘણા લોકો વિરહને પ્રણયથી લખે છે...
ખુલ્લા મનથી કોઈ કરે વાત કાગળે પ્રેમની,
કોઈ આશિકી ને ઘણા વિનયથી લખે છે...
ભાષાઓ જુદી જુદી છે સૌના કવનની પણ,
સૌ કોઈ લાગણીઓના આશ્રયથી લખે છે...
અચલ છૂપાયા છે ઘણા આંસુ શબ્દો માં,
પોતાની જ વાત બીજાના નામથી લખે છે...