મારી ચૂંટેલી લઘુકથાઓ - 17 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 17

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

એમની પોતાની જિંદગી

બંગલાની લીલીછમ લોન પર નેતરની બે ખુરશીઓ મુકેલી છે, બંનેની વચ્ચે નેતરનું જ એક નાનકડું ટેબલ મુકેલું છે. વિનય પ્રસાદજી પત્નીની સાથે સવારે ચાલીને ઘરે પરત આવ્યા છે. પત્ની અંદર જતી રહી છે અને તેઓ સવારના કોમળ તડકામાં બહાર જ ખુરશી પર બેઠા છે.

ત્રણ વર્ષ પહેલા જ્યારે તેઓ ઉપસચિવના પદેથી નિવૃત્ત થયા ત્યારે પત્નીએ પણ પોતાની નોકરીના ચાર વર્ષ બાકી હતા તો પણ વહેલી નિવૃત્તિ લઇ લીધી હતી. તેમનો દ્રઢ મત હતો કે ‘જીવનભર બીજા માટે ખૂબ કામ કર્યું, હવે આપણે બંને એકબીજા માટે જીવીશું.’

વિનય પ્રસાદજી સામે દરવાજાની બહાર જોઈ રહ્યા છે. પૂર્વ ડીસીપી દુર્ગાદાસજી એક હાથમાં સ્કૂલનો ભારે થેલો લટકાવીને અને બીજા હાથમાં પૌત્રની આંગળી પકડીને તેને સ્કૂલ બસ સુધી મુકવા જઈ રહ્યા છે. તેમને જોઇને ગઈકાલે સાંજે ડાઈનીંગ ટેબલ પર પત્ની અને વહુ વચ્ચે થયેલી એક નાનકડી વાત વિનય પ્રસાદજીની આંખોની સામે આવી ગઈ.

“વહુ, લગ્નને ત્રણ વર્ષ થઇ ગયા, આગળ કોઈ વિચાર છે કે નહીં?” પત્નીએ સંકેતમાં જ વહુને પૂછ્યું હતું.

“મમ્મી, તમે તો જાણો જ છો, અમે બંને નોકરી કરીએ છીએ. આવામાં છોકરું? જો તમે સંભાળી શકતા હોય તો...” આટલું કહીને વહુએ પોતાની વાત અધુરી છોડી દીધી હતી.

આ સાંભળીને પત્નીને તો જાણેકે આઘાત લાગી ગયો હતો. દાળમાં જાણેકે કાંકરો આવી ગયો હોય. “વહુ, અમે અમારા બાળકોને ઉછેર્યા છે, સારું શિક્ષણ અપાવ્યું છે અને તેમના લગ્ન પણ કરાવી દીધા. હવે અમે અમારા દાયિત્વથી મુક્ત થઇ ગયા છીએ. તમારું સંતાન તમારું જ દાયિત્વ હશે. આ વિચારીને જ કોઈ નિર્ણય લેજો.” પત્નીએ મક્કમ સૂરમાં આમ કહ્યું હતું અને પછી ડાઈનીંગ ટેબલ પરથી ઉભી થઇ ગઈ હતી.

પત્નીએ મધ અને લીંબુ પાણી ભરેલા બે ગ્લાસ ટેબલ પર મુક્યા તો તેઓ વર્તમાનમાં આવ્યા.

“સાંભળો, તૈયારી કરી લ્યો... આવતીકાલે આપણે એક મહિના માટે ‘મનહર આશ્રમ’ જઈએ છીએ.” વિનય પ્રસાદજીએ આટલું કહ્યું ત્યાં તો પત્નીએ પોતાનો હાથ એમના હાથ પર મૂકી દીધો.

***