ભાગ -૧૩
( આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમને સૃજનભાઈ મળે છે, વ્યોમ ભૂત બંગલા તરફ જાય છે હવે આગળ......)
વ્યોમ ગામના એક અજાણી વ્યક્તિ સાથે નીકળી પડે છે પોતાના મુકામ તરફ. ગામના ભાઈ વ્યોમને ભૂત બંગલા સુધી લઈ ગયા. વ્યોમે બહારથી જોયું. એમાં બંગલા જેવું તો કશું હતું નહીં. બે માળનું સાદું મકાન હતું. રંગરોગાન કર્યું હોય તો કદાચ વ્યોમને સામાન્ય લાગે, સારું તો નહીં જ. હા પણ ફળિયું બહુ મોટું હતું ને ફરતે થોરની હારમાળા. થોરને રાત્રે જોઈએ તો હારબંધ સિપાહીઓ લાગે. એટલે જ કદાચ બધાએ આ જગ્યાનું નામ ભૂત બંગલો પાડી દીધું હશે.
રસ્તામાં જોયેલા મકાનો કરતા કઈક ઠીકઠાક મકાન હતું. પેલા ભાઈ વ્યોમને બહાર મૂકી બોલ્યા,
"આ તમારો ભૂત બંગલો.... હવી રામરામ, હું રતિમાને જરાક રામરામ કરતો જાઉં..."
એમ કહી એ ભાઈ જતા રહ્યા. વ્યોમ કઈ કહે એ પહેલાં તો ક્યાંય આગળ નીકળી ગયા. આજુબાજુ કોઈ મકાન પણ નહીં ને માણસ પણ નહીં. સાવ જ એકલું આ મકાન ને વ્યોમ એકબીજા સામે તાકી રહ્યા. થોડીવાર તો વ્યોમને થયું કે પોતે પાછો જતો રે, પણ પ્રમોદભાઈનો ચહેરો યાદ આવતા એ વિચાર ઉડી ગયો. હવે નછૂટકે એને મકાનમાં પ્રવેશ કરવો પડે એમ જ હતો. એ થોરની વાડ ઓળંગી અંદર ગયો. દરવાજાને ખાલી સાંકળ વાંસેલી હતી. એ ખોલીને વ્યોમ અંદર ગયો. વ્યોમને હતું કે ઘરમાં કરોળિયાના ઝાળા સિવાય કશું નહીં હોય. પણ એણે અંદર જઈ જોયું તો થોડો હરખાઈ ગયો. ચોખ્ખું ચણક મકાન. કોઈ વસ્તુ અસ્તવ્યસ્ત ન હતી. જાણે કોઈ રહેતું હોય એવું લાગ્યું. જેણે પણ આ બધું રાચરચીલું ગોઠવ્યું હશે એ બહુ સુઘડ વ્યક્તિ હશે. વ્યોમ અંદર જઈ ખુરશી પર બેસી ગયો.
ભૂખ કકડીને લાગી હતી. સામાન હતો નહિ, કોઈ માણસ દેખાતું ન હતું. વ્યોમ હવે વિચારી વિચારી થાકી ગયો હતો. એણે લાકડાની સાદી ટીપાઈ પર પગ લાંબા કર્યા. થોડું આરામદાયક લાગ્યું, થાક, ચિંતાને કારણે વ્યોમને ઊંઘ આવી ગઈ.
ઉઠ્યો ત્યારે અંધારું થઈ ગયું હતું. હવે ખાવાનું શુ કરવું એવું વિચારતો હતો ત્યાં એની નજર ટેબલ પર પડેલી થાળી પર પડી, ખોલીને જોયું તો સરસ સ્વાદિષ્ટ જમવાનું હતું. કઈ પણ વિચાર્યા વગર વ્યોમે પહેલા તો જમી લીધું. જમ્યા પછી વિચાર આવ્યો આ ભૂત બંગલો છે તો આ જમવાનું કોઈ ભૂત તો નહીં મૂકી ગયું હોય ને ! ને પછી પોતે જ ખડખડાટ હસવા લાગ્યો.
વ્યોમને કોઈના આવવાનો અવાજ સંભળાયો. પાછળ જોયું તો કાળુ હતો. કાળુનું મોઢું હજુ પણ ફુલાવેલું હતું. કઈ પણ બોલ્યા વગર એ થાળી ઉપાડી બહાર નીકળી ગયો. વ્યોમે કાળુને બોલાવ્યો પણ એ પગ પછાડતો બહાર નીકળી ગયો. વ્યોમને સમજાયું કે સવારે જેને રોવડાવ્યો હતો એ જ છોકરો અત્યારે એને જમવાનું આપવા આવ્યો હતો.
ફરી વ્યોમ એકલો પડ્યો, ક્યાં એ આલીશાન બંગલો ને ક્યાં આ સામાન્ય મકાન, એ પણ એકલતાથી ઘેરાયેલું. આજે પહેલી વખત વ્યોમને ખબર પડી ચિંતા કોને કહેવાય એ. તકલીફ શું હોય એ. થોડી વાર એમ જ બેસી રહ્યો. પછી બહાર નીકળવાનું વિચાર્યું કે જઈને કોઈ સાથે વાત કરે. વ્યોમ બહાર નીકળતો હતો ત્યાં જ એક આધેડ ઉંમરના વ્યક્તિ એની સામે આવ્યા ને બોલ્યા,
" સાહેબ માફ કરશો આજે તો બહુ મોડું થઈ ગયું. પણ શું કરવું. ઓફિસનું કામ હોય એટલે જવું પણ પડે, અહીં તો કોઈ સુવિધા નથી તો વહીવટી કામ માટે છેક શહેર સુધી લંબાવું જ પડે. તમારા આવવાના સમાચાર તો મળી ગયા હતા, પણ કામ અગત્યનું હતું તો હું રતિમાને જાણ કરીને ગયો હતો કે તમે આવશો તો જરા સાચવી લેજો. કોઈ તકલીફ તો નથી પડીને સાહેબ..."
આટલું બોલી એ વ્યક્તિ હાંફી ગયા. સફરનો થાક એમના ચહેરા પર વર્તાતો હતો. પણ સ્ફૂર્તિ પણ ગજબની હતી. વ્યોમ બોલ્યો,
" તમે કોણ છો ?"
એમણે જવાબ આપ્યો,
"મારું નામ કરમદાસ છે, પણ બધા મને કરમાકાકા કહીને જ બોલાવે છે. હું અહીં ટ્રસ્ટનું વહીવટી કામ સંભાળું છું. તમારી રહેવાની, જમવાની વ્યવસ્થા મારા શિરે જ છે. દવાખાનું આજે તો નહીં હવે કાલે જોવા જઈશું. બે દિવસ પેલા જ તમારા આવવાની જાણનો પત્ર મળી ગયો હતો."
વ્યોમ બોલ્યો, " અચ્છા, કરમદાસ એ બધું તો ઠીક પણ મારો સામાન ચોરાઈ ગયો છે તો એ પેલા તો મને શોધી આપો. સામાન વિના હું શું કરીશ."
અત્યાર સુધી કરમાકાકા સાંભળવા ટેવાયેલા કરમદાસ એવું સાંભળી થોડા હતાશ થઈ ગયા. પણ પછી તરત સ્વસ્થ થઈ બોલ્યા,
" સાહેબ, અહીં ક્યારેય ચોરી થઈ નથી. હું હમણાં જ તપાસ કરું છું, પણ પેલા ચાલો તમને તમારો રુમ બતાવી દઉં."
ઉપર બીજા માળે વ્યોમને રહેવાની વ્યવસ્થા કરી હતી. વ્યોમ ને કરમદાસ ઉપર ગયા, દાદરો એકદમ સાંકળો હતો, પણ રુમ મોટો ને સુઘડ હતો. વ્યોમે ચારેતરફ નજર કરી. પછી એણે હરખની ચીસ પાડી. OMG...એનો સામાન તો રૂમમાં જ પડ્યો હતો. વ્યોમ તો જાણે સામાન નહિ ડીગ્રી મળી ગઈ હોય એટલો હરખાઈ પડ્યો. એને સમજાયું નહીં કે આ સામાન અહીં ક્યાંથી આવ્યો. વ્યોમ બોલ્યો,
"અરે મારો સામાન તો અહીં પડ્યો છે, પણ આ અહીં આવ્યો ક્યાંથી ? કોણ લઈ આવ્યું ? એ પણ મને પૂછ્યા વગર..."
હવે વ્યોમની સામાન મળવાની ખુશી કરતા તાલાવેલી વધી ગઈ કે આ સામાન લાવ્યું કોણ. કરમદાસ બોલ્યા,
"સાહેબ મેં નહતું કહ્યું કે ગામમાં ક્યારેય ચોરી થતા સાંભળી નથી. કદાચ રતિમાએ જ મુકાવ્યો હશે સામાન, બાકી કોઈની તાકાત છે કે ગામમાં કાંકરી પણ હલે."
વ્યોમે રતિમાનું નામ આ ત્રીજી વખત સાંભળ્યું, હવે છેક એનું ધ્યાન ગયું કે ગામનું કોઈ મોભાદાર વ્યક્તિ લાગે છે આ રતિમા. ને આ પોતાનો સામાન અહીં લઈ આવનાર એ વળી કોણ ? પોતે પોતાની વ્યવસ્થા કરી શકે એમ છે, આમ પૂછયા વગર લઈ જવું એ ક્યાંનો ન્યાય. મનમાં આવું કઈક વિચારતો વ્યોમ સામાન ચેક કરવા લાગ્યો કે કઈ ખોવાયું તો નથી ને સાથે સાથે રતિમા વિશે પણ વિચારવા લાગ્યો......
(કોણ છે આ રતિમા ? વધુ વાત આવતા ભાગમાં...)
© હિના દાસા