મારી ચૂંટેલી લઘુકથાઓ - 31 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 31

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

યુદ્ધ

તોપ અને ટેંક સાથે બંને દેશોની સેના આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ઉભી કરી દેવામાં આવી હતી. બંને દેશો વચ્ચે ગોરીલ્લા યુદ્ધ તો લાંબા સમયથી ચાલી રહ્યું હતું પરંતુ હવે કોઇપણ ક્ષણે યુદ્ધનું સ્પષ્ટ એલાન થવા જઈ રહ્યું હતું. બંને દેશોના નાગરિકોમાં પણ દેશપ્રેમની લાગણી પૂરા જોશમાં હતી. દરેક પળે ઉત્તેજના વધી રહી છે.

“શાંતિની ઈચ્છાને અમારી નબળાઈ ન સમજવામાં આવે!” અહીંથી કહેવામાં આવેલું નિવેદન ત્યાં જઈ રહ્યું હતું.

“અમને કાયર ન સમજતા. અમે અમારા પાછલા તમામ પરાજયનો બદલો લેવા માટે પૂરી રીતે તૈયાર છીએ.” ત્યાંથી ઉછાળવામાં આવેલું નિવેદન અહીં આવી ગયું હતું.

“પાડોશી દેશ પોતાની આતંકવાદની નીતિ બંધ કરે નહીં તો ફરીથી તેની ભૂગોળ બદલાઈ જશે.” ફરીથી એક ધમકી આ તરફથી પેલી તરફ મોકલવામાં આવી.

“અમે એટમ બોમ્બ શબે-બારાતમાં ફોડવા માટે નથી બનાવ્યા.” એક નવી ધમકી પેલી તરફથી આ તરફ આવી રહી હતી.

વિશ્વની મહાશક્તિ એક દેશની પીઠ પર સવાર થઇ ગઈ હતી. વિશ્વની મહાશક્તિ બીજા દેશની ગરદન સાથે ચોંટી ગઈ હતી. વિશ્વની મહાશક્તિ મંદીના ભરડામાં હતી.

બંને દેશોની જલસેનાઓના જંગી યુદ્ધ જહાજો સમુદ્રમાં આગળ વધી રહ્યા હતા. બંને દેશોના ફાઈટર વિમાનો આકાશમાં આંટા મારી રહ્યા હતા. બંને દેશોની સરહદો પર તોપ અને ટેન્કોમાં ગોળાઓ અને બારૂદ ભરવામાં આવી રહ્યા હતા.

મહાશક્તિના શસ્ત્ર નિર્માતાઓ ઉજવણી કરી રહ્યા હતા. તેમના કારખાનાઓમાં ત્રણેય પાળીઓમાં જોરશોરથી કામ ચાલી રહ્યું હતું.

મહાશક્તિના ચહેરા ઉપર કપટી સ્મિત છલકાઈ રહ્યું હતું.

***