તારા વિના નહીં જીવી શકું Nidhi_Nanhi_Kalam_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારા વિના નહીં જીવી શકું


''તારા વગર નહીં જીવી શકું''

આ વાક્યમાં તથ્ય કેટલું ? સંબંધ કોઈ પણ હોય, માં-દીકરાનો હોય કે પ્રેમી-પ્રેમિકા, બાપ-દીકરી હોય કે મિત્રતા, ભાઈ-બહેન હોય કે પતિ-પત્ની. ક્યારેક અતિશય લાગણી કે આપણા પ્રિયજન ઉપરનું આધિપત્ય, મગજ ઉપર એટલું હાવી થઈ જાય છે કે જીવનમાં એમની ગેરહાજરી સાંખી શકાતી નથી. દરેક સંબંધમાં મોકળાશ હોવી જરૂરી છે અને તોજ એ સરળતાથી નિભાવી શકાય છે. કોઈ પણ વ્યક્તિ ઉપરનો માલિકીભાવ એક હદ સુધી જ યોગ્ય હોય છે. પરંતુ જ્યારે એ વધવા લાગે ત્યારે એમજ લાગે કે જાણે એ વ્યક્તિ વગરનું જીવન હવે શૂન્ય છે. તમારા વધુ પડતા માલિકીભાવથી ક્યારેક સામેનું પાત્ર ગૂંગળાઈ જાય છે, ક્યારેક તમને સમજી શકતું નથી અને એના દ્વારા જાણે-અજાણે અન્યાય થતો હોય એવું તમને લાગે છે. સંબંધોને વિશ્વાસ, મોકળાશ અને પ્રેમથી સાચવી શકાય છે. કોઈ એક વ્યક્તિ કદાચ જીવનમાં સાથ ના પણ આપી શકે તો એનો અર્થ એ ક્યારેય નથી થતો કે એના વગરનું જીવન શક્ય જ નથી. કુદરતી આયુષ્ય મુજબ જ દરેકે પોતાનું જીવન ગોઠવી લેવાનું હોય છે.
જેમ કે એક યુગલ, આશરે પાંચ-છ વર્ષથી પ્રેમ સંબંધથી જોડાયેલા હતા. એમના ઘરેથી સંબંધ માટેની સ્વીકૃતિ અશક્ય લાગતા જ એમણે જીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો. બંને એ એક દુપટ્ટાથી એકબીજાના હાથ બાંધી, નદીમાં જંપલાવી દીધું. ''શું આ યોગ્ય હતું ?'', ''હાથ શુ કામ બાંધ્યા હશે ?'', ''એકનો જીવ જાય અને બીજું બચી ના જાય એટલે ?'' આ ચર્ચા ભલે પાયા વિહોણી લાગે, પણ સત્ય તો એજ છે કે એમનામાં હિંમત નહોતી કદાચ. દૂર રહીને પણ પ્રેમ કરી જાણે એવાય કેટલાય દાખલાઓ જોવા મળશે. પ્રિયપાત્રને મેળવી જ લેવું એ પ્રેમ હશે ? એ ભલે ગમે ત્યાં હોય, ગમે તેની સાથે હોય પરંતુ એની ખુશીમાં પોતાની ખુશી શોધી શકે એવા કેટલા ? ફિલ્મો અને ઇન્ટરનેટની માયાવી દુનિયામાં વિહરતાં, કેટલાય યુવાન-યુવતીઓ, પ્રેમની સાચી પરિભાષા જાણ્યા-સમજ્યા વગર જ પ્રેમના નામે આવા નબળા નિર્ણયો લઇ લેતા હોય છે
મારા નજીકના જ એક સ્નેહીકુટુંબના, બે બહેનો વચ્ચે એકના એક ભાઈ ભાવિકને પ્રેમ થયો. કોલેજ પુરી કરી નવી નવી નોકરીએ લાગ્યો હતો. ઘરના બધા જ એની સફળતાથી ખુશ-ખુશ હતા. એણે પોતાના ઘરે પ્રેમ સંબંધની વાત પણ કરી નહોતી. એની સાથી માનસીના ઘરે સંબંધની ખબર પડી જતાં, માનસી સાથે મારપીટ, રોક-ટોક બીજે પરણાવી દેવાની ધમકી વગેરે ચાલુ થઈ ગયું. અને ભાવિકને પણ મારી નાખવાની ધમકીઓ મળવા લાગી. એમણે પણ નદીમાં કુદી જઇ આ પરિસ્થિતિથી ભાગવાનો પ્રયત્ન કર્યો. પુલ ઉપર ઉભા રહી, બંનેએ એકબીજાને મર્યા પછી સાથ આપવાના કોલ આપ્યા. એક, બે અને ત્રણ.....ભાવિક કુદી ગયો, માનસી હિંમત હારી ગઈ. એ કુદી શકી નહીં. આ પરિસ્થિતિમાં પ્રેમનું સ્થાન ક્યાં ? ખરેખર પ્રેમ હતો એ ? પરિસ્થિતિથી ફક્ત ભાગવાનું જ કેમ વિચારતાં હશે લોકો ? સામનો કેમ નહીં કરી શકતા હોય ? ભાવિકે પોતાના ઘરે વાત કરી હોત, તો વડીલો દ્વારા કદાચ સમાધાન થઈ શકયુ હોત અથવા ભાવિકનું મન બીજે વાળવાનો પ્રયત્ન થઈ શક્યો હોત. પણ આ બધી શક્યતાઓ બાજુ પર જ રહી ગઈ.
ભાગેડુવૃત્તિથી એમ સમજવું કે નબળી પરિસ્થિતિથી છૂટી ગયા એ ફક્ત અને ફક્ત વહેમ જ છે. લેવાયેલા એ નિર્ણયથી એમની સાથે સંકળાયેલા દરેકે દરેક જણને એની અસરમાંથી બહાર નીકળવું વસમું પડી જતું હોય છે.
બીજી એક ઘટનામાં, એક માં એ પોતાના ચાર વર્ષના દીકરાને અસાધ્ય બીમારીમાંથી બચાવવાના બધા જ પ્રયત્નો કરી છૂટ્યા. છતાં પણ એ બચાવી શકી નહીં. એ આઘાતમાંથી બહાર આવતાં એને લગભગ દોઢેક વર્ષ થયું. આજે દસ વર્ષ પછી પોતે સારી કંપનીમાં ઊંચી પદવી ઉપર કામ કરી રહી છે. તો શું એને એ દીકરાથી પ્રેમ નહોતો ? એણે પણ એની સાથે જ જીવન ટૂંકાવી દેવું જોઈતું નહોતું ?
કોઈ કોઈ ઘટનાઓને કુદરતના હવાલે કરી દઈ દરેકને આગળ વધવું જ પડતું હોય છે. આપણું હોય એના વગર તકલીફ જરૂર થાય છે, હૃદયના ધબકારા એક ક્ષણ ચુકાઈ પણ જતા હશે. પરંતુ એનો અર્થ એ તો નથી જ કે પોતાની જિંદગી પર પૂર્ણ વિરામ મૂકી દેવું.
બે દીકરીઓ અને એક દીકરો એમ ત્રણ સંતાનો સાથેનો હસતો-રમતો એક પરિવાર. જે એમને જોવે એને ઈર્ષ્યા જ થાય એટલું એકબીજાની કાળજી લેતું એ કુટુંબ. અચાનક ભાઈનું પક્ષાઘાતના હુમલામાં નિધન થયું. એમના પત્ની દીપાલીએ ક્યારેય કમાવાનું કે એમના વગર ઘર ચલાવવાનો વિચાર સુદ્ધાં કર્યો નહતો. મૃત્યુના બીજા જ દિવસથી ઘર કેમ ચલાવવુંની ગોઠવણ મગજમાં ચાલવા લાગી હતી. પાંચ વર્ષમાં દીપાલીએ મહેનત કરી પોતાના કુટુંબને ફરી બેઠું કરી દીધું.
આપણી આસપાસ જ આવા ઘણાં ઉદાહરણો જોવા મળે છે. કોઈ આશાવાદી વલણ અપનાવીને કુદરતના નિર્ણયનો આદર કરી, આગેકૂચનો પ્રયત્ન કરે તો ચોક્કસ જ એમાં સફળતા પ્રાપ્ત કરે છે. એક વ્યક્તિના ના હોવાથી પોતાને અનુલક્ષતા દરેક પ્રસંગ કે ઘટનામાં એની ગેરહાજરી ચોક્કસ જ ઉડીને આંખે વળગે છે. આત્મીય સંબંધ ક્યારેય ભૂલી શકાતો જ નથી. છતાં સત્યના સ્વીકાર સાથે જો આગળ વધવામાં આવે તો જણાય છે કે જિંદગીના ઘણાય એવા રંગ છે જેને ઓળખવામાં તમે બીજા કરતાં પાછળ રહી જવાના હતા.
ભગવાને પહેલેથી જ માનવ સંરચના એવી રીતે કરી છે કે એ દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે. અલબત્ત એ શક્તિ દરેક માણસ દીઠ ઓછી-વત્તી હોઈ શકે છે. જેમકે જેઓ અંધ હોય, એમને એમની બીજી ઇન્દ્રિયો સતર્ક કરી આપે છે. સ્પર્શ અને સૂંઘવાની શક્તિથી તેઓ પોતાની ખામીને પરાજય આપી શકે છે. એવા દાખલા પણ છે કે જેમને હાથ નથી તેઓએ હાથના કામ પગેથી કરી બતાવ્યા છે. કપડાં સિવવા, ચિત્ર દોરવા, કોમ્યુટર ચલાવવું વગેરે. જેમને પગ નથી એ સારા તૈરાક સાબિત થયા છે.
ભગવાન તરફથી માણસને મળેલી અમૂલ્ય ભેટ હોય તો એ છે ''માણસની ભૂલવાની સહજ પ્રક્રિયા.'' વિચારવા જેવી બાબત છે, કે માણસ જો કંઈ ભૂલી જ શકતો ન હોય તો એ જીવી શકે ખરો ? ''તારા વગર હું નહીં જ જીવી શકું'' કહેનારા પોતાના પ્રિય પાત્રની વિદાય પછી પણ સારું એવું જીવી જાય છે. કેમ કે દરેક જણ માં વત્તે-ઓછે અંશે ભૂલી જવાનો ગુણ (દુઃખદ ઘટના વખતે એને અવગુણ તરીકે ઓળખવામાં આવતું નથી) રહેલો છે. વાર જરૂર લાગશે પરંતુ એ જિંદગીના બીબાઢાળમાં ઘડાઈ જ જશે. પાણીને જેવા પાત્રમાં નાખો એવા આકારમાં ફેરવાઈ જાય છે, એમજ જેમ પરિસ્થિતિ બદલાય એમ માણસ પણ પોતાની જાતે એને અનુકૂળ થઈ જ જતો હોય છે.
''તારા વગર જીવી જ નહીં શકું'' વાક્યને સાર્થક કરવાને બદલે સકારાત્મક વિચારો સાથે સંબંધોમાં આગળ વધી શકાય.

''वो अफसाना...
जिसे अंजाम तक लाना न हो मुमकिन,
उसे एक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा ।''
- साहिर लुधियानवी

પંક્તિઓમાં કવિએ આ આખી ચર્ચાનો સાર વર્ણવી દીધો છે. જ્યાં સુધીનું આયુષ્ય છે ત્યાં સુધીમાં કંઈ કેટલાય અલ્પવિરામ આવી જતા હોય છે પરંતુ ક્યારેય એને પૂર્ણવિરામ સમજી લેવાની ભૂલ ન કરવી જોઈએ.