Choko trafal books and stories free download online pdf in Gujarati

ચોકો ટ્રફલ- ખુશીનો ખજાનો...!

"ચોકો ટ્રફલ- ખુશીનો ખજાનો...! "

"કામમાં ચીવટ ના આવે તો કામ છોડી દે ભાઈ,
આખી કેકની ડિઝાઇન બરબાદ કરી નાખી..!"
કેકશોપનો માલિક ત્યાં કામ કરતા એક કામદાર પર ખિજાતા કહ્યું.

'એક "ચોકો ટ્રફલ" પેક કરી દેજેને ભઈલા,
થોડુંક અર્જન્ટ છે...!'
આઈ ફોન માં whatsapp ના કોઈક ગ્રુપ પર ચાલતી ચેટને વાંચીને હસતા હસતા રિશિતે દુકાનદારની સામે નજર સુદ્ધાં નાખ્યા વિના કહ્યું.

સાંજ નો સમય હતો,
છ વાગ્યા હતા,
શિયાળાની ઠંડીની લહેર.
કેક શોપની બહાર નીકળતાં જ આવતી એક ફૂટપાથ,
તેના પર એક ચાની કીટલી.
ચા ગરમ થતાં હવામાં ફેલાયેલી એની જાદુઈ મહેક. અને કીટલીને અડીને બેઠેલો બૂટપોલીસ કરવાવાળો એક છોકરો..
સહેજ કરીને 13 વર્ષનો છોકરો,
તેની ઉમરની સરખામણીમાં વધારે એવી કોઈ ગહન ચિંતામાં પડેલો..

"અલ્યા રાજુડા,
આટલી નાની ઉંમરમાં શું વિચારે છે,
આજે તો પોલીશ પણ સારી એવી ઘસી છે..! "
ચાની કીટલી પર ઉભેલા કાકા એ રાજુને જોઈને કહ્યું.

રાજુ મનમાં બબડ્યો,
"મારે જે વસ્તુ લાવવી છે તેના માટે તો આ પૈસા ઓછા જ છે...!"

અને ચા વાળા કાકાને જોઈ બોલ્યો,
"બસ અમસ્તું જ...!"

"ચલો હવે ત્યારે પોલીશ ઉઠાવો,
ઘરે પણ જવાનું છે...!"
કાકા બોલ્યા.

"હા કાકા,બસ નીકળું જ છું..!"
રાજુ બોલ્યો.

"ભાઈ ,જલ્દી રાત્રે આવજો.
આજે તો ખુશની ખેર નહિ..
ભાઈ આજે ૨૬ વર્ષના થવાના, એટલે ૨૬ બર્થ ડે બમ્સ તો મારવા ના થાય જ છે..
સિંધુભવન રોડ પર રાતે બાર વાગે ઉપાડી લાવજે એને...!"

રિશિતે કેક શોપમાંથી બહાર નીકળીને ફોન પર પોતાના કોઈક ફ્રેંડ સાથે વાત કરતા કહ્યું..

"સાહેબ, પ્લીઝ પૉલિશ કરાઈ લો ને, તમારા શુઝ મસ્ત ચમકાવી દઈશ..! "
આજીજીના ભાવ સાથે રાજુ બોલ્યો.

"ના દોસ્ત, અત્યારે ઉતાવળ છે..! "
એમ ફોન પર વાત કરતા કરતા રિશિત નિકળી ગયો.

કારની ચાવી ખિસ્સામાંથી કાઢતી વખતે રિશિતનુ પર્સ અનાયાસે પડી ગયું,
અને ૫૦૦ની નોટોની થોડીક મુદિખાઈ તેમાંથી થઈ.

બુટપોલીસ કરવાવાળો રાજુ કંઈ કેટલીય વાર સુધી રિશિતને જતા જોઈ રહ્યો..

"મારી ઝૂંપડી આમ પણ ત્યાં જ છે,
રાતે આમને મળવા ચોક્કસ જઈશ...!"
આવું બબડતો બબડતો ત્યાંથી તે ચાલવા લાગે છે..

સિંધુભવન રોડ ,
રાતના બાર વાગ્યાનો સમય..
હોન્ડા સિટી કારમાંથી ખુશને તેના ફ્રેન્ડ્સની સાથે ઉતારવામાં આવ્યો..
કેક કટ કરવાની નાનકડી વિધિ બાદ થોડીક કેક તેના ફેસ પર લગાડવામાં આવી..
અને પછી બર્થ ડે બમ્સ મારવાનો ભવ્ય પ્રોગ્રામ શરૂ થયો..

આ સમગ્ર ઘટના ખૂણામાં ઉભેલો રાજુ એકીટશે જોઈ રહ્યો હતો..
અચાનક તે દોડ્યો અને જ્યાં બર્થ ડે સેલિબ્રેશન ચાલી રહ્યું હતુ ત્યાં પહોંચ્યો..
ત્યાં જમીન પર ખુશના ચહેરા પર લગાવ્યા બાદ બચેલી કેક પડી હતી.

રાજુ એ પળવારનો વિલંબ કર્યા વગર એ ફેંકેલી કેકને લઈને દોડ્યો.

ખુશનું ધ્યાન અચાનક એ છોકરા પર પડ્યું..

"ફ્રેન્ડસ એક મિનિટ હું હમણાં જ આવ્યો,"
આટલું બોલી ધીમા પગે ખુશ રાજુ ની પાછળ ચાલ્યો..
થોડુંક ચાલ્યા બાદ ખુશે જોયું તો રાજુ કેક ને લઈને એક નાનકડી ઝુંપડીમાં પ્રવેશ્યો..
ખુશ પણ તેની પાછળ પાછળ જ ગયો..

"ખુશી,
હેપી બર્થ ડે...
હું તારા માટે કેક લાવ્યો છું..!"
ઉત્સાહથી રાજુ બોલ્યો.

એક ૧૦ વર્ષની છોકરી ખુશી રાજુની સામે ઉભી હતી.

ખુશી એક મોટી સ્માઈલ આપીને કુદી પડી,
"ભાઈ તું મારા માટે કેક લાવ્યો...?"

અને એ ખુશની બર્થ-ડેમાં ફેંકેલી કેકને જોઈને એ ગરીબ ની છોકરી ખુશીને જાણે સંસારનું બધું જ સુખ મળી ગયું..

ખુશ આ બધું પાછળથી જોઈ રહ્યો હતો ,
અચાનક એ કેકને જોઈને ખુશી બોલી,
"ભાઈ આના પર તો મારું નામ નથી લખ્યું.."

રાજુ હવે થોડો ભોંઠો પડ્યો..
તે મનમાં વિચાર કરવા લાગ્યો,
"હવે કેવી રીતે કહું કે તેનો ભાઈ રસ્તા પર ફેંકેલી કેક પોતાની બહેન માટે લાવ્યો છે..!"

ખુશની આંખોમાં ઝળઝળિયા આવી ગયા..
તે આગળ આવ્યો અને રાજુના ખભા પર હાથ મૂક્યો..

રાજુ વધારે ગભરાઇ ગયો અને ફરી વિચારવા લાગ્યો,
"આ સાહેબની ફેંકેલી કેક લઇને હું ભાગ્યો છુ,
ખબર નઈ મારી નાની બહેનની સામે તેઓ મારી શું દશા કરશે...?"

એ બે હાથ જોડી આંખોથી ખુશની પાસે માફી માંગવા લાગ્યો..
ખુશ આ બધું જોઇને એક અપરાધભાવ અનુભવ કરવા લાગ્યો..

ખુશીને શું જવાબ આપવો તેના વિશે હજી
રાજુ અને ખુશ હજુ વિચાર કરતાં હતા ત્યાં પાછળથી એક અવાજ આવ્યો,

"કેમકે એ ખુશીની કેક નથી,
ખુશીની કેક તો આ રહી...!"
એમ કહી રિશિતે ખુશીની સામે એક ફ્રેશ ચોકો ટ્રફલ કેક મૂકી...

રાજુ અને ખુશ બંને પહેલા એકબીજાની સામે અને પછી રિશિતની સામે જોઈ રહ્યા..

બંનેને આજે રિશિત દેવદૂત સમાન લાગ્યો..
આંખોના ઇશારાથી રિશિતે ખુશને ચૂપ રહેવા કહ્યું.
બધા ખુશી ની બર્થ ડે સેલિબ્રેટ કરી ઝૂંપડીની બહાર નીકળ્યા,

તરત જ રિશિત ખુશને જોઈને બોલ્યો,
"તને ભાગતો જોઈ મારાથી ના રહેવાયું એટલે હું પણ તારી પાછળ જ આવ્યો,
અને રાજુએ જ્યારે ખુશીને કેક આપી ત્યારે હું પણ ત્યાં જ હતો અને,
જ્યારે કેક પર પોતાનું નામ ના જોઈને દુ:ખી અને નિર્દોષ ખુશીને ઊભેલી જોઈ તો મને યાદ આવ્યું કે એક એક્સ્ટ્રા કેક હું તારા માટે લાવેલો, જે મારી કારમાં જ હતી.
બે જ મિનિટમાં મેં આપણા એક ફ્રેન્ડ જોડે તે કેક અહીંયા મંગાવી..
અને એ કેક પર લખેલા "KHUSH" નામને ચીવટતાથી "KHUSHI"માં બદલી નાખ્યું.

રાજુ આ બધું સાંભળીને નતમસ્તક થઈને સીધો બંનેના પગે પડી ગયો,
"સર તમે બંને મારા ભગવાન બનીને આવ્યા છો...!"
રિશિત અને ખુશે રાજુને ઉભો કર્યો અને એક જ વાક્ય બોલ્યા ,
"આજથી તારી ખુશી ના ત્રણ ભાઈ...!"

આટલું બોલી રિશિત અને ખુશ નીકળી ગયા..

રાતના 1:00 વાગે,
ખુશ સિગારેટનો કશ લેતા લેતા બોલ્યો,
"દરરોજ આપણા જેવા લોકો આવી રીતે એક ખુશી માટે વિચારે તો કેટલીય ખુશીઓ પોતાની કેક કટ કરી શકે..!

આજથી નિયમ..
આપણી બર્થ ડે ના દિવસે ગરીબ બચ્ચાંઓ કે કગરી માટે ચોક્કસથી કેક લાવીશું અને ખુશીઓ ફેલાવીશું.

"આમ તો આ સિગરેટ તુ જે પીવે છે એ છોડી દઈશ તો વધારે ખુશી ફેલાવી શકીશ...!"

આટલું બોલી રિશિત ખુશને જોઈ રહ્યો..

"તારા જેવા ભાઈ માટે એ પણ મૂકી દઈશ.. "
આટલું બોલી ખુશે સિગારનું એ બચેલું ઠુંઠું હવામાં ઉડાડ્યું
અને બંને હસી પડ્યા...!!

ડૉ. હેરત ઉદાવત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED