આંધ્ર પ્રદેશનો એક ગરીબ કાર વોશર કરોડપતિ એન્ત્રપ્રેન્યર બન્યો!
મહત્ત્વાકાંક્ષા અને મહેનત થકી માણસ અણધારી સફળતા મેળવી શકે
આશુ પટેલ
સુખનો પાસવર્ડ
આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લાના સંકારાયાલાપેટા ગામનું એક અત્યંત ગરીબ કુટુંબ એની માલિકીના કેટલાંક ઢોરનું દૂધ વેચીને ગુજરાન ચલાવતું હતું. એ કુટુંબમાં જન્મેલા બટ્ટાલા મુનુસ્વામી બાલકૃષ્ણને માતાપિતાએ ભણાવ્યો. મોટા થઈને બાલકૃષ્ણએ તેના ગામની નજીકના શહેર પેલામનેરુની ગવર્નમેન્ટ કૉલેજમાંથી ઓટોમોબાઈલ એન્જિનિયરીંગનો વોકેશનલ કોર્સ કર્યો.
એ પછી 1999માં બાલકૃષ્ણએ બેંગલોર જઈને નોકરી શોધવા માંડી. જો કે ઘણી રઝળપાટ પછી પણ બાલકૃષ્ણને નોકરી ન મળી. છેવટે તેણે બેંગલોરમાં મારુતિના ઓથોરાઈઝ્ડ શોરૂમ મારગાદાર્સી મોટર્સમાં કાર વોશર તરીકે નોકરી લઈ લીધી. કાર ધોવા માટે તેને બહુ ટૂંકો પગાર મળતો હતો.
બાલકૃષ્ણએ છ મહિના એ નોકરી કરી, પરંતુ તેને પોતાની એ જિંદગીથી સંતોષ નહોતો. છ મહિના પછી તે પોતાને ગામ ગયો ત્યારે તેને ખબર પડી કે સીઆરઆઈ પંપ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવની જગ્યા ખાલી પડી છે. તેણે એ જગ્યા માટે અરજી કરી. તેને એ નોકરી મળી ગઈ. તેણે ત્રણ વર્ષ માટે એ નોકરી કરી. તે સહકર્મચારીઓ સાથે ખુલ્લી જીપમાં આંધ્ર પ્રદેશના નેલ્લોર, ચિત્તૂર, અનંતપુર અને કુડ્ડાપાહ જિલ્લાઓમાં હાડમારીભરી મુસાફરી કરીને એ કંપનીની પંપ્સ વેચતો. એ દરમિયાન તેણે એ કંપનીના પબ્લિસિટી મૅનેજરની ભૂમિકા પણ ભજવી. કહેવા માટે એ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હતો પણ તેનો પગાર હતો બે હજાર રૂપિયા! તેણે 2004માં એ નોકરી છોડી ત્યારે તેનો પગાર 4800 રૂપિયા સુધી પહોંચ્યો હતો.
એ પછી બાલકૃષ્ણએ કોઈમ્બતુરની, મુંબઈની અને હૈદરાબાદની જુદી-જુદી કંપનીઝમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરી. આ રીતે 2010 સુધી તેણે નોકરી કરી. 2010માં તેણે લગ્ન કર્યા. એ સમયમાં તેને વિચાર આવ્યો કે હું વસ્તુઓ વેચવામાં કુશળ થઈ ગયો છું તો શા માટે મારો પોતાનો કોઈ ધંધો શરૂ ન કરું? 2011માં તેણે પોતાની એક લાખ, ત્રીસ હજાર રૂપિયાની મૂડી સાથે ધંધો શરૂ કરવાનો નિશ્ર્ચય કર્યો. તેણે 14,000 રૂપિયાના માસિક ભાડાથી સિકંદરાબાદમાં એક ઓફિસ લીધી.
બાલકૃષ્ણનો એક જૂનો સહકર્મચારી વોટરપ્યુરિફાયર બનાવતો થઈ ગયો હતો. તેની પાસેથી 20 વોટર પ્યુરિફાયર લાવીને બાલકૃષ્ણે એનું વેચાણ શરૂ કર્યું. એક મહિનામાં તેમણે ઘણા વોટર પ્યુરિફાયર વેચ્યા એ પછી તેને લાગ્યું કે આ ધંધામાં સારી કમાણી થાય એમ છે. તેણે એકવાપોટ આરઓ ટૅક્નોલોજીસ કંપની ચાલુ કરી અને વોટર પ્યુરિફાયરના પાર્ટસ ખરીદીને એનું એસેમ્બલિંગ શરૂ કર્યું. એ પછી મોટરસાઈકલ પર ફરીને તે પોતાના વોટર પ્યુરિફાયર વેચવા નીકળી પડતો. તે વોટર પ્યુરિફાયર રિપેર પણ કરી આપતો હતો.
બાલકૃષ્ણની આ રીતે શરૂ થયેલી કંપની જામવા માંડી અને તેમના વોટર પ્યુરિફાયર આંધ્ર પ્રદેશ ઉપરાંત તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં રાજયોમાં પણ વેચાતા થઈ ગયા. અત્યારે બાલકૃષ્ણની કંપનીનું કરોડો રૂપિયાનું ટર્નઓવર થઈ ગયું છે. ભારતમાં પંદરસો જેટલી કંપનીઝ વોટર પ્યુરિફાયર બનાવે છે એમાં બાલકૃષ્ણની કંપનીનું સ્થાન ટોચની વીસ કંપનીઝમાં આવી ગયું છે.
મહત્ત્વાકાંક્ષા અને લગન થકી માણસ અણધારી સફળતા મેળવી શકે છે એનો પુરાવો બી. એમ બાલકૃષ્ણ તરીકે જાણીતા થયેલા બટ્ટાલા મુનુસ્વામી બાલકૃષ્ણ છે.