પ્રત્યાગમન - ભાગ ૬ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રત્યાગમન - ભાગ ૬

ભાગ ૬

લઘરવઘર કપડાં, વિચિત્ર રીતે કપાયેલા વાળ, થોડી વધેલી દાઢી , શરીરમાંથી નીકળતી દુર્ગંધ સાથે મધુકર ધ્રુવના બંગલાના ગેટ પાસે ઉભો હતો. ધ્રુવ તો ઓળખી ન શક્યો. તેને લાગ્યું દરવાજે કોઈ ભિખારી ઉભો છે પણ મૃણાલ ઓળખી ગઈ, પણ મધુકરને જોઈને બેહોશ થઇ ગઈ.

રાજેશ પણ ત્યાં ઉભો હતો તેણે આગળ વધીને તેણે મધુકરને ઘરમાં લીધો અને સીધો ઉપરના માળે લઇ ગયો અને તેને એક રૂમમાં બેસાડી નીચે આવ્યો અને કહ્યું,”ચિંતા કરવાની જરૂર નથી, તે મારો જૂનો મિત્ર છે તમે પાર્ટી ચાલુ રાખો હું ડૉક્ટર ને ફોન કરું છું.”

પછી રાજેશ ભાનમાં આવેલી મૃણાલને ઉપર લઇ ગયો અને ધ્રુવને કહ્યું,”મહેમાનોને વિદાય કરીને ને પછી જ ઉપર આવજે, અત્યારે પાર્ટીમાં ઘણા બધા વી. આઈ. પી. આવેલા છે. તું કોઈ જાતની ચિંતા કર્યા વગર પાર્ટી કર બાકી બધી વાતો પાર્ટી પછી.”

મૃણાલ મધુકરની સામે બેસીને રડી રહી હતી. આસું મધુકરની આંખમાં પણ હતા. રાજેશ જ્યાં સુધી ઉપર ન આવ્યો ત્યાં સુધી બન્ને એકબીજા સાથે વાત કરી ન શકયાં. ઉપર આવ્યા પછી રાજેશ એક ખુરસી ખેંચીને મધુકરની સામે બેઠો અને પૂછ્યું,”આ બધું શું છે? અને આટલા વરસ ક્યાં હતો? તને એક દિવસ પણ ચિંતા ન થઇ કે તારી પત્ની અને પુત્રનું તારા ગયા પછી શું થયું ? મન તો થાય છે કે તને બે ચાર થપ્પડ મારી દઉં પણ તારી હાલત જોઈને લાગે છે કે સમયે જ તને થપ્પડ મારી છે. તું પહેલાં એક કામ કર પહેલા નહાઈ લે અને કપડાં બદલી લે પછી વાત કરીએ.”

મધુકરે સામે એક પણ શબ્દ બોલવાની હિંમત ન બતાવી અને બાથરૂમમાં ગયો. તે જ્યાં સુધી નહાઈને બહાર ન આવ્યો ત્યાં સુધી રાજેશ અને મૃણાલ મૌન રહ્યા. રાજેશ વાત કરવા માગતો હતો પણ મૃણાલના ચેહરાની ગંભીરતા જોઈને કંઈ બોલી ન શક્યો.

મધુકર નહાઈને આવ્યા પછી રાજેશે પોતાના પ્રશ્નો દોહરાવ્યા. અત્યારે મધુકર શાંત હતો તેને ખબર પડી રહી નહોતી કે ક્યાંથી શરૂઆત કરે.

પછી તેણે બોલવાનું શરુ કર્યું અને એક વાર શરુ કર્યા પછી તેના માટે બોલવું આસાન હતું તેણે મુંબઈથી નીકળીને પોતાની બેગ અને પર્સ ખાડીમાં ફેંકવાની અને હરિદ્વારમાં પહોંચીને સાધુ બનવાની અને ત્યાં આશ્રમના સર્વેસર્વા બનવાની વાત કરી.

રાજેશે પૂછ્યું,”તો પછી તમારી આવી હાલત કઈ રીતે થઇ, સર્વાનંદજી?”

રાજેશના તીક્ષ્ણ પ્રહારને અવગણીને તેણે પોતાની વીતકકથા ચાલુ રાખી.

