અણધારી કિસ્મત
ખુશનુમા સવાર અને સુરજના હુંફાળા કિરણો આંખ પર સ્પર્શતાની સાથે જ ઉઠી એક અલ્લડ છોકરી. નામ અમી. 16વર્ષની જ આમ તો, પણ ઉંમર કરતાં ઘણી વધારે જ સમજદાર કહી શકાય એવી. બાળપણ પોતાની જ રીતે મસ્તીમાં જીવી લીધું. ક્યારેય કોઈની ફરિયાદ કરવા જેવી તો અક્કલ પણ ક્યાં હતી ? જાણે જન્મથી જ ચાલશે, ભાવશે અને ફાવશેનો મંત્ર લઇને આવી હતી.
એક મોટા સામાજિક રુવાબ ધરાવતા, મધ્યમ વર્ગીય કુટુંબમાં અમીનો જન્મ થયો. દાદા-દાદી, પપ્પા-મમ્મી, કાકા-કાકી બધા જ સાથે જ રહેતાં. સમય જતાં દાદાજીના દેહાંત પછી સંયુક્ત કુટુંબ વિભક્ત કુટુંબમાં ફેરવાઈ ગયું. હવે દાદી, પપ્પા-મમ્મી અને નાનો ભાઈ કુશ એજ અમીનો પરિવાર હતો.
આમ તો જમાના સાથે બદલાયેલા ખરા પણ છતાં મનમાં ઘર કરી ગયેલી અમુક જૂનવાણી વિચારોના કારણે કદાચ પપ્પા ગીરીશભાઈ અને મમ્મી શિલાબેન, અમીને કુશની સરખામણીએ સરખો ન્યાય આપી ના શકતા. અમીને દરેક વાતમાં છોકરી હોવાનો અહેસાસ અને ક્યારેક અફસોસ પણ થતો.
ફરવા જવું હોય કે રમકડાં લેવાના હોય, અમી ને ક્યારેય પસંદગીનો અવસર મળતો નહીં. ક્યારેક ''મોટી છે તું'' કહી ને તો ક્યારેક ''તું છોકરી છે'' કહીને મમ્મી એનું મન વળાવી લેતા. અમી પણ ક્યારેય કંઈ મનમાં રાખ્યા વગર જ કુશની ખુશીમાં જ પોતાની ખુશી શોધી લેતી.
આજ-કાલ કરતાં અમીએ 70 ટકા સાથે દસમુ ધોરણ પાસ કર્યું. સારા ટકાએ પાસ થવાની ખુશીના બદલે ઘરમાં એને સારી જગ્યાએ વળાવાની ચિંતા વધારે થવા લાગી.
ચાર મહિનાના વેકેશન પિરિયડમાં દાદી પાસે ભરત-ગૂંથણ કે કપડાં સિવવાની તાલીમ શરૂ થઈ ગઈ. હંમેશાથી કંઈક નવું શીખવાની તાલાવેલીના લીધે અમી પણ કંઈક વધારે જ ઝડપથી બધું શીખતી ગઈ. વેકેશન પૂરું થતાં જ ઘરકામ, રસોઈ વગેરેમાં પણ એ પાવરધી થઈ ગઈ.
વડીલોની આનાકાની વચ્ચે પપ્પાએ કોલેજ કરવાની મંજૂરી આપી. સારું ઠેકાણું શોધી લેવા પપ્પાએ પ્રયત્નો પણ શરૂ કરી જ દીધા. અમી ક્યારેક અબુધની માફક બધું જોયા કરતી તો ક્યારેક મમ્મીની જેમ ઘર સાચવવાની મથામણ કરતી. પણ ભવિષ્યથી અજાણ અમી દરેક પરિસ્થિતિમાં બીજાની ખુશીમાં પોતાની ખુશી શોધી જ લેતી.
નસીબ ક્યારે અવળું ફરશે એ કોઈ નથી જાણતું. કંઈક એવા જ એક અશુભ દિવસની વસમી ક્ષણે એક કાળ અમી અને એના આખા કુટુંબને ગ્રહણ લગાવી ગયો. અચાનક જ રોડ અકસ્માતમાં અમી ના પપ્પાનું અકાળે અવસાન થયું. જાણે કે રાજાનો મહેલ થોડી જ ક્ષણોમાં પત્તા ના મહેલની જેમ વેર-વિખેર થઈ ગયો.
આ દુઃખદ ઘટનામાંથી બહાર આવવું અમી, કુશ અને શિલાબેન માટે લગભગ અશક્ય જ હતું. પરંતુ અમીએ લાગણીને થોડી બાજુ પર મૂકી સત્ય સ્વીકારવાની શરૂઆત કરી. લગ્નના વિચારો બાજુ પર મૂકી અમી હવે પત્તાના મહેલ ને ફરી ગોઠવવવામાં લાગી ગઈ. ગીરીશભાઈની બચતોને અમીના લગ્ન માટે અલગ જ રહેવા દઈ, શિલાબેને પણ ખાનગી કંપનીમાં સામાન્ય પગારે નોકરી શરૂ કરી દીધી. દાદીને કાકાના ઘરે મોકલી આપ્યા. કુશ અને અમી વચ્ચે દસ વર્ષનો અંતરાલ હોવાથી, બધું સમજવા માટે એ હજુ ઘણો નાનો હતો. ભવિષ્યમાં સારું કમાઈ શકે અને કુશને સારું ભણાવી શકે એ માટે ભણવામાં હોશિયાર અમી એ એકાઉન્ટના વિષયમાં આગળ ભણવાનું નક્કી કર્યું.
આ સમય ગાળામાં બાજુમાં રહેતા એક ક્રિશ્ચન કુટુંબ શિલાબેનની શક્ય એટલી મદદ કરતું. કુશને રાખવાનું કામ હોય કે બહારથી શાક-ભાજી લાવવાનું કામ જોસેફ, રિચા અને એમનો દીકરો રિધમ ખુશી ખુશી કરતાં. એક-બીજાના ઘરે રોજ આવન-જાવન હોવાથી ક્યારેક બંને કુટુંબ જાણે એક જ હોય એમ લાગતું. સમય જતાં શિલાબેનને ક્યારેક એકલાપણુ સતાવતું. ક્યારેક જોસેફ પાસે તો ક્યારેક રિચા પાસે પોતાની લાગણીઓ ઠાલવતા.
સમય જતાં જોસેફ પ્રત્યે ક્યારે પ્રેમના ઝીણા અંકુર ફૂટવાની શરૂઆત થઈ ગઈ હતી એ શિલાબેનને પણ ખબર ના રહી. ઘણાં સમય પછી શિલાબેન દિલથી ખુશ રહેવા લાગ્યા હતા. પોતાના બાહ્ય દેખાવ પ્રત્યે પણ તેઓ સભાન થવા લાગ્યા હતા. અમી, કુશ અને જોસેફનું કુટુંબ બધાજ એમને જોઈ એક શાંતિ અનુભવતા. અને માનતા કે શિલાબેન ધીમે-ધીમે પોતાના ભૂતકાળમાંથી બહાર આવી રહ્યા છે. જોસેફ અને રિચાએ નવા ફ્લેટમાં શિફ્ટ કર્યું ત્યારે પણ શિલાબેન, અમી અને કુશ પોત-પોતાની કાર્યક્ષમતા પ્રમાણે સહભાગી થયા.
શિલાબેન કોઈને કોઈ કામ અર્થે જોસેફ સાથે જોડાયેલા રહેતા. સમયની અનુકૂળતાએ હિંમત કરી એમણે જોસેફ આગળ મન મોકળું કરી જ લીધું. શરૂઆતમાં આનાકાની પછી શિલાબેનના, રિચાને અને ત્રણેય બાળકોને અન્યાય નહીં થવા દેવાના વચન સાથે જોસેફ એ લાગણીનો સ્વીકાર કર્યો. રોજ કોઈને કોઈ બહાને બંને મળતાં અને એકબીજાની સંવેદનાઓની આપ-લે કરતાં.
એક વાર એમના નિખાલસ સંબંધ ને કોઈની કાળી નજર લાગી. જોસેફ અને શિલાબેનની વાતો રિચા સુધી પહોંચી. જોસેફ સાથેના 20 વર્ષના લગ્ન જીવનના અતૂટ વિશ્વાસને જાણે કોઈ સર્પ ડંખી ગયો. રિચાના ઘરમાં રોજ ઝગડા થવા લાગ્યા. શિલાબેનને અપશબ્દો કહી રિચાએ કાયમ માટેનો સંબંધ કાપી નાખ્યો. આ બાજુ શિલાબેનનો જોસેફ સાથેનો માલિકીભાવ દિવસે-દિવસે વધવા લાગ્યો અને એના વગરની જિંદગી જાણે અશક્ય જ લાગવા લાગી. અમી પણ અચાનક આવેલા આ ભૂકંપથી હચમચી ગઈ હતી. મમ્મી વગર કારણે વાતે વાતે ગુસ્સે થવા લાગ્યા હતા. જેનો જવાબ અમી અને કુશ ક્યારેય આપી ના શકતા.
22 વર્ષની અમી હવે ચાર્ટર્ડ એકાઉન્ટના ભણતરમાં આર્ટિકલશિપ કરતી હતી અને કુશ સાતમા ધોરણમાં અભ્યાસ કરતો. શિલાબેનની માનસિક પરિસ્થિતિ દિવસે-દિવસે ખરાબ થવા લાગી. અમીથી એક દિવસ, વ્યસ્ત દિનચર્યા અને આગળના ભણતરની ચિંતાના કારણે મમ્મીની સામે, ના બોલવાના શબ્દો બોલાઈ ગયા. બસ ત્યારથી જ શિલાબેન અને અમી વચ્ચે અબોલા શરૂ થઈ ગયા. જોસેફ અને રિચાએ તો કાયમ માટેના સંબંધ ઉપર પૂર્ણ વિરામ મૂકી જ દીધું હતું.
શિલાબેન અચાનક અણધારેલી પરિસ્થિતિને અનુકૂળ ના થઇ શક્યા. એક દિવસ માનસિક સમતુલા ખોઈ બેઠા અને એમણે બાથરૂમમાં જઈ એસિડ પી લીધું. બળતરા સહન ના થતાં ફીનાઇલનો બોટલ હાથમાં આવતા એ પણ ગટગટાવી ગયા. એજ સમય એ અમી બહારથી આવી. શિલાબેનને આમ તરફડતાં જોઈ ગભરાઈ ગઈ. મમ્મીની હાલત ના સમજાતાં બાજુમાંથી એક ઘરડાં બાને બોલાવી લાવી. બાએ ફીનાઇલનો બોટલ જોતાં, ઘરના નુસખા તરીકે મીઠું નાખીને પાણી પીવડાવાની સલાહ આપી. અમી એ તરત જ મીઠાં વાળું પાણી પીવડાવ્યું. પણ શિલાબેને પાંચ મિનિટમાં જ દમ તોડી દીધો.
આજુ-બાજુ બધે જ ખબર ફેલાવા લાગી. જોસેફ અને રિચા પણ સમાચાર મળતાં માણસાઈ દાખવીને અમીની પડખે આવી ગયા. આત્મહત્યાના પ્રયાસના કારણે શિલાબેનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું જેમાં મીઠાના પાણીના કારણે સારવાર ના થઇ શકી હોવાનું તારણ નીકળ્યું. બાજુવાળા બા અને અમીને એસિડ પી ગયા હોવાની જાણ ના હતી. ફીનાઇલની બોટલ જોઈ અને ઉલટી કરાવવા માટે મીઠાં વાળું પાણી આપવામાં આવ્યું હતું. જેના કારણે એસિડની અસર ઉપર મીઠાં વાળા પાણીની આડ અસર થઈ ગઈ હતી અને શિલાબેનની આંખો કાયમ માટે મીંચાઈ ગઈ.
જોસેફ અને રિચા આખો દુઃખદ પ્રસંગ પૂરો થવા સુધી અમીની સાથે જ રહ્યા. બધું સમયસર પૂરું થતાં જ અમી અને કુશને પોતાની સાથે જ રહેવા આગ્રહ કર્યો. અમીએ છોકરી તરીકે એકલા રહેવા કરતાં અને કુશનું ધ્યાન રાખવા તથા આગળ ભણવાના લાંબા વિચાર સાથે એમનાં આગ્રહનો સ્વીકાર કર્યો.
અમી હવે જોસેફ અંકલ, રિચા આંટી, રિધમ અને કુશ સાથેના સંપૂર્ણ કુટુંબમાં રહેવા લાગી. જોસેફ અને રિચા બાળપણથી જ આ બાળકોને જાણતા-ઓળખતા હોવાથી બંનેનો સહૃદય પોતાના પરિવારમાં સમાવેશ કર્યો.
ત્રણ વર્ષ પછી અમીએ ચાર્ટર્ડ એકાઉન્ટની પરીક્ષા પાસ કરી. કુશ દસમા ધોરણમાં અને રિધમ બારમાં ધોરણમાં સારા પરિણામ સાથે પાસ થઈ ગયા. જોસેફ અને રિચા બંનેએ મળીને અમી અને કુશના જીવનમાં પપ્પા-મમ્મીની કમી ક્યારેય વર્તાવા ના દીધી. અમી અને કુશ પણ સગા સંતાનથી સવાયું આદર આપતા અને વાર-તહેવારે ત્રણેય બાળકો મળીને કુટુંબને હર્યું-ભર્યું બનાવતા.
સાથે જ ભણતા એક યુવક અજય સાથે અમીનો પરિચય પ્રેમમાં પરિણમ્યો. અમીએ અજયને ઘરે બોલાવી જોસેફ અને રિચાની મંજૂરી મેળવી. જોસેફ અને રિચા પણ અમીની સમજદારી અને પસંદગી જોઈને રાજી થયા અને અજયના વડીલોને મળી, સંબંધ સ્વીકારવા આગ્રહ કર્યો. અમીએ સંબંધની શરૂઆતમાં જ અજયને પોતાની આખી જીવન કથની કહી દીધી હોવાથી અજય અને અજયના મમ્મી-પપ્પાની નજરમાં પણ જોસેફ અને રિચાનું નિખાલસપણું આદર-સન્માન સાથે ઉભરી આવ્યું.
એક વર્ષ પછી જ અમી-અજયનાં લગ્ન લેવાયા. જોસેફ-રિચાએ દીકરીને આંગણું સુનું કરી એક સંતોષ સાથે સાસરે વળાવી. અમીની અણધારી કિસ્મતે આજે એને જિંદગીનો સુખદ વળાંક આપ્યો.
લેખક : નિધિ ''નન્હી કલમ''