મારી ચૂંટેલી લઘુકથાઓ - 13 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 13

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

અતુલે સાચું કહ્યું હતું

કેટલાક સપનાઓ ભયભીત કરી દેતા હોય છે. આ સપનાઓ જ્યારે ડર ઉભો કરી દેતા હોય છે ત્યારે જગજીત ઈચ્છે તો પણ પોતાની આંખો ખોલી શકતો નથી. એ સમય તેના પર જાણેકે કોઈએ સંમોહન કરી દીધું હોય એવું લાગતું હોય છે અને તે એ સપનામાં ઊંડો ને ઊંડો ઉતરતો જતો હોય છે.

જગજીતને તેજ ગતિથી પોતાની બાઈક દોડાવવાનું જનૂની શોખ છે. આજે પણ એ પોતાની ‘બુલેટ’ પર સવાર થઈને હવાઓ સાથે વાતો કરી રહ્યો છે. ધીમેધીમે એક નશો તેના પર સવાર થઇ રહ્યો છે, બધાથી આગળ નીકળી જવાનો નશો. તેને લાગી રહ્યું છે કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે અને તે તેનાથી આગળ નીકળી જવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે વારંવાર પાછળ વળીને જોઈ રહ્યો છે કે ક્યાંક કોઈ તેની નજીક તો નથી પહોંચી ગયુંને? તે ‘બુલેટ’ ની સ્પિડ હજી વધારી દે છે.

સામેથી એક ટ્રક એકદમ તેજ ગતિથી આવી રહ્યો છે પરંતુ જગજીતનું ધ્યાન તેના પર નથી. તેનું ધ્યાન સંપૂર્ણપણે એ વ્યક્તિ પર છે જે તેનો પીછો કરી રહી છે. ત્યાંજ ટ્રક તેને એક તરફ ઉછાળી અને ફેંકી દે છે.

જગજીતની ચારેતરફ ભીડ ભેગી થઇ જાય છે. પોલીસની ગાડીની સાયરનનો અવાજ આવે છે. તે અર્ધબેભાન અવસ્થામાં હોય છે. પોલીસની ગાડી હોસ્પિટલ તરફ દોડી રહી છે.

હોસ્પિટલ... ઓપરેશન થિયેટર... સફેદ કપડા પહેરેલા ડોક્ટર અને નર્સ. બધાના જ હાથ ઝડપથી ચાલી રહ્યા છે. “સિસ્ટર બ્લડ!” ડોક્ટર કહી રહ્યો છે.

“ડોક્ટર સાહેબ, હોસ્પિટલમાં આ ગ્રુપનું બ્લડ હવે વધ્યું નથી.” નર્સના ચહેરા પર લાચારી છે.

“ઓહ નો! બ્લડ વગર તો આ મરી જશે.” ડોક્ટર પણ નિરાશ છે.

“હું મરવા નથી માંગતો ડોક્ટર!” જગજીત બુમ પાડીને બેસી જાય છે. તે પોતાના શયનકક્ષમાં છે, પત્ની બાજુમાં બેઠી છે.

“શું થયું...” પત્નીના અવાજમાં ગભરામણ છે.

“કાઈ નહીં સીમા, અતુલે સાચું જ કહ્યું હતું... હું સવારે જ રક્તદાન કરવા કેમ્પમાં જરૂર જઈશ.” જગજીતે પાસે પડેલા ગ્લાસમાંથી પાણીના બે ઘૂંટડા ભર્યા અને ફરીથી પથારીમાં સુઈ ગયો.

***