સુખનો પાસવર્ડ - 11 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખનો પાસવર્ડ - 11

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક સામાન્ય માણસે એક વિખ્યાત ગાયક કુંદનલાલ સાયગલને એક વિનંતી કરી ત્યારે...

કોઈ અપેક્ષા વિના લોકોને મદદ કરનારી વ્યક્તિઓનું જીવન સાર્થક ગણાય

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

થોડા દિવસ અગાઉ ગઈ સદીના ખૂબ લોકપ્રિય ગુજરાતી ગાયક હેમુ ગઢવીના જીવનનો એક કિસ્સો લખ્યો હતો જેમાં એ વાત કરી હતી કે એક ગરીબ વૃદ્ધાનો દીકરો અકાળે મ્રુત્યુ પામ્યો એ પછી તે વ્રુદ્ધાની અરજને કારણે હેમુ ગઢવીએ તે વ્રુદ્ધાના બારમાના દિવસે તેના ઘરે જઈને આખી રાત ડાયરો કર્યો હતો. એ કિસ્સો વાંચીને વડીલ પત્રકારમિત્ર શિરિષ મહેતાએ જૂની હિન્દી ફિલ્મોના વિખ્યાત ગાયક-અભિનેતા કુંદનલાલ સાયગલના જીવનનો એક કિસ્સો યાદ કરાવ્યો.

કુંદનલાલ સાયગલ તેમના સમયના સૌથી વધુ મોંઘા ગાયક-અભિનેતા ગણાતા હતા. તેમનો કાર્યક્રમ યોજવા માટે લોકો તેમને મોં માગી રકમ ચૂકવવા તૈયાર થતા હતા.

એક વખત ઉત્તર પ્રદેશના એક ઉદ્યોગપતિએ સાયગલને ખાનગી પ્રોગ્રામ માટે આમંત્રિત કર્યા અને તેમને પચીસ હજાર રૂપિયા પુરસ્કાર આપવાની ઓફર કરી.

આ વાત સાત દાયકા અગાઉની છે, જ્યારે પચીસ રુપિયા પણ મોટી રકમ ગણાતી હતી અને બીજા ગાયકોને એક ગીત ગાવા માટે બસો-પાંચસો રુપિયા જેવી રકમ મળતી હતી.

જોગાનુજોગ મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જુનિયર ટેકનિશિયન તરીકે દૈનિક મહેનતાણાથી કામ કરનારા ગણપત નામના માણસે સાયગલ પાસે જઈને કહ્યું કે ફલાણા દિવસે મારી દીકરીનાં લગ્ન છે તો એ રાતે તમે કાર્યક્રમ કરશો?

સાયગલને યાદ આવ્યું કે એ જ દિવસે તો ઉત્તર પ્રદેશના મોટા ઉધ્યોગપતિએ ખાનગી કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે. જો કે તેમણે એક જ ક્ષણમાં નિર્ણય કરી લીધો અને કહ્યું કે હું તમારી દીકરીના લગ્નના દિવસે ચોક્કસ કાર્યક્રમ આપીશ.

સાયગલે પેલા ઉધ્યોગપતિને ના પાડી દીધી કે હું તમારે ત્યાં નહીં આવી શકું. તેમણે 25 હજાર રુપિયા જતા કર્યા, તે ઉધ્યોગપતિને નારાજ કર્યો અને એક જુનિયર ટેકનિશ્યનની દીકરીના લગ્ન પ્રસંગે એક પણ રૂપિયાની અપેક્ષા વિના મફતમાં કાર્યક્રમ આપ્યો લગ્નપ્રસંગમાં જઈને ગીતો ગાયા! અને ઉપરથી તે દીકરીને ભેટ આપી!

સફળ લોકોની પાછળ તો ગામ આખું દોડતું હોય છે, પણ સામાન્ય વ્યક્તિઓની પડખે ઊભા રહે એવા બહુ ઓછા માણસો હોય છે. કુંદનલાલ સાયગલ કે હેમુ ગઢવી જેવા ગાયકોની સ્મ્રુતિ માત્ર તેમના ગાયન ઉપરાંત તેમની આવી ઉદારતાને કારણે પણ ઘણા લોકોના મનના ખૂણે સચવાઈ રહ્યા છે.

કોઈ અપેક્ષા વિના લોકોને મદદ કરનારી વ્યક્તિઓનું જીવન સાર્થક ગણાય.

***