ઋગ્વેદનાં ઋષિઓ ક્લોન્સ વિશે જાણતાં હતાં..!?
ક્લોનિંગનાં કોન્સેપ્ટથી હજુ આપણે ઘણા અજાણ છીએ. વૈજ્ઞાનિક આંટીઘૂંટીઓમાં પડ્યા વગર, સરળ ભાષામાં કહેવું હોય તો, ક્લોનિંગ એટલે એવી પ્રક્રિયા જેમાં દરેક પ્રાણી-પશુ-પંખી-મનુષ્યનાં ડીએનએ (DNA)માંથી તેનાં જેવું દેખાતું બીજું રૂપ તૈયાર કરી શકાય. પેદા થનાર ક્લોનનો ચહેરો, સ્વભાવ, શારીરિક બંધારણ, જેનેટિક કોડ બધું જ તેનાં પિતૃ ડીએનએની પ્રતિકૃતિ ગણી શકાય. એમ કહો ને કે, ક્લોનિંગ વડે મારા-તમારા જેવો આખેઆખો બીજો માણસ પેદા કરવો શક્ય છે. એ પણ એક-બે નહીં, અસંખ્ય! ક્લોનિંગ માટે ફક્ત એક જીવિત કોષની આવશ્યકતા પડે છે. તેને વિજ્ઞાનની મદદથી અન્ય કોઇ પણ જીવનાં ગર્ભમાં દાખલ કરાવવો સંભવ છે. પરંતુ મુશ્કેલી એ છે કે હાલ, વિશ્વનાં લગભગ તમામ દેશોએ માનવ-ક્લોન્સ પર પ્રયોગો કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે. તેમની ચિંતા સ્વાભાવિક છે. ધારી લો કે, કોઇક માથાફરેલ વૈજ્ઞાનિકે તાલિબાની આતંકવાદી જૂથનાં વડાનું ક્લોન તૈયાર કરી નાંખ્યુ તો!? દુનિયા કેવી ભયંકર મુશ્કેલીમાં સપડાઈ જાય! ઓસામા-બિન-લાદેનને મારવામાં અમેરિકાને આંખે અંધારા આવી ગયા હતાં, તો અગર આવા બીજા હજારો ઓસામાઓ પેદા થઈ જાય તો વિશ્વનો શું હાલ થાય? આવી કલ્પના પણ આપણને ધ્રુજાવી મૂકવા કાફી છે. આમ છતાં અમુક દેશો છાનેછપને ક્લોનિંગ પર સતત નિતનવા પ્રયોગો કરી રહ્યા છે. કેટલીય સિક્રેટ ઓર્ગેનાઇઝેશન છેલ્લા ચાર-પાંચ દાયકાઓથી હ્યુમન-ક્લોનિંગને સફળ બનાવવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે.
ઇ.સ. ૧૯૯૭ની સાલમાં કલોનિંગનો સૌપ્રથમ સફળ પ્રયોગ એક ઘેટા પર થયો. પરંતુ એમાં પણ વૈજ્ઞાનિકોને ૨૭૭ વખત નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ સફળતા હાથ લાગી હતી. વિશ્વની ફક્ત બે ટકા પ્રાણી-પ્રજાતિ પર ક્લોનિંગ સફળતાપૂર્વક થઈ શક્યું છે. બાકીની ૯૮ ટકા પ્રાણી-પ્રજાતિનાં ગર્ભમાં કંઇ-કેટલીયવાર ડીએનએ વડે ક્લોન પેદા કરવાની કોશિશો થઈ, પરંતુ તદ્દન નિષ્ફળ! માનવ-ક્લોન ઉભા કરવા એ તો આનાથી પણ વધારે જટિલ કાર્ય છે. આપણામાંથી જેમણે ‘એવેન્જર્સ : એજ ઓફ અલ્ટ્રોન’ જોયું હશે એમને ખ્યાલ છે કે ટોની સ્ટાર્ક દ્વારા તૈયાર થયેલો આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ ધરાવતો ખૂંખાર રોબોટ અલ્ટ્રોન પોતાનાં જેવા અસંખ્ય નવા રોબોટ તૈયાર કરે છે. જાણવા જેવી વાત એ છે કે, રોબોટિક ક્લોન તૈયાર કરવા એ કોઇ મોટી વાત નથી, પરંતુ રંગસૂત્રોની અદલાબદલી કર્યા બાદ માણસ જેવી અદ્દલોદ્દલ પ્રતિકૃતિ ઉભી કરવાનું કામ તો લોઢાનાં ચણા ચાવવા કરતાં પણ વધુ મુશ્કેલ છે.
સવાલ એ છે કે આપણા ધાર્મિક ગ્રંથોમાં ક્લોનિંગની કોઇ વિશેષ સમજૂતી આપવામાં આવી છે કે નહીં? કેટલીક કથાઓમાં ઋષિ-મુનિઓએ ઘોડા તેમજ ગાયની અન્ય પ્રજાતિઓ ઉત્પન્ન કર્યાનાં ઉદાહરણો મૌજૂદ છે. શરૂઆત ઋગ્વેદથી કરીએ. ઋભુ, વજ્ર અને વિભુ નામનાં ત્રણ ભાઈઓની વાત આપણે ત્યાં ઘણી પ્રખ્યાત છે. તેમનાં પિતાનાં વૃધ્ધત્વને યુવાન સ્વરૂપ આપવા માટે એમનાં શરીરમાંથી ત્રણે ભાઈઓને ઉત્પન્ન કરવામાં આવ્યા. તેમની ઉત્પત્તિને ઋગ્વેદમાં સાત અલગ-અલગ મુનિઓ (કણ્વ મેધાતિથિ, અંગિરસ કુત્સ, દીર્ઘતમસ, વિશ્વામિત્ર, વામદેવ, વશિષ્ઠ મૈત્રવરૂણી, શ્રૃણુ અર્ભવ)એ સાત શ્લોકો વડે વર્ણવી છે. ધ્યાનાકર્ષક બાબત એ છે કે દરેક ઋષિ-મુનિઓ જુદી-જુદી પેઢીનાં છે. જે બાબત કદાચ સૂચવે છે કે, ભારતમાં ક્લોનિંગ-સાયન્સ સદીઓ સુધી અસ્તિત્વમાં રહ્યું હતું. તો ચાલો, ઋગ્વેદનાં એ તમામ શ્લોકોની વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ.
युवाना पितरा पुनः सत्यमन्त्रा रजूयवः |
रभवो विष्ट्यक्रत ||
(ઋગ્વેદ ૧.૨૦.૪)
સંદર્ભ : અસરકારક મંત્રશક્તિ (પ્રાર્થના), પ્રામાણિકતા અને તમામ શક્ય પ્રયાસો વડે ઋભવ-ભાઈઓનાં માતા-પિતાને પુનઃ યૌવન પ્રાપ્ત થયું.
અહીં એક વાત એ પણ સમજવા જેવી છે કે, ક્લોનિંગ વડે ઋભવ-ભાઈઓની ઉત્પત્તિ થઈ એટલું જ નહીં, પરંતુ એમનાં કોષમાંથી માતા-પિતાને પણ વૃધ્ધત્વમાંથી છૂટકારો મળ્યો!
पुनर ये चक्रुः पितरा युवाना सना यूपेव जरणा शयाना |
ते वाजो विभ्वां रभुर इन्द्रवन्तो मधुप्सरसो नो ऽवन्तु यज्ञम ||
(ઋગ્વેદ ૪.૩૩.૩)
સંદર્ભ : ખરી ચૂકેલા પાનની માફક વૃધ્ધત્વ ધારણ કરેલા એનાં માતા-પિતાને યૌવન અર્પિત કરનાર (ઋભવ ભાઈઓ)ને દેવો આશિર્વાદ બક્ષે.
ઋભવ ભાઈઓનો જન્મ થયો ત્યારે દુધાળી ગાયોની ખૂબ અછત વર્તાઈ રહી હતી. લોકોને પીવા પૂરતું દૂધ પણ નસીબ નહોતું થતું. ઋભવ ભાઈઓને એક એવી ગાય પેદા કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું, જે અન્યો કરતાં વધુ પ્રમાણમાં દૂધ આપી શકે! ઋગ્વેદની અમુક ઋચાઓમાં ગાયની પીઠ પરથી લેવામાં આવેલા કોષનું વર્ણન કરે છે, જે ખરેખર વાંચવા જેવું છે :
निश्चर्मण रभवो गामपिंशत सं वत्सेनास्र्जता मातरं पुनः |
सौधन्वनासः सवपस्यया नरो जिव्री युवाना पितराक्र्णोतन ||
(ઋગ્વેદ ૧.૧૧૦.૮)
સંદર્ભ : હે ઋભવ, ગાયનાં ચર્મમાંથી ઉદ્ભવ થયેલા ગાયનાં નવા બચ્ચા પાસે તેની માતાને ફરી લઈ આવવામાં આવે.
હવે પછીની ઋચા તો સૌથી વધુ ધ્યાન ખેંચે એવી છે, કારણકે એમાં સાફ શબ્દોમાં કહેવાયું છે કે, (ક્લોનિંગની) આ સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ કરવામાં ઋભવ ભાઈઓને લગભગ એક વર્ષનો સમય લાગ્યો!
यत संवत्सम रभवो गाम अरक्षन यत संवत्सम रभवो मा अपिंशन |
यत संवत्सम अभरन भासो अस्यास ताभिः शमीभिर अम्र्तत्वम आशुः ||
(ઋગ્વેદ ૪.૩૩.૪)
સંદર્ભ : સતત એક વર્ષ સુધી દૂઝણી ગાયને ઋભવ ભાઈઓએ પોતાની પાસે રાખી તેનું સંવર્ધન કર્યુ, તેનાં અંગો વિકસાવ્યા…
મોટો ભાઈ એક કોષમાંથી ફક્ત બે ગાયો બનાવવા માંગતો હતો, પરંતુ સૌથી નાના ભાઈને એ મંજૂર નહોતું આથી એણે ત્રણ ક્લોન્સ બનાવવાનો આગ્રહ કર્યો.
जयेष्ठ आह चमसा दवा करेति कनीयान तरीन कर्णवामेत्य आह |
कनिष्ठ आह चतुरस करेति तवष्ट रभवस तत पनयद वचो वः ||
(ઋગ્વેદ ૪.૩૩.૫)
સંદર્ભ : મોટા (જયેષ્ઠ)એ કહ્યું, “આમાંથી બે બનાવીએ”. કનિષ્ઠ (નાના)એ કહ્યું, “ના, ત્રણ બનાવીએ.”
હવે પછીની ઋચા સૂચવે છે કે, એક વર્ષનો સમય વીત્યા બાદ ગાય અને ઘોડાનું નવું સ્વરૂપ તૈયાર થયું.
अपो हय एषाम अजुषन्त देवा अभि करत्वा मनसा दीध्यानाः |
वाजो देवानाम अभवत सुकर्मेन्द्रस्य रभुक्षा वरुणस्य विभ्वा ||
(ઋગ્વેદ ૪.૩૩.૯)
આ કામ પૂરું થયે, ઋભવ ભાઈઓને સ્વર્ગનાં રાજા ઇન્દ્ર માટે અત્યંત શક્તિશાળી અશ્વો બનાવવાનું કાર્ય સોંપાયું. પહેલા તો તેમણે ‘હરિ’ નામક અશ્વને ઉત્પન્ન કરી ઇન્દ્રને સોંપ્યો. પરંતુ તેનાં રથને ખેંચવા માટે ફક્ત એક અશ્વથી કામ ચાલે એમ ન હોવાને કારણે તેમણે ‘હરિ’નું ક્લોન તૈયાર કર્યુ. જેનો પુરાવો નીચેનાં શ્લોક વડે મેળવી શકાય છે :
तक्षन रथं सुव्र्तं विदम्नापसस्तक्षन हरी इन्द्रवाहा वर्षण्वसू |
तक्षन पित्र्भ्यां रभवो युवद वयस्तक्षन्वत्साय मातरं सचाभुवम ||
(ઋગ્વેદ ૧.૧૧૧.૧)
निश्चर्मणो गामरिणीत धीतिभिर्या जरन्ता युवशा ताक्र्णोतन |
सौधन्वना अश्वादश्वमतक्षत युक्त्वा रथमुप देवानयातन ||
(ઋગ્વેદ ૧.૧૬૧.૭)
હવે, આ સમગ્ર પ્રક્રિયા કઈ વૈજ્ઞાનિક પધ્ધતિને અનુસરીને કરવામાં આવી એનાં વિશે પણ થોડું જટિલ વિશ્લેષણ ઋગ્વેદમાં આપવામાં આવ્યું છે, જેનો શ્લોક કંઈક આ મુજબ છે :
तत सविता वो अम्र्तत्वामासुवदगोह्यं यच्छ्रवयन्त ऐतन |
तयं चिच्चमसमसुरस्य भक्षणमेकं सन्तमक्र्णुता चतुर्वयम ||
(ઋગ્વેદ ૧.૧૧૦.૩)
પ્રાચીન સમયમાં ‘ચિત્ત ચમસ’નાં ઘણા શબ્દાર્થ થતાં. પરંતુ અહીં ચમસનો અર્થ છે : કોષ અથવા ગર્ભપેશી. ઘણા સંસ્કૃતજ્ઞો ચમસનો અર્થ ‘પીવાનો પ્યાલો’ એવો પણ કરે છે. પરંતુ શ્લોકમાં સાફ શબ્દોમાં દર્શાવાયું છે કે, ચમસને ચાર એકસરખા ભાગમાં વહેંચવામાં આવ્યા! પ્યાલાનાં ચાર વિભાજન તો કઈ રીતે શક્ય છે? એનાં બદલે જો ‘ચમસ’નો અર્થ ‘કોષ’ અથવા ‘ગર્ભપેશી’ કરવામાં આવે તો સમજી શકાય એવી વાત છે કે એક કોષનાં ચાર જુદા જુદા વિભાજન વડે ચાર પ્રાણીઓનો જન્મ થયો.
bhattparakh@yahoo.com