સોમદેવ, ભોજ, કૌટિલ્ય અને કાલિદાસ : એવિયેશન ટેક્નોલોજીનાં સદીઓ જૂનાં વિદ્વાન!
વૈમાનિક શાસ્ત્ર અને એમાં વર્ણવાયેલ ૩૨ પૌરાણિક સિદ્ધિઓ વિશે આપણે ગત અઠવાડિયાઓ દરમિયાન અવગત થયા. એ સિવાય પણ ઘણા સંસ્કૃતજ્ઞોએ પોતાનાં વિવિધ પુસ્તકોમાં એવિયેશન ટેક્નોલોજી અને વિમાનોનાં પ્રકારનો ઉલ્લેખ કર્યો છે.
(૧) કૌટિલ્યનું અર્થશાસ્ત્ર : રાજા હરિશ્ચંદ્ર અને સૌભિકનાં ‘સૌભ’ નામે એક શહેરનો ઉલ્લેખ કૌટિલ્યે પોતાનાં લખાણમાં કર્યો છે. જેનો અર્થ છે, “એવો વ્યક્તિ, જેની પાસે હવાઇ-વાહનો ઉડાડી શકવાની તકનિક છે.” તદુપરાંત, પાઇલોટ માટે તેમણે ‘આકાશ યોધિનઃ’ શબ્દનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ છે, “જેને આકાશમાં યુદ્ધ કરવા માટેની તાલીમ મળી હોય એ” !
(૨) સોમદેવ ભટ્ટનું કથાસરિતસાગર : રાજ્યધાર અને પ્રાણધાર નામે બે કારીગરો એકીસાથે ૧૦૦૦ મુસાફરો બેસી શકે એવા ઉડતાં રથ બનાવવામાં પાવરધા હતાં, જેને હવાની તેજ ગતિએ ઉડાવી શકવા સક્ષમ હતાં.
(૩) કાલિદાસનું કુમારસંભવ : ઇસવીસન પૂર્વે ૮૦૦માં કવિ કાલિદાસે લખેલા ‘કુમારસંભવ’માં, ઇન્દ્રનાં સોને મઢેલ રથનાં સારથિ ‘મતાલી’એ ઉચ્ચારેલા શબ્દો : “અહીંથી પૃથ્વી કેટલી બધી સુંદર દેખાઈ રહી છે..!” બીજી બાજુ, આધુનિક સમયમાં અવકાશમાં સફર કરનારા ભારતનાં સર્વપ્રથમ એસ્ટ્રોનોટ દીપક ચોપરાએ જ્યારે પૃથ્વીને જોઇ ત્યારે તેમણે પણ આ જ વાક્યનું ઉચ્ચારણ કર્યુ હતું.
(૪) રાજા ભોજનું સમરાંગણ સૂત્રધાર : અગિયારમી સદીમાં રાજા ભોજ લિખિત ‘સમરાંગણ સૂત્રધાર’નાં ૩૧મા પ્રકરણમાં પાઇલોટે કેવા કપડાં પહેરવા જોઇએ, ખાવા-પીવાની આદતો કેવી હોવી જોઇએ, પૌરાણિક વિમાનોની ડિઝાઇન, બનાવટ અને સાચવણી અંગેની માહિતી પૂરી પાડવામાં આવી છે. રાજા ભોજે પોતાનાં આ પુસ્તકને વિવિધ પુરાણો અને વેદોપનિષદનાં સારરૂપે તૈયાર કર્યુ છે. જેમાં વાસ્તુશાસ્ત્રથી માંડીને કળા, સ્થાપત્ય જેવા પુષ્કળ વિષયો આવરી લેવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે અમેરિકા, બ્રિટન અને જર્મનીએ ખાસ પ્રકારનાં સોલર ટ્રાવેલ અને ઇન્ટરસ્ટેલર ટ્રાવેલ માટે ‘સમરાંગણ સૂત્રધાર’માંથી અનુક્રમે ‘સૂર્ય મંડળ’ અને ‘નક્ષત્ર મંડળ’નો અભ્યાસ કર્યો હતો. જેમાં વિમાનનાં સાવ મૂળભૂત ટેકટિક્સથી માંડીને એડવાન્સ્ડ લેવલનું મિકેનિઝમ સમજાવવામાં આવ્યું છે.
એમાંય ખાસ કરીને યંત્રો વિશેનાં વર્ણનો ધરાવતાં પ્રકરણો સૌથી વધુ રસપ્રદ છે. શ્લોક ક્રમાંક ૯૫થી ૧૦૭માં મોટેભાગે વિમાનો અને રોબોટ અંગેનું લખાણ છે. મરક્યુરી એન્જિન ધરાવતાં વિમાનોને અલગ-અલગ પ્રકારે ઉડાડવા માટેનાં સિદ્ધાંતો અને એની ખાસિયતો વિશે પણ ઘણું કહેવાયું છે. ઉષ્ણમભાર, ઉષ્ણપ અને રાજામ્લાત્રિત જેવી કંઇ-કેટલીય ધાતુઓનાં ઉપયોગ વડે ગરમી શોષી લે એવા વિમાનો કેવી રીતે બનાવવા, સાત પ્રકારનાં અરીસાઓ અને લેન્સનો ઉપયોગ આક્રણાત્મક તથા રક્ષણાત્મક રીતે કરવા માટેનાં યોગ્ય સૂચનો દર્શાવાયા છે. ‘પિંજુલ’ અરીસાનો ઉપયોગ શત્રુ-વિમાન તરફથી છોડવામાં આવતાં લેસર-કિરણોથી પોતાનું રક્ષણ મેળવવા માટે થતો એ વાતનો ઉલ્લેખ છે. આજનાં સમયમાં જે લેસર-ટેકનોલોજીનો ઉપયોગ શત્રુ-વિમાનનો ખાત્મો બોલાવવા માટે કરવામાં આવે છે એને ‘સમરાંગણ સૂત્રધાર’માં ‘મરિક’ નામ આપવામાં આવ્યું છે.
થોડાં વર્ષો પહેલા ચીનનાં પુરાતત્વશાસ્ત્રીઓને તિબેટનાં લ્હાસા જિલ્લામાંથી સંસ્કૃત ભાષામાં લખાયેલું કેટલુંક પૌરાણિક સાહિત્ય મળી આવ્યું, જેને યુનિવર્સિટી ઓફ ચંડીગઢનાં સંસ્કૃત મહાપંડિત પાસે મોકલી અપાયું. પુષ્કળ રીસર્ચ કર્યા બાદ ત્યાંના એક વૈજ્ઞાનિક ડૉ. રૂથ રૈને જણાવ્યું કે તિબેટમાંથી મળી આવેલા આ રહસ્યમય સંસ્કૃત-સાહિત્યમાં એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર જવા માટેની સ્પેસશીપ વિકસાવવા માટેની ટેક્નોલોજી અંગે માહિતી આપવામાં આવી છે! અઢારમી સદીનાં આધ્યાત્મિક યોગ-ગુરૂ સ્વામી દયાનંદ સરસ્વતી અને મહાન વૈજ્ઞાનિક આચાર્ય ભારદ્વાજે પણ ગુરૂત્વાકર્ષણબળની વિરૂદ્ધ દિશામાં (એક પ્રકારની સિદ્ધિ, જેને સંસ્કૃતમાં ‘લઘિમા’ કહે છે!) ઉડી શકનારા પૌરાણિક વિમાનોની વાતને માન્ય ઠેરવી છે. પુરાણકાળમાં આપણે ત્યાં આવા વિમાનોને પણ ‘અસ્ત્ર’ કેટેગરીમાં મૂકવામાં આવ્યા હોવાને કારણે ભારતીય વૈજ્ઞાનિકોએ આ થિયરીને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં ન લીધી. પરંતુ કેટલાક ચીની વૈજ્ઞાનિકોએ એમનાં ‘સ્પેસ પ્રોગ્રામ સ્ટડી’ માટે અથથી ઇતિ સુધી આ સાહિત્યનો અભ્યાસ કર્યો છે.
કુલ ૨૫ પ્રકારનાં વિમાનોનો ઉલ્લેખ પુરાણોમાં થયેલો છે : શકુન, સુંદર, રૂક્મ, મંડળ, વક્રતુંડ, ભદ્રક, રૂચક, વિરાજક, ભાસ્કર, અજાવર્ત, પૌષ્કળ, વિરાંચિક, નંદક, કુમદ, મંડર, હંસ, શુકાસ્ય, સૌમ્યક, ક્રૌંચક, પદ્મક, સ્યામિક, પંચબાણ, ઔરિયાયન, પુષ્કર અને કોદંડ! ‘સમરાંગણ સૂત્રધાર’ ઉપરાંત ‘અમરાંગ સૂત્રધાર’માં પણ બ્રહ્મા, વિષ્ણુ, યમ, કુબેર અને ઇન્દ્રનાં વિમાનો અંગે વિગતવાર વર્ણનો વાંચવા મળે છે.