તેણે કહ્યું,”આશ્રમમાં મારા નાક નીચે ભયંકર સેક્સ સ્કેન્ડલ ચાલતું હતું, હું જાણતો નહોતો એવું નહોતું પણ મારા હાથ બંધાયેલા હોવાથી હું ચુપ રહ્યો. અને સેક્સ સ્કેન્ડલ હમણાંથી નહિ પણ ગુરુજી જીવતા હતા ત્યારથી ચાલતું હતું. ગુરુજી પણ ઇન્વોલ્વ હતા. હું તેમના પછી ગાદીપતિ થયો પણ હું કોઈને રોકી શક્યો નહિ. હું પોતે તેમાં ઇન્વોલ્વ ન થયો એટલી જ મારી ઉપલબ્ધી. આમેય આશ્રમોમાં ચાલતા કાળા કામો વર્ષોથી જોઈ રહ્યો છું. પણ પાપ કદી છૂપું નથી રહેતું તેનો ઘડો એક દિવસ તો ફૂટે છે. એક દિવસ એક યુવા સાધુને આશ્રમમાં રહેવાની મંજૂરી આપી. તે અમારા આશ્રમમાં બે મહિના રહ્યો અને એક દિવસ ગાયબ થઇ ગયો. ન્યુઝ ચેનલ પર સી ડી લીક થઇ ત્યારે ખબર પડી કે તે ચેનલનો પત્રકાર હતો અને બે મહિના અમારા આશ્રમમાં રહીને તેણે સી ડી બનાવી હતી. પછી પોલીસ કેસ થયો તેજોમયાનંદ અને રૂપમણિદાસને જેલ થઇ અને તેના બીજા સાગરીતો ફરાર થઇ ગયા.”

“હું તેમાં ઇન્વોલ્વ ન હોવાથી મને છોડી દીધો. હું આશ્રમમાં પાછો ફર્યો પણ અમારા વિરોધી આશ્રમોના સાધુઓએ લોકોને ઉશ્કેરી અમારા આશ્રમમાં તોડફોડ કરાવી અને મારુ મુંડન અને મોં કાળું કરીને ગધેડા પર મારી સવારી કાઢી. હું જેમ તેમ તેમના ચુંગલમાંથી છૂટ્યો અને પ્રવાસ કરીને અહીં પહોંચ્યો. વચ્ચે બે દિવસ રેલવે પોલીસની જેલમાં પણ રહ્યો વગર ટિકિટે પ્રવાસ કરવા માટે. પણ આઠ દિવસે અહીં પહોંચી ગયો.”

મૃણાલના હીબકા શાંત થઇ ગયા હતા. મધુકર પણ શાંત થઇ ગયો હતો. તેવી નીરવ શાંતિ વચ્ચે કોઈનો ઉપર આવવાનો અવાજ આવી રહ્યો હતો.

ધ્રુવ અને નીલા ઉપર આવ્યા ત્યારે નીરવ શાંતિ હતી.ધ્રુવે ધ્યાનથી ચેહરો જોયો અને તેના ભવાં ખેંચાઈ ગયા અને આંખોનો રંગ બદલાઈ ગયો. સાધારણ સંજોગોમાં શાંત રહેતો ધ્રુવ ક્રોધથી થરથર ધ્રુજી રહ્યો. બધા સાથે સૌમ્યતાથી વાત કરતો ધ્રુવ બરાડી ઉઠ્યો,”તમારી હિમ્મત કેવી રીતે થઇ પાછા આવવાની.જે સમયે તમારા પરિવારને તમારી જરૂર હતી, તેવા સમયે તમે પરિવારને છોડીને નીકળી ગયા અને દુનિયાને દેખાડ્યું કે તમે આપઘાત કર્યો. અત્યાર સુધી મને તમારા પ્રત્યે ફક્ત ક્રોધ હતો કે થોડી મુસીબત શું આવી કે તમે પરિવારને તેના હાલ પર છોડી આપઘાત કર્યો, પણ હવે મને તમારા પ્રત્યે નફરત છે કે પરિવારને છોડીને નીકળી ગયા અને આપઘાત પણ ન કરી શક્યા. કાયર છો તમે!”

આટલા વરસની મનની ભડાસ કાઢી રહ્યો હતો,” શું જોઈને આવ્યા અહીં કે હવે દીકરો બિઝનેસમેન બની ગયો છે અને હવે હું પણ નિષ્ફળ સ્ટોક બ્રોકરમાંથી સફળ બિઝનેસમેન બની જઈશ. તમે અત્યારે ને અત્યારે મારા ઘરેથી નીકળી જાઓ અને ફરી મોઢું દેખાડતા નહિ.”

રાજેશે ધ્રુવ ના ખભે હાથ મુક્યો અને કહ્યું,”શાંત થઇ જ અને શાંતિથી મારી વાત સાંભળ.”

ધ્રુવ બોલ્યો,”અંકલ, તમે તમારા કાયર મિત્રની તરફદારી કરશો નહિ, નહીંતર આપણા સંબંધો પણ બગડી જશે. “

તે જ વખતે મૃણાલ જ્યાં બેઠી હતી ત્યાં ઢળી પડી. નીલા બુમ પાડી ઉઠી,” મમ્મી! શું થયું તમને?” ધ્રુવનું ધ્યાન જતાં જ તે મૃણાલને ઢંઢોળવા લાગ્યો,”મમ્મી, ઉઠો શું થયું તમને?”

મૃણાલ પરસેવે રેબઝેબ થઇ ગઈ હતી. રાજેશે કહ્યું,”ધ્રુવ, જલ્દી ગાડી કાઢ તારી મમ્મીને હાર્ટ અટેક આવ્યો છે જલ્દી કર.” ધ્રુવ જલ્દીથી ગાડી કાઢવા નીચે દોડ્યો અને નીલા અને રાજેશે મળીને મૃણાલને નીચે લઇ ગયા. મધુકર પોતાની જગ્યાથી હલી પણ શક્યો નહિ.

