મારી ચૂંટેલી લઘુકથાઓ - 25 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 25

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

અવાક

પોતાની ઝુંપડીની બહાર ઢીલા પડી ગયેલા પલંગ પર બેસેલો સુખિયા વિચારના વમળમાં ફસાઈ ગયો હતો. દિવાળી પર શાહુકાર પાસેથી સો રૂપિયે પાંચ રૂપિયા વ્યાજ આપવાની શરત પર લીધેલા બે હજાર રૂપિયા દશેરા આવતા આવતા ચાર હજાર કેવી રીતે થઇ ગયા. એ તો અભણ હતો, તો સાચો હિસાબ કેવી રીતે લગાવે?

હાથમાં રહેલી બીડી બુઝાઈ જવાની તૈયારીમાં હતી, તેને તેણે જોરથી સુટ્ટો લગાવીને ફરીથી સળગાવી દીધી. નજર સામે તેનો દીકરો પીઠ પર ભારે ભરખમ સ્કુલ બેગ લટકાવીને આવી રહ્યો હતો.

“સાંભળ તો દીકરા, તને વ્યાજના દાખલા આવડે છે?” પ્રશ્ન સાંભળીને એનો દીકરો એના મોઢા સામે જોવા લાગ્યો.

“અરે, ચૂપ કેમ છે? જવાબ આપ?”

દીકરાએ ‘ના’ માં માથું હલાવી દીધું.

“તું તો સાતમામાં ભણે છે અને વ્યાજના દાખલા નથી આવડતા?” સુખિયાએ કપાળ કૂટ્યું. દીકરો ધીમેકથી અંદર જવા લાગ્યો.

“સાંભળ, દફ્તર અંદર રાખ અને મારી સાથે ચાલ.”

“ક્યાં?” દીકરો આશ્ચર્યચકિત થઇને તેની સામે જોવા લાગ્યો.

“તારા માસ્તર પાસે, મારે પૂછવું છે કે એ તને ભણાવે છે કે નહીં?”

“પણ બાપુ, હું સ્કુલ ભણવા માટે થોડો જાઉં છું?”

“તો?”

“હું તો સ્કુલ એટલા માટે જાઉં છું કે બપોરે પેટભરીને જમવાનું મળે. જો હું છોટુ માટે પણ લઇ આવ્યો છું.” દીકરાએ પોલીથીન બેગ પોતાના દફ્તરમાંથી કાઢીને પોતાના બાપને પકડાવી દીધી.

આ સાંભળીને સુખિયા દંગ થઇ ગયો. “પણ માસ્તરોને પગાર તો ભણાવવા માટે મળે છે ને? એમણે તો બાળકોને ભણાવવા જોઈએ.”

“પણ બાપુ, માસ્ટરજી તો ખાવાનું રાંધવામાં અને તેને પીરસવામાં જ વ્યસ્ત રહે છે, તો એ અમને ભણાવે ક્યારે?”

હવે સુખિયા અવાક થઈને ઉભો હતો.

***