(૧) રૂક્મ : શંકુ આકારનું સુવર્ણ રંગનું વિમાન.
(૨) સુંદર : રોકેટ આકારનું ચાંદી રંગનું વિમાન.
(૩) ત્રિપુર : ત્રણ પાયાવાળું વિમાન.
(૪) શકુન : પક્ષી આકારનું પાંખોવાળું વિમાન.
ઉપરોક્ત ચાર પ્રકારનાં વિમાનોનાં આધારે બીજા ૧૧૩ પેટા-વિમાનો પણ પુરાણકાળમાં અસ્તિત્વ ધરાવતાં હતાં. કેટલાક વિમાનોમાં સૂર્યનાં કિરણોને શોષી તેનો ઉપયોગ સૌર-ઉર્જાનાં સંગ્રહ માટે કરવામાં આવતો! હવે શકુન, ત્રિપુર, સુંદર અને રૂક્મ વિમાનો વિશે થોડું ઉંડાણમાં ઉતરીએ.
(૧) શકુન વિમાન : કુલ આઠ ભાગમાં વહેંચાયેલ આ વિમાન, દેવોનાં ઉડ્ડયન માટે ઉપયોગમાં લેવાયાનો ઉલ્લેખ છે. પીઠ (ફ્લોર-બોર્ડ), વિદ્યુતયંત્ર (ઇલેક્ટ્રિક જનરેટર), વાતપયંત્ર (એર-સક્શન પાઇપ), દિક્પ્રદર્શન-ધ્વજ, શકુનયંત્ર, ઔશન્યાકયંત્ર (એન્જિન), કિરણાકર્ષણ-મણિ જેવા ભાગોથી બનાવવામાં આવેલું શકુન વિમાન પૌરાણિક સમયનું સૌથી સુસજ્જ વિમાન માનવામાં આવે છે, જેમાં દરેક પ્રકારનાં અસ્ત્રો-શસ્ત્રોનો સમાવેશ કરી શકાતો. ત્રણ લંબ હાર (ટાયર્સ)માં નિર્મિત શકુન વિમાનમાં વોટર-જેકેટ, ઓઇલ ટેન્ક, એર હીટર, સ્ટીમ બોઇલર, એર કમ્પ્રેશર, હીટ એન્જિન બેસાડવામાં આવ્યા હોવાનું વર્ણન પણ સંસ્કૃત સાહિત્યોમાં મળી આવે છે.
કોઇ પણ સામાન્ય માણસ આ બધું વાંચીને સીધી દલીલો કરવાનું શરૂ કરી દેશે કે ઋષિ-મુનિઓ તો મહાકાવ્યો અને કથાઓ લખવા ટેવાયેલા હતાં. ઉપરોક્ત તમામ વાતો પણ એમની એક કલ્પના માત્ર જ હોઇ શકે! આવા હાઇ-ટેક વિમાનો અત્યારનાં અત્યાધુનિક જમાનામાં પણ શોધી નથી શકાયા તો પૌરાણિક સમયમાં તો એ ક્યાંથી સંભવ બની શકે!? સ્પિરિચ્યુલ વર્લ્ડ અને મિકેનિકલ વર્લ્ડને એકબીજા સાથે કઈ રીતે સરખાવી શકાય? પરંતુ પુરાતત્વ-વિભાગને મળેલા પુરાવાઓ તો કંઈ ખોટા ન હોઇ શકે ને વાંચકમિત્રો? કેટલીક ઐતિહાસિક ઘટનાઓ આપણા હાલનાં મોડર્ન-યુગ કરતાં પણ ક્યાંય એડવાન્સ હતી એ વાતને દરેક વ્યક્તિ જાદુ-ચમત્કાર તરીકે ઓળખે છે, વિજ્ઞાન તરીકે નહીં! શકુન વિમાન સિવાય ત્રિપુર, સુંદર અને રૂક્મ વિમાનોની અદ્ભુત રચના, તેની બનાવટ, કાર્યક્ષમતાની અવનવી વૈજ્ઞાનિક વાતો સાથે આવતાં અઠવાડિયે ફરી મળીશું.. અહીં જ!
bhattparakh@yahoo.com