તેને ખબર હતી કે ધ્રુવ ગુસ્સે થશે પણ તેને અંદાજો ન હતો કે તે આટલી હદ સુધી નફરત કરતો હશે. થોડી કળ વળતાં તે નીચે દોડ્યો અને ગાડીમાં બેસી ગયો. ધ્રુવે ગાડી હોસ્પિટલ તરફ મારી મૂકી. મધુકરને ડર હતો કે કદાચ ધ્રુવ તેને ગાડીમાંથી ઉતારવાનું કહેશે પણ ધ્રુવ કંઈ બોલ્યો નહિ.

હોસ્પિટલ પહોંચતા પહેલા ધ્રુવે ત્યાં ફોન કરી દીધો હતો એટલે ત્યાં રાહ જોવી ન પડી અને મૃણાલ ને તરત આઈ સી યુ માં દાખલ કરી. ડોક્ટરે તપાસ કરી અને કહ્યું,”માસિવ હાર્ટ એટેક હતો, પણ અત્યારે ચિંતા નથી તે સ્ટેબલ છે. તેમની કોઈ મેડિકલ હિસ્ટરી છે?”

ધ્રુવે માથું ધુણાવી ના પાડી તેણે કહ્યું,”તેમને શરદી સિવાય કોઈ બીમારી નથી થઇ.”

ડોક્ટરે કહ્યું,”તો પછી કોઈ માનસિક તણાવને લીધે હાર્ટ એટેક આવ્યો છે. કાળજી રાખો કે તેમને કોઈ જાતનું ટેંશન ન આવે.”

ધ્રુવે માથું હલાવ્યું અને કહ્યું,”ઓકે ડૉક્ટર.”

ધ્રુવ, નીલા , રાજેશ અને મધુકર હોસ્પિટલની વેઇટિંગ રૂમમાં બેસી રહ્યા. મોડીરાત્રે નર્સે આવીને કહ્યું.”પેશન્ટને ભાન આવી ગયું છે.”

ધ્રુવ તેની જગ્યાએથી ઉભો થયો અને આઈ સી યુ માં ગયો. તે મૃણાલ પાસે ગયો અને કહ્યું,”સોરી મમ્મી! ક્રોધાવેશમાં ભૂલી ગયો કે તમે વર્ષોથી તેમની રાહ જોઈ રહ્યા છો. હું ખુબજ નાલાયક પુત્ર છું, મારે લીધે તમને હાર્ટ એટેક આવ્યો.”

મૃણાલ કંઈ બોલી નહિ ધ્રુવ બોલતો રહ્યો,” તમે કહેશો તેમ જ થશે.આટલા વરસનો સંઘરાયેલો ક્રોધ તો મારા મનમાં તો હોય ને. હું ફરી કોઈને કઈં નહિ કહું.”

મૃણાલના આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે ફક્ત એટલું કહ્યું,”તું તેમને માફ ન કરી શકે?”

ધ્રુવે કહ્યું,” તમે કહો છો તો માફ કરી દીધા બસ! હવે તે આપણી સાથે રહેશે. પણ તમે હવે કોઈ જાતનું ટેંશન લેશો નહિ.” મૃણાલનો ચેહરો ખીલી ઉઠ્યો. તેને પોતાના પુત્ર પ્રત્યે અભિમાન થયું કે તેનો પુત્ર કેટલો સમજદાર અને સરળ સ્વભાવનો છે.

બીજે દિવસે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ.મધુકર હવે તેમની સાથે રહેવા લાગ્યો. ધ્રુવે ભલે મૃણાલ સામે કહ્યું કે તેણે તેના પિતાને માફ કરી દીધા પણ તે તેમને માફ કરી શક્યો ન હતો. રાજેશે ધ્રુવને મળીને મધુકરની સાધુ બનવાની અને તેના પછીની ઘટનાઓ વિષે વાત કરી હતી.

ધ્રુવે રાજેશને ફક્ત એટલું જ કહ્યું,”તેઓ ભલે ઘરમાં રહે, પણ તેમને કહી દેજો કે મારા ધંધામાં માથું ન મારે. તે ફક્ત મમ્મી ની કાળજી રાખે એટલું જ બસ છે.”

છ મહિના સુધી તો મધુકર રિટાર્યમેન્ટ જેવી લાઈફ જીવતો રહ્યો, પણ તેના અંદરના બિઝનેસમેને શાંતિથી બેસવા ન દીધો અને એક દિવસ ડિનર વખતે ધ્રુવને કહ્યું,”હું તારી સાથે કંઈક વાત કરવા માંગુ છું.”

મૃણાલ સામે જોયા પછી ધ્રુવે શાંતિથી કહ્યું,”કહો!”

ક્રમશ: