Pratyagaman Part 2 books and stories free download online pdf in Gujarati

પ્રત્યાગમન - ભાગ ૨

ભાગ 

શેર બજાર ખુબ તેજીમાં હતું અને મધુકર પણ. કાંદિવલીમાં ફ્લેટ લીધાના એક વરસની અંદર બોરીવલીના પૉશ એપાર્ટમેન્ટ માં એક ફ્લેટ લઇ લીધો. અને તેઓ બોરીવલીના ફ્લેટમાં શિફ્ટ થઇ ગયા.

મધુકરે મૃણાલને બૂમ પાડીને કહ્યું,”ધ્રુવને અત્યારે ઉઠાડ, નહિ તો રાત્રે તને સુવા નહિ દે.” મધુકરે વિચાર કર્યો કે ક્યાં સેલ્સમેનની નોકરી અને ક્યાં શેર બજારની દુનિયા. તે સેલ્સમેનની નોકરી કરીને ક્યારેય આવો ફ્લેટ લઇ ન શક્યો હોત. શેરબજારમાં તે પણ હર્ષદભાઈની જેમ પોપ્યુલર થઇ ગયો હતો. હર્ષદભાઈને લોકો બિગ બુલ કહેતા તો મધુકર પાઠક ને સ્મોલ બુલ કહેતા. રાજેશ પાંચ વરસથી હર્ષદભાઈ સાથે કામ કરી રહ્યો હતો પણ તે મધુકર જેટલો ઍક્સપર્ટ થઇ શક્યો ન હતો. રાજેશ હજી કંપનીમાં નોકરી કરતો હતો, જયારે મધુકર બે વરસની અંદર પોતાની પ્રતિભાના જોરે હર્ષદભાઈની નજીક આવી ગયો હતો. તેની ડીલ કરવાની આવડતને લીધે હર્ષદભાઈ તેને મહત્વના કામકાજ સોંપવા લાગ્યા. બેંક સાથે ડીલ કરવી કે પછી કંપનીના એમડી સાથે મિટિંગ કરવી આ બધી કામગીરી મધુકર પાર પડતો.

મધુકરે મૃણાલને કહ્યું,”ધ્રુવને મમ્મી સાચવશે, આપણે આજે બહાર જમવા જઇયે. રાજેશ અને તેની પત્ની પણ આવવાના છે.” ધ્રુવને સાચવવાનું કહીને મધુકર અને મૃણાલ બોરીવલીની પ્રખ્યાત હોટેલ કૃષ્ણમાં જમવા ગયા. રાજેશ અને તેની પત્ની સ્મિતા પણ આવ્યા હતા. જમતાં જમતાં ધંધાની વાત નીકળી તો રાજેશે કહ્યું,”મધુકર, તારી પ્રગતિથી હું ખુબ ખુશ છું પણ તું જરા ધીમો પડ અને જે કંઈ કરે તે સાચવીને કર. શેર બજાર ખુબ રિસ્કી જગ્યા છે.”

મધુકરે કહ્યું,”રિસ્ક વગર કોઈ ધંધો નથી થતો. હું કહું છું તેમ કરીશ તો તું પણ સારા એપાર્ટમેન્ટમાં ઘર લઇ શકીશ.”

રાજેશે કહ્યું,”હું મારા નાના ઘરથી ખુશ છું, પણ તું જરા સંભાળીને આગળ વધ.”

મૃણાલે કહ્યું,”રાજેશભાઈ ઠીક કહી રહ્યા છે.”

મધુકરે હસીને કહ્યું,”જે ધંધાની ખબર ન હોય તેમાં રોકટોક નહિ કરવી અને રાજેશ મારાથી બળે છે. તે મારાથી ખુબ પહેલાંથી હર્ષદભાઈ પાસે નોકરી કરે છે પણ ત્યાંનો ત્યાં જ છે, જયારે મારી તરફ જો હું ક્યાંનો ક્યાં પહોંચી ગયો છું.”

રાજેશે કહ્યું,”તું મારી વાતનો અર્થઘટન ખોટી રીતે કરી રહ્યો છે. હું તારો નાનપણનો દોસ્ત છું . તારી પ્રગતિ જોઈને આનંદ પણ થાય છે અને ડર પણ લાગે છે. છતાં તને ખોટું લાગતું હોય તો ફરી આ વિષય પર વાત નહિ કરીએ.”

બીજે દિવસે સવારે ઑફિસમાં હર્ષદભાઈ સાથે મિટિંગ હતી.

તેમણે કહ્યું,”હવે નાની નાની અમાઉન્ટથી કામ નહિ ચાલે, ઈન્વેસ્ટ કરવા મોટી અમાઉન્ટ જોઈશે, પ્રબંધ કેવી રીતે થશે?”

મધુકરે સૂચવ્યું,”બેંક પાસેથી શોર્ટ ટર્મ માટે લૉન લઈએ તો કેવું રહેશે?”

રાજેશે કહ્યું,”બેન્કોને શેરબજારમાં ઈન્વેસ્ટ કરવાની મનાઈ છે. લીધેલા પૈસા માર્કેટમાં ગવર્નમેન્ટની જાણ બહાર કેવી રીતે નાખી શકાય?”

હર્ષદભાઈએ કહ્યું,”બેંકમાં સિક્યુરિટી બોન્ડ મુકીએ તો આપણને લૉન મળી શકે. અને બેન્ક્સને આપણે વધુ ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરીશું.”

મધુકર, રાજેશ, પિયુષ તમે લોકો કામે વળગો . હવે માર્કેટને દેખાડીશું ઊંચાઈ શાને કહેવાય.

થોડા જ સમયમાં શેરબજારમાં બેંકના પૈસા આવવાથી વોલ્યૂમ વધ્યું. મધુકર અને રાજેશ હર્ષદભાઈની કંપનીમાંથી છુટ્ટા થયા. જો કે બંનેના કારણો જુદા જુદા હતા. રાજેશને પૈસા શેરબજારમાં જે રીતે ઈન્વેસ્ટ થતા હતા તેનો વિરોધ હતો, તેથી તે એક ઈન્સુરન્સ કંપનીમાં જોડાયો.

મધુકર સ્વતંત્ર રીતે કામ કરવા માગતો હતો, તેથી તેણે પોતાની કંપની સ્થાપી. તેણે પોતાના બંને ઘર ગીરવે મૂકી બેંક પાસેથી મોટી લોન લીધી અને તે પૈસા શેર બજારમાં ઈન્વેસ્ટ કરવા લાગ્યો. થોડા જ સમયમાં તેનું ટર્નઓવર કરોડોમાં થઇ ગયું. હર્ષદભાઈ સાથે તે પણ શેરબજારમાં પ્રખ્યાત થઇ ગયો. બધા શેરબજારમાં તેને ખેલાડીના નામથી ઓળખવા લાગ્યા. તે જે કંપનીના શેર પર હાથ મુકતો તેનો ભાવ અનેકગણો વધી જતો. કંપનીઓના પ્રમોટરો તેની આગળ પાછળ ફરવા લાગ્યા. વિરારની ચાલીનો છોકરો હવે શેરબજારનો ખેલાડી બની ગયો હતો. શેરોના ભાવ આસમાને પહોંચી ગયા હતા. અચાનક વધતા ભાવોને અન્ડર વૅલ્યુ હતા, કરેકશનને લીધે વધી ગયા છે તેવું રૂપકડું કારણ આપવામાં આવ્યું.

અચાનક એક દિવસ એપ્રિલ ૧૯૯૨ માં હર્ષદ મહેતાએ કરેલું કૌભાંડ બહાર આવ્યું અને ફુગ્ગાની જેમ ફૂલેલા શેરબજારની હવા નીકળી ગઈ. કેટલાય લોકોના પૈસા ડૂબી ગયા અને હર્ષદ મહેતા પર કેસ ચલાવવામાં આવ્યો.

જેમના પૈસા ડૂબ્યા તેમાં મધુકર પણ હતો. તેની પાસે ઘણા શેર હતા, પણ તેની વૅલ્યુ હવે કંઈ ન હતી. આખલાની જેમ આગળ વધેલો મધુકર હવે દેવાદાર થઇ ગયો હતો. તેના પોતાના પૈસા તો ડૂબ્યા હતા સાથે સાથે તે દોસ્તોના પણ પૈસા ડૂબ્યા જેમણે તેની સલાહ પ્રમાણે શેરબજારમાં પૈસા નાખ્યા હતા. તે પણ તેની પાસે ઉઘરાણી કરવા લાગ્યા હતા.બેંક પાસેથી લીધેલી લોનની પણ હવે તે ભરપાઈ કરી શકે તેમ ન હતો.

બે મહિના સુધી જુદી જુદી બેંકો અને જુદા જુદા લોકોની ઉઘરાણીથી કંટાળેલા મધુકરે એક નિર્ણય હૃદય પર ભાર મૂકીને લીધો, ઘર છોડવાનો. તેની પાસે બે જ ઓપ્શન હતા, એક જીવન છોડવાનો અને બીજો ઘર છોડવાનો. તેણે બીજા ઓપ્શન પર અમલ મુકવાનો નિર્ણય કર્યો.

એક દિવસ તે સવારે કામ પર જાઉં છું કહીને નીકળ્યો અને બોરીવલી સ્ટેશન જઈને દિલ્હી જતી ટ્રેન પકડી લીધી. રસ્તામાં બેગ અને પોતાનું પાકીટ વૈતરણાની ખાડીમાં નાખી દીધું, જેથી લોકો એમ વિચારે કે તેણે આત્મહત્યા કરી છે. દિલ્હી પહોંચીને તે હરિદ્વાર તરફ નીકળી ગયો.

રાત્રે મોડે સુધી મધુકર ન પહોંચ્યો, તો મૃણાલને ચિંતા થઇ તેણે રાજેશને ઘરે બોલાવ્યો અને મધુકર ક્યાં ગયો? તેની તપાસ કરવા કહ્યું. રાજેશે માર્કેટના મિત્રોને ફોન કરતા ખબર પડી કે મધુકર ઓફિસે પહોંચ્યો જ નથી. બીજે દિવસે પણ તેની ભાળ ન મળતાં પોલીસમાં કમ્પ્લેઇન કરી . બે ત્રણ દિવસ પછી તેની બેગ અને પાકીટ એક રેતીવાળા કોન્ટ્રેક્ટરે પોલીસમાં આપ્યા.

આખા શેરબજારમાં હડકંપ મચી ગયો કે શેરબજારના ખેલાડી મધુકરે આત્મહત્યા કરી લીધી. મૃણાલ , ધ્રુવ અને ઇલાબેન પર આભ તૂટી પડ્યું. મધુકરની તેજીમાં તેને સાથ આપનારા મિત્રોએ મધુકરના પરિવાર તરફ પીઠ કરી દીધી. એક ફક્ત રાજેશ તેમની પાછળ ઉભો રહ્યો.